behavioral patterns · Canada · India · life · lifestyle · moral values · observations · parenting · society · unemployment · youth

चलो इक कामयाब+इन्सान बनते है ।

ઘટના : 1.

ફેબ્રુઆરી 2022માં બનેલી આ ઘટના, મૂળ બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમનો સેકેન્ડ યરનો વિદ્યાર્થી છે, તેણે 51 સેકન્ડ માટે googleને હેક કર્યું. આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ પ્રોબ્લેમ રીકવર ન થઈ. થોડા સમય પછી હેક થવાનું કારણ મળ્યું કેમકે ઋતુરાજે એને પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપનીને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં રહેલી આ ક્ષતિને કારણે હું એને હેક કરી શક્યો. અધિકારીઓ એ બાબત પર ધ્યાન આપીને ચેક કર્યું ત્યારે એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને ઈ-મેઈલ દ્વારા ઋતુરાજની આવડત અને જીણવટને અભિનંદન પાઠવતા તેને Googleમાં કામ કરવાની ઓફર મળી અને 3.66 કરોડ પગાર સાથે નિમણૂક લેટર પણ મુકલવામાં આવ્યો, ઋતુરાજનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે ત્યાર કરવામાં આવ્યો અને જેટ વિમાનથી ઋતુરાજ અમેરિકા પહોંચ્યો.

https://www.dnaindia.com/viral/report-bihar-s-rituraj-chaudhary-finds-bug-in-google-company-takes-this-step-2932273/amp

ઘટના : 2

માર્ચ 2023માં ચોકવનાર ઘટના સામે આવી, જેમાં જલંધરની એક ઓવરસીસની સહાયથી સમયાંતરે 700 જેટલા વિદ્યાર્થીઓ બ્રિજેશ મિશ્રાની મદદથી પોતાના સપનાંઓને પાંખો લગાડીને પહોંચ્યા, આ પાંખો લગાડવાની કિંમત તેમણે માથાદીઠ 16, 00, 000 રૂપિયા ચૂકવી હતી. અલગ-અલગ પ્રોગ્રામમાં એડમિશન લઈને આ વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યા, ઘરથી અલગ એકલું રહેવાનું, માતા પિતા સાથે વરચ્યુલી કનેક્ટ રહેવાનું, નવા દેશમાં નવા પેહરવેશ સાથે ગોઠવાવવાનું, ખર્ચ ચલાવવા જાતભાતની નોકરી કરવાનું, આ બધું ચાલતું હતું. થોડા સમય ભણવાનુ પૂરું થયું અને વર્ક પરમિટ મેળવ્યું, પ્રોપર જોબ મળતાની સાથે, ચોક્કસ જવાબદારીઓ પણ આવી, ભવિષ્યની યોજનાઓ અને કેટલીક ગણતરીઓ શરુ કરી, વર્ક પરમિટનો સમયગાળો પૂર્ણ થયો અને PR (કાયમી રહેવાસી) મેળવવાની પ્રોસેસ શરૂ કરી થોડા સમય બાદ ઘરે લેટર આવે છે કે, “તમારે આ દેશ છોડીને તમારી હોમ કન્ટ્રીમાં પરત ચાલયા જવાનું છે.”

કેનેડા સરકારનો આ લેટર ભૂકંપની જેમ આવ્યો અને 700 વિદ્યાર્થીઓના સપનાંઓ, આશા અને અપેક્ષાઓ ને જમીનદોસ્ત કરીને જતો રહ્યો, આ 700 વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાનું છે એટલું જ નહિ પરંતુ ભવિષ્યમાં પણ ક્યારેય આ દેશમાં આવી શકશે નહિ એવી મહોર પણ લાગી ગઈ. એક એજન્ટના સ્વાર્થની સજા આટલા બધા લોકો ભોગવશે.

https://www.hindustantimes.com/cities/chandigarh-news/deportation-notices-to-700-students-licence-of-jalandhar-based-consultant-cancelled-101679415036910.html

શું કામ ?

શા માટે ?

પ્રથમ ઘટના વાંચતા વેત આપણી છાતી ગજગજ ફૂલે અને બીજી ઘટના વાંચીને આપણે શરમ અને ક્ષોભ અનુભવીએ. છેલ્લા બે વર્ષમાં બનેલ આ બે ઘટનાઓ છે, બંને ઘટનાઓ બે અંતિમો પર સવાર છે, એક ઘટનામાં એક વ્યક્તિની કુશળતા નજીકના ભવિષ્યમાં અનેક લોકો માટે નવી યોજનાઓ અને સિદ્ધિઓ ઊભી કરશે એની બાતમિતી આપે છે, જ્યારે બીજી ઘટનામાં એક વ્યક્તિના શાણપણ અને લાલચના કારણે 700 યુવાનો અને તેમના પરિવારજનો આર્થિક, માનસિક, અને સામાજિક હાલાકીનો સામનો કરશે એની દુર્ગંધ આવે છે.

દરેક વ્યક્તિને સમજવા જેવી કેટલીક બાબતો :

 1. દેશમાં રહીને કામ કરવું હોય કે વિદેશ જઈને વસવું હોય તમારા સપનાંઓની દોર કોઈ બીજાના હાથમાં ન આપો.
 2. જેક – છેડા – ઓળખાણથી આગળ વધતા પહેલા એક વાર તમારી આવડત અને કૌશલ્યો પર કામ જરૂર કરી લેવું.
 3. કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા એની ટર્મ્સ અને કંડીશનથી સંપૂર્ણ સ્વસ્થ રીતે માહિતગાર થવું.
 4. તમારા મૂલ્યો એ તમારું વ્યક્તિત્વ છે, મૂલ્યો સાથે કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ પણ કામને હા પાડવી નહિ.
 5. શોર્ટકટ શોધવામાં જિંદગીનો મેપ ગોથે ખાઈ જતો હોય છે, તો શોર્ટકર્ટ્સને ઇગનોર કરીને સચોટ રાહ પર ચાલતા શીખો.
 6. આપણી ખુશી અને સફળતા એ બીજાની પીડા કે આક્રંદનું કારણ બને તો એ સફળતા નિષ્ફળતા કરતા પણ બદતર છે.
 7. તમારો સમય અને પૈસા ક્યાં અને કેટલીક અયોગ્ય જગ્યાએ ખર્ચાય છે આની નોંધ રાખશો તો આપોઆપ નક્કી કરેલા મુકામ સુધી પહોંચી શકશો.
 8. જીવનની સફરમાં વાંચન અને વિચારની ટિકિટ લઈને બેસજો, કોઈ પણ સમયે ઉપરવાળો આવીને ટિકિટ ચેક કરશે અને ક્યાંક તમે સોશિયલ મીડિયાની રિલમાં ના ખોવાયેલા હો!
 9. અણઆવડતને શીખવાનું અને આવડતને વહેંચવાનું ચૂકશો નહિ.
 10. હકીકતનો સ્વીકાર કરીને ભવિષ્યની યોજના કરનાર વ્યક્તિ હંમેશા સફળતાની સીડી સર કરે જ છે.

આ સિવાય તમે કંઈ ઉમેરો કરવા માંગતા હો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો.

વિક્રમ સંવત ૨૦૮૦મું વર્ષ આપ સૌ માટે ફળદાયી અને લાભદાયી રહે તેવી પ્રાર્થના.

🕉️| शुभम् भवतु वर्षम|🕉️

 • હિરલ બ્રહ્મક્ષત્રિય
behavioral patterns · life · lifestyle · moral values · observations · society

The Grass is blue 🔵

એક જંગલમાં એક ગધેડા અને એક વાઘ વચ્ચે ચર્ચા ચાલતી હતી.

ગધેડો : તને ખબર છે ઘાસ કેવું સરસ ભૂરું ભૂરું હોય છે.

વાઘ : અરે, જા..જા.. શું ગમે તેમ બોલે છે, ઘાસ લીલા રંગનું હોય છે, આ તને દેખાતું નથી કે શું ?

વાત વિવાદમાં પરિણમી અને અંતે બંને એ એક વાત પર સમજોતો કર્યો કે કોઈ ત્રીજી વ્યક્તિની મદદ લઈને આ આખી વાતનો ફેંસલો કરવામાં આવશે. બંને મળીને સિંહ પાસે ગયા અને પોતાનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે અમને ન્યાય આપો.સિંહ તૈયાર થયો અને બંને એ સિંહની અદાલતમાં પોતપોતાના વિચારોનો મુકદમો રજૂ કર્યો.

ગધેડો : જજ સાહેબ ! મારું સ્પષ્ટ અને ચોક્કસપણે માનવું છે કે ઘાસ ભૂરા રંગનું હોય છે.પણ મારા કાબિલ દોસ્ત આ વાતથી અસહમત છે.

સિંહ : જો તું આ વાતને સત્ય માને છે તો એમ હશે.

વાઘ : પરંતુ, જજ સાહેબ આ સત્ય નથી, ઘાસ ભૂરા રંગનું નહિ, લીલા રંગનું હોય છે. આ જૂઠું બોલનાર ગધેડાને સજા આપો.

સિંહ : ઠીક છે, આજથી ત્રણ દિવસ માટે વાઘ મૌનવ્રતનું પાલન કરશે, આ એની સજા છે.

આટલું સાંભળતા જ ગધેડો ગાંડો ગાંડો થઈ ગયો, એ તો રાજી થતો થતો, બૂમો પાડતો પાડતો આખા જંગલમાં ફરવા લાગ્યો કે, “ઘાસ ભૂરું હોય છે, ઘાસ ભૂરું હોય છે.”

વાઘ : સજા! મને શું કામ ? ઘાસ લીલા રંગનું જ હોય છે, આમા મેં ખોટું શું કહ્યું? તમે મને શા માટે સજા આપી ?

સિંહ : સજા ઘાસના રંગ માટેની છે જ નહિ, પણ સજા તો તને એટલે મળી છે કે એક મૂર્ખની વાતમાં આવીને એના ઉટપટાંગ સવાલો પર તે ચર્ચા કરીને તારો સમય બગાડ્યો, તારા જેવા ચાલાક અને હોશિયાર પ્રાણીઓ આ રીતે સમયની બરબાદી કરે એ ન ચાલે. અને ઉપરથી આ આખી વાતને તું મારી પાસે લાવીને મારો પણ સમય બગાડે છે એટલે તું સજાને હકદાર છે.

વાત હસવાની પણ છે અને સમજવાની પણ છે ઘણી બધી વાર લોકોને ફકત સાચું સાબિત થવું હોય છે, એ સાચા હોય કે ન હોય. પણ એમનો વિજય એમના ભ્રમને સાર્થક કરવામાં છૂપાયેલો હોય છે. નક્કી આપણે કરવાનું છે કે આવા લોકો સાથે વાદવિવાદ કરીને સમય વેડફવો કે પછી આપણે આપણાં જ્ઞાનને અને શક્તિને બીજી કોઈ જગ્યાએ રોપવી.

ઉપરની વાર્તા જેવી ઘટનાઓ આપણી આસપાસ ઘણી વાર થતી હોય છે જેમાં આપણે સૌ જાણતા હોવા છતાં પણ આવી બેફિઝૂલની વાતોમાં આપણો સમય આપીએ છીએ અને પછી અંતે ફરિયાદ પણ કરતાં હોઈએ છીએ. બિલાડી પોતાની જાતને સિંહ સમજવા લાગે તો આ વાત તો ખોટી જ છે પણ જો તમે એને અરીસો બતાવ્યા રાખશો તો એ ઇનકાર કર્યા રાખશે. પણ જે દિવસે સામે સિંહ ઊભો હશે ત્યારે એ જ બિલાડી ‘ભીગી બિલ્લી’ બનીને ઊભી પૂંછડીએ ભાગશે.

છેલ્લો કોળિયો : બિનજરૂરી વાતોની અવગણના કરો કેમકે, હંમેશા આપણી વાતોને સાબિત કરવી જરૂરી નથી, ઘણી વખત પરિસ્થતિ અને મનોસ્થિતી જ સત્ય બહાર લઈ આવે છે.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Uncategorised

અરે, સાંભળો છો! હું માણસ છું અને મારી જાતિ સ્ત્રી છે.

“સાહેબ, મારે ફરી પાછું ભૂતકાળમાં જવું છે મને ટાઇમ ટ્રાવેલ કરીને એ જ જૂની રૂઢિઓ અને માન્યતાઓમાં જીવવું છે.” ક્લીનીકની અંદર પગ મુકતાની સાથે જ મુગ્ધા આ બે વાક્યો બોલી. આરામથી ખુરશી પર બેસાડીને શાંત કર્યા પછી એની સાથે વાતચીત શરૂ કરી, “મેં પૂછ્યું કેમ ટાઇમ ટ્રાવેલ કરવું છે અને ભૂતકાળ તરફ પાછું કેમ વળવું છે ?” જવાબ આપતા મુગ્ધા બોલી, “સર, તમે જાણો જ છો છેલ્લા એક મહિનાથી હું મારી આ અકારણ ચિંતા (Anxiety) માટે તમારી પાસે કાઉન્સિલિંગના સીટિંગ માટે આવુ છું, પણ એક વાત મેં હજુ સુધી તમને નથી જણાવી કે મારી ચિંતાનું મુખ્ય કારણ હું ખુદ છું. મારી વધુ પડતી મહત્વાકાંક્ષાઓ જ મને રડાવે છે. હું થાકી ગઈ છું, એક યોગ્ય પત્ની, સમજુ વહુ, આદર્શ માતા અને સ્વાવલંબી (Independent) સ્ત્રી બનીને. એટલે મારે હવે ફક્ત હાઉસ વાઈફ બની જવું છે, ખાલી ઘરે બેસીને ઘરનું કામ કરવું છું, બસ. તમને ખબર છે મારું જોબ પ્લેસ દૂર છે એટલે લગભગ 2 કલાક મારા ટ્રાવેલિંગમાં જાય છે. ઓફિસના 8 કલાક અને પછી ઘરના અપાર કામ, રાત્રે સૂતા પહેલા બીજા દિવસની પૂરી ગોઠવણી કરીને સુવા જાઉં છું તેમ છતાં જો ઘરનું એક મેમ્બર મોડું જાગે એટલે મારા આખા દિવસનું ટાઇમ ટેબલ હલી જાય. મારે નોકરી શરૂઆતમાં કરવી હતી પણ હવે છોડવી છે પણ ઘરના લોકો છોડવા દેતા નથી, સારી આવક ઘરમાં આવતી હોય તો કોને ના ગમે ! પણ સામે હું ઘૂંટાવ છું એ કોઈ નથી જોતું!” આંખમાંથી આંસુઓ અચાનક એમ સરી પડ્યા જેમ હોળીના દિવસે વરસાદ. એક લાંબો પોઝ લઈને મુગ્ધાએ ફરી બોલવાનું શરૂ કર્યું. “છેલ્લા પંદર વર્ષથી હું નોકરી કરું છું અને ઘર પણ સંભાળું છું, પણ મારા ઘરની અંદર મારી મનોસ્થિતિને સમજનાર કે સાંભળનાર કોઈ નથી. લગ્ન પહેલા ઘરમાં એક – બે નોકર હતા, એ મારા આવવાની સાથે છોડાવી દેવાયા, મારા પતિ મને ઘરનું એક પણ કામ કરાવે કે તરત મારા સાસુ સસરા એને ‘બાયુના કામ’ કંઈ કરાતા હશે એવું બોલે, એટલે હવે મારા પતિ કામને હાથ પણ અડાડતા નથી. મારો છોકરો પણ એના પપ્પાના નકશા કદમ પર ચાલે છે. ઘરની અંદર કામવાળી અને ઘરવાળી હું જ છું અને બહાર જઈને કમાવવાળી પણ હું જ છું. મારા પતિની જોબ કોરોનામાં છૂટી ગઈ છે. થોડા સમય માટે પ્રયાસો કર્યા પણ હવે તે નવી જોબ માટે પ્રયાસો પણ કરતા નથી. કેમ કે મારી સરકારી નોકરીમાંથી ઘર ખર્ચ આરામથી નીકળી જાય છે. હું એટલે ભૂતકાળમાં જવા માંગું છું, કેમ કે મારે ફરી એ લાજ લપ્રથાવાળું જીવન જીવવું છે. ભલે મને બહાર જઈને કામ કરવાની છૂટ ન મળે, મને ચાલશે. હું મર્યાદામાં જીવી લઈશ. હું ઘરે રહીને મારા સંતાનોને મોટા કરી લઈશ પણ આ મારી જાતને સાબિત કરવામાં અને પુરુષ સમોવડી થવામાં મારી જાતને રોજ સળગતી નથી જોઈ શકતી.” મારી કલીનીકમાં આ વાક્ય પછી ફકત આંસુઓના ડૂસકાં જ સંભળાતા હતા.

સ્ત્રીઓ આવી અને સ્ત્રીઓ તેવી છે, આપણે એ સમાજમાં જીવીએ છીએ કે જ્યાં સ્ત્રી માતા છે એવું પણ અસંખ્ય માત્રામાં સંભળાય છે અને એ જ સ્ત્રી પર અસંખ્ય અભદ્ર શબ્દ પ્રયોગ પણ થાય છે, ઝઘડો ભલે બે પુરુષ વચ્ચે ચાલતો હોય પણ એમાં ગુસ્સો પ્રદર્શિત કરવા બોલાતી ભાષા સ્ત્રીઓને અને એના અંગત અવયવોને અનુલક્ષીને જ હોય છે. એના સિવાયની વાત કરીએ તો છેલ્લા પાંચ દાયકામાં સ્ત્રીઓની ભૂમિકામાં પરિવર્તન આવ્યું છે, સ્ત્રીઓના જીવનમાં ધરખમ ફેરફાર આવ્યા છે. એક ઝુંબેશ ચાલે છે સ્ત્રીઓ માટે પણ શું આપણે જાણીએ છીએ કે આ ઝુંબેશની જરૂરિયાત કેટલી છે ? સમાજની અંદર ભણેલી સ્ત્રીઓ, કામ કરતી સ્ત્રીઓ, પોતાનો બિઝનેસ ચલાવતી સ્ત્રીઓનો એક અલગ મોભો છે પણ એ સ્ત્રીઓના જીવનના અંગત અરીસામાં પડેલી તિરાડો જોઈએ છીએ ? આપણો સમાજ બદલાયો છે પણ પેલી *(કંડીશન અપ્લાઈ) સાથે. આપણે છૂટ આપી છે પણ સ્ત્રીના એક પગમાં ઘરની જવાબદારીની સાંકળ બાંધીને. અહીં સ્ત્રીઓને ઘરની જવાબદારીઓમાંથી મુક્તિ અપાવવાની વાત નથી પણ એક પ્રાથમિક સમજ વિકસાવવાની વાત છે. સરળ સમજ એટલી જ છે કે જો કોઈ મનુષ્ય માટે કોઈ પણ કામ નાનું નથી ! તો શા માટે આપણે સ્ત્રીઓ અને પુરુષોના કામના ભાગલા પાડીને શા માટે આજે અતિઆધુનિક યુગમાં પણ જીવીએ છીએ ? પુરુષ જેટલી મજૂરી કરીને કે પોતાની આવડત દેખાડીને સ્ત્રીને પૈસા કમાવવામાં શરમ કે સંકોચ નથી થતો તો શા માટે પુરુષને ઘરના કામ કરવા માટે આટલો શોભ અને સંકોચ થાય છે ? ઘરના દસ્તાવેજ પર નામ નોંધવા માટે જેમ હકની વાતો આવી જાય છે તો ઘરની અંદરના દરરોજના કામ માટે શું કામ આપણે આપણી ફરજો ભૂલી જઈએ છીએ? ઘર બંનેનું છે એટલે એની માવજત પણ બંને મળીને જ કરવી પડે જો એક જણ આમને આમ પોતાની શક્તિ ખર્ચે રાખશે તો એક દિવસ એ કરમાઈ જશે.

દરેક સ્ત્રીની સ્થિતિ આવી છે એવું હું નથી કહેતી પણ ઘણી બધી સ્ત્રીઓ આમાંથી બાકાત નથી. સ્ત્રીઓને અડધી કલાક ચાલવા જવું હોય કે પછી થોડી વાર પોતાનો અંગત સમય કાઢવો હોય તો તેને મળતો નથી, અને અમુક સમય પછી એના શોખ એના રસોડાની વરાળમાં બાષ્પીભવન પામી જાય છે, એનું વધતું શરીર જોઈને આપણે એના પર હસી લઈએ છીએ કે ટીકા ટિપ્પણી કરી લઈએ છીએ પણ એના પર વધી રહેલા કામના ભારની કાળજી કરવાનુ ચૂકી જઈએ છીએ. સ્ત્રીઓનું જીવન રસોડા અને ઓફિસ વચ્ચે ફૂટબોલની માફક ફંટાતું રહે છે અને આપણે એની પાસે બેસીને એની સાથે સંવાદ કરવાનું ટાળીને એક – બે ગમતી ભેટની લાલચ આપી દઈએ છીએ. કેટલાય ઘરોમાં મેં આવા સંવાદો સાંભળ્યા છે કે, ” આના પપ્પા જાતે પાણીનો ગ્લાસ પણ ન લે.”, ” આમને ગરમ રોટલી ના મળે એટલે પત્યું, બહુ વડકા ભરે.”, “મારી ઈચ્છા તો છે પણ આના પપ્પા નહિ માને.” ત્યારે લૈંગિક સમાનતા સામે ખરેખર પ્રશ્ન થાય. પુરુષને સ્ત્રી જેવું બનીને કામ કરવાનું તાત્પર્ય નથી, પણ સ્ત્રીને સ્ત્રી રહેવા દઈએ એને રોબોટ કે મશીન બનતા અટકાવી શકીએ તો સાચું વુમન એપારવમેન્ટ થયું ગણાશે અને ખરેખર આ આઠમી માર્ચની ઉજવણી સાર્થક થશે.

અહીં મુગ્ધા કેસમાં ફેમિલી કાઉન્સેલિંગ સેશન્સ લેવાયા, ધીરે ધીરે મુગ્ધા ઠીક થઈ રહી છે. અને હવે એનો ટાઇમ ટ્રાવેલનો વિચાર બદલીને લાઇફ પાર્ટનર સાથે વેકેશનમાં ટ્રાવેલ કરવાની યોજનાઓ બનાવી રહી છે. મુગ્ધા અને તેમના પતિ હવે ઘર અને નોકરી બની સમાન રીતે સંભાળે છે.

#છેલ્લો કોળિયો: સ્ત્રીને પુરુષ સમોવડી કે પુરુષને સ્ત્રી જેવું વર્તવાનું નથી પણ એક માણસ તરીકે માણસ જેવું વર્તવાની જરૂર છે. આર્થિક અને સમાજિક જીવનમાં તાલમેલ ન હોય તો આવેગિક જીવન ખોરવાય જાય છે પછી કાં તો સંબંધ માંદો
પડે છે કાં તો માણસ.


આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી એકાદ મહિલાના મનને સમજીને કરીએ, એના ફિગરને થોડી સાઈડમાં મૂકીને એનામાં રહેલી જીગર અને લાગણીઓની ઉજવણી કરીએ. એને એક વ્યક્તિ તરીકેના દ્રષ્ટિકોણથી જોઈએ.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · Health solutions · life · lifestyle · moral values · observations · society · youth

कुछ पाने की हो आश आश ❣️

Great wall of China, 2200 વર્ષ પહેલાં જ્યારે બની ત્યારે તેનો મૂળ ઉદ્દેશ દેશની સુરક્ષા માટે અને તેની ઉપર થતાં હુમલાઓથી દેશવાસીઓને બચાવવા માટેનો હતો, પરંતુ એના પછીના જ 100 વર્ષોમાં ચાયના પર ત્રણ હુમલા થયા, હુમલો કરનારને આ દીવાલને ઓળંગવાની કે તોડવાની જરૂર જ ના પડી તેમણે તેના રક્ષકોને લાલચ આપી અને એમનું કામ સરળ થઈ ગયું.

તો વિશ્વની મોટામાં મોટી દીવાલ કંઈ ?

આપણા મૂલ્યો અને આપણી પ્રમાણિકતા એ સૌથી મોટી, ઊંચી અને અડીખમ દીવાલ છે, ખરું કે નહીં ! આપણા બાળકોની અંદર આવી કેટલીક દીવાલોનું ચણતર આપણે દાડીયા થઈને હર એક દિવસે કરવું પડશે, દુનિયાને આજે સગવડભર્યું વાતાવરણ મળી રહે છે પણ આવેગિક રીતે સધ્ધર માણસોની કમી વર્તાય છે. બહુ સહજતા અને સરળતાથી આપણી પેઢી પોતાના અભ્યાસ વિષયો, કામના ઠેકાણા અને પ્રિયપાત્રના ચહેરાઓ બદલે છે. આ પેઢીમાં તરવરાટ અને ઉત્સાહ ઓછો અને કોલાહલ અને બેચેની વધી રહી છે. એને એકલતાથી મૂંઝારો થાય છે અને ઘોંઘાટ એને cool લાગે છે. મોટાભાગના યુવાનો નિષ્ફળતા મળે પછી નાના મોટા વ્યસનોની ટ્રેનમાં ચડી જાય છે. ઘણી મોટી ઉંમર સુધી એ પોતાની જાતથી અજાણ હોય છે, એને પોતે શું ઇચ્છે છે/ શું બનવું છે એ વિચારવા માટે કે એની શોધખોળ માટે સમય નથી પરંતુ શોશિયલ મીડિયા સ્કોર્લિંગમાં કલાકો ખપી જાય છે. આ વાત બધા જ લોકો માટે સત્ય નથી પણ મોટાભાગના લોકો આમાં સપડાયેલા છે. એક વ્યક્તિ તરીકે આપણે આમા શું કરી શકીએ ?

1. કલ્પનાશક્તિમાં વધારો : દરરોજ 10 મિનિટનું વાંચન, જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે એમ ધીરે ધીરે લક્ષ્ય સિદ્ધિ મળે છે કદાચ આ ન ગળે ઉતરે તો આપણે આધુનિક કહેવત જોઈએ MB – MB એ GB વપરાય જાય. એવી જ રીતે એક પાનાની શરૂઆત વર્ષના અંતે બે – ત્રણ પુસ્તકો થઈ જાય. આનાથી દુનિયાને બીજાની રીતે જોવાની મોકળાશ વધશે, તમારી કલ્પનાઓને એક અલગ આકાશ મળશે અને થોડી હાશ અને શાંતિ પણ મળશે.
2. લક્ષ્મણ રેખાનું નિર્માણ : કેટલીક દવા મીઠી હોય છે એવી જ રીતે કેટલીક લિમિટ અને બાઉન્ડિર્સ મીઠી હોય છે. નિયમિતતા જાળવવાં માટે આ એક ઉત્તમ પગલું છે. સોશિયલ મીડિયાના ઉપયોગની મર્યાદા, સૂવાની અને ઉઠવાની આદતની ચોક્કસ રૂપરેખા, ખાવા અને પીવાની સૂઝ અને સમજણ આ બધાનો હુંફાળો ફાયદો થશે અને આ લક્ષ્મણ રેખા ખેંચીને રાખશો તો તમે જીવનની અગ્નિપરીક્ષાઓ સરળતાથી પાર પાડી શકશો.
3. પરકાયા પ્રવેશ : અહીં કોઈની સાથે આત્માની ફેરબદલ નથી કરવાની પણ બીજાની અંદર આપણી જાતને જોવાની છે. મારા દાદી મને ઘણી વાર્તાઓ કહેતા, જેમાં નરસિંહ મહેતા સાથે થતાં કેટલાંક છૂતઅછુતના કિસ્સાઓનું વર્ણન કરે અને પછી પૂછતા કે તું નરસિંહ મહેતાની જગ્યાએ હો તો તું શું કરે ? પહેલા તું હું મારી સમજ પ્રમાણે જવાબ આપતી પણ પછી હું વિચારતી કે નરસિંહ મહેતા આ જગ્યા પર કેવું વર્તન કરે ! અને ફરી એનો જવાબ આપતી, આ રીતે પરકાયા પ્રવેશ વિચારો થકી કરીને જવાબ આપતી, ઘણા વર્ષો પછી અનુભવાય છે કે કેટલી સાદી રીતે નાના મોટા મૂલ્યો મારી અંદર રોપાય ગયા. આવું આજે પણ કરી શકાય, આપણી પાસે મહાન વ્યક્તિઓની ઉણપ નથી; ઉણપ છે માત્ર એમની સુધી પહોંચવાની ધગશની, ચલો ત્યારે પરકાયા પ્રવેશ કરીએ?
4. એકલતાને આવકાર : એકાંતમાં બેસવું અને દરરોજ ધ્યાન કરવું એ તમારું સૌથી મોટું અને બળવતર રોકાણ છે, આ રોકાણથી ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. શરીર, મન, વ્યવહાર, વાતાવરણ, આર્થિક, માનસિક, આવેગિક, સામાજિક વેગેરે કેટલાય પાસાંઓના પ્રશ્નો આ એક માત્ર રોકાણથી દૂર થઈ જાય છે અને નફાની વાત એ છે કે આ રોકાણ માટે કોઈ રિસ્ક નથી, માત્ર એક જ ટર્મ અને કન્ડીશન છે એ છે કાયમીપણું (consistency).


ઉપર કહેલા સૂચનો માટે આપણી પાસે અઢળક કારણો હશે, એ સ્વીકાર્ય છે પણ શરૂઆત કરો આ કહેવાતા બહાનારૂપી કારણો આપોઆપ છુઅઅઅ થઈ જશે.
∆ ” વાંચવું તો છે પણ મારી પાસે પુસ્તક નથી ” એવી અગવડતા હોય તો Libby app છે જે ડિજીટલ લાઇબ્રેરી છે, જેના થકી તમે તમારા ફોનની અંદર દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને આરામથી 10 મિનિટ વાંચવાની શરૂઆત કરી શકો છો. આ સિવાય પણ ઘણી બધી એપ્લિકેશન છે જે તમને ફ્રી બુક્સ આપે છે. થોડી શોધખોળ કરવાથી અને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવાથી વસ્તુઓ મળી જ જતી હોય છે.
∆ ” મેં બધું જ ટ્રાય કર્યું છે પણ કોઈ ફાયદો નથી ” વાત જો આવી હોય તો આવી કેટલીક હેલ્થી આદતોને સળંગ 280 દિવસ સુધી કરી જુઓ પછી પરિણામ નથી મળતું એવી ફરિયાદ નહીં રહે. આપણે બીજરૂપી અંકુરિત થયા પછી ગર્ભમાં 280 દિવસ એટલે કે 9 મહિના રહ્યા છીએ અને પછી માનવ આકૃતિ થઈને દુનિયામાં પગ મૂક્યો છે વચ્ચે કોઈ માતાએ ધીરજ ગુમાવી નથી, એમ આપણે પણ આપણું નવું વર્તન કે નવું જીવન આરંભવુ હશે તો થોડી ધીરજ તો રાખવી પડશે ને ! અને આમ પણ ઇયળમાંથી પતંગિયું બનતા વાર તો લાગે જ છે.

# છેલ્લો કોળિયો: વિશ્વની અંદર કંઇક બદલાવ લાવવો હોય તો આપણી અંદર કંઇક બદલવું પડશે. પેલું કહેવાય છે ને “charity begins at home.”

– હિરલ બ્રહ્મક્ષત્રિય

फूंक दे खुद को ज्वाला ज्वाला
बिन खुद जले ना होय उजाला

children · life · lifestyle · moral values · observations · old is gold · parenting · society · youth

एक था बंदर 🙊

એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ થયો, જેમાં આપણા વર્તન પર પડતી ઘડ અને એના કેટલાક અનુભવોનું સંકલન આપણા માનસ સાથે કેવું છે તેની તપાસ કરવામાં આવી.
પ્રયોગ હતો આઠ વાંદરાઓ પર, એક રૂમની અંદર આઠ વાંદરાને રાખવામાં આવ્યા અને ત્યાં ઉપર એક કેળાની લૂમ બાંધવામાં આવી સાથે એક સીડી(lader) પણ ગોઠવેલી હતી, વાંદરાઓની નજર કેળા પર ગઈ અને એક પછી એક વાંદરાઓ એ કેળા લેવા માટે પ્રયાસો શરૂ કર્યા, કેળાની લૂમ મેળવવા માટે, જેવા તે સીડી પર ચડીને કેળા સુધી પહોંચે ત્યાં જ તેમના પર ઠંડુ બરફ જેવું પાણી રેડવામાં આવે અને વાંદરાઓ નિરાશ થઈને પાછા આવી જાય. અહીં ટવીસ્ટ એ હતો કે પાણી અમુક સમય સુધી પડે એવી રીતની ગોઠવણ હતી, જો નક્કી કરેલ સમય સુધી પ્રયોગપાત્ર રાહ જુએ તો તેના લક્ષ્ય સુધી પહોંચી શકે એવું આયોજન હતું, પરંતુ વાંદરાઓ ઉપર જાય પાણી માથે પડે અને નીચે ઉતરી જાય, આવું વારંવાર થયું, ઘણીવાર થવા લાગ્યું પણ આઠમાંથી એક પણ વાંદરાએ ત્યાં રહીને એ પાણીને સહન કરવાનો કે ત્યાં ઊભા રહીને રાહ જોવાનો પ્રયાસ ન કર્યો પરંતુ કઈક અલગ જ વર્તન જોવા મળ્યું જેમાં હવે જો કોઈ એક વાંદરો ઉપર જાય તો બીજા બધા વાંદરા મળીને તેને ખેંચી ખેંચીને નીચે લઇ આવે, આઠ વાંદરાઓમાંથી એક વાંદરાને બહાર લઈને એક નવા વાંદરાને પ્રયોગમાં સામેલ કરવામાં આવ્યો, ઠંડા પાણીના અનુભવથી વંચિત એવો નવો વાંદરો જ્યારે કેળા લેવા માટે ઉપર ચડવા જાય છે ત્યાં ફરી અગાઉના વાંદરાઓ તેને ખેંચીને નીચે લઇ આવે હવે આવી રીતે એક પછી એક નવા વાંદરાને પ્રયોગમાં સામેલ કરતા ગયા અને અગાઉના વાંદરાને બહાર લેતા ગયા, એક સમય એવો આવ્યો કે આઠે આઠ વાંદરા નવા હતા, આઠમાંથી એક પણ વાંદરાને ઉપરથી પડતા ઠંડા પાણીનો કે એવો કોઈ અનુભવ ન હતો તેમ છતાં તેમનું વર્તન અગાઉના વાંદરા જેવું જ હતું, જ્યારે જ્યારે કોઈ વાંદરો પ્રયત્નપૂર્વક ઉપર જાય ત્યારે ત્યારે તે બધા વાંદરા મળીને તેને નીચે લઈ આવે.

એક ઘડ, એક પેર્ટન અને એક ચોક્કસ વર્તન. સમાજમાં રહીને આપણે જૂથનું અનુકરણ કરીએ છીએ, ત્યારે પણ કંઇક આવું જ થાય છે ને ! જૂના રિવાજો અને માન્યતાઓને આપણે આજે પણ એવી રીતે અનુસરીએ છીએ, આપણને એની પાછળનું કારણ નથી ખબર, આપણને એનું સાચું તારણ નથી ખબર તેમ છતાં આપણે એને માનીએ છીએ. જે તે સમયે એ વિચારો સાચા અને યોગ્ય હશે પણ આજની સ્થિતિમાં જો એ વાત બંધબેસતી જ ન હોય તેમ છતાં એને અનુસરવાની!

લગ્ન પ્રસંગોમાં ચાલતા અસંખ્ય રિવાજો હોય કે સામાજિકતાના નામે ચાલતા કેટલાય વ્યવહારો હોય, કોઈ ફિલ્મનો અકારણ થતો વિરોધ હોય કે પછી કોઈ દેશ કે ધર્મ માટે થતી અકારણ નફરત હોય, કોઈ એક જાતિ ( Gendar) માટે નક્કી કરેલા નિયમો હોય કે પ્રથાઓના નામે ચાલતી કુપ્રથાઓ હોય. શું કામ આપણે પ્રત્યક્ષ અનુભવ વગર માત્રને માત્ર જૂથની સરખામણી કરવામાં આપણી સ્થિતિ અને મનોસ્થિતિ ભૂલી જઈએ છીએ ? શું કામ આપણે દેખાદેખી કરવા આપણી ચાદરને આપણી ચામડી ઉતેડીને સાંધા માર્યા કરીએ છીએ ? શું કામ આપણે એક ઉગ્ર અને ભયાનક ઘટનાનો ભાગ અને ભોગ બની જઈએ છીએ ?

આ બધા પ્રશ્નો તમને થયા છે ? આપણી ક્રિયા પ્રક્રિયા માટે કેટલાક મુદ્દાઓ

1. Rethink before you react
સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પહેલા કે કોઈ વાતને સમર્થન આપતા પહેલા એક વાર ફરી વિચાર કરી લેવો અને એને કોઈ પણ જાતના બાયસ વગર ચકાસી લેવું હિતાવહ રહેશે.

2. Realize before you act
આજના ટ્રેન્ડને ફોલો કરવા અને કોઈ ચોક્કસ પદ્ધતિનું આંધળું અનુકરણ કરતા પહેલા મનની અને પરિવારની સ્થિતિ પર નજર કરી લેવી વધુ યોગ્ય છે.

3. Feel before you fight
સમાજમાં ચાલતા દગાઓ અને કેટલીક વાતોમાં જ્યારે આપણે ધડામ લઈને કૂદી પડીએ છીએ ત્યારે પોતાને એ સ્થિતિમાં કલ્પી જોવી ખૂબ આવશ્યક છે.

4. Ask before you claim
દોષના ટોપલાને બીજા પર ચઢાવી દેવો બહુ સરળ અને સહજ છે પણ આપણે ખાલી આપણા પક્ષ અને આપણા મનને જ સાંભળીએ છીએ એક વાર સામેવાળા પક્ષને પણ સાંભળી લેવો જોઇએ.

5. Know your worth
તમારી અંદર કેટલી ક્ષમતા રહેલી છે તે તમે તમારી જાતે ચકાસો, પરખો અને તેમાં પાવરધા થાઓ, પછી ભલે ગમે તેટલા વાંદરાઓ તમારા પગ ખેંચે, પરંતુ તમારું લક્ષ્ય ફક્ત પ્રગતિને પામવાનું જ હશે.

આ અભ્યાસમાંથી મૂળ બે મુદ્દા આપણા જીવનમાં ઉતારવા જેવા ખરા :

1. નવા માહોલ અને વાતાવરણનો અનુભવ જાતે કરો, બીજાને સાંભળો પણ એનું આંધળું અનુકરણ ના કરો.
2. લોકો તમારી માટે ટેકા બનીને હંમેશા નહીં ઊભા રહે મોટાભાગે ટાટિયા જ ખેંચશે ત્યારે ગભરાવું નહીં નહીતર તમારું વ્યક્તિત્વ ટોળામાં વધારો કરવા જેટલું જ રહી જશે.

#છેલ્લો કોળિયો : આપણું જીવન પણ એક પ્રયોગ જ છે થોડી ક્ષણો સહન કરવાની છે, થોડી તકો જાતને ઉજળી કરવાની છે, થોડો સમય આવડતને તાકાત બનાવામાં આપીએ અને થોડી ધીરજ રાખીએ એટલે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરીએ.

~ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Be the best version of yourself 🤗
children · Health solutions · life · lifestyle · parenting · society · youth

• बचपन का प्यार •

એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલી અને ત્યારે એક ઘટના બની, વાત જાણે એમ હતી કે, રૈના નામની એક છોકરીએ તેના મિત્ર એટલે ઋષભ નામના છોકરાને ચુંબન (Lip kiss) કર્યું, આ વાત બહુ સહજ અને સ્વાભાવિક લાગે પણ વાતનો વિવાદ એટલા માટે થયો કેમ કે રૈનાની ઉંમર 5 વર્ષ અને ઋષભની ઉંમર 6 વર્ષની હતી. બંને મિત્રો હતા અને સાથે રમતા હતા, જ્યારે ચુંબન કરી રહ્યા હતા ત્યારે કોઈ વડીલ વ્યક્તિ તે બંનેને જોઈ ગયા અને પછી આખો પ્રસંગ સંસ્કાર અને સભ્યતાની વાટાઘાટોમાં પલટાઈ ગયો. બંને બાળકોના માતા પિતાએ ઝઘડો કર્યો, બાળકો પર હાથ ઉપાડ્યો અને રૈના અને ઋષભની દોસ્તી તોડાવીને પોતપોતાને ઘરે ગયા.

૧૪ વર્ષથી નાની વયની વ્યક્તિને આપણે બાળક તરીકે ઓળખીએ છીએ, એ આપણે સૌ જાણીએ છીએ, અહીં જ્યારે ઘટના બની ત્યારે બે પ્રશ્નો સામે આવે છે.

1) શું આપણે જાતીય જીવન જેટલું બાળકોથી છુપાવીને રાખીએ છીએ એટલું આક્રમક જીવન છુપાવીએ છીએ ?
2) શું આપણે બાળકના હાથમાં 4×6 ઇંચની સ્ક્રીન પકડાવીને તેને જે જોવું હોય તે જોવાની મોકળાશ બહુ જલ્દી આપી દીધી છે ?

પહેલા પ્રશ્નનો જવાબ મોટાભાગના કિસ્સાઓમાં ‘ ના ‘ મળશે, ખરેખર આપણે કેટલી કાળજી રાખીએ છીએ ! આપણી અંગત અને રોમાંટિક ક્ષણોને છુપાવીને રાખવાની જેટલી તસ્દી લઈએ છીએ એટલી કાળજી આપણે આક્રમક થવામાં કે આક્રમકતા છતી કરવામાં રાખતા નથી. કોઈ દિવસ આપણે સહકુટુંબ ફિલ્મ જોવા બેઠા હોઈએ, અને ભૂલથી પણ કોઈ કિસ કરતો સીન આવે કે અશ્લીલ દ્રશ્ય આવે તો આપણે ચેનલ બદલી નાખીએ છીએ કાં પછી બાળકોને આખા પાછા કરી દઈએ છીએ પણ શું એ જ વસ્તુ આપણે મારધાડ કે હત્યાના દ્ર્શ્યો આવે ત્યારે કરીએ છીએ ? આપણું બાળક ઉછેરીએ છીએ ત્યારે તેના દરેક આવગોની જવાબદારી આપણી છે, જેટલું સહજતાથી આપણે લઈએ છીએ એટલું જ સહજ અને સરળ એને પણ એ વસ્તુ કે ઘટના લાગે છે, મારવું અને મારી નાખવું એ બહુ સામાન્ય છે એવું બતાવનાર અસંખ્ય ફિલ્મો, અગણિત સિરીઝો ઉપલબ્ધ છે ત્યારે શું આપણા બાળકમાં એ સમજ રોપી છે કે કોઈને મરજી વગર હાથ લગાડવો ગુન્હો છે એ જ રીતે કોઈની પર હાથ ઉપાડવો કે તેને તકલીફ થાય તેવું કોઈ પણ વર્તન કરવું એ પણ એક પ્રકારનો ગુન્હો છે! કિસ કરવી અને યૌન સંબંધ બાંધવા માટે એક ચોક્કસ ઉંમર છે એવું આપણે બાળકને સમજાવીએ છીએ ! કે માત્ર TV ના એક સીનની જેમ સહેલાઈથી બદલાવી નાખીએ છીએ! બાળકોની અંદર વધી રહેલી આક્રમકતા અને નાની ઉંમરમાં થઈ રહેલા શારીરિક બદલાવો ક્યાંક ઇન્ડીકેશન તો નથી ને ! આપણી બદલાઈ ગયેલી જીવનશૈલી અને મોર્ડન ઉછેર પ્રક્રિયાનો. દીકરીઓનો માસિકસ્ત્રાવનો સમય બદલાઈને આશરે 5-7 વર્ષ વહેલો થઈ ગયો છે, અભ્યાસો મુજબ 70% છોકરાઓ 10 વર્ષની ઉંમરથી પોર્ન કે બ્લુ ફિલ્મ જોવાનું શરૂ કરે છે. આપણી પાસે એવો કોઈ આધાર નથી કે આપણા બાળકો ક્યારે અને ક્યાંથી આક્રમકતા જોવાનું શરૂ કરે છે અને આપણે એ વાતથી પણ અજાણ જ છીએ કે આક્રમક ગેમ્સ અને મારધાડથી ખચાખચ ભરેલા પ્લોટના કન્ટેન્ટ જોતાજોતા આપણું બાળક ક્યારે આક્રમક વ્યક્તિ થઈ જાય છે અને ગુન્હાહિત વર્તન કરી બેસે છે. જુવેલાઈન ક્રાઇમ કેસોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. 2021માં કુલ 31170 કેસોની નોંધણી થઈ હતી અને જે 2020ની સરખામણી એ 4.7% વધારે છે.જેમાં હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓ પણ સામેલ છે.

સવાલ નંબર 2 નો જવાબ લગભગ લગભગ ‘ હા ‘ હશે, આપણે જલ્દી નહીં પણ બહુ જ જલ્દી આપણા બાળકને એક વળગણે લગાવી દઈએ છીએ, અને એ છે આ નાનકડાં મોબાઈલ ફોનનું વળગણ. તમારા કામની ગોઠવણી કરવા માટે અને બાળકો સાથે બેસીને થોડા પ્રયત્નો અને થોડા વિચારપૂર્વક રમવામાં આવતી રમતો, બાળવાર્તાઓ, બાળગીતો અને તેની સાથે રમાતી દરેક આઉટડોર અને ઇનડોર રમતો રમવાનું છોડીને આપણે એક વર્ષના બાળકને શું આપ્યું આ એક ગેજેટ અને હવે એની આદત એવી લાગી છે કે બાળક ધાવણ (બ્રેસ્ટ ફીડિંગ) છોડી દે છે પણ મોબાઈલ છોડતું નથી. બાળક શાંતિથી બેઠું રહે એવા હેતુથી શરુ થતી આ મોબાઈલની પરંપરા ઘણીવાર બહુ મોટી પરાકાષ્ઠા પહોંચે છે અને જેનું પરિણામ બહુ ખરાબ આવતું હોય છે. બાળકો જેટલું સાંભળીને અનુકરણ નથી કરતું એટલું વધારે જોઈને કરે છે, તો માતા, પિતા, સખીઓ અને સખાઓ આપ સૌને વિનંતી છે કે નવરા પડીને તમે ફોન લઈને બેસી જતા હશો તો તમારું બાળક પણ તમારી બાજુમાં બેસીને એ જ કરશે, તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ‘ બાળકને ગોળ ખાતા અટકાવું હોય તો તમારે પણ અટકવું પડશે.’

ઘરની અંદર કેટલીક વસ્તુઓ ફર્નિચરની જેમ ફીટ કરાવવાની તાતી જરૂરિયાત છે :
🌸 બે – ત્રણ દિવસે એકવાર ઘરસભા ગોઠવો. (સભ્યોને સમજો અને એના ભાવોને સમજવાનો પ્રયત્ન કરો)
🌸 બાળકને ફોનથી જેટલું આકર્ષણ થાય છે એટલું આકર્ષણ તમારાથી થાય એવો માહોલ અને કુતુહલતા ઊભી કરો.
🌸 બાળકને સેકસ અને વાયોલેન્સ શું છે તેની યોગ્ય ઉંમરે સાચી સમજ આપો.
🌸 બાળકની કલ્પના શકિત વધે તેના માટે નવી નવી વાર્તા કહો
🌸 પુસ્તકો તમે પણ વાંચો અને બાળકોને પણ આ ટેવ વારસામાં આપો.
🌸 બાળકના મનની જિજ્ઞાસાને તમારી રાડ અને આળસમાં દબાવ્યા વગર, એના કુતુહલતાના કોયડાનો ઉકેલ આપો અથવા સાથે મળીને શોધો.

છેલ્લો કોળિયો : સંતાનો માટે પૈસા પાછળ જે દોડ માંડી છે એમાં ક્યાંક આપણા સંતાનો (માનસિક સ્વાસ્થ્ય) જ આપણા પગ નીચે દબાઈ નથી ગયાને! જરાક જોઈ લેજો.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Uncategorised

तू खुद की ख़ोज में निकल 💫

એક માનવની આ વાત, બહુ સમાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં જીવતો, અને પોતાના સપનાં પૂરા થશે એ જીજીવિશા હેઠળ ધબકતો આ માનવ. બે બહેનો પછી જન્મેલા આ ભાઈના માથે જન્મથી આશાઓનો ટોપલો હતો, મમ્મી ઘરે ઘરે ટિફિન પહોંચાડે અને પપ્પા રિક્ષામાં વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડે. સરકારી શાળામાં ભણીને અને ખર્ચ જોડ-તોડ કરીને સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. માનવને કોઈએ સલાહ આપી કે સરકારી નોકરીની તૈયારી કર જીવનની મુશ્કેલીઓમાં રાહત થશે, કાયમી આવક અને સિકયુરિટી મળશે એ અલગ. માનવ સમજુ અને ડાહ્યો હતો, પરિવારને આર્થિક રીતે સદ્ધર કરવાનું હમેંશા ઈચ્છતો, એટલે સરકારી પરીક્ષાઓની તૈયારી શરૂ કરી, આખી પ્રક્રિયાને સમજી અને મહેનત કરવા લાગી ગયો. દિવસ રાત વાંચતો, જે વિષયમાં નબળો હતો એ વિષય પણ વધુ ને વધુ ઊંડા રસપૂર્વક સમજ્યો અને ભણ્યો, નોકરી મળશે અને પગાર આવશે એવું વિચારીને કેટલાક પુસ્તકો ખરીદ્યા, કોંચિગમાં ક્રેશ કોર્સ કર્યા, જેટલી પણ પરીક્ષાઓમાં યોગ્યતા ધરાવતો હતો એ તમામ પરીક્ષાઓના ફોર્મ ભર્યા, સાઇબર કાફેનો ખર્ચ, પરીક્ષા ફી, આવા જવાનું ભાડું, અને અઢળક વાંચન કરીને માનવ તૈયાર હતો સરકારી પરીક્ષા દેવા પણ, જિંદગી એની કઈક જુદી જ પરીક્ષા લેતી હતી, કોવીડ19 કારણે ઘણી બધી પરીક્ષાઓ પાછી ધકેલાઈ અને પછી ઘણી બધી પરીક્ષાઓ રદ થઈ, બે પરીક્ષાઓ તો એવી હતી કે જેમાં માનવનું મેરીટ ઘણું ઊંચું હતું પણ પાછળથી ગેરકાયદેસર ગુન્હા અંતર્ગત આખી પરીક્ષા જ રદ થઈ ગઈ. માનવએ ધીરે ધીરે કરતા 20 થી 30 વર્ષ સુધી સરકારી નોકરી મેળવવા હાથ પગ માર્યા, યુવાનીના દસ વર્ષ ગુમાવીને આજે માનવ સરકારી કર્મચારી બનવાના અભરખાને નેવે મૂકીને એક ફૂડ સ્ટોલ ચલાવે, એને એ કામ ગમતું નથી પણ એ કામમાં એને ખાતરી છે કે હું મહેનત કરીશ તો જરૂર મને પરિણામ મળશે જેમાં કોઈ જ શંકા નથી.

માનવ જેવા લાખો યુવાનો સરકારી નોકરી માટેની તકની રાહ જોઈને બેઠા છે એમને સરકારની વ્યવસ્થાની સાથે સંકલન કરીને એક ક્ષેત્રમાં કામ કરવું છે પણ શું આપણે સફળ નીવડ્યા છીએ ખરી ! એના માટે રસ્તો ખુલ્લો કરવા ? કેટલાક પ્રશ્નો અહીં વ્યવસ્થા સામેના જોઈએ.
1. સરકારની એક ભરતી સામે આટલી બધી અરજીઓ શું કામ ?
2. શા માટે સરકાર એક પરીક્ષા લેવા માટે નિષ્ફળ જાય છે ?
3. મૂલ્યો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ વિદ્યાર્થીઓ માટે જ જરૂરી છે ?
4. શું ચોક્કસ અભ્યાસક્રમને આધારે અને મેરીટના આધારે જ નક્કી થઈ શકે કે આ માણસ સારી રીતે કામ કરી શકશે ?
5. એક – બે વ્યક્તિએ કરેલી ભૂલનું પરિણામ આટલું મોટું જૂથ અને એનો પરિવાર ક્યાં સુધી ભોગવશે ?
6. રાત દિવસ એક કરીને વાંચનાર વ્યક્તિના સપનાંઓ જ્યારે આંખ સામેથી ઓજળ થઈ જાય ત્યારે શું આપણે ટિકિટનો ખર્ચ આપીને એના સપનાંની ભરપાઈ કરી લઇએ છીએ ? 7. કોલેજમાં અભ્યાસ પૂર્ણ થયા પછી સીધી ભરતી યોજના અંતર્ગત આ પરિવર્તન શક્ય નથી ? 8. બેરોજગારી દૂર કરવા માટે અને ઉતમ કક્ષાના સરકારી કર્મચારી મેળવવા માટે શું આધુનિક તકનીકનો ઉપયોગ કરવો હિતાવહ નથી ?

હવે કેટલાક પ્રશ્નો ઉમેદવારો માટે :

1. સરકારી નોકરીનો આટલો મોહ શું કામ ? 2.તમારું લક્ષ્ય એ તમારી આવડત વધારવાનું અને તમારી અંદર રહેલા કૌશલ્યની ધાર કાઢવાની જગ્યા પર માત્રને માત્ર અમુક તમુક ચોક્ક્સ જગ્યા પર સ્થાયી થઈ જવું શા માટે છે ?3. શા માટે સરકાર નોકરીને એક માત્ર ઈજારો સમજીને જીવન જીવવા માંગો છો ? 4.જેટલું ધ્યાનપૂર્વક સરકારી અભ્યાસક્રમો ને સમજ્યા છો એટલું ધ્યાનપૂર્વક તમારી અંદર રહેલા મનને સમજ્યા છો ? પૂછ્યું છે એને કે એને કયું કામ, કયો વ્યવસાય અને કંઈ કારકિર્દીમાં રસ છે ?

More than 28 Competitive exam

નોકરી કરો, વ્યવસાય કરો, સરકારી કર્મચારી બનો કે નાના એવા ધંધામાં રોકાણ કરો સાંજ પડે તમને એ કામ કર્યાનો આનંદ થવો જોઈએ, કાર્ય સંતોષ વધશે તો કામચોરી ઘટશે અને ઉત્પાદકતા પણ વધશે તમારી આવકની અને જે તે ક્ષેત્રની પણ.

જિંદગીના અગત્યના વર્ષો ક્યાં રોપો છો તે જરા જોજો, સાચવજો. સરકારી નોકરીના ફોર્મ ભરતા પહેલા એક વાર તમારી અભિરુચિ (Interest) અને અભિયોગ્યતા (Aptitude) નું ફોર્મ ભરજો. જો અભિરુચિ અને અભિયોગ્યતા સાથે નોકરીમાં આવતી જવાબદારીઓ અને ફરજો મેચ થતી હોય તો જ ફોર્મ ભરજો બાકી ખાલી ખોટી ભીડ જમા કરશો નહીં. કેમ કે નોકરી મેળવીને તે જગ્યા પર બેસીને જીવનનો ૧/૩ હિસ્સો ત્યાં પસાર કરવાનો છે, જો 2 Days 3 Night સ્ટે કરવા માટે હોટેલમાં આપણો કંફર્ટ અને આપણી પસંદગી જોતાં હોઈએ તો આ તો બહુ લાંબી યાત્રા છે , રુચિ નહીં પડે તો બધું બગડશે તમારું જીવન પણ અને એ હોદાનું કાર્ય પણ.

#છેલ્લો કોળિયો: જીવનમાં કામયાબ થવા માટે કાબિલ થવું જરૂરી છે, કોઈ ચોક્કસ કર્મચારી તરીકેની પદવી એની મહોતાઝ નથી.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય 🌸

Uncategorised

वक्त आने दे बता देंगे तुझे ऐ आसमां,हम अभी से क्या बतायें क्या हमारे दिल में है ।🌸

“ભલે આપણે સૌ મુસીબતના માર્યા,
પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,
સપનાઓ, ઇચ્છાઓ, તિતિક્ષા, છે બાકી,
તુ લેતો જા છોને પરીક્ષા છે બાકી”

એક ગુજરાતી નાટકમાં આ સાંભળેલું, મુશ્કેલીઓ, મૂંઝવણ, તકલીફો, આ બધું દૂર કરવા આજીવન આપણે કામ કરતા હોઈએ છીએ, અને ઘણીવાર થાકી જતા હોઈએ છીએ કે, હજુ કેટલું કરવાનું ? અને ક્યાં સુધી આ ચાલ્યાં કરશે ? અત્યારે કેટલાક યુવાનોમાં 25-30 વર્ષે મીડ લાઇફ ક્રાઇસિસ આવી જાય છે. એમની હિંમત ઓછી થઈ જાય છે અને કામ પ્રત્યેની ધગશ બાષ્પીભવન પામે છે અને રહી જાય છે માત્ર વસવસો કે, મારું વિશ લીસ્ટ પૂરું ન થયું.

લોકોની થાકી જવાની, હારી જવાની, સપનાંઓ ન જોવાની ચોક્કસ ઉંમર હોતી હશે ? કે પછી Age is just number અહીં પણ લાગુ પડે છે! શું વૃધ્ધ થતાં જેમ ચામડીઓમાં કરચલીઓ પડે છે એમ લોકોની કલ્પનાઓમાં પણ કરચલીઓ પડે છે ખરી !

આ બધા પ્રશ્નોના જવાબ સામે જવાબ છે, 77 વર્ષના ઊર્મિલાબહેન આશર, જે ગુજ્જુબેન ના નાસ્તા થી બહુ ફેમસ છે, ઊર્મિલા બહેનના જીવનમાં એક પછી એક કેટલીય મુશ્કેલીઓ આવી પણ એમની હિંમત અને જીવન પ્રત્યેના એક હકારત્મક વલણને કારણે તેઓ આજે સરસ રીતે પોતાનો બિઝનેસ ચલાવે છે. પોતાના ત્રણ સંતાનો છે ગુમાવનાર આ માતા જીવનના ઉત્તરાર્ધમાં પણ કાર્યશીલ છે, હસતાં હસતાં દરરોજ 12-14 કલાક કામ કરે છે. અને મહિને 3 લાખ કરતા પણ વધુ કમાઈ છે. તેમનો આ બિઝનેસ કોવિડ19ના સમયે અથાણાંના ઓર્ડરથી શરુ થયો હતો અને જે આજે આટલો વિકસિત છે, ગુજ્જુબેનનો પૌત્ર હર્ષ તેમની સાથે આ બિઝનેસ ચલાવે છે. ગુજ્જુબહેન પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી લોકો સુધી વાનગી બનાવવાની રેસિપી અને જીવન જીવવાની જડીબુટ્ટી પહોંચાડે છે, તેમના ચહેરા પર કાયમ મુસ્કાન અને શરીરમાં કામ કરવાની ઊર્જા હોય છે. 77 વર્ષના દાદી પોતાના મનની વાત અને હાથનો સ્વાદ લઈને દેશ-વિદેશ જઈ આવ્યા છે, ઉપરાંત Tedxના સ્પીકર પણ રહી ચૂક્યા છે. અને હાલમાં માસ્ટર સેફ ઓફ ઇન્ડિયાના મંચ પર પણ તેઓએ સ્થાન મેળવ્યું છે.

આ દાદીની વાત એટલા માટે કેમકે ઘણા બધા યુવાનો એવું વિચારીને હાર માની બેસે છે કે, ” આપણે હવે શું કરી લેવાના”, “કરવાનો સમય જતો રહ્યો”, “મારે તો કરવું હતું પણ પરિસ્થિતિએ મને સાથ ન આપ્યો”, “મારા ઘરના લોકો એ મને સપોર્ટ કર્યો હોત તો આજે હું પણ કોઈ સારી જગ્યા પર હોત”, તો એ તમામ લોકોને કહેવું છે કે, તમારી સ્થિતિ કદાચ દાદીથી પણ ખરાબ હશે, પણ તમારી ઉંમર ઘણી નાની છે તમારી પાસે ઘણો સમય છે, અને તમારી પાસે ઘણી આવડત છે ખાલી જરૂર છે મન લગાવીને તેના પર કામ કરવાની, આઠ કલાકની નોકરીમાં પણ આપણે કામચોરી કરવાની તરકીબો શોધી લઈએ છીએ, અને પછી અસફળ થવાનો દોષ સ્થિતિ, પરિસ્થિતિ અને ઘરના લોકોના માથે મારીએ છીએ, તો આવી છેતરપિંડી જાત સાથે ક્યાં સુધી કરીશું ? ક્યા સુધી અરીસા સામે ‘ દ્રાક્ષ ખાટી છે ‘ નો રાગ આલાપ કરીશું ? એક વાર દ્રાક્ષ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી લઈએ.

2023ના બનાવેલા નિયમો ભલે ઠેકાણે પડી ગયા હોય પણ નક્કી કરીએ કે કામ કરવા ખાતર નહિ, કામ કરવું છે એટલે કરીશું. જીવનમાં સફળતા મેળવવવા ઘણા પાપડ વણવા પડે, ઘણી બધી વસ્તુ ત્યજવી પડે, ત્યારે જ સંઘર્ષને પેલે પાર ઊભેલી સફળતા રૂડી રૂપાળી અને મીઠડી લાગે. આપ સૌ આ મહેનતમાં તપો અને પછી સફળતાને પામો તેવી શુભકામનાઓ.

#છેલ્લો કોળિયો: સફળતા એ 15 સેકેન્ડની રિલ્ જેવી નથી, પણ સફળતા એક પુસ્તક જેવી છે, એક ફિલ્મ જેવી છે જેની પાછળ ઘણી બધી કલાકો, ઘણી બધી સમજણ એટલી જ ધીરજ અને ઘણા બધા પ્રયાસો સમાયેલા છે.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

દાદી જ્યારે ” Hello, How are you? ” બોલીને વીડિયો શરુ કરે ત્યારે બહુ મજાના લાગે 🌸❣️
Uncategorised

जिंदगी मौत ना बन जाए संभालो यारो 🥴


ઊર્જા નામની એક ગૃહિણી, બારમું ધોરણ પાસ કર્યું અને તરત જ લગ્ન નક્કી થઈ ગયા, લગ્ન કરીને સાસરે એવી પરોવાઈ ગઈ કે એને કોઈ ભાન જ ના રહ્યું , સંસારમાં ગોઠવાયેલી ઊર્જા જાતને ભૂલીને લગ્ન જીવનમાં જોતરાઈ ગઈ, બે વર્ષ પછી ઊર્જા અને ઉમંગને ત્યાં ટવીન્સ બાળકો જનમ્યાં જેનું નામ વિભા અને વિલાસ રાખવામાં આવ્યું.
ઊર્જાનું જીવનચક્ર એનું એ જ ચાલતું, સવારે 6 વાગ્યાથી શરૂ કરીને રાત્રે કામ પતે ત્યાં સુધી ઊર્જા ઘરના દરેક સભ્યોની ઈચ્છાઓનું લીસ્ટ પૂરું કરતી, સવાર દૂધ અને છાપું ઘરની અંદર લેવાનું અને રાત્રે કચરો ઘરની બહાર મૂકવાનું, સાસુ – સસરાની દવાઓ અને પતિનો નાસ્તો અને ટિફિન, બાળકોને સમયસર જમાડવાનું અને પ્લે હાઉસમાં લેવા – મૂકવા જવાનું, ચોવીસ કલાકમાંથી જેટલો સમય ઊર્જા સુવે અને દૈનિક કાર્ય કરે એટલો સમય પોતાના માટે કાઢે બાકીનો સમય ઘર પર ન્યોછાવર. ઊર્જાને એવું લાગતું હતું કે આ લોકો મારી જવાબદારી છે અને મારે એને સારી રીતે નિભાવવાની છે.
ઉમંગ ઘણીવાર કહેતો કે તું તારી માટે સમય કાઢ, તું બધાને બધું પીરસીને ન આપ, અમે લોકો થોડું મેનેજ કરી લઈશું પણ ઊર્જા બહુ કંઈ ધ્યાન ન આપતી.

એક દિવસ ઊર્જા વિભા અને વિલાસને પ્લે હાઉસમાંથી તેડવા જતી હતી ત્યાં એનો અકસ્માત થયો, હાથ અને બંને પગમાં ઘા વાગ્યો હતો છ મહિના સુધી તે પથારીમાં રહી અને આ છ મહિનામાં તેણે જિંદગીને એક નવા ચશ્માથી જોઈ, શરૂઆતમાં ઘરમાં બહુ મિસમેન્જમેન્ટ ચાલ્યું પણ સમય જતાં બધું વ્યવસ્થિત ગોઠવાય ગયું. સવારની ચા ઊર્જાના સસરા બનાવી લેતા અને નાસ્તો ઉમંગ બનાવી લેતો, રસોઈનું કામ સાસુજી એ સંભાળી લીધું, બાળકોની જવાબદારી પણ ત્રણેય વારાફરતી વહેંચી લીધી.
ઊર્જાનો અકસ્માત એના માટે સમય લઈને આવ્યો, વિચારવા માટેનો સમય, બધું જોતાં અને ઓબઝરવેશન કરતા ઊર્જાને સમજાયું કે, “મને લાગતું હતું કે આ લોકો મારા પર dependent છે પણ ખરેખર તો હું આવેગિક રીતે એમના પર dependent છું, ઘરમાં કોઈ એક વ્યક્તિને પણ જમવામાં મજા ન આવે તો દુ:ખી હું થઈ જાઉં, ઉમંગ લેટ જાગ્યો હોય તેમ છતાં એને ઓફિસ જવામાં મોડું થઈ જાય તો ગિલ્ટ મને થાય, મારી જાત માટે સમય મળતો જ ન્હોતો કેમ કે શરૂઆતથી મેં જ બધાને મારી ખોટી આદત પાડી દીધી હતી, નાની મોટી દરેક વસ્તુ હું જ કરી આપું એવા મારા દુરાગ્રહના કારણે બધાને બધું સમયસર તો મળી રહેતું પણ મને મારી જાત માટે સમય જ ન્હોતો મળતો અને એના કારણે હું ગુસ્સે થઈ જતી, મારો સ્વભાવ ચીડચીડ્યો બની ગયો , અને હમેંશા એ વાતનું ગુમાન કરતી કે મારી વગર મારા પરિવારને એક દિવસ પણ ન ચાલે પણ ક્યારેય આ રીતે તો વિચાર્યું જ નહિ, કે સતત Yes women બનવામાં ,મારી અંદરની women મારી રહી છું.”
ઊર્જાના હાથ અને પગના પાટા સાથે કેટલાક સંવેદનોના પાટા પણ ખુલ્યા, ઊર્જા હવે રોજ સવારે ઘરના કામ પાછળ ફૂટબોલના દડાની જેમ ઉછળકૂદ નથી કરતી પણ પરિવારની સાથે બેસીને સસરાના હાથની બનાવેલી ચા પીવે છે. સાંજે મ્યૂઝિક ક્લાસ જાય છે અને પોતાનો આર્ટ અને ક્રાફ્ટનો એક નાનો બિઝનેસ પણ સંભાળે છે. ટુંકમાં એ બધા માટે સમય કાઢે છે જે કરવામાં તેને નિજાનંદ આવે છે.

“આ તો હું છું એટલે ઘર સચવાયેલું છે.”
“હું ના હોત તમારું શું થાત!”
“મારા વગર એમને કંઈ ન જડે.”
“બે – પાંચ દીનું બધું ગોઠવીને નીકળવું પડે, તમારા ભાઈને બાકી કંઈ સુઝકો જ ન પડે.”
આવા કેટલાય ડાયલોગ આપણે ગૃહિણીના મોઢેથી અવારનવાર સાંભળીએ છીએ, ઘરની અંદર એક સ્ત્રીની ગેરહાજરી આખા ઘરને ઉથલપાથલ કરી શકે અને એના વિશે બહુ ચર્ચા પણ થઈ, સ્ત્રીઓના ઘણા વખાણ પણ થયા અને એક સ્ત્રીની મહાનતા પણ આપણે બધા એ મળીને સાબિત કરી. પણ આ ઘરની ઉથલપાથલમાં સ્ત્રીના મનની ઉથલપાથલનું શું ?

ઊર્જાના ઉદાહરણ મુજબ આપણે સ્ત્રીને આવેગિક અને આર્થિક બંને રીતે dependent બનાવી દઈએ છીએ, મેડિકલ પોલિસી હોય કે શેરમાં રોક્યેલા પૈસા, આપણે ક્યારેય ચર્ચા કરીએ છીએ ઘરની સ્ત્રી સાથે ? કમાતી સ્ત્રી પણ રોકાણ તો પતિ કહે એમાં જ કરે અથવા તો પતિશ્રીઓ જ એના નામે બધું સંભળાતા હોય,(ગામડાઓની અંદર જે રીતે મહિલા સરપંચની સ્થિતિ હોય એ રીતે) અને જ્યારે આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યારે આવા ડાયલોગ મારતી સ્ત્રીઓ કેટલી લાચાર થઇ જતી હશે ?
આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ જો આ codependencyનો શિકાર હોય તો એને કહેવાની જરૂર છે કે live your life & feel your own feelings.
Codependency ધરાવનાર વ્યક્તિને એવું જ લાગે છે કે આ બધી મારી જ જવાબદારી છે અને એ પૂરી કરવામાં એ જાતથી બહુ ઘસાતી હોય છે અને આવા ઘર્ષણ લાંબે ગાળે ડિપ્રેશન, હૃદયરોગ, ચિંતા, હાઈ બ્લપ્રેશર જેવા કેટલાય નાના મોટા રોગોને જાણેઅજાણે આમંત્રણ આપતા હોય છે.
થોડા સમય પહેલા Tripling season 3 જોઈ હતી જેમાં આપેલ સંદેશ ઘણા અંશે આના જેવો જ છે, આ જીવન માતા પિતા પોતાના સંતાનો માટે સગવડ ઊભી કરવામાં વ્યતીત કરી દે અને અંતે બાકીની ઉંમર બીમારીના લક્ષણો સાથે વિતાવી દે, તો એમના અંગત જીવનનું શું ? આવા પ્રકારની Codependency આપણને મુક્ત રીતે જીવતા અટકાવે છે.

#છેલ્લોકોળિયો : મેં તારા માટે આ કર્યું અને મેં તારા માટે તે કર્યું અને તું જો કેવી રીતે વર્તે છે આ બધું કહીને જો સંબંધોમાં સફાઈ ન આપવી હોય તો જલ્દી જ સ્વીકારી લો કે તમને સુખ આપનાર કે દુ:ખી કરનાર એકમાત્ર વ્યક્તિ તમે જ છો, તો સૌથી પહેલો સમય એના માટે કાઢજો અને હા, બધાને ખુશ કરવાની જવબદારી તમારી નથી.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Uncategorised

जगने छीना मुझसे मुझे जो भी लगा प्यारा…


ડોકટર, હવે તમે જ સમજાવો આ સુરભીને !” પોતાની સમસ્યાનો શંખનાદ કરતા હોય એમ સૌરભ ગુપ્તાએ બોલવાનું શરુ કર્યું, “અમારા લગ્ન થયા અને બે – ચાર મહિનામાં જ સુરભી પર આ ભૂત સવાર થઈ ગયું, આપણે જલ્દી જ ફેમિલી પ્લાન કરી લઈએ અને માતા-પિતા બની જઈએ, બસ જાણે એક રટણ લાગ્યું છે એને, મેં એને ઘણી સમજાવી કે આપણે થોડા સ્ટેબલ થઈએ પછી બેબી પ્લાન કરીશું એટલી શું ઉતાવળ છે ? પણ એને કોઈ રીતે સમજવું જ નથી અને હમણાં હમણાં તો આ વાતને ઇમોશન સાથે જોડીને મને આંચકા આપે છે, હું મરી જઈશ તો આપણા બેબીની સંભાળ કોણ કરશે અને એના ઉછેરનું શું થશે ! અને કેટલું બધું 🥲 આવું બધું સાંભળીને મને નકારાત્મક વિચારો આવવા લાગ્યા છે, અને સુરભીની આવી માનસિક સ્થિતિમાં શું એનું કન્સીવ કરવું ઠીક કહેવાય ? આની કોઈ સાઈડ ઈફેક્ટ થઈ શકે આવનાર બાળક પર ? અમારે આ સ્થિતિમાં શું કરવું જોઈએ ?

સૌરભભાઈને પાણી આપી શાંત કર્યા અને સુરભીબેનનું કાઉન્સેલિંગ શેસન ગોઠવાયું, આજના મોર્ડન જમાનાની યુવતી જ્યાં મોટી ઉંમર સુધી માતા બનવાનું ટાળતી હોય છે ત્યાં આમનું અકારણ આટલું ઉતાવળભર્યું વર્તન શંકાષબ્દ તો હતું જ. સુરભીની કેસ હિસ્ટ્રીમાં એ જાણવા મળ્યું કે તેમણે નાનપણમાં પોતાના માતા-પિતાને એક કાર અકસ્માતમાં ગુમાવી દીધા હતા, હેમખેમ કરીને દાદા – દાદીએ મોટી કરી અને એમના મૃત્યુ બાદ મોટેભાગે હોસ્ટેલમાં રહી, સૌરભ સાથે પ્રેમ થયો અને લગ્ન થયા, પણ બાળપણમાં માતા-પિતાના પ્રેમના અભાવથી એના મનમાં પડેલી તિરાડ આજે પોતે માતા બનીને સફળ નીવડશે કે નહિ એ ડર અને અસલામતીના ઘા થી લીકેજ થવા લાગી, સુરભીના મનમાં સતત એ ડર હતો કે, એના બાળક સાથે પણ જો એના ભૂતકાળનો રિપિટ ટેલિકાસ્ટ થશે તો શું ? સાથે સાથે એ યોગ્ય માતા બની શકશે કે નહીં એવા કેટલાય અસલામતી ભર્યા પ્રશ્નોના કારણે તેનું આ જલ્દી માતા બનવાનું વળગણ શરુ થયું, એટલે કે એની મનની મૂંઝવણ અને આશંકા દૂર કરવા તેણે જલ્દી જ માતા બનીને યોગ્ય રીતે ઉછેર શરુ કરવાનું નક્કી કર્યું.

જાન્યુઆરી 1, 2020, થી 1 મે, 2022 સુધીમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 8 મિલિયન બાળકોએ રોગચાળાને લગતા કારણસર માતા- પિતા બેમાંથી એક/ બંનેને ગુમાવ્યા અથવા તો તેમની પ્રાથમિક સંભાળ રાખતા (care giviers) લોકોની છત્રછાયાથી તેઓ વંચિત થયા અને જ્યારે સંશોધકોએ દાદા – દાદી અથવા અન્ય વૃદ્ધ સંબંધીઓ જેવા ગૌણ સંભાળ રાખનારાઓના મૃત્યુનો સમાવેશ કર્યો, ત્યારે અસરગ્રસ્ત બાળકોની સંખ્યા વધીને 10.5 મિલિયન થઈ ગઈ.

આંકડાઓ હચમચાવી નાખે એવા છે પણ તેના ઉત્તરમાં આપણી પ્રતિક્રિયા શું ? એક વાત તો નક્કી જ છે કે, આપણે આપણા મૃત્યુને ખીટીએ બાંધી શકવાના નથી, જો આપણું મૃત્યુ નિશ્ચિત છે તો આપણે યમરાજને આપણું બાળક ઉછેરી લઈએ એમ કહીને રાહ જોવરાવી શકવાના નથી. પણ આપણે આપણા બાળકને માનસિક રીતે જરૂર તૈયાર કરી શકીએ છીએ, કેમકે બાળકને તમારી પ્રોપર્ટી નહિ પ્રાયોરીટીમાં રસ છે એનો મતલબ શું તમારા બાળકને રોજ એવું કહીને કહીને “કે કાલ સવારે હું નહીં હોઉં તો શું કરશો ?” ના. પણ તમારા બાળકને માનસિક રીતે મજબૂત કરીને, તેને આવેગોના ઉઝરડાં છડે ચોક બતાવતા અને એની માવજત કરતા શીખવાડીને, એની જાતની ઉજવણી કરતા અને જ્યાં જરૂર લાગે અને જ્યારે જરૂર લાગે ત્યારે રડી લેતા શીખવાડીને, તેના ભણતર સાથે તેનામાં આવેગોનું ચણતર કરીને.

આપણા સમાજની દયનીય સ્થિતિ તો જુઓ, આપણી કોઈ શાળા કે મહાશાળામાં, આપણા એકપણ લોંગટર્મ કે શોર્ટટર્મ કોર્સના મોડ્યુલમાં આપણને એ નથી શીખવવામાં આવતું કે સ્વજન કે સ્નેહીના મૃત્યુ પછી આવેગોના પોટલાને અને આઘાત લાગેલા આ જાતના સમા પડીકાને કંઈ રીતે સુઘડ રાખવું? એની ગોઠવણ કેમ કરવી ? કરચલી પડેલા આ મનની ઈસ્ત્રી કેમ કરવી ? કે નથી આપણી પાસે એવી કોઈ સરળ મનોવૈજ્ઞાનિક વ્યવસ્થા કે જ્યાં મા-બાપ વિહોણા આવા બાળકોના મનની અંદર ડોકિયું કરી શકાય.

સુરભીના કેસમાં સાઇકોથેરાપી અને અન્ય મનોવૈજ્ઞાનિક ટેકનિકનો સહારો લેવામાં આવ્યો, ધીરે ધીરે તે સ્ટેબલ થઈ રહી છે.

#છેલ્લોકોળિયો : આપણે દોડીએ – ભાગીએ અને પૈસા કમાવવા પોતપોતાના ફિલ્ડમાં નાચીએ છીએ પણ થોડો સમય તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે કાઢજો જેનાથી તમે પણ તંદુરસ્ત અને મંદુરસ્ત રહેશો.

ડૉ . હિરલ બ્રહ્મક્ષત્રિય