Language Learning

અંગ્રેજીને ભાષા રહેવા દો! 🌻

કદાચ શીર્ષક થોડું અલગ લાગશે અને આજની વાત પણ થોડી અલગ જ છે. બની શકે કે આ બહુ નાના સમૂહને આ વાત લાગુ પડે અથવા તો બહુ નાનો હિસ્સો આનાથી સહમત હોય પણ, વાત મને શેર કરવા જેવી લાગી એટલે કરું છું અને હા, હરહંમેશની જેમ તમારા સૂચનો અને પ્રતિભાવો શિરોમાન્ય રહેશે.
વાત છે એક સામાન્ય ઘરમાં જન્મેલી એક છોકરીની. જે અન્ય ઉગતા બાળકોની જેમ જીવનમાં ગોઠવાતી હતી અને મથતી હતી કંઇક બનવા/સાબિત કરવા માટે. ત્યારે અંગ્રેજી ભાષા એની સામે એક ઓપ્શન નહિ પણ એક કમપ્લસન બનીને આવી. આઠમા ધોરણની એ વિદ્યાર્થીની સમજી ન્હોતી શકતી કે શા માટે એ અંગ્રેજી ભાષાને એ પચાવી નથી શકતી, એની સાથે મિત્રતા નથી કરી શકતી કે નથી એની નજીક જઈ શકતી. કેમ કે આ સિવાયની દરેક ભાષા એને બહુ રસપ્રદ લાગતી, હંમેશા એ બાજુ ખેંચાતી અને નવીનતમ માહિતીઓ અને એનું વ્યાકરણ સમજવા જાતે પ્રયત્નો કરતી અને વળી જરૂર લાગે તો શિક્ષકો અને વડીલોને પણ પ્રશ્ન પૂછતી. પણ એ ઉગતી યુવતીના મનમાં હંમેશા અવઢવ રહેતી કે હું English માટે આવું કેમ નથી feel કરતી? આ વાત ક્યાંક દબાઈ ગઈ કેમકે જેમતેમ કરીને પાસિંગ માર્ક લઈ આવીને અંગ્રેજી ભાષાનાં સિલેબસને અલવિદા કહેતા એને આવડી ગયું હતું. પરંતુ ફરીથી ભાષા પ્રત્યેની એ લાગણી બહાર આવી જ્યારે ગ્રેજ્યુએશન પાસ કરતી વખતે મુખ્ય વિષય મનોવિજ્ઞાન પર અંગ્રેજી ભાષા હાવી થઈ ગઈ અને એક dilemma ઉભો થયો કે જો અંગ્રેજી ભાષા નથી આવડતી તો જીવનમાં કોઈ પ્રગતિના દ્વાર નહિ ખુલ્લે. અને ક્યાંકને ક્યાંક એ યુવતીએ વાતને સાચી પણ માની લીધી. આજુબાજુનો માહોલ એવો મળ્યો કે જે વારંવાર કહેતા અને સમજાવતા કે, “અંગ્રેજી આવડી જાય તો સારી નોકરી મળે” અને “અંગ્રેજી ભાષા પર પકડ હોય તો આપણે મોટું માણસ બની શકીએ.” પણ કોઈ ક્યારેય પણ એક પથદર્શક બનીને આવ્યું જ નહિ કે આંગળી પકડીને એવું કહેતું ન્હોતું કે આટલા રસ્તાઓ છે ભાષા શીખવા માટેનાં, કોઈ પણ સમયે, કોઈ પણ ઉંમરે શીખી શકાય. અને ક્યાંક એ યુવતી પણ કૂવામાંના દેડકાની જેમ ખાલી.  ‘ કૂવાને ‘ દુનિયા સમજીને જીવતી રહી. પછી એક દિવસ બહાર નીકળવાનું થયું અને એક મોટા દરિયાની અંદર પોતાની જાતને જોઈને પહેલાં તો એ યુવતી ખૂબ ડરી ગઈ અને ગભરાઈ ગઈ પરંતુ કેટલાક મિત્રો, સંબંધીઓ અને અંગ્રેજી ભાષાના શિક્ષકો મળ્યા જેણે સાચી રીતો અને પદ્ધતિઓ બતાવી. શીખવ્યું કે ભાષા શીખવી હોય તો ચાર પાંસાઓ પર એકસરખો ભાર આપવો જરૂરી છે.

ભાષાને સાંભળો, બોલો, વાંચો, અને લખો. ધીરે ધીરે સાચી દિશામાં ડગ માંડવાથી કોઈ પણ ભાષા આવડી શકે, ભાષા એ માધ્યમ છે અને અલબત્ત અંગ્રેજી ભાષા આજના સમય માટે અનિવાર્ય છે. પરંતુ યાદ રાખો કે ભાષા કોઈ ગૂઢ રહસ્યોથી ભરેલો ખજાનો નથી કે અમુક લોકોને મળે અને અમુક લોકોને નહીં અને ના તો ભાષા લોટરીની ટિકિટ છે જે એક દિવસ જેકપોટની જેમ લાગી જશે અને તમારી જિંદગી બદલી નાખશે. તમારે એના માટે પ્રયત્ન કરવો પડશે તપવું પડશે અને પછી સડસડાટ અંગ્રેજી બોલી શકશો. અને ભરોસો રાખો આ વાત 100% સાચી છે, કેમકે, આ યુવતી બીજું કોઈ નહિ પણ હું (હિરલ) જ છું. અને આખી વાત કહેવા પાછળનો મર્મ એટલો જ છે કે જો બની શકે તો આપણો અંગ્રેજી ભાષા પ્રત્યેનો અભિગમ બદલીએ.ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વસતા લોકો માટે આ એક સંદેશ છે કે ચાલો  આપણે જાણીએ અને સમજીએ કે જાણતા કે અજાણતા આપણે બાળકોની અંદર એવું વાવીએ છીએ, રોપીએ છીએ કે જેનાથી બાળકને ભાષા પ્રત્યે હાઉં(ડર) ઉભો થાય છે, એ ભાષાની નજીક જતાં ડરે છે અને જે ભાવ અને આવેગો આજીવન ઘર કરીને એના મનમાં વસી જાય છે. મૂળભૂત વિચારવા જેવી વાતો અને કેટલાક દૃષ્ટિકોણ જેમાં થોડા બદલાવને અવકાશ છે.


1. ભાષા અને શીખવા પાછળની સાઈકી:
ભાષા શીખવી એ આનંદ, ગર્વ અને ઉત્સાહની વાત છે, આપણા બાળકોને ભાષા આ રૂપે અને સ્વરૂપે જ શીખવીએ, અલબત્ત દરેક વિષય/વસ્તુ/કલા આવા વિચારથી જ શીખવી જોઈએ પણ આપણે ભાષા સુધી અત્યારે વાતને સીમિત રાખીએ. ભૂલ અને ઉણપ ક્યાં છે ? આપણે સૌ પ્રથમ આનંદ અને ઉલ્લાસ ભરવાને બદલે પહેલો ડર ભરીએ છીએ, “જો અંગ્રેજી નહિ આવડે તો તને કશું નહિ આવડે અને તું કંઈ નહિ બની શકે.” બીજું એબીસીડી અને કાળના પ્રકારો ગોખાવ્યા પછી આપણે ક્યારેય પણ બાળકને પ્રેકટિકલ એક્સપ્લોસર આપવું જોઈએ આ વિશે વિચાર્યું નથી અને વર્ત્યું પણ નથી.


2. અંગ્રેજી ન આવડવું એ અશોભનીય નથી :
આપણને ક્યારેય નથી માઠું લાગ્યું કે મને જર્મન નથી આવડતું કે ક્યારેય પણ આપણે તારક મહેતા પાસે જેઠાલાલ બનીને ફેંચ ભાષામાં લખેલા કાગળો વંચાવવા નથી જવા પડ્યા. કેમ કે, આપણે સ્વીકારેલું છે કે જર્મન અને ફ્રેન્ચ આપણને નથી આવડતું તો એ જ રીતે જો આપણને અંગ્રેજી નથી આવડતું તો સ્વીકારી લઈએ. કેમકે સમસ્યાનું સમાધાન કરવાનું પહેલું પગથિયું સ્વીકાર છે. આ વાતથી નીચું જોવાની કે લઘુતા ભાવ અનુભવવાની કોઈ જ જરૂર નથી કેમ કે આપણે સ્વીકારીશું કે આપણને નથી આવડતું તો આપણે જરૂર અંગ્રેજી શીખવા તરફ આગળ વધી શકીશું. કેમ કે ભરેલો ગ્લાસ ફરી ભરી ના ભરાય.


3. ભાષા અને ઉંમરનો સંબંધ શું ?
હા, વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યું છે કે અમુક ઉંમરે બાળક બોલતા શીખે પરંતુ એવું કોઈ પણ સંશોધન બહાર નથી પડ્યું કે અમુક ચોક્કસ ઉંમર પછી અંગ્રેજી/કોઈ પણ ભાષા કે વિષય ન આવડે. તો જેટલી પણ મમ્મીઓને/પપ્પાઓને શરમ આવતી હોય કે, “મને અંગ્રેજી નથી આવડતું એટલે હું મારા બાળકના ઉછેરમાં અમે ઓછા પડીશું” તો મારા વ્હાલા વાલીઓ, અદભુત લેખિકા ગૌરી સિંદે દ્વારા લખાયેલી અને શ્રીદેવી અને આદિલ હુસેન જેવા ઉત્તમ કલાકારો દ્વારા ભજવાયેલી English Vinglish (2012) ફિલ્મ એકવાર જોઈ લેજો તમને તમારું પ્રતિબિંબ દેખાશે અને તમારી લાગણી શેર કરતી એક અન્ય સ્ત્રી દેખાશે અને સાથે સમજાશે કે કંઈ રીતે હું ભાષાની આંગળી પકડીને આગળ વધુ, આત્મનિર્ભર બનું અને સ્વાભિમાનથી જીવન જીવું.


4. ભાષા અને બુદ્ધિમતા (IQ)
અત્યાર સુધી આપણે ભાષા શીખવાનો અપ્રોચ અને એની સાઈકોલોજી સમજી પણ હવે અહીં એ પણ સમજવું જરૂરી છે કે ભાષા અને બુદ્ધિમતાને કોઈ ખાસ લેવાદેવા છે નહીં. એટલે જો તમને કોઈ કારણોસર અંગ્રેજી નથી આવડી રહ્યું તો તમારો IQ ઓછું છે અથવા તો તમારી અંદર આવડતની ઉણપ છે એવું કોઈ પણ સંજોગોમાં માનવાની જરૂર નથી. ભાષા એક માધ્યમ છે, ફરીથી કહું છું ભાષા એક માધ્યમ છે જે રીતે એક ગામથી બીજા ગામ જવા માટે કોઈ વાહનની જરૂર પડે, એ જ રીતે તમારા વિચારોને બીજા વ્યક્તિ કે સમૂહ સુધી પહોચાડવા માટે એક ભાષાની જરૂર પડે. અને જે લોકો આ ભાષામાં પાવરધા છે અને સાથે સાથે ઘમંડ પણ છે કે એમને અંગ્રેજી બહુ સારું આવડે છે તો એમની જાણ ખાતર અંગ્રેજી અને બુદ્ધિને કોઈ સીધો સંબંધ નથી, પણ હા, બુદ્ધિમાન વ્યક્તિ નર્મ અને સહાયરૂપ હંમેશા બની શકે. એટલે જો તમારી આસપાસ જો કોઈ ભાષા શીખી રહ્યું છે તો એને તમે જરૂર ફીલ કરાવજો કે તમે બુદ્ધિમાન છો, અહંકારી કે ઘમંડી નથી.


છેલ્લો કોળિયો : જ્યારે નાનપણથી જ “જો બાવો આવ્યો, સૂઈ જા નહિ તો તને ભૂત પકડી જશે અને અંગ્રેજી એટલે સર્વસ્વ” એવા કેટલાક ભ્રમોની SIP આપણે બાળમનની અંદર ઇનવેસ્ટ કરીએ છીએ ત્યારે એ જાણવું જરૂરી છે કે આનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણા બાળકોને આજીવન વેઠવું પડશે. તો ચાલો શીખીએ અને શીખવીએ એક ભાષાને ભાષા તરીકે.


ડૉ.હિરલ બ્રહ્મક્ષત્રિય
PhD (Psy.), RCT-C, MA, PGDCP
sparsh4mhc@gmail.com

behavioral patterns · Canada · Health solutions · India · life · lifestyle · observations · society

કુદરતનો તટસ્થ વ્યવહાર ✨

ઉમંગ નામનો એક છોકરો ગુજરાતના એક અંતરિયાળ ગામડામાં રહે છે, એના જીવનમાં ગરીબી છે, અને સુવિધાઓની અછત છે, પૂરતું માર્ગદર્શન તો છોડો પણ ઘરની બહાર માર્ગ પણ ઠીકઠાક છે પણ એ રોજ સવારથી સાંજ સુધી ખંતપૂર્વક ખેતી કરે છે.

આરવ નામનો એક યુવક બેંગ્લોરની એક મોટી કંપનીમાં સારા એવા હોદા પર કામ કરે છે, એની પાસે આવડત છે પણ ઓળખાણનો અભાવ છે, જીવનના ધકકાઓની સાથે એ રોજ બસ – ટ્રેનના ધકકાઓમાં સંપડાયેલો છે.

કેમર્બેલી નામની એક યુવતી કેનેડાના એક શહેરમાં રહે છે, એને ડોકટર બનવું છે પણ પૈસા અને શરીર સાથ નથી આપતું, નાની – મોટી નોકરીઓ કરીને પૈસા ભેગા કરે છે અને જીવનમાં આવતા પડાવોનો સામનો કરવા તૈયાર થાય છે.

બર્લિન નામનો યુવક બાંગ્લાદેશમાં રહે છે, એના જીવનમાં આવેલા એક અકસ્માતના કારણે એની હચમચી ગયેલી દુનિયાને માણ માણ કરીને સુ – વ્યવસ્થિત કરવાના પ્રયાસો કરે છે.

ફાતિમા નામની એક પાકિસ્તાની છોકરી જાત અને સમાજ સામે લડી રહી છે, પોતાના હકો અને અધિકારો માટે. હાઉસ વાઈફ તરીકે કામ કરતા કરતા એ પત્ની અને પુત્રવધુ બનવાની ઘટનામાં જે એની જાત ખોવાય ગઈ છે , તેને શોધી રહી છે.

મહેર નામક એક ટ્રાન્સ પ્રયાસ કરે છે કે લોકો એની લાગણીઓને સમજે, સમાજની રચાયેલી એક ચોક્કસ જગ્યાઓમાં ક્યાંક એના માટે પણ ખાલી જગ્યાઓ હોય જેને એ પૂરી શકે.

બ્રેન ન્યુજર્સીમાં રહે છે અને જન્મજાત મળેલી બીમારી સાથે એ દિવસ રાત લડે છે, અને શોધે છે કે કોઈ રીતે આ પીડામાંથી આઝાદ થાઉં અને એક સમાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવું.

સાઈન નામનો એક તરુણ માં – બાપની ઈચ્છાઓ નીચે દબાઈ ગયો છે, એનામાં રહેલું કૌશલ્ય હવે એના માટે ભારરૂપ છે કેમ કે, હવે એને મનથી વાયોલિન વગાડવું નથી ગમતું પરંતુ મા – બાપની ફરમાઈશ પૂરી કરવા પૂરતું જ આ વાદ્ય એ પકડે છે.

આ બધાના જીવનને જાણી ને શું કામ છે ? એવો જ વિચાર આવતો હશે ને! ઉમંગથી લઈને સાઈન સુધીના લોકોની જીવનની વાત એટલા માટે કરી કેમ કે વધુ એક વાર આપણે એ જાણી શકીએ કે જીવનમાં કુદરત બહુ તટસ્થ છે. એણે કોઈને વધુ પડતું કે ઓછું આપ્યું નથી કે આંક્યું પણ નથી, એવી જ રીતે દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ, સમસ્યા, પીડા, અને દર્દ છે જ.

જે રીતે મૃત્યુથી કોઈ ઘર બાકાત નથી એવી જ રીતે તકલીફો અને પીડાથી કોઈ બચી શકયું નથી. દરેકના જીવનમાં દર્દ છે જ , ફર્ક માત્ર એટલો છે કે કોઈ એની સાથે રહીને રોજ દુઃખને ગાયા કરે છે અને કોઈ એની સામે થઈને રોજ તૈયાર થાય છે અને એક દિવસ ધીરે ધીરે એ પીડા મટીને જાય છે અને તાકાત બની જાય છે.

આપણે ટેવાય ગયા છીએ 30 થી 90 સેકન્ડની સમયમર્યાદામાં (span) કોઈની સફળતા જોવા, રાતોરાત કરોડપતિ બનતા એક ગરીબ વ્યક્તિને, અંધકારમાં સંપડાયેલા યુવકને મળતી અચાનક લાઇમલાઈટ, કોઈ સ્ત્રીએ હાંસિલ કરેલી અદ્રિતીય ઊંચાઈ

પણ

પણ

પણ

આ 30- 90 સેકન્ડમાં માત્રને માત્ર જીત્યા પછીની આખરી તસ્વીરો જ આપણે જોઈએ છીએ, આગળના સંઘર્ષો અવગણી નાખીએ છીએ. બહુ જ સહજ ઉદાહરણ જોઈએ, જ્યારે આપણે એકડો ઘુટવાનું શીખ્યા ત્યારે આપણને ભલે કોઈ ડિગ્રી, સર્ટિફિકેટ કે નામના ન્હોતી મળી, પણ એ જ એકડાના અભ્યાસથી આગળ શિક્ષણ મેળવીને જેમ નામચીન થતા ગયા, એનાથી રોટલો અને ઓટલો પામતા ગયા ત્યારે એ ઘુટેલા એકડાનું મહત્વ સમજાય.

એ જ રીતે કોઈ તકલીફમાંથી બહાર નીકળવા માટે મહેનત અને સાહસના અંકોને સતત શ્રધ્ધાપૂર્વક ઘૂટવા જ પડશે અને અંતે આપણું અતિ ભવ્યથી ભવ્ય લક્ષ્ય પણ આપણે સાકાર કરી લીધું હશે.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · children · dependency · life · lifestyle · mental health · moral values · observations · Uncategorised

Are you Comfortable?

અગસ્ત નામનો એક યુવાન હતો, ઘરમાં મમ્મી – પપ્પા અને એક વૃધ્ધ દાદા હતા. દાદા બહુ ચપળ અને બુદ્ધિશાળી હતા. અને પાછા કોઈના જીવનમાં ચંચુપાત કરવી એમને ગમતી પણ નહિ. એ તો મસ્તમૌલા પોતાના કામથી કામ રાખવાનું અને મસ્ત મજા કરવાની જરૂર જેટલું ભોજન કરી મોટા ભાગનો સમય એ વાંચનમાં પસાર કરતાં, દરરોજ સાંજે મિત્રો સાથે કુદરતના ખોળે બેસી જીવનને માણતા. ઘરમાં બધું સમુસુધરૂ ચાલતું હતું. કોઈ જાતની કંઈ મગજમારી નહોતી, ફેમિલી બિઝનેસ પણ સારો ચાલતો હતો. પણ દાદાને મનોમન અગસ્તની ચિંતા થયા રાખતી, કેમ કે પૌત્રને આમ ભણવાનુ અધવચ્ચે છોડીને સીધી ગાદી મળી ગયેલી એટલે જીવનમાં કોઈ જાતની સ્ટ્રગલ જોઈ કે જાણી ન્હોતી, એટલે જ એ ધીરે ધીરે કરીને પોતાના કમ્ફર્ટ ઝોનમાં ગોઠવાતો જાય છે. દાદાજીએ પોતાની ચિંતા દિકરા સાથે શેર કરી અને બીજા અઠવાડિયે જ કંઇક એવું બન્યું કે અગસ્ત માથે આભ ફાટ્યું. અગસ્તના પિતાને પેરાલીસનો હુમલો આવ્યો તકલીફ એટલી હતી કે હલનચલન તો દૂર પણ વાતચીત કરવી પણ મુશ્કેલ હતી. પિતાજી હોસ્પિટલમાં હતા એટલે ધંધાનું સંપૂર્ણ કારભાર એના માથે હતો. ખરીદી, વેચાણ અને માર્કેટિંગ આ બધું જે કોઈ વાર એણે કર્યું જ ન્હોતું તે તેની માથે આવ્યું. શરૂ શરૂમાં બહુ મૂંઝવણ થઈ, કેટલાક ખોટા નિર્ણયો લીધા અને પછી થાકી હારીને એક દિવસ ધંધો બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે દાદાજી એ તેને પાસે બેસાડીને એક વાર્તા કહી.

“એક ગુરુ અને એક શિષ્ય હતા, એકવાર તે એક ગામથી બીજા ગામમાં જવા નીકળ્યા પણ સાંજ પડી ગઈ હતી અને ખૂબ થાક્યા હતા એટલે કોઈ વિસામો શોધતા હતા. ત્યાં જ એમને એક ઝૂંપડી દેખાણી અને ત્યાં આસપાસ નજર કરી તો એક ગરીબ માણસ દેખાયો, ગુરુ – શિષ્યએ વિસામો માંગ્યો અને ત્યાં થોડીવાર આરામ કર્યો. આરામ કર્યા પછી નીકળવાની તૈયારી કરતા હતા, ત્યારે એ ગરીબ માણસ પોતાની હેસિયત મુજબ સીધુ અને ભાતું લઈને આવ્યો, ગુરુજી ખૂબ પ્રભાવિત થયા. થોડીવાર બેઠા અને વાતચીત કરી ત્યારે એમની નજર બાજુમાં એક ખેતર પર પડી, એમણે પૂછ્યું કે આ આટલું વિશાળ ખેતર કોનું છે ? પેલા ગરીબ વ્યક્તિએ કહ્યું કે મારું છે, પણ હું ખેતર ખેડતો નથી, એક ભેંસ છે એના સહારે મારું ગુજરાન ચાલ્યા રાખે છે. ગુરુજીને અચંબો થયો. પણ કંઈ બોલ્યા નહિ. ગરીબીની વિનંતી પર રાત ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું, પણ અડધી રાત્રે ગુરુ અને શિષ્ય નીકળી ગયા અને પોતાની સાથે ભેંસ પણ લેતા ગયા. શિષ્ય આખા રસ્તે ગુરુજીને પૂછતો રહ્યો કે, “આ તો કેટલું ખોટું કહેવાય, એ બિચારા ગરીબ માણસે આપણને મદદ કરી અને આપણે એની એકમાત્ર રોજીને આમ ચોરીને આવી ગયા.”
ગુરુ કંઈ બોલ્યા નહિ, સમય પસાર થઈ ગયો અને એ વાતને ત્રણ વર્ષ વિતી ગયા, ગુરુજીએ એ ભેંસની માવજત ખૂબ કરી હતી. અને એક દિવસ શિષ્યએ લઈને ફરી એ ગામમાં ગયા, આ વખતે ભેંસને પરત કરવા અને એ ગરીબને મળવા જઈ રહ્યા હતા. ગરીબના ઘરે પહોંચ્યા તો જોયું કે ઝૂંપડીની જગ્યાએ હવે પાક્કું મકાન બની ગયું હતું અને વેરાન પડેલું ખેતર પાકથી લહેરાતું હતું. ગુરુ તે ગરીબને મળ્યા અને ભેંસ પરત કરી ત્યારે, ગરીબ સજળ આંખે કહ્યું કે, માયબાપ, આ જે પણ છે તમારા કારણે છે તમે જો મારી પાસે ભેંસ લીધી ન હોત તો હું આજીવન ગરીબીમાં જ જીવત, હું લાચાર અને પાંગળો બન્યું ત્યારે જ મને મારામાં રહેલી શક્તિ સમજાય.”


દાદાજીની વાર્તા અગસ્તને ગળે ઉતરી અને એ પણ ધીરે ધીરે એનામાં રહેલી શક્તિને ઓળખી ગયો અને જરૂર જણાય ત્યાં દાદાજીની સલાહ અને પપ્પાનું માર્ગદર્શન લીધું પણ ગોઠવાય ગયો. અગસ્તએ ધંધો ખાલી સંભાળ્યો જ નહિ પણ એને આગળ પણ વધાર્યો અને હવે અગસ્તના પિતા તેમની બીમારીમાંથી અને અગસ્ત તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે.

દાદાજી હવે ખૂબ ખુશ હતા અને એક સાંજે ફળિયામાં બેઠાં બેઠાં રામધારી સિંહ દિનકરની કવિતા વાંચતા હતા,

सच है, विपत्ति जब आती है,
कायर को ही दहलाती है,
सूरमा नहीं विचलित होते,
क्षण एक नहीं धीरज खोते,
विघ्नों को गले लगाते हैं,
काँटों में राह बनाते हैं।

गुण बड़े एक से एक प्रखर,
हैं छिपे मानवों के भीतर,
मेंहदी में जैसे लाली हो,
वर्तिका-बीच उजियाली हो।
बत्ती जो नहीं जलाता है
रोशनी नहीं वह पाता है।

बढ़कर विपत्तियों पर छा जा,
मेरे किशोर! मेरे ताजा!
जीवन का रस छन जाने दे,
तन को पत्थर बन जाने दे।
तू स्वयं तेज भयकारी है,
क्या कर सकती चिनगारी है?


છેલ્લો કોળિયો: આપદાને અવસર સમજીને ઉજવાતા થઈ જઈશું, અને તકલીફને તક સમજીને સળગતા અને પ્રગટતા થઈ જઈશું ત્યારે ત્યારે આપણે સફળ થઈ જઈશું

-Dr. Hiral Brahmkshatriya