
મૌન એટલે શબ્દોએ કરેલો નકોડો ઉપવાસ
મૌન એક છે પણ એની કેટલી બધી ભાષા છે ખબર છે.?
જ્યારે કોઈ રિસાય જાય ત્યારે કોઈ મનાવે એવી રાહમાં રખાતું મૌન
જ્યારે કોઈ બહુ દૂર જતું રહે ત્યારે ભીતરની ભોંમાં ચીસો પાડતું મૌન
પ્રિયતમ એ કરેલા પહેલાં સ્પર્શને માણતું નાચતું ગાતું મૌન
પીડા પછી જીવમાંથી આકાર લીધેલ જીવને જોઈ પેલી તાજેતાજી બનેલી માતાનું મૌન
પોતાની દીકરીને પુખ્ત થતી જોઈ ભૂતકાળની છેલબટાઉ પોતાની જાત પર સંતાપ કરતું એ પુરુષનું મૌન
જીભ ઉપડે નહિ અને વાત આગળ ચાલે નહિ ત્યારે આંખોથી કેટલું બધું બોલતું મૌન
એક વ્યક્તિની સાથે અન્યાય થાય છે અને કંઇ ન કરી શકવાની લાચારી માં કણસી રહેલું મૌન
બાપના બાપ ન થવાય આમ વિચારીને હરેક વાતે હામી ભરતા સંતાનનું મૌન

ઘરના બદલાતા વાતાવરણ અને બદલાતા વિચારોની વચ્ચે પેલા વૃદ્ધનું માળા ફેરવતું મૌન
બાપના ઘરેથી શું લાવી આના જવાબમાં પોતાના સંસ્કારને મોઢામાં અકબંધ રાખતી એ નવોઢાનું મૌન
વર્ષોથી રાહ જોતી વ્યક્તિની રૂબરૂ થતાં બધું સુનનનનનનનન કરી મૂકતું મૌન
દિવાળીએ ખર્ચા ઉગી નીકળે ત્યારે ગજવામાં કાતર ફરી જતાં ફૂટતા ફટાકડાનું મૌન
શરીરને ચૂથાતું જોઈ ચોકલેટની લાલચે ચૂપ રહેતી પેલી નાની બાળા મૌન
વિદેશ જતાં છોકરાને જતો જોઈ સંતાડતા ડૂસકાં માં રહેલું મૌન

અનાથ બાળકને જોઇને થતી દયાની લાગણીનું મૌન
પિયર આવેલી છોકરીના જીવનમાં અનુકૂળતા ઓરવા મીઠી મીઠી કેરી ખવરાવતું મૌન
રાખડી અને ફૂલની પાંખડી સાથે દીવા સાથે બલાઓ ઉતારતી એ ભગીનીનું મૌન
માંગણીની લાગણી ઓછી કરતું પેલું સમજુ બાળકનું ખિલખિલાટ કરતું મૌન
પોતાની શકિતઓને મનમાં રાખીને દિવ્યાંગ હોવાનો વસવસો કરતું મૌન
આંખોમાં કાજળ સાથે પોતાની જાતને રોજ નવો મુખોટો પહેરાવતી પેલી વૈશ્યાની પથારી નીચે કચવાતુ મૌન
સરહદ પર લડતાં પેલા સૈનિક અને એના પરિવારે કરેલા કેટકેટલાય સપનાઓનું મૌન
વૃદ્ધાશ્રમના ખાલી બગીચા સાથે પોતાના જીવનને સરખવાતું પેલું વૃદ્ધાનું મૌન
પોતાના મસમોટાં દરિયાને છોડવાના દુઃખ સાથે એકવેરિયમમાં તરતી પેલી માછલીનું મૌન
પોતાની સહેલી(ચકલી)ની આખી જાતિને શોધવા આમતેમ ઊડતી પેલી કાબરનું મૌન
ભીખ માંગતા પેલા ભૂખ્યા બાળકમાંથી ડોકિયું કરતું મૌન
બસના ધક્કા વચ્ચે પોતાનું અસ્તિત્વ શોધતા પેલા યુવકનું મૌન
આંખોના કુંડાળા અને પોતાની કેટલીક અભિલાષા સંતાડતી પેલી ગૃહિણીનું મૌન

બીમારીના ખાટલે પોતાના દિવસોને આંગળીના વેઠે ગણતું એ જીવતરનું મૌન
મૌન એક શબ્દ કે એક લાગણી
પાણી પડયું પડ્યું ગંધ કરી જાય
એમ શબ્દો ઘણી વાર ઘર કરી જાય
પણ મૌન એ એક ઉજાસ છે એક ઉપાય છે
ન કહેવું અને ન કહેવું જોઈએ
આ બંને વચ્ચેનું અંતર છે મૌન
અને ખરેખર તો જીવનની લડત આની વચ્ચે જ છે..
શબ્દો એ તીર છે તો મૌન એ ઉધમ છે
મૌન પોતે લાગણી છે અને એની સામે દુનિયા પાંગળી છે.
હિરલ જગડ
“હીર”

























