Uncategorised

💐Happy Teachers’ Day👶👩‍🎓

એક શિક્ષક જીવનનો આધાર છે શિક્ષક જેવું વિશ્વ કલ્પે તેવું આબેહૂબ વિશ્વ છે તેમ ખૂબ વિશ્વાસથી તેનો વિદ્યાર્થી માને છે અને સ્વીકારે છે શિક્ષક જે વાતને યોગ્ય કહે તે યોગ્ય અને કે શિક્ષકને ન છાજે તેને વિદ્યાર્થી પણ પસંદ કરતો નથી.

આજે શિક્ષક દિન છે શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જ્યંતિ નિમિતે ઉજવાતો આ દિવસ શિક્ષકોનો છે, વિદ્યાના મહિમાનો છે, વિદ્યાના મહત્વનો છે આજ રોજ હરકોઈ પોતાના ગુરુ, શિક્ષક, આચાર્ય, અધ્યાપક,પ્રાધ્યાપક માટે આદરભાવ વ્યક્ત કરે અને એમના પ્રત્યેનું ઋણ અદા કરે છે.

શાળા અને કોલેજોમાં વિદ્યાર્થી શિક્ષક બનીને શિક્ષકના મહિમાને પ્રસ્તુત કરે છે અને આનંદમય રીતે ઉજવણી કરે છે.

આ બધી સારી સારી વાતો થઈ હવે થોડી ગંભીર અને જે કહેવાની ઈચ્છા છે તે મુદ્દાની વાત પર આવીએ. જે  શિક્ષકો પોતાના કાર્યને યોગ્ય રીતે નિભાવે છે તેની અહીં કોઈ ચર્ચા કે અવહેલના જ નથી પણ ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓમાં જ્ઞાતિવાદ, કોમવાદ, ઉચ્ચ નીચ, મતભેદ અને આવા કેટકેલાય પૂર્વગ્રહને શિક્ષકો જ બાળકના મનમાં સ્થાપિત કરતાં હોઈ છે.

મને બહુ જ અરેરાટી ઉત્પન્ન કરનારો આ કિસ્સો :
બાલમંદિરમાં ભણતાં કોનેવેટ શાળાના બાળકોની આ વાત બાળકોની ઉંમર અંદાજિત ત્રણથી લઈને પાંચ વર્ષ સુધીની હતી. આ શાળામાં એકદિવસીય પ્રવાસનું આયોજન થયું.. લગભગ બધા જ બાળકોનો આ પ્રથમ પ્રવાસ હતો..તેઓ ખૂબ ખુશ થતાં થતાં નિયત સમયે શાળાએ નાસ્તો, વોટર બેગ અને ઘણા બધા અરમાનોથી ભરેલી આંખો સાથે હાજર થઈ ગયા.

શિક્ષકોની મદદથી તેઓ પોતાની પ્રવાસ માટે જવાની બસની સીટોમાં ગોઠવાઈ ગયા..

બસમાં શિક્ષકો, પટ્ટા વાળા, આચાર્ય અને ડ્રાયવર પણ ગોઠવાયા. ડ્રાયવર એ બસ શરૂ કરી ત્યાં જ આચાર્યશ્રી એ ઇશારાથી અટકાયત કરી અને બસના આગળના ભાગમાં ઊભા રહીને વિદ્યાર્થીઓને કંઇક કહ્યું, “આપણે આજે પ્રવાસમાં જઈ રહ્યા છીએ આ પ્રવાસ સફળ અને સુખમય રહે એના માટે આપણે આપણા પ્રભુને પ્રાર્થના કરીશું તો ચલો આપણે સૌ આપણા ભગવાનને પ્રાથના કરીએ..” દરેક બાળક ખૂબ માસૂમિયતથી પ્રાથના કરી અને બે મિનિટ પછી આંખો ખોલ્લી ફરી કંઇક ઈશારો કરીને આચાર્ય શ્રી ડ્રાયવરને કહે છે… બસ ઊપડે છે અને પાંચ મિનિટ પછી બંધ થઈ જાય છે..ફરી આચાર્યશ્રી વિદ્યાર્થી સમક્ષ આવે છે અને કહે છે કે “તમે બધાએ તમારા ભગવાનને પ્રાથના કરી પણ તમારા ભગવાને તમારી પાર્થના તો સાંભળી જ નહીં, આ જુઓ આપણી બસ બંધ થઈ ગઈ..” બધા બાળકો ખૂબ ચિંતિત થઈ ગયા..પોતાના પ્રથમ પ્રવાસનો ઉમંગ ઉત્સાહ નહીં માણી શકે કે શું એવું વિચારવા લાગ્યા.. ફરી આચાર્યશ્રી કહે છે કે ” જુઓ બાળકો આ વાતનો ઉકેલ છે મારી પાસે તમે બધા તમારા ભગવાનના બદલે ઈશુ ખ્રિસ્તને પ્રાથના કરી જુઓ કદાચ એ તમારી પ્રાથના સાંભળી લે..” આવું સાંભળીને દરેક બાળક ફરી બે મિનિટ માટે આંખો બંધ કરી ઈશુ ખ્રિસ્તને પ્રાથના કરે છે..
અને
આચાર્યશ્રી ઈશારો કરી ડ્રાયવરને બસ શરૂ કરવાનું કહે છે..અને બસ ચાલવા લાગે છે..ત્યારે ફરી બાળકોને કહે છે કે, ” જુઓ તમારા ભગવાને નહીં પણ ઈશુ ખ્રિસ્તએ તમારી વાત માની લીધી..”
બધા બાળકો ખુશ હતા એકદિવસીય પ્રવાસ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો

આ પ્રવાસ જરૂર એક દિવસનો હતો પણ આ આખા કિસ્સાથી (યોજનાથી) બાળકના મનમાં પલ્પી ગયેલો પ્રુવગ્રહ કે મનોવલણ એકદિવસનો ન હતો એ તો બહુ લાંબુ ચાલવાનું હતું…એક બાળમાનસના મનમાં આ પ્રકારે ધર્મભેદ શીખવવો એ કેટલે અંશે યોગ્ય છે ? એક ધર્મના દેવતા યોગ્ય અને બીજાના અયોગ્ય આવું શીખવીને કોઈ શિક્ષક કે આચાર્ય ક્યાં મૂલ્યોનું વાવેતર કરવા જઈ રહ્યા છે ??

અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન કોઈ પણ ધર્મના બાળકને શા માટે તેને ધર્મની ટેગલાઈન શીખવામાં આવે છે એને ધર્મનો મર્મ કેમ સમજાવતા નથી ?

આ પ્રકારના બીજા પણ કિસ્સાઓ હશે જેના કારણે બાળકના મનમાં ધર્મ પ્રત્યેના ભેદો અને પછી ધીરે ધીરે સમાજમાં મતભેદો અને મનભેદો ઊભા થતા હશે..!

તમે જો શિક્ષક હો તો આવી કોઈ પણ પ્રકારની ભૂલ જાણે અજાણે તમારાથી ન થઈ જાય તેની સાવચેતી રાખજો.

શિક્ષક દિનની શુભકામનાઓ

© હિરલ એમ જગડ

Uncategorised

ચર્ચા 😓

‘ચર્ચા’
આપણે આની સાથે લોહીનો સંબંધ છે જાણે
કંઈ કરો કે ન કરો પણ તમે ચર્ચા કરો છો તો લોકો તમારાથી આકર્ષયેલા રેહશે. હમણાં હમણાં બનેલી ત્રણ ઘટનાને અનુભવીને આ વિષય પર થોડું લખવાનું મન થયું..

1. હેસ્ટેગ બિનોદ
2. પ્રદર્શન
3. રસોડે મેં કોન થા?

આ બધી વાત અને સવાલ આજે ચર્ચામાં છે આપણી માનસિકતા, આપણા વિચાર અથવા આપણો દ્રષ્ટિકોણ દિવસે અને દિવસે નીચો જતો જાય છે આપણે જાણવા કરતાં ગામને જણાવવામાં પાવરધા થઈએ છીએ..આપણે આપણી સમજને નહિ પણ આપણા વ્હૉટ્સઅપના ચરક્ડા ભરીએ છીએ..આપણે વિક્સવાનું ભુલીને આપણે ઉઠાંતરી અને ઠેકડી કરવાનું શીખીએ છીએ..અંદરના આવેગોને સોશિયલ મીડિયા પર ઠાલવીએ અને કેટલાક ભાવોની સમજથી પણ બહુ દુર થતાં જઈએ છીએ.

#BINOD ચડયું યુટ્યુબ પર પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને મિમ્સના ઢગલાં થયા પણ આ બધું કરવા વાળાને આના પાછળની વાર્તા કે તથ્ય ખબર જ નથી..એ લોકો એવું દ્રઢપણે માને છે કે આપણે એનાથી શું મતલબ આપણને મસાલૉ મળી ગયોને એટલું બસ છે…અને પછી જિક્ંજિક કરતાં રહેવાની અને વાઇરલ કરતાં રહેવાનું.

#પ્રદર્શન જાતનું, જીંદગીનું, માસ્ક્નું, તહેવારોનું, આબરૂનું, રુતબાનું, વેહવારનું, પ્રસંગનું, લાગણીનું, અંગત ક્ષણોનું, ખૂંચતી પળોનું વગેરે વગેરે વગેરે.. પણ હકીક્ત નહિ ફિલ્ટરનું ફિલ્ટર થાય અને પછી ઍ પોસ્ટ થાય અને વળી પાછુ કોઇ હકીક્ત ન જાણી લે તે તકેદારી તો રાખવાની જ..!

આ બધું જ મારે કહી દેવું છે દેખાડી દેવું છે..ફલાણી – ફલાણી વ્યક્તિઓને બાળીને રાખ કરી દેવા છે..શું ખરેખર?
આપણા એક ચિત્રથી સામેવાળાને વિચલિત કરવા આપણે જન્મ લીધો છે? આપણા આવેગો એટલા નબળા અને માયકાંગલા છે કે કૉઇ આપણને કંઈ ટેગ ન કરે, સ્ટોરીમાં મેન્શન ન કરે,રિપ્લાઈ ન કરે, સ્ટેટસ પર રિએક્ટ ન કરે તો આપણે ભાંગી પડીએ, સંબંધમાં શંકા ઉભી કરીએ, સંબંધ સિમિત કરી દઈએ, સંબંધ કાપી નાખીએ કે પુરો કરી દઈએ..!

#Rasode Main Kon tha ?
ખાલી કુકર ગેસ પર રાશિબેનને શું કામ મુક્યું આ સવાલ છે આ ચર્ચા છે આ ટોપ ઓફ ધ ટાઊન ગોસિપ છે. પણ આ બધાની પાછળ ક્યાંક જે થવી જોઇએ તે ચર્ચા કેમ કોઇ કરતું જ નથી. યશરાજ મુખટે નામનો એક વ્યક્તિ કે જેમણે આ ડાયલોગને રિધમ આપી સંગીત આપ્યું એની વાત કોઇ કરતું જ નથી..જ્યાં આપણે કોઇના ટેલેન્ટ, આવડત, સ્કીલને સરાહવાની જગ્યા પર એના પર જોક્સ, મિમ્સ અને વ્યંગ ઉભા કર્યા છે.

આપણે આનાથી સાબિત શું કરવા માંગીએ છીએ ?
કે આપણને હસીઠિઠોલી, પંચાત, ટાઇમપાસ અને ગામની પતંગ ચગાવામાં જ રસ છે..કે પછી આપણી પાસે યોગ્ય મુદાઓ અને ચર્ચાઓના વિષયનો અભાવ છે? કે પછી બુધ્ધિનો દુકાળ પડ્યો છે ??

આપણને એ જાણવામાં કોઇ રસ નથી કે કોઇ આણંદ જિલ્લાના બોરિયાવી ગામના એક ખેડૂતનું વાર્ષિક ટર્ન ઓવર દોઢ કરોડ છે તેમને પોતાના ગ્રેજ્યુએશન દરમ્યાન આવેલો વિચાર પોતાના ખેતી વ્યવસાયમાં ઉમેરીને ‘આત્મનિર્ભર ભારત’ સૂત્રને સાર્થક કર્યુ..આ ખેડુ એટલે દેવેશ પટેલ. માત્ર વેલ્યુ એડીશન કરવાથી તેમણે આ મુકામ હાંસીલ કર્યુ અને આજે 50 માણસોની રોજી ચલાવે છે…આવી કથા, વ્યથા અને ગાથા આવા અઢળક ઉદાહરણો આપણી ચોતરફ હોવા છતાં આપણે વાહિયાત વાતોને વળગીને જીવી રહ્યા છીએ..

શું છે ??
ખરેખરી તકલીફ આ વાત પર વિચાર કરી જોવો એના પર ચર્ચા કરી જોવો કદાચ ફાલતુની ચર્ચાની જેમ એ પણ ગમશે..

#Hiral

Uncategorised

વ્હેન હોર્મોન્સ હાઈજેક યોર ઇન્ટેલિજન્સ🎭

આપણને ભણાવવામાં આવે છે ,સમજાવવામાં આવે છે, સુધરવામાં આવે છે, પણ અફસોસ એ વાતનો છે કે આપણે માનવજાતિને આપણે એની મરજી મુજબ જીવવાનો શિખવાડી શક્તા નથી, કોઇ ઘરની અંદર કામ કરવા આવનાર વ્યક્તિ પણ પોતાની શરતો અને નિયમો નક્કી કરીને કામ પર આવવાની હામી ભરે છે.. તો આપણે આપણી લાગણીઓ,ઇચ્છાઓ ,તૃપ્તિઓ,શરીરની કેટલીક મુળભૂત જરૂરિયાતોને લોકો સમક્ષ રજુ કરવાનો મિથ્યા શોભ કેમ રાખીએ છીએ ?

કોઇ ગેઝેટની જેટલી ક્ષમતા હોઇ કશુંક સ્ટોર કરવા માટેની પણ એનો અર્થ એવો જરાય નથી કે એને આપણે નકામી બાબતોના થરથી ભરી નાખીએ.

આપણે નાનપણ જાતિય વૃતિને અને જાતિય જરૂરિયાતોને એક જુદી નજરથી જોઈએ છીએ..એને સમજવું અને સમજાવું એ બહુ દુર રહી પણ આપણે એના વિચારોને પણ દબાવીને આપણા અજાગૃત મનમાં  ધકેલી દઈએ છીએ..મનોવિજ્ઞાનની વિધ્યાર્થી છું એટલે આ વાત સાથે બહુ જલ્દી રીલેટ કરી શકુ કે માણસના વર્તનમાં આવેલો બદલાવ એ તેનું વ્યક્તિત્વ નહિં પણ એ રોગના લક્ષણો છે..આપણા દંભી સમાજની આ બહુ મોટી ખાસિયત છે કે એ તમને ભુલ કરતાં રોકશે નહી,પણ ભુલ કર્યા પછી જો તમે કાનુનની ઝપટમાં હશો તો તે તમને લુખ્ખી સહાનુભુતિ આપવા જરુર પહોચી જશે (અલબત ગુનો બહુ મોટો નહી હોય તો)
અને તમારી અંદર ચાલી રહેલા યુધ્ધને ઠારવા કે તમને ટેકો આપવા મિટિંગ થાય કે નહી પણ બિમારી વશ થયેલી તમારી ભુલનો ઢંઢેરો પિટવા લોકો એકઠાં જરુર થઈ જશે..

આ આખી નવલકથા એક સબડકે પુરી કરી મારો આખો રવિવાર રળિયામણો થઈ ગયો અને ફરી ફરીને મને ગૌરવ છે કે માનવની આ વૃતિ અને પ્રકૃતિને સમજવા માટેની તક બહુ પહેલા મને મનોવિજ્ઞાનની વિધ્યાર્થી બનીને મળી હતી અને આજે ફરી એ વાત પર રાજીપો થાય છે કે આપણે આસપાસ હજુ પણ એવાં લોકો છે કે સિગ્મંડ ફ્રોઇડની જેમ ઇડિપસ અને ઇલેક્ટ્રા ગ્રંથિ વિશે, જાતિય ક્રીડઓ વિશે અને આપણી જરૂરીયાતો વિશે આટલું સમજે છે..ડૉ.નિમિત ઓઝા અને ડૉ.કેયુર પરમાર અને બીજા ઘણા લોકો પોતાના લેખન અને પોતાના તબીબી જ્ઞાનને લઈને ખુબ સારો પ્રયાસ કરી રહ્યા આપણી માનવ પેઢીને મઠરાવાની બદલે એને જીવવાનો અધિકાર આપીએ નહી તો એ દિવસની શક્યતાઓ જરુર છે કે જ્યાં કોરોના પોઝિટિવના ઢગલાંની જેમ માનસિક સ્વાસ્થ્ય નેગેટિવના ટેસ્ટ પૂર ઝોરમાં થતાં હશે અને એ પોઝિટીવ આવશે તો સમાજ માટે ઘણુ દુ:ખદાયક હશે.

આ કથામાં મને સ્પર્શી ગયેલા કેટલાક વાક્યો..

“આપણે એ વાત ભુલી જઈએ છીએ કે નગ્નતા પ્રકૃતિની દેન છે.એ માણસે નથી બનાવેલી,એ ઇશ્વરે આપેલી છે.માણસ તો કાયમ નગ્નતાને ઢાંક તો આવ્યો છે, કારણ કે ઇશ્વરે આપેલી નગ્નતા મનુષ્યને મંજુર નથી.બીજા દરેક પ્રાણીઓએ જેનો સહર્ષ સ્વીકાર કર્યો છે,એ નગ્નતા સ્વીકારવામાં મનુષ્ય જાતિને પોતાની નજર નડે છે.કપડાંની શોધ એટલા માટે નહોતી થઈ કારક કે નગ્નતા ખરાબ છે,કપડાંની શોધ એટલા માટે થયેલી કારણ કે આપણી નજર ખરાબ છે.”

“પોતાની નજરને ઢાંકવાને બદલે મનુષ્ય આજ સુધી નગ્નતાને ઢાંકતો આવ્યો છે.”

“સમાજે લાદેલા નિયંત્રણોમાંથી છટકલો માણસ,કેટલો બધો અપ્રિય બની જતો હોય છે નહીં?”

“સિક્નેસ અને ઇલનેસમાં જો તમે તફાવત ન સમજી શકતા હો,તો એ તમારો પ્રોબ્લેમ છે.”

“કોઇનો અસ્વીકાર કરવો,એનો અર્થ  એ નથી કે એનો તિરસ્કાર કરવો.”

“પુરુષનો શ્રેષ્ઠ મિત્ર અને સૌથી મોટો દુશ્મન એટલે ટેસ્ટોસ્ટેરોન.”

“એ વાત કેટલાક લોકોને ક્યારેય નહી સમજાય કે પ્રેમ વગરનો સ્પર્શ અનુભવ આપી શકે,અનુભૂતિ નહિં.”

“સત્યની પ્રતીતિ શબ્દો કરતાં પરિસ્થિતિ હમેશાં વધારે સારી રીતે કરાવે છે.”

“સ્પર્શ-ભુખ્યો અને પ્રેમ-ભુખ્યો દરેક માણસ અંતે તો નિરાંતની શોધમાં જ નિકળતો હોય છે.”

“પુરુષ બહુ જલ્દી તૃપ્ત થઈ જનારો જીવ છે,એની જરુરીયાતો બહુ લિમિટેડ હોય છે,એટ ધ એન્ડ ઓફ ધ ડે ,એક પુરુષને જોઇએ છે શું ? બે ટંકનું ભરપેટ જમવાનું ,પૈસા કમાઇ શકાઇ તેવી નોકરી, ફ્રસ્ટેશન કાઢવા ગાળો બોલી શકાય તેવા બે મિત્રો,જીવતા રહેવા માટે સ્વાસ્થ્યને હાનિકારક હોય તેવુ કોઇ એક વ્યસન,વ્હિસ્કીના બે પેગ અને એક મસ્ત ઓર્ગેઝમ.”

“દીકરીના ખોળામાં માથું મુકવાથી જીવન મળતું હોય છે,મૃત્યુ નહીં.”

_પપ્પાની ગર્લફ્રેન્ડનો એક પ્રતિભાવ

પાત્રો :

સંવેદના અને સિધ્ધિથી ભરપૂર પિતા _ વિનાયક સાહેબ

દિકરી તરીકે લાગણીઓની અને સમાજની ઘટમાળમાં ઝઝૂમતી _ અમૃતા

એક યોગ્ય પુરુષ,પુત્ર,પતિ,પિતા અને જમાઇને છાજે એવું વ્યક્તિત્વ _ અભિનવ

સમાજના સંકુચિત તાણાવાણાથી ક્યાંય દુર એક ઊચ્ચ દ્રષ્ટિ રાખનાર એક પાત્ર _ સીમી

આ નવલકથા એટલે વૃતિ,પ્રકૃતિ અને સંસ્કૃતિની વચ્ચે સતત સંઘર્ષ કરતાં પુરુષની કથા.

આ પુસ્તક વાંચવા માટે ભાવનગર વાસી બુક્પ્રથામાં નિરજભાઈ મેઘાણીનો સંપર્ક કરી શકે અને ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.

https://www.bookpratha.com/book/Pappa-Ni-Girlfriend-Gujarati-Book/158300

_હિરલ જગડ 🥰

Uncategorised

ભાખરી❤

સવાર પડેને માઁ મીઠડુ વ્હાલ વહેંચતી,
ભાખરીમાં જાણે માઁ પ્રેમ પીરસતી,

ઊઠીને રસોડામાં સૂર્યોદય કરતી,
લાઈટરની મદદથી આળસ સળગાવતી,
ભાખરીમાં જાણે માઁ પ્રેમ પીરસતી,

મુકે એ
ચ્હા
બહુ
ચાહથી,
ભૂકી,
આદું,
ખાંડ સાથે હેતને સરકાવતી,

લોટ
લઇને કથરોટમાં મીઠું અને મોણ નાખતી,
પોચા
હાથે પછી કેવો કઠણ લોટ એ બાંધતી,
ભાખરીમાં જાણે માઁ પ્રેમ પીરસતી

તાવડીને ચુલે ચડાવતી,
તેનાં પરની પોપડીની સાથે ઘરના કંકાશને ઉડાડતી,

પાટલી

અને

વેલણથી
ગોયણાને વણતી,
પછી
તાવડીમાં ધીમે આંચે તપાવતી
ભાખરીમાં જાણે માઁ વ્હાલ પીરસતી,

ભાખરીની
ભાત
સાથે
સ્નેહને
ટાંકી
કડક
છતાં પોચી
કોણ
જાણે

કેમ
ભાખરી બનાવતી…!!

અંતે
ઘી
ની ચમચી
ભરી
દિવસ આખાની ઊર્જા
ભાખરીમાં રેડતી,
ટોચા મારીને
ભીતરે ઊર્જા ઠાલવતી,
સવાર પડેને માઁ પ્રેમ પીરસતી.

મમ્મીની વિદાયને 20 વર્ષ થયા..
પણ એ ભાખરીનો સ્વાદ સ્વાદેનેદ્રિયમાં અકબંધ છે…!

જો કે અમે ત્રણે બહેનોએ સ્વાદને યથાવત જાળવી પાકશાસ્ત્રમાં ઘણી સફળતા મેળવી છે…

પરન્તુ આજે પણ એ વ્હાલસભર ભાખરી અને ભાવસભર ભાવનામાઁ ને મારી આંખો સતત શોધે છે…!!

~Heer _Hiral Jagad

Uncategorised

તેરે મેરે મિલન કિ યે રૈના…🥰

એક પતિ અને પત્નીની વાત બંને એકબીજાંને લગ્ન પહેલા બૅ વર્ષથી ઓળખતા હતા,વાતો થઈ મુલાકાતો થઈ અને પ્રેમ થયો લગ્ન કરવાનું નક્કી થયું અને લગ્ન થયા બંનેને એકબીજા માટે પ્રેમ અને સન્માન ભરપુર રાખતા.

સમય વીતતો ગયો અને ધીરે ધીરે એકબીજાની ખામીઓ ખુંચવા લાગી..પતિના સ્વભાવ મુજબ તે વધુ બોલે નહી અને પત્નીના સ્વભાવ મુજબ એને બોલ્યા વગર ચાલે નહિં..શબ્દોથી લઈને ઘરના સગ્રહ સુધીની વાતો ચાલે અને આખો ઝઘડો એક મોટુ રુપ લઈ લે..મોટાભાગે એમ થતુ કે બે માંથી એક સોરી કહે , ભાવતી વાનગી બનાવી લે કાં પછી એકબીજાને ભેટી લે અને મામલો પાછો થાળે પડી જાય.

સંબંધની આ સુંદર વાત છે કે જ્યાં ઝઘડો થાય પણ એ પાણીના ખાબોચિયાની જેમ ગંધાતો નથી પણ પાણીના ઉભરાની જેમ આવીને સમી જાય છે. જ્યાં ઝઘડો લાંબો ટકે નહી એ સંબંધ અંબુજા સિમેન્ટ કરતાં પણ વધુ ટકાવ હોય છે.

આ પતિ પત્નીમાં એક ઝઘડો એવો થયો કે ઝઘડા સાથે વિયોગ આવ્યો અને બંનેને મનાવવાનો મોક્કો જ ન આવ્યો…અંતે વાત વટ પર ગઈ અને છુટા પડવાથી લઈને છુટાછેડા સુધીના વિચારો પૂર જોશમાં ચાલ્યા.

બંને છુટાછેડા લેતા પહેલા એક મુલાકાત ગોઠવી મુલાકાતમાં પત્ની એ એક પ્રસ્તાવ મુક્યો કે આપણે એકબીજાને ગમતાં ગીતો કે કવિતા કહીશું પતિએ સ્વીકાર કર્યો અને એક સપ્તાહ પછીની મુલાકાત માટે બંનેએ તૈયારી શરૂ કરી ઍકબીજાને ગમતાં ગીત અને કવિતા શોધવામાં એકબીજાને ગમતું ઘણુંબધું જડ્યુ કેટકેટલું મળી આવ્યો સાથે થોડી સમજણ પણ આવી કે આપણે ગમતું કરવાનું અવગણી છીએ એટલે જ બધું થઈ રહ્યુ છે વ્યક્તિ સાથે વિસ્તરવાનું અને વિક્સવાનું છે.

એ આઠ દિવસના અંતે બંનેના મતભેદો છુટા થયા અને બંને ફરી એક થયાં.

♡ Share Love ♡

ક્યાંક આપણે આવું શોધવાનુ ભુલી ગયા છીએ ક્યાંક આપણે એક સપ્તાહ ચુકી ગયા છીએ ક્યાંક આપણે આપણી વ્યક્તિને ઍની અંદર ઉગેલા લાગણીના છોડને મુરજાવી રહ્યા છીએ..💫વિચારજો..🌺

_હિરલ એમ જગડ ‘હીર’ 

Uncategorised

ચાર્જર 💜

ફોનની બેટરી ચાર્જ કરવા માટે કંઈ કંઈ વસ્તુની જરુર પડે?
એક ઍડ્પટર
એક ફોન
એક એની યોગ્ય પીન
અને
વીજળી આ બધાનું યોગ્ય આયોજન અને ગોઠવણ થાય ત્યારે એક ફોનની બેટરી ચાર્જ થાય.

માણસનું અને એના મનનું પણ  કશુંક આવું જ છે એને  ચાર્જ કરવા માટે
એક યોગ્ય વાતાવરણ
એક સંબંધ
એક લાગણી
અને
વ્યક્તિની જરુર પડે..

Keep 😊

પણ આમા પણ આયોજન અને ગોઠવણ તો ખરી જ
જેમ સી પીન, રેગ્યુલર પીન,એન્ડરૉડ પીન,આઇફોન પીન નોખી નોખી આવે અને એ પ્રમાણે ચોકક્સ ફોન ચાર્જ થાય

આના જેવુ જ  દરેક વ્યક્તિનું  છે તેને ચાર્જ કરવા માટે જુદા જુદા વ્યક્તિત્વની આવશ્યકતા પડે..

ઘણી વાર બન્યુ હશે અથવા તો કોઇ જગ્યાએ આ સાંભળ્યું હશે કે,
” મેં આજ જ વાત દસ વાર કહી પણ મારુ કંઈ માન્યુ જ નહી અને તમે કહી તો તરત વાત સમજાય ગઈ “
“મેં મનાવ્યું તો માન્યા જ નહી રિસાયેલા જ રહ્યા”
“મારી સાથે એનું જરાય જામે જ નહિં “
“અમારે છત્રીસનો આંકડો હો”
” એ મારી વાતનું માન રાખશે”
“એમાં કંઈ વિચારવાનું ન હોઇ બિન્દાસ ફોન કરી દેવાનો મને”
“હું બેઠો છુ ને”
“ઘરના લોકો જ છે” આપણે રોજના આવા કેટલાય શબ્દો સાંભળતા હોઇશું અને સંભળાવતા પણ હોઇશું કેટલુંક કહેતા હશુ તે કરતાં હોઇશું અને કેટલુંક ન કરવાનું પણ કરતાં હોઇશું વાત એમ છે કે દરેક માટે કોઇ એક વ્યક્તિ ચાર્જર ન હોઇ શકે અને દરેકની બેટરી ચાર્જ થવામાં એક સરખો સમય પણ ના લાગે

વાત સમજવાની એટલી જ છે કે માનવીમાં ખુટી પડતી લાગણી ,સંવેદન ની બેટરીને ચાર્જ કરવા માટે આપણે તત્પર રહેવુ પડશે..

🤘🧘‍♀️🧘‍♂️🤘

આપણા  ફોનની બેટરી સવાર પડે એટલે ચાર્જ કરીને રાખીએ છીએ..સંકટ સમયની સાંકળ તરિકે એક એક્સટ્રા ફોન અને પાવર બેંક પણ રાખીએ..આવી કોઇ સગવડ આપણા મન કે જીવન માટે છે ? જીવનની બેટરી લો (low) પડી જાય તો કયાં જઈને ચાર્જ કરો છો? જાતની જાળવણી માટે ગોરિલા કે ટફન ગ્લાસ રાખો છો? સલામતી માટેનો કોઇ પાસકોડ વાપરો છો ?

તમારા માટે ચાર્જર કોણ ?

તમે કોઇનું ચાર્જર છો ?

તમારા પર કોઇ આધાર રાખી શકે ?

તમે કોઇનો આધાર છો ?

તમે એનર્જી વધારો કે ઘટાડો ?

🤞🤝🤜❣🤛🤝🤞

નાના મોટા સવાલો પૂછજો..જાત સાથે થોડી વાતો કરજો અને યોગ્ય પીન વાળો કોઇ સંબંધ મળી જાય એટલે પોતના મનની બેટરીને ચાર્જ કરી લેજો.

_હિરલ જગડ 🌺

Uncategorised

Schizophrenia

વ્યક્તિ પાસે બે જગત હોઈ છે એક વાસ્તવિક અને બીજું કાલ્પનિક..આ બંને વચ્ચે જ્યારે વિખવાદ સર્જાય ત્યારે સમસ્યાનો જન્મ થાય છે..!

અને ધીરે ધીરે તે રોગ બની મનોરોગ બની બહાર આવે છે..વિશ્વભરમાં સૌથી વ્યાપક અને ગંભીર પ્રકારની મનોવિકૃતી એટલે છિન્ન મનોવિકૃતી.

વર્તમાન સમયમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. અભ્યાસો સૂચવે છે કે 24 લાખથી વધુ દર્દીઓ માત્ર યુ.એસ.એ.માં છે..!

આ રોગનો ઇતિહાસ જોઈએ તો 1860માં બેલ્જિયનમાં મનોચિકિત્સક મોરલને સૌ પ્રથમ આ રોગના લક્ષણો તેર વર્ષના બાળકમાં દેખાયા..!
તે બાળક ઘણો પ્રતિભાશાળી હતો વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતો પરંતુ એકાદ વર્ષમાં તેનામાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો..તેનો અભ્યાસમાંથી રસ ઊઠી ગયો..વધુ ને વધુ ઉદાસ રેહવા લાગ્યો.. હરવું ફરવું બોલવું સદંતર ઓછું કરી દીધું..યાદશક્તિ બિલકુલ ચાલી ગઇ..પોતાના નજીકના સ્નેહીજનને મારી નાખવાની વાતો કર્યાં રાખે..!

આ બધા લક્ષણોને અસામાજિક મનોહાર્શ તરીકે ઓળખાવ્યો..ધીરે ધીરે બીજા કેટલાક મનોચિકિત્સકોના અભ્યાસોમાં પણ આવા લક્ષણો નો ઉલ્લખે જોવા મળ્યો અને જાણવાં કે આ રોગ માત્ર કિશોરાવસ્થામાં જ નહિ પુખ્ત વયમાં પણ જોવા મળે છે..DSM-4 નોંધે છે કે છિન્ન મનોવિકૃતીના ઉપચાર માટે આવતા 40% પુરુષો અને 23% મહિલાઓમાં 19 વર્ષની ઉંમર પહેલા આ રોગ શરૂ થયેલો હતો..!

વ્યક્તિત્વ ત્રણ તત્વોનું બનેલું છે..
1) તત્ (id)
2) અહમ્ (ego)
3) ઉપરી અહમ્ (super ego )

Schizophreniaઆ રોગ દરમિયાન ઉત્પન્ન થતા અવરોધોના કારણ અહમની મનોજન્ય નબળાઈ અથવા રસાયણજન્ય, કોષતંતુજન્ય,જનીનજન્ય કે મનોજન્ય અથવા સંયોજન રૂપે હોઈ શકે..લાંબા સમય સુધી ‘અહમ્’ ના મૂળભૂત કાર્યોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું જ હોતું નથી અથવા બહુ જ ખરાબ રીતે પ્રાપ્ત કર્યું હોય છે તે વાસ્તવિકતા સાથે પૂરતો સંપર્ક જાળવી શકાતો નથી.તેથી વિચારણા ઈચ્છાપૂર્તિ રૂપ તરંગો કે જે બાલ્યાવસ્થાને યોગ્ય ગણાય એ કક્ષાએ સ્થગિત થઈ ગઈ હોય છે.તે પોતાના વિચારો અને પ્રત્યક્ષીકરણને અર્થપૂર્ણ રીતે વ્યકત કરી શકતો નથી.તેના અહમના બચાવની વ્યવસ્થા એટલી નબળી બની ગઈ હોય છે કે તે પોતાના વિશેના ઉપયોગી ખ્યાલને ટકાવી શકતો નથી..!!

24 મે schizophrenia Awareness Day તરીકે ઉજવાય છે.

આજના સમયમાં માણસ મગજ ઉત્તમ કરવા લાગ્યો છે પણ ક્યાંક એનું માનસ ખંડિત થઈ રહ્યું છે જેની એને જાણ હોય છતાં ઉપચાર કરવા માટે કોઈ જ કાર્ય કરતો નથી..આ તો કેવી વાત છે કે આપણા શરીરના કોઈ અંગમાંથી સતત લોહી નીકળે છે પણ આપણે એનો ઈલાજ કરવાને બદલે એવું વિચારો છો કે..” હાય હાય લોકો શું કહેશે…”

” મારે કોઈ તબીબની જરૂર નથી..”

અને આવા અસંખ્ય વાક્યો આપણી પાસે હાજરાહજૂર હોય છે જ્યારે વાત માનસિક સ્વાસ્થ્યની આવે છે..અઢળક શિખામણોનો ઢગલો કરી શકીએ છીએ પણ કોઈ તજજ્ઞ પાસે સાચી સલાહ લેવા જતા નથી..આમાં ઓછપ અને આંતરિક ભીતિ જ અનુભવતા હોઈએ છીએ..!

આવા દિવસો માત્ર દર્દીઓ માટે નથી ઉજવાતા પણ એટલા માટે ઉજવાય છે કે..જે લોકો ધીમે ધીમે દર્દી બનવા માટે તૈયાર થઈ રહ્યા છે તેમના માનસમાં છપાયેલી ખોટી વ્યાખ્યાઓ દૂર થાય અને તેમના શરીરની કાળજી જે રીતે કરે છે તેટલી જ ચોકસાઈ તે તેના મન..મગજ.. માનસ..મનોદશા (mood) ની રાખે.. આપણું ભાવિ પાંગળું બનતા અટકે..આપણી આસપાસ શારીરિક..માનસિક..આધ્યત્મિક..આવેગિક રીતે સ્વસ્થ એવો સમાજ વિકસે..!

Think About It😊

સારવાર કરતા સાવચેતી સારી…

#Heer 
#SchizophreniaAwarenesDay珞
#Wecare✨
#MentalHealth✌️
#psychology
#HealthyNation
#HealthyUs

Uncategorised

તરવરાટ કરતું તરુણીયું🤳

બહુ ચર્ચિત છે પણ જેની ચર્ચા નથી થતી એવું શું છે ખબર છે..જાતિય સંબંધની વાતચીત.

ટીનએજમાં ખાલી ખીલ ફૂટી નથી નીકળતા પણ કેટલીક આવેગિક ઈચ્છાઓ પણ ઉગી નીકળે છે..કેટલાક જાતીયતાના સપનાંઓનું વિશ્વ રચાય છે..કેટલાક સેક્સના સાહસ કરવા તૈયાર થાય છે આ બાળકમાંથી પુખ્ત બનવા જઈ રહેલો તરુણ.

મોટાભાગનાં માતા-પિતા એવું માને છે અને માનીને બેસી જાય છે કે આપણે આપણા સંતાનને આ બધું નથી કહ્યું એટલે એ આ બધી વાતોથી બહુ દૂર છે..પણ આ શાંતચિત્તે બેઠેલા માવતર એ ભૂલી જાય છે કે તમારું તરુણાવસ્થામાં તરવરાટ કરનારું તરુણીયું આ જ પૃથ્વી પર જીવે છે અને એ આંખો – હાથ – પગ કરતાં પણ આંગળી અને અંગુઠાનાં વેઠે પોતાની મરજી મુજબનું વિશ્વ જુએ છે.

એને ઠીક લાગે એવા મૂલ્યો તે બનાવે છે અને એવી રીતની જીવનશૈલી અપનાવે છે..પણ એ પ્રશ્ન એ છે કે આમાં આપણે શું કરી શકીએ ?
થોડા દિવસ પહેલા સમાચારમાં bois loker roomની આખી ઘટના સામે આવી.

આખી ઘટનાનો સારાંશ એટલો છે કે પંદર સત્તર વર્ષના તરુણને એમ લાગે છે કે અશ્લીલ વાતો કરવી સહજ છે એના કરતાં પણ વધારે એને એમ લાગે છે કે આવી વાતો કરવાથી એની મર્દાનગી સાબિત થાય..બીજી રીતે અને પછીના સમચાર પર જઈએ તો કોઈ એક તરુણ છોકરીને લાગે છે કે કોઈની ઈજ્જત ઈન્ટરનેટની ભરી સભામાં ઉછાળીને મૂકી દેવી એ ખૂબ યોગ્ય રસ્તો છે બદલો લેવાનો કે વેર વસૂલ કરવા આવું જ કરવું જોઈએ ફેક આઇડી બનાવી શકાય આવું કરી શકાય..કોઈના નગ્ન શરીરને આમ સોશીયલ મીડિયા પર વહેતું કરી શકાય.

આ વાત હજુ ચાલી રહી છે પોલીસ અને સાઈબર ક્રાઈમના ઓફિસરો શોધી લેશે કે ખરેખર પ્રત્યક્ષ રીતે કોણ દોષી છે…પણ આપણે બધા પરોક્ષ રીતે દોષી છીએ.

આપણે સેક્સ બોલતા અટકાઇ જઈએ છીએ અને આપણા સંતાનો સાથે આના વિશે વાત કરતાં ગભરાઈએ છીએ..એની સાથે મહાભારત અને રામાયણ જોઈ શકાય પણ ચુંબનનો કોઈ સીન આવે એટલે તરત ચેનલ ચેન્જ કરી લઈએ છીએ..

શું કામ ?
ચેનલ ચેન્જ કરવાથી એની જિજ્ઞાસા ચેન્જ થઈ જશે ??
માત્રને માત્ર યોગ્ય વાતચીતના અભાવના કારણે આવા દુષણો ફેલાઈ છે અને પછી આપણે પોર્ન અને ઈન્ટરનેટને ગાળો આપી દઈએ..બે પાંચ દિવસ સંતાનનો ફોન હડપ કરી લઈએ અને આમ કરવાથી આપણે સમજીએ કે આપણે યોગ્ય માવતર બનવાની તક જડપી લીધી પણ તમે એની અંદર પ્રવેશી ગયેલી વૃત્તિ બદલી શકશો ?
જાતિય જીવન અંગે આપણે વાત કરતા ગૂંગળામણ અનુભવીએ છીએ અને આ ભૂલના કારણે આપણા સંતાનોને વર્ચ્યુઅલ સેક્સ , ગંદી કમેન્ટ, રેપ (બળાત્કાર) કેમ કરવો તેનું આયોજન,ગાળો કેવી રીતે બોલવી,ક્યાં બોલવી,રીલેશનશીપમાં માણેલી ક્ષણોને કેમ બ્લેકમેઇલ લિસ્ટમાં મૂકી શકાય , કેવી રીતે કોઈના શરીર અને ભોળપણનો લાભ લઈ શકાય અા બધું શીખે છે.

તૈયાર થઈ જાઉં વારંવાર તમારા સંતાનોને મોઢેથી ગાળો સાંભળવા માટે જે અત્યારે તેના મિત્રો સામે બોલે છે એ ધીરે ધીરે તમને પણ એનું સાચું સ્વરૂપ બતાવશે..કોઈ એવા લિસ્ટમાં સંતાનનું નામ હશે કે જે ગુનાહિત પ્રવૃત્તિથી ખદબદતું છે અને તમે માત્રને માત્ર એને સારા પર્સનટાઈલ લાવવા માટે દબાણ કરતા રહેશો…કદાચ એમાં પણ એ ટોપ પર હશે.

ફર્ક એટલો હશે કે અહીં તમને સુખની જગ્યાએ દુઃખ વધુ હશે તમારી આંખોમાં ચમકની જગ્યાએ શરમ હશે..તમે કરેલા કાર્ય પર તમારી છાતી ગદગદ ફૂલવાની જગ્યા પર એ છાતીએ દુખાવો ઉપડયો હશે..ભૂલ ભરેલા ઉછેર કર્યાનો એક વસવસો હશે.

આપણા સમાજમાંથી ખાલી ધીરજ ઓછી નથી થઈ પણ કેટલાક મૂલ્યો ભુસાઈ રહ્યા છે એ પણ ભીના પોતેથી જેને છાપ પણ લુંછાતી જાય છે..માધ્યમનો ઉપયોગ કરો પણ માનસ નો પણ ઉપયોગ કરતાં આપણે શીખવું પડશે..સંવેદન..સહાનુભૂતિ..સારપ આ બધું જીવંત રાખવું પડશે..જાતિગત તફાવત અને જાતિગત સ્વમાન શીખવાડવું જ રહ્યું..એનાથી આખી રહેજે..કહી દેવાથી આપણે ઉપરછલ્લો ડોળ કરવાનું બંધ કરી સમજણ વાવવી પડશે..એનો છોકરો આડે રસ્તે જાય છે કહીને કોલર ઉંચા ચડાવવાની મજા કરતાં સંતાનને એક સચોટ અને યોગ્ય દ્રષ્ટિ આપવી પડશે એ પારખવાની કે આ ખોટું છે. મને કરોડોનો લાભ થતો તો પણ આ અયોગ્ય મૂલ્ય હું નહિ લાવું મારા જીવનમાં.

સોશીયલ મિડીયા અને મિડિયમને હાઈ કરવામાં મૂલ્યોના રિચ ઓછા થઈ ગયા અને સાલું બધા કહે છે કે આપણે રીચ થઈ ગયા.

#Heer 💭

Uncategorised

પૂછી જો જોને…🌺

આપણને શું ગમે છે અને શેમાં મજા આવે છે ?

છેલ્લા કેટલાક અઠવાડિયાથી આપણે ઘરમાં બંધ છીએ
પણ આપણું માનસ આજીવન કદાચ બંધ થઈ રહ્યું છે એને માનસની જન્મટીપ મળી રહી છે.

આપણામાંથી મૂલ્યો,સંવેદના,ભાવ,સમભાવ, આદર,કદર,ફરજ,નિષ્ઠા,જવાબદારી,વફાદારી,

સાહસ, ટેકો,નૈતિકતા, વગેરે કેટલાય શબ્દો ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે.. કોરોનાના પ્રજીવક ફેફસામાં ચોંટી જાય છે તેવી રીતે વિચિત્ર પ્રકારની માનસિકતા આપણા દ્રષ્ટિકોણમાં ચોંટી ગઈ છે.

આ કોરોના એક સમયે જતો રહેશે પણ આપણે અને આપણી આ માનસિકતા બદલાશે ખરી ?

કેવા પ્રકારની માનસિકતા ?

1. કોઈને ઉતારી પાડવામાં મજા છે..

આ એક વિધાન છે જેને આપણે પુરવાર કરીએ છીએ..આપણા સમાજમાં વારંવાર આ જોવા મળ્યું છે કે આપણા આનંદનું કારણ આપણે કશુંક પામ્યું છે તેના કરતાં પણ બીજા પાસે એ ન હોઈ તે લાગણી વધુ આનંદ આપે છે..હું સધ્ધર છું એના કરતાં પણ તારા કરતાં અધ્ધર છું આ વાતથી આપણી છાતી ગદગદ ફુલતી હોય છે..ઘણા રસમો અને રિવાજો પણ છે આવા આપણા સમાજમાં (ફટાણા) સાથે સાથે અત્યારે ચાલી રહેલો એક ટ્રેન્ડ કે યુટ્યુબ જેવાં પ્લેટફોર્મ પર આવીને લોકો મરજી પડે તેને ગાળો આપી શકે..અને એને પટકી પાડી શકે અને આ લોકોને હજારો – લાખો અને કરોડોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ મળે..ચાર બીજા ડિજિટલ મીડિયા પર તેની ચર્ચા થાય..આઠ બીજા લોકો તેના પર નવું કંઇક ઉમેરણ કરે અને સોળ બીજા લોકો તેમાંથી સારું શીખવા જેવું શોધે અને હજારો લોકો તેની વાહવાહી કરે..(કેટલાક અનલાઈક પણ કરે )

ટૂંકમાં આ બધાથી એક માનસિકતા ખબર પડે છે કે આપણને આનંદ આવે છે બીજાની તકલીફ જોઇને..એ બર્થડે પર બર્થડે પર્સનને લાત મારી કે એને સેલોટેપથી બાંધીને એના પર ઠંડુ કોક રેડવામાં હોઈ કે પછી નાની મોટી વાતોથી કોઈને ક્રિટીસાઇઝ કરીને હોઇ..કોઈના શરીર ઉપર કે એના દેખાવ પર ગમે તેમ કમેન્ટ કરીને હોય કે એના અવાજ અને વાતો પર પોતાનું દબાણ ઊભું કરવું.. આ બધામાં આપણને મજા આવે છે.

કોઈ પણ વિડિયો/મોબાઈલ ગેમ ઉપાડી લો તે બધામાં આપણે ક્યાંકને ક્યાંક બીજાને મારીને કે હરાવીને આનંદ લઈએ છીએ..હાલના તબક્કે ખૂબ ચાલતી લૂડો ગેમ જ જોઈ લો..પોતાની કૂકરી સહીસલામત ઘરે પહોંચી હોઈ તેના કરતાં બમણો આનંદ આપણે બીજાની પાક્કી કૂકરીને મારીને મેળવીએ છીએ..આપણે જીતવા કરતાં બીજાની હારને વધુ ઉજવતાં થઈ રહ્યા છીએ અને આ કોરોના કરતાં પણ વધુ કરુણ છે વધુ દયનીય છે વધુ તકલીફ પેદા કરનારું છે.

2. જાતીયતા એક ખીલવાડ..

જાતિય સુખ એ દરેક પ્રાણીની એક જરૂરિયાત છે પણ આજે અહીં પણ પ્રશ્નો વધ્યા છે બળાત્કાર કે છેડતી તો ખરાં જ પણ એના સિવાય પણ બીજું એક પાસું છે.

થોડા દિવસ પહેલા સમાચારમાં એક સર્વે આવ્યો હતો જેના તારણ સ્વરૂપે જોવામાં આવ્યું કે લોકડાઉનમાં પોર્ન સાઈટ્સને વધુ રીચ મળી રહ્યું છે મતલબ કે ત્યાં લોકો વધુ સમય ફાળવી રહ્યા છે..હવે પોર્ન જોવું એ પુખ્ત વ્યક્તિ માટે બહુ સહજ છે..પણ આ પોર્નમાં પણ વધુ આક્રમક પોર્ન આપણને જોવા વધુ ગમી રહ્યા છે જેનો સીધો સીધો સંપર્ક આપણી આગળની વાત સાથે છે કે આપણે નિર્ભયા કેસ સાથે કરી શકીએ..એ વ્યક્તિને જે આ આખા સામૂહિક બળાત્કારમાં મહત્વની કડી હતો તે આ વાત કબૂલે છે.. સ્વીકારે છે…ઘણા ઘરોની અંધારી રાતોમાં પડતી મૂંગી ચીસો પણ આ વાતની સાબિતી છે પણ એ ક્યારેય આપણને સંભળાતી નથી અને કદાચ આપણને એ સાંભળવામાં રસ પણ નથી.

કેમ ?
શું કામ ?
શા માટે ?

આપણે ખરેખર વિકસી રહ્યા છીએ ?
આપણે ખરેખર આગળ વધી રહ્યા છીએ ?
આપણી ટેકનોલોજી અને આપણું જ્ઞાન આ છે ?
આપણા વિચારોનું અને વ્યક્તિત્વનું પતન એ આપણી સિદ્ધિ છે ?
આપણી ગતિ પ્રકાશમાંથી અંધકાર તરફ જાય તે આપણને મંજૂર છે ?

લોકડાઉનમાં દિવસો ગણો છો..એક વાર આપણી જાતની પણ ગણતરી માંડીએ..

શું તેને પણ આવી માનસિકતાનું ઘેલું તો નથી લાગ્યું..!

શું આપણે સર્વે ભવન્તું સુખી: માં માનીએ છીએ ખરા !

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चिद्दुःखभाग्भवेत् ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

પૂછી જો..જો..
#Heer 

Uncategorised

તમારા પર શેનો પ્રભાવ છે ???

1. Authority
આપણે હંમેશા જોયું છે કે જ્યારે જ્યારે પણ કોઈ સૂચન અથવા તો વાત કોઈ ઉપરી અધિકારી કે વધુ ઊંચી સત્તા ધરાવનાર વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હોય તો તેને આપણે માનીએ છીએ,સ્વીકારીએ છીએ અને પાળીએ છીએ.

શું કામ આવું ?
જૂની કહેવત છે

“સત્તા સામે શાણપણ ન ચાલે”
એ તો ખરું જ પણ સાથે સાથે આની પાછળ માનવીય સ્વભાવ (Human Nature) કામ કરે છે..આપણાથી ઉંમર કે હોદામાં જે કોઈ આપણાથી ઉપર છે તેની વાત આપણે વધુ લાંબુ વિચાર્યા વગર સ્વીકારતા હોઈએ છીએ..જેમકે ડોકટર,શિક્ષક,નેતા,ઘરના વડીલો,મોટા ભાઈ બહેન વગેરે.

2. Scarcity
આપણે હંમેશા વસ્તુ/ સંબંધ ગુમાવવાનો ડર રાખતા હોઈએ છીએ એ ડરના કારણે માર્કેટિંગ વેલ્યુ પર એની અસર પડે છે આ સબંધોની અને સંસારની બંને માર્કેટમાં થાય છે.

જેમકે આપણે જે સંબંધને બચાવવા અથવા વધુ સાચવવા માંગતા હોઇએ તેમાં જ વધુ સમસ્યાઓ ઊભી થતી હોય.

જે વસ્તુની અછત સર્જાય કે પછી માંગ વધુ હોઈ તેની વેલ્યુ આપોઆપ વધી જતી હોય…હમણાં જેમ આપણે માસ્ક અને સેનીટાયઝરમાં જોયું.

એવી જ રીતે જ્યારે આપણી સામે કોઈ એવી ઓફર કરે કે આ કામથી તમે 500/- કમાઈ શકશો તો કદાચ આપણે એ કામ ન કરીએ પણ જો એમ કહેવામાં આવે કે આ કામથી તમે 500/- નું નુકશાન થતાં બચાવી શકશો તો આપણે ઝડપથી આ કાર્ય કરીશું..ટૂંકમાં આપણે વસ્તુ ગુમાવવાથી ડરતા હોઈએ છીએ.

3. Social Proof
ઘરના બધા સભ્યો કોઈ એક નિયમ બનાવે અને જો બધા પાલન કરે તો આ સોશીયલ પ્રૂફ છે એટલે કે આપણે આપણા સ્વભાવ પ્રમાણે મોટાભાગના લોકો જેવું વર્તન કરવા ટેવાયેલા છીએ..જેને આપણે ઘણી બધી રીતે જોઈ શકીએ લોકડાઉનના શરૂઆતના તબક્કામાં ચાલતી જુદી જુદી #challange આનું તાજૂતાજુ ઉદાહરણ છે ઉપરાંત બધા કરે છે તો આમાં કંઇક ફાયદો હશે જ એમ માનીને ચાલવું તે પણ સોશીયલ પ્રૂફ છે એક આખો દાયકો સાઈન્સ સ્ટ્રીમનો હતો હવે સરકારી નોકરી પાછળ દોડ આ ગાડરિયો પ્રવાહ પણ શોસિયલ પ્રૂફ જ છે.

“ઘેટાં પાછળ ઘેટું ચાલ્યું સમજણની અહીં રેલી થઈ ગઈ.”~મિલિન્દ ગઢવી

4.Reciprocation
“પ્યાર દો દો પ્યાર લો..”

એટલે કે જ્યાર આપણે કોઈ રીસોર્શ શેર કરીએ છીએ ત્યારે બદલામાં આપણને કંઇક મળશે તેવી એક પેટર્ન આપણી અંદર બની ગઈ હોય છે..એ ગિફ્ટ,કોઈને આપેલો સમય કે આપણે કરેલી ચેરિટી પાછળ પણ આપણા સારા કર્મનું ઘડતર કરવાનું આયોજન હોય છે..એટલે કે આપણે સ્વભાવગત રીતે આ સિધ્ધાંતને અનુસરીએ છીએ.

અહીં પાડોશી સાથેનો વાટકી વ્યવહાર,લગ્ન પ્રસંગે થતો જલસો હોય(ચાંદલો પણ) અને સફરમાં શેર કરેલા થેપલા હોય  આ બધી જગ્યાએ બાબતને લાગુ પાડી શકાય.

5. Commitment & Consistency


“एक बार जो मैंने कमिटमेंट कर दिया तो में अपनेआप की भी नहीं सुनता”


“प्राण जाए पर वचन न जाए”


આવા ડાયલોગ આમ જ નથી આવ્યા આ આપણી વર્તણુક બતાવે છે..આ મુદ્દાને સમજાવતા લેખક લખે છે કે જ્યારે આપણે કોઈ બાબતને બધાની સામે સ્વીકારી લઈએ છીએ ત્યારબાદ આપણે એમાંથી પાછા ફરતાં નથી.
કેમ ? કેમ કે આપણને તે ખૂબ યોગ્ય લાગે છે ?
ના કેમકે વારંવાર પોતાના નિર્ણય બદલવા અને કહેલી વાત પરથી ફરી જવું એ વાત વ્યક્તિત્વને હાની કરે છે..મનોવૈજ્ઞાનિક કારણ એમ કહે છે કે આપણે આપણા વ્યક્તિત્વની રક્ષા કરવા આપણા વચન પર અડગ રહીએ છીએ.

કોઈ મોટી કંપની આ વસ્તુને પોતાની માર્કેટિંગ વેલ્યુ અને આવક વધારવા માટે ઉપયોગમાં લે છે.

આપણા સમાજની અંદર પણ નજર કરો તો કેટલા બધા દંપતી એવા જોવા મળશે કે જે માત્ર સમાજમાં શાન અને પોતાના વચન પર અફર રહેવા માટે જીવન જીવે જાય છે..રોજિંદા ઝઘડા અને માનસિક ખેંચતાણ હોવા છતાં.

6. Liking


આપણે કોને પસંદ કરીએ છીએ ??
સુંદર હોઈ,આપણા જેવું હોય,સમાન લક્ષ્ય ધરાવતું હોય વગેરે આ બધાને આપણે પસંદગી પાત્ર ગણીએ છીએ અહીં આવા લોકોને આપણે પસંદ કરીએ છીએ એટલું જ નથી પણ આપણે એ લોકોની વાત ઝડપથી માની પણ લઈએ છીએ..કોઈ યુવકને તેને ગમતી છોકરી દ્વારા કોઈ અફવા સાંભળવા મળે તો તેના પર તે તાર્કીકતાથી નહિ પણ લાગણીવશ બનીને વિચારશે.આવા જ સ્વભાવના કારણે આપણે જાહેરાતોથી આકર્ષાય અને ન જોઈતી વસ્તુઓ ખરીદી લેતા હોઈએ છીએ ધીમે ધીમે કોઈ માટેનું લાઈકિંગ એટલું વધી જાય છે કે આપણને એની ખોટી અથવા તો ખરાબ વાતને પણ સાચી અને યોગ્ય જ ઠરાવી દઈએ છીએ..જેમકે કોઈ ગુંડા કે ગેંગસ્ટરની માતા એ સ્વીકાર નથી કરતી કે પોતાનો છોકરો ગુંડો હોઈ શકે.

આ છ મુદ્દાઓની ચર્ચા મેં અહીં
INFLUENCE THE PSYCHOLOGY OF PERSUASION પુસ્તકમાંથી કરી છે.
આ પુસ્તકમાં Robert B. Caildini એ માર્કેટિંગ અને જીવન વ્યવહારના સિદ્ધાંતો સમજાવ્યા છે જેની આપણે ઉપર વાત કરી.
આવા પ્રકારની સેલ્ફ હેલ્પ બુક્સ જો તમને પણ ગમતી હોય તો વધુ એમઝોન કિંડલ કે ઓડીબલ પર જઈને વાંચી/સાંભળી શકો છો..આ પુસ્તક વિશે વધુ કંઇ માહિતી જોવે તો કમેન્ટ કરીને ચર્ચા પણ કરી શકો છો.

હીર

💭

#વિચાર #thought #blog#Heer