Uncategorised

ઉતરાયણ 🪁

ઉતરાયણ
મકરસંક્રાંતિ
ખિયર

આ બધા નામથી જાણીતો નવા વર્ષનો પહેલો તહેવાર
જે પહેલા ૧૪ જાન્યુઆરીએ ઉજવાતો અને હવે ૧૫ જાન્યુઆરી ઉજવાય છે.

ઉત્તરાયણમાં પતંગ નથી ઉડાવવામાં આવતી તેની સાથે ઘણું બધું ચગે છે, ઉડે છે, વિકસે છે, કપાય છે, તૂટે છે, છટકે છે, ઝીલાઈ છે, સંધાઈ છે, લપેટાઈ છે.

આખા વર્ષ દરમ્યાન કરેલી કેટકેટલી તૃષ્ણા, કેટલીક અપેક્ષા, કેટલાક મુદ્દાઓ, કેટલીક ઈચ્છાઓ, કેટલીક પીડાઓ આ બધું ભેગું થાય ત્યારે આપણી ધીરજના આકાશમાં આ પતંગ ચગે અને જે તરફ પવન હોય જેનો પેચ પાક્કો અને દોરો અવ્વલ હોય તેની જીત થાય અને બાકીની ઈચ્છાઓ ખાલી ફિરકી વીટતી રહી જાય.

વર્ષમાં તહેવાર આવે અને બાકીના સમયમાં વહેવાર આવે આ બંને વચ્ચેનું સંકલન એટલે વ્યક્તિનું જીવન.

વધારે પડતી ઢીલ આપવી એ પરવડે નહિ અને જો ખેંચે તો જાત ખેંચાઈ જવાનો ભય છે.
કેવું અઘરું અને અટપટું જીવન વ્યક્તિનું થઈ પડે.

એટલે જ એ ઉતરાયણમાં ચગાવે છે, આકાશ તરફ ફગાવે છે કેટલીક અણગમતી ઘટનાઓ, એક પતંગ લૂંટીને એ આખી જિંદગીનો આનંદ લૂંટી લીધો હોય એવો ખુશ થાય છે.
પતંગને માથા પર સહેજ વાળીને તે પોતાને ધરપત આપે છે હજુ એનામાં કોઈને વાંકા વાળવાની તાકાત છે.
છૂટની સાથે એ પોતાની જાતને પણ છૂટી અને ખુલ્લી મૂકવાની એક તક આપે છે.
અપૂરતી ઈચ્છાઓને લીધે પડેલા પેલા મન પરના ઉજરડાની મરમપટ્ટી કરી લે છે.
ચીકી અને શેરડીની સાથે એ અગાશીમાં પોતાના દુઃખો વહેંચીને થોડીક હળવાશ મેળવી લે છે.

હાથમાં ટેપ, આંખો પર ગોગલ્સ, ટોપી, ચાઇનાની દૂરીનો ઉપયોગ બંધ કરીને તે પોતાને થતા નુકશાન વિશે વિચારે છે તેની ખાતરી આપે છે તથા પોતાનું અને પોતાની પ્રકૃતિનું રક્ષણ પોતાની જવાબદારી છે એ વાતની સાબિતી કરે છે.

જીવન છે તહેવાર છે અને એનું આગવું મહત્વ છે પણ ઉતરાયણ ખુલ્લા આકાશ નીચે ઊભા રહીને જગ લડવા તમને સજજ કરતો એક તહેવાર છે આ તહેવાર એ જીવનના કિસ્સા ઓ અને હિસ્સાઓમાં તમને મજબૂત કરે છે.

ઉતરાયણ સાબિતી છે કે આખો આકાશ તમારી સામે હશે તમારી આવડત અને કૌશલ્યથી તમને આગળ વધી શકશો, આસપાસ અને આપસમાં પ્રેમભાવ હશે તો શકય છે કે તમારી પતંગ પેલા આભમાં વધુ લાંબી ટકી રહે બાકી પેચ કરવા લોકો તૈયાર જ બેઠા હશે.

આ તહેવાર આપને મુબારક
ધ્યાન રાખજો
આંખોવાળા (મનુષ્ય) અને પાંખોવાળા (પક્ષીઓ) જીવનું

~હિરલ મહેશભાઈ જગડ
સલાહ મનોવૈજ્ઞાનિક
ભાવનગર

Uncategorised

હોર્મોન્સના હવાલે 🫀

મેહુલ નામનો આ છોકરો મુફટ્ટ અને હાજર જવાબી, કોઈ સાથે શાંતિ અને પ્રેમપૂર્વક વાત કરી હોય તેવું ભાગ્યે જ બન્યું હશે.
તેની કામ કરવાની પદ્ધતિ જુદી અને તેના વ્યક્તિત્વની વાત પણ જુદી.
સહાનુભૂતિ લેવાની કે દેવાની એના સ્વભાવમાં નહિ.
ગુસ્સો વધુ અને કરુણા નહીંવત
ઉશ્કેરાટ ભારોભાર અને લાગણીનો એક છાટો પણ નહિ
આવું આખું વ્યક્તિત્વ એટલે મેહુલ સુમિતભાઈ મુંજરા

લગ્નની ઉંમર થતાં મેહુલ માટે જીવનસાથીની શોધખોળ શરૂ થઈ આ સંશોધન વર્ષા નામની સુશિક્ષિત અને સમજુ છોકરી મળતા અંત આવ્યો.

મેહુલ અને વર્ષના લગ્ન થયા.. લગ્ન જીવન જેમ જેમ આગળ જતુ હતું તેમ તેમ ડગલે અને પગલે થોડા વડકા ની વણઝાર મેહુલ વર્ષા પર વરસાવતો.

વર્ષામાં સહનશીલ હતી લગભગ સમી જતી અને જતુ કરીને ફરી હસતે ચહેરે જીવવા લાગતી.

થોડા સમય પછી વર્ષાને સારા દિવસો આવ્યા ઘરમાં બધા ખુશ હતા વર્ષા પણ પોતાની માતૃત્વની લાગણીઓને હર્ષથી વધાવી રહી હતી. મેહુલમાં થોડો ઝાઝો ફર્ક પડ્યો હતો.

મેહુલ અને વર્ષાના ઘરે દીકરી અવતરી જેનું નામ મેઘના.
મેઘનાના જન્મ પછી મેહુલ પહેલી વાર આટલો ખુશ દેખાતો હતો. તે લગભગ બધો જ સમય મેઘના સાથે વિતાવી શકાય તેવો પ્રયાસ કરતો હતો.

મેઘના મોટી થતી હતી તેમ જાણે મેહૂલમાં લાગણીઓની કુપળ ફૂટતી હતી. તેનામાં રહેલો ગુસ્સો વાત્સલ્ય બનીને છલકતો હતો. આ અનુભૂતિ ઘરના બધા જ સભ્યોને થઈ. વર્ષા મનોમન વિચારતી હતી કે જેની સાથે સાત ફેરા ફરીને આ ઘરની લક્ષ્મી બની હતી એ વ્યક્તિ દીકરીના જન્મ પછી કોઈ કુંભના મેળામાં બદલાઈ તો નથી ગયો ને !

આમ કેમ થયું હશે ?
એવું આપણને પણ થાય ખરુને !

ટેસ્ટોસ્ટેરોન અને કોર્ટેસોલ હોર્મોન્સથી છલોછલ એવું પુરુષત્વ. જે મર્દાનગીની નિશાની કે પૌરુષ પણા નો ભાવ છે. બને છે એમ કે જ્યારે કોઈ પુરુષ પિતા બને છે ત્યારે ટેસ્ટોસ્ટેરોન અને કોર્ટેસોલ હોર્મોન્સનું પ્રમાણ ઘટે છે અને ઓકસીટોસીન, ઇસ્ટ્રોજન અને પ્રોલેક્ટિન હોર્મોન્સનું પ્રમાણ વધે છે. આ તાજેતરમાં થયેલ સંશોધન કહે છે.

આ હોર્મોન્સ જ છે જે એક કઠોર વ્યક્તિત્વને લાગણીવતું વ્યક્તિત્વ બનાવે છે. એની અંદર વાત્સલ્ય છલકાવે છે.
ઓકસીટોસીન એક ‘ પ્રેમનો હોર્મોન્સ ‘ છે. આના વધારાથી ઘણા સુધારા થાય છે. એક પરિવાર વધુ મજબૂત બને છે. જે પતિ પત્ની બાળકના જન્મ બાદ શરૂઆતના ૨-૫ વર્ષ બાળકની સાથે હોય છે તેઓનું બોન્ડિંગ અને ટ્યુનીગ વધુ ગાઢ હોય છે.

શોધ અને સંશોધનની ખરાઈ કરવા આજુબાજુ તપાસ કરી જોજો.

ઓકસીટોસીન નામક હોર્મોન વધે તેવી શુભકામનાઓ

~ હિરલ મહેશભાઈ જગડ
( સલાહ મનોવૈજ્ઞાનિક – ભાવનગર)

Uncategorised

જાના થા જાપાન પહોંચ ગઈ ચીન સમજ ગઈ ના…!

“શું કહું તમને મારું તો કઈ ધાર્યું થતું જ નથી.”

“મારા પ્લાન પર હમેશની જેમ આજે પણ પાણી ફર્યું.”

“આપણે વિચારેલું ક્યાં બધું થાય છે.”

આવા ઘણા બધા વાક્યો આપણા રૂટિનમાં આપણે વાગોળતા હોઈએ છીએ. આપણે વિચારેલું અને ધારેલું હંમેશા થાય જ એવું જરૂરી તો નથી અને ન થાય તો હંમેશાં નેગેટિવ જ થાય એવું જરૂરી નથી.

मन की हो तो अच्छा । ना हो तो और भी अच्छा ।।

આ વાત અને વાક્યને સાર્થક કર્યું છે…મહારાષ્ટ્રના નાનકડા ગામમાં રહેતા રણજીસિંહ ડીસૈલ એ…જેમણે હાલમાં જ ગ્લોબલ ટીચર પ્રાઇઝના વિજેતા બન્યા છે…કે જેને નોબેલ પ્રાઈઝ ઓફ ટિચિંગ પણ કહેવાય છે.. પ્રાઈઝની રકમ અધધધ..૧૦ મિલિયન ડોલર એટલે કે ૭.૫ કરોડ રૂપિયા છે…૨૦૧૫થી શરુ થયેલ આ પ્રતિયોગિતામાં દુનિયાના જુદા જુદા દેશોના હજારો લોકો બહોળી સંખ્યામાં ભાગ લે છે…જેમાં રણજીસિંહ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે…૨૦૨૦માં આ પ્રતિયોગિતા કુલ ૧૨૦૦૦ લોકોએ ૧૪૦ દેશોમાંથી ભાગ લીધો હતો… રણજીસિંહ એ પોતાને મળેલ પ્રાઇઝની અડધી રકમ ૧૦ ફાઈનલિસ્ટમાં વહેંચી દીધી અને બાકીની રકમ આવા જ કોઈ શૈક્ષણિક કાર્યમાં વાપરશે.

વાત મહત્વની અને અગત્યની તો છે કેમ કે એક શિક્ષકના કાર્યની વધામણી થઈ છે.. તેમણે કરેલા એક પ્રયાસને પ્રબલન મળ્યું છે. આ ઉપરાંત પણ રણજીતસિંહ ને ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

ઇજનેર બનવા નીકળેલો એક યુવાન સંજોગોવસાત શિક્ષક બને છે અને તે માત્ર શિક્ષક નહિ પણ અદભૂત શિક્ષક તરીકે પોતાની કારકિર્દીને ઉજ્જવળ કરે છે. આપણે ઇરછેલું અને વિચારેલું ન થાય ત્યારે આવું પણ કંઇક લખાયેલું હોય શકે. વાત હકારાત્મક તાની છે.. વાત કામ પ્રત્યેની ધગશની છે.

ગામડા ગામ સુધી ટેક્નોલોજીને લઇ જવી..બાળ લગ્ન થતા અટકાવવા…શિક્ષણનું સ્તર વધારવું..અને બીજું ઘણું બધું.. આ બધું એવું કામ છે જેનાથી સમાજનું ઘડતર અને મૂલ્યોનું ચણતર થાય છે. નવી પેઢી વિકસે છે..ખીલે છે..ઊગે છે…તેને જ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા ઊભી થાય છે..વિજ્ઞાનના પ્રયોગો તેને આકર્ષે છે..ગણિતના દાખલા તેને પઝલ જેવા લાગે છે…ભણતરનું નામ પડતાં તેનું મોઢું ચૂરમાનો લાડવો જોયો હોય તેમ મલકાય છે.

આ બધું ત્યારે થઈ શકે જ્યારે યોગ્ય માહોલ અને યોગ્ય શિક્ષક હોય..એક શિક્ષક આખી દુનિયા ન બદલી શકે પરંતુ એક આખી પેઢીનો દ્રષ્ટિકોણ જરૂર બદલી શકે અને આ દ્રષ્ટિકોણથી આખી દુનિયા જરૂર બદલાઈ શકે.

માત્ર બી.એડ઼. કરી લેવું અને TAT કે TET પાસ કરી લેવું અને સરકારી નોકરીમાં ગોઠવાય જવું એ શિક્ષકનો ધ્યેય ન હોય શકે..શિક્ષકનો ધ્યેય આવો કંઇક હોવો જોઈએ અને સારા ધ્યેયધારી વ્યક્તિને કામ કરવા મળે તેવું વાતાવરણ હોવું ઘટે..તેવી સિસ્ટમ અને ચેનલ હોવી જ જોઇએ.

દુનિયાના અનગનિત શિક્ષકોનો આભાર અને વંદન તેમના કાર્યને.. રણજીસિંહને તેના પરિવારને અભિનંદન..આવા શિક્ષકો વિકસતા રહે તેવી અભિલાષા

ધારેલું કામ ન થાય તો જે કામ કરી રહ્યા છો તેમાં તમારી આવડતની ધાર કાઢી નાખો તો કામ આસાન અને તમે હળવાં ફૂલ થઇ જશો…પછી ચીન જાપાન કે મલેશિયા બધું રૂડું રૂપાળું જ લાગશે.

~ Hiral Jagad

Counseling Psychologist

Uncategorised

નોંધ..📌

એક જેન્તીભાઇની આ વાત તેમને હમેંશ માટે સ્વમાન અને લોક ચાહનાની અગ્રતા..જ્યાં પહોંચે ત્યાં પોતાના વખાણ થવા જોવે અને ન થાય તો પોતે અણગમો બતાવે. પોતાના કાર્યની નોંધ ન લેવાય તો નોંધ ન લેનાર વ્યક્તિ ગુનાહિત સાબિત થાય. અને સમય પર એનો ફેસલો કરવામાં આવે…આવો સ્વભાવ એ જીવ્યા ત્યાં સુધી રહ્યો.

મને ના નોંધનારાઓ હવે બસ એટલું નોંધો,
મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે.
– હેમંત પુણેકર

કેવું છે નહિ કે આપણે આપણી નોંધ લેવાય તે માટે કેવા વલખાં મારીએ છીએ.. જન્મ પૂર્વેથી વર્તમાન સુધી…વર્તમાન અને ભવિષ્યની નોંધણીથી ભૂતકાળ બનીએ ત્યાં સુધી આપણી નોંધ લેવાઇ તે આપણા માટે એક મહત્વનું કામ છે.

કરોડો શુક્રાણુમાંથી આપણી જગ્યા ગર્ભાશયમાં થઈ છે કે નહિ તેની નોંધ પણ પ્રેગાન્યૂઝમાં લેવાય..તે પછી મહિને મહિને ધબકતા શ્વાસો અને વિકસતા શરીરની નોંધ લેવાય.. જન્મ બાદ દુનિયામાં હાજર થયાની નોંધણી થાય અને પછી તો કેટકેટલું રાશનકાર્ડ થી માંડીને સ્કૂલના I – card સુધી આ ચાલ્યાં જ કરે.

કુટુંબ કબીલામાં ફલાણા ફલાણાના દીકરા તરીકે નોંધ લેવાઈ..મિત્રોમાં હીરો કે ઝીરો તરીકે નોંધ લેવાય..ઑફિસમાં સાહેબ તરીકે નોંધ લેવાય..

અને મૃત્યુ પામ્યા બાદ ગેરહાજરીની નોંધ લેવાય.. ખાલીપાની નોંધ લેવાય..તમારુ વ્યક્તિત્વ કેવું સારું હતું તેની નોંધ લેવાય..

આજીવન આ નોંધણીમાં એક વાત નોંધવા જેવી છે કે જ્યારે જ્યારે આપણી નોંધ ન લેવાય ત્યારે આપણે થોડા સમય માટે પોતાની જાતને મમળાવીએ છીએ..કેમ એણે મારી નોંધ નહિ લીધી હોય ?
એને કઈ ખોટું કે ખરાબ લાગ્યું હશે ?
મારી કોઈ ભૂલ થઈ હશે..!

કાં પછી બીજો વિચાર

આવે કે એનો સ્વભાવ જ એવો છે એને ક્યાં કોઈને બોલાવું જ ગમે છે.

નોંધણીની વાત આમ બહુ સરળ અને આમ મજાની છે…નોંધ લેવાના કેટકેટલાય પ્રકારો છે…કોઈ આપણી હાજરીની નોંધ લે તો કોઈ આપણી ગેર હાજરીની..કોઈને ખાલી મોઢું હલાવીને તમારા હોવાની નોંધ આપવાની હોય તો કેટલાકને ગળે મળીને તેના અંતર સુધી તમારી નોંધ પહોંચાડવાની હોય છે…કોઈને ખાલી ઊડતી સલામ આપવાની હોય તો કોઈની લગોલગ જઈને એકમેકના વ્યક્તિત્વની પ્રતીતિ કરવાની હોય..કોઈને સ્ટેટ્સ પર સીન કરવા પૂરતું તો કોઈની સાથેનો માણેલો ગાળેલો અને વગોળેલો સમય સ્ટેટ્સ પર મુકતી વખતે પણ આપણે નોંધ રાખીએ છીએ કે કોણે કોણે જોયું..લાઈક કર્યું કે..કમેન્ટ કરી..

વળી એમાં પાછું એમ પણ બને કે અડોઅડ રહેતી બે વ્યક્તિને આભડછેટ લાગવા લાગે..અને તે સંબંધો એકમેકની નોંધથી ભાગવા મળે…નીરખતા રહેતા સંબંધો કરડવા લાગે..

આખું જીવન નોંધમાં પસાર થઈ રહ્યું છે…ત્યારે તમે તમારી જાતની નોંધ લેવાનું ચૂકતા નહીં..

હો કે..😀

– હિરલ જગડ
સલાહ મનોવૈજ્ઞાનિક

Uncategorised

કપડાં



જૂના, મીડીયમ અને નવા કપડાં આપણા જીવનમાં હોય તેની સાચવણી તેને પહેરવાનું ઓઢવાનું લઢણ તેને ધોવાનું પ્રયોજન આ બધું બદલાય જાય. આ અત્યારે ન પહેરાય, આ કલર એના પપ્પાને નહિ ગમે, ન ત્યોહાર તો ટ્રેડિશનલમાં જ, આ તો હજુ નવા છે, આ પાંચ વર્ષ પહેલાં લીધું હતું, આનું કાપડ બહુ સરસ છે, આને પહેરવાની મજા કંઇક અલગ હતી, આ હવે જૂનું થઈ ગયું છે, સાવ ઘસાઈ ગયું આ કપડું હવે…

આવું આપણે માત્ર કાપડ માટે જ કરીએ છીએ !
“ના”
આપણા જીવનમાં પણ આવું જ કંઇક થઈ રહ્યું છે.
કપડાંની જેમ સંબંધો પણ જૂના ,તાજેતરના અને મીડિયમ એવા બનતા જાય છે, દરેકની સાચવણી જુદી રીતે થાય, દરેકના માનપાન નોખા – નોખા હોય. બહુ જૂના લોકો આપણી નજીક હોય તેમણે એમની જાત ઘસીને સંબંધને ઉજળો બનાવ્યો હોય છે, સંબંધોમાં પીતાંબ રી પાઉડર ક્યાં કામ લાગે તેને તો વ્યવસ્થિત રીતે માંજવું પડે..

મીડિયમ સંબંધોને સાચવા ન પડે એને બસ ટાણે ટસ્કે નોતરવા પડે એમને આગ્રહનો આગ્રહ ખૂબ વધુ હોય..એમની મરજી જે પણ હોય આગ્રહ તો કરવાનો જ તમારે.. તમે તમારા કામ કે પ્રસંગની વ્યસ્તતામાં જો ભૂલી ગયા તો પછી એમનું મોઢું પેલા દિવાળીના રોકેટ જેટલું ઊંચું ચઢે..પછી રિસામણા અને મનામણા ચાલે..પણ એની પણ મજા આવે..

તાજેતરના સંબંધોને વધુ ખાતર અને પાણી આપવાનું હોય તેને ખીલવાની હોય તેને જાળવવા અને સાચવવાના હોય, તેનો પડ્યો બોલ ઝીલવાનો હોય, તે કહે તે સનાતન સત્ય, એમની ચોઇસ આપણી ચોઈસ અને બીજું ઘણું બધું…

આ ત્રણ સ્તર ના સંબંધો હોય આ આપણું જીવન છે કબાટમાં કપડાંની કેટલીક ઘડીઓ અકબંધ પડી હોય તે ન ફેંકી શકાય કે ન પહેરી શકાય એવા જ કેટલાક લોકો આપણા જીવનમાં હોય છે..એ અકબંધ ઈસ્ત્રી ટાઇટ હોય..આપણે અને એને માત્ર નામના સંબંધનો નિસ્બત હોય છે…કેટલાક કપડાં કબાટ ખોલતાની સાથે માથે પડે એવા જ કેટલાક લોકો આપણને આપણા જીવનમાં ગળે પડેલા હોય છે..એક સમયે આપણે જ એને લાગણી ખર્ચીને વસાવ્યા હોય છે..અને કેટલાક ન મળતા કપડાં માટે કબાટ નો ખૂણો ખાચરો વિખવામાં આવે અને અંતે એને જ ધારણ કરવામાં આવે એ પ્રિય અને કમ્ફર્ટ લાગતા કપડાં..કોઈ કોઈ સંબંધની કંપની પણ આવી જ હોય છે ને !

નવા હોય કે જૂના હોય વર્તમાન હોય કે ભૂતકાળ એ વસ્તુ સત્ય જ છે કે સંબંધો માંગણીઓના ડુંગરથી બુરાય જાય અને લાગણીઓના પાણીથી નદી માફક વહે છે. નક્કી આપણે કરવાનું રહ્યું…

નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ

પતવારને સલામ, સિતારાને રામ રામ;
મઝધારે જઈ રહ્યો છું કિનારાને રામ રામ!
– શૂન્ય પાલનપુરી

🎉🎉🎉🎉🎉🎉

~ Hiral Jagad
Counseling Psychologist

Uncategorised

આબરૂ કે આરઝુ !

“આબરૂ સાચવવામાં આરઝુ સચવાતી નથી,

જગને જીતવામાં અહીં જાત જીવાતી નથી.”

આખેઆખી જાત ઘસાય જાય ત્યાં સુધી આપણે લોકોને ખુશ કરવા માટે મથ્યા કરીએ છીએ. એની અંદર જીવવાનું રહી જતું હોય એવું લાગે.

ફાટેલાં કપડાં અને તૂટેલા ચા ના કપને બદલી નાખીએ જ્યારે કોઈ અતિથિ વિશેષ આવવાનું હોય ઘરને માંજવામાં આવે સાફ અને ચમકદાર રાખવા કેટકેલુય મથવામાં આવે અને અપેક્ષા એટલી જ હોય કે એમને ખરાબ ન લાગે, મહેમાનને અગવડ ન પડે તેમ છતાં કોઈક તો નારાજ થાય જ, કંઇક તો અણગમતું બને જ, કંઇક ભૂલ પડે જ અને એનો વસવસો બીજા મહેમાન ન આવે ત્યાં સુધી રહે.

આપણે બનાવટ કરીએ છીએ આપણી જાત સાથે આપણા ઘરે આવનાર મહેમાનો સાથે અને આપણા રોજબરોજ સંપર્કમાં આવતા અસબાબ સાથે.

વિચારી જુઓ કે તેઓ વચ્ચે કેવી વાતચીત થતી હશે ? પેલું માળિયું અને પંખાના પાખીયા હરખાતા હશે કે અમારી સફાઈ થશે પેલા કપ રકાબીની જેમ અમારી બદલી નહિ થાય.

જૂના કપડાંને ઈસ્ત્રી ફર્યાનો આનંદ થતો હશે..કબાટને ગોઠવાનો મોક્કો ઘરના સૌ કોઈને મળ્યું હશે.

દિવાળી આવે કે મહેમાન આપણે આપણા અંધકારને છુપાવીને ઉજાસ જ બતાવીએ છીએ. કદાચ આપણને એવું જ ગમે છે. આપણે ભલે આપણા દુઃખોને ગા ગા કરીએ પણ આપણે દેખાવ તો ઉંચો જે કરીએ. લગ્ન હોય કે દિવાળી ટાણું કોઈ પણ આવે આપણે કારણ શોધી જ લઈએ છીએ શરીરને પાર્લરમાં લઇ જવાનું અને ઘરને સજાવવાનું.

જેવા છીએ તેવા ન દેખાઈ ચલો વાંધો નહિ..પણ જેવા નથી એવા દેખવા માટે આપણે આપણી જાત અને ઔકાત બંને કેમ ભૂલી જઈએ છીએ ?

શું કામ આપણે આપણી ઇચ્છાઓને અગ્નિદાહ આપીને શોક મનાવ્યા વગર જ બીજાની ઈચ્છાઓને મનાવવા નીકળી પડીએ છીએ.

રોશની નામની છોકરી સતત પ્રયત્ન કરતી કે મમ્મી પપ્પા, તેની નાની બહેન મોટો ભાઈ, ભાભી બધા જ ખુશ રહે એના માટે એ અઢળક અને અવનવા પ્રયત્નો કરતી જ રહેતી..ઉંમર થતાં તેની સગાઈ નક્કી થઈ.. મૂળભૂત વર્તન પ્રમાણે તે પોતાના સાસરિયાં અને પિયરીયા બન્ને ને ખુશ કરવાના પ્રયાસો કરતી રહતી..આ બધું જ તેના મંગેતરને ખબર એણે એક દિવસ રોશનીને શાંતિથી બેસાડીને પૂછ્યું કે, ” તને શોખ શેનો છે ? તને આનંદ શેમાંથી મળે ?, તું તારા માટે શું કરે છે ? ” વગેરે આ સિવાયના ઘણા બધા સવાલનો જવાબ રોશની પાસે હતો જ નહિ તેના મંગેતર અનીશે તેને સમજાવી કે, “તારે બધા માટે જીવવાની કોઈ જરૂર નથી બધા પોતપોતાની માટે જીવે જ છે તું તારા માટે જીવ તું તારા શોખ અને તારી ખુશીને માણવાનું રાખ..તારા હજાર પ્રયત્નો ભલે સારા હશે પણ કોઈ એક તો બનાવ એવો બનશે જ કે જેનાથી કોઈ નારાજ થશે..જેને તું કે તારું વર્તન નહિ ગમે..અને આ એક વાતથી તને કંઈ ન કર્યાનો અફસોસ રહેશે.”

રોશની જેવા લોકોને સમજવાનું છે કે વાત આખેઆખી દિવેલમાં જતી રહે તો પ્રજ્વલિત ન થઈ શકે.પરંતુ જો પ્રમાણસર રહે તો એ જ્યોત બનીને જળહળે છે. બાકી તો ડૂબી જાય.

આમ આપણે પણ આ જ શીખવાનું અને આચરવાનું છે. જગને જીતતા પહેલા જાતને જીવી લઈએ અને આબરૂ અને મોભો સાચવતાં પહેલા આપણી આરઝુ જીવી લઈએ. એવી દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.

~ Hiral Jagad

Counseling Psychologist

Bhavnagar

Uncategorised

🧶🧶🧶


માણસ ઓનલાઈન હોય તો ગ્રીન કલરના સાઈનથી આપણને ખબર પડે પણ માણસ જ્યારે અપસેટ હોય, ઉદાસ હોય, પરિસ્થિતિથી થાકી ગયો હોય, પોતાની જાતથી હારી ગયો હોય ત્યારે ?

ત્યારે તમને ક્યાં સાઈનથી ખબર પડે છે ?
તમે તેની અંદર રહેલા વિચારોને સમજવામાં કેટલી હદે રસ લો છો ?
એની નારાજગીને નજરઅંદાજ કરી દો છો કે પછી પોતાનો જ કોઈ અલગ અંદાજ બતાવો છો ?

એક માણસની વાત એક પ્રાથમિક શાળામાં શિક્ષક.

નાનપણથી ગ્રામ્ય જીવનમાં જીવેલો ખૂબ સાદગી અને લાગણીથી સભર વ્યકિતત્વ એ ધરાવતો. સમજણ આવી ત્યારથી નક્કી કર્યું કે આપણે શિક્ષક બનીશું..એક ઓરડાની અંદર જીવતરને ઘડવાનું તેને થોડા ટાંકણા મારીને મઠારવાનું.. મનોમન નક્કી કર્યું કે આ કામ આપણને ફાવશે..નિર્ણય પર કામ શરૂ કર્યું શિક્ષક બનવાની તાલીમ લીધે પોતાના પ્રયત્નોથી અને ધગશથી શિક્ષકની નોકરી પણ મળી ગઈ.. ગામ છોડ્યું શહેરમાં વસવાટ કર્યો, પણ ક્યાંક હજુ પણ એ જીવનશૈલી એમને આકર્ષતી એ એવા જ સરળ અને સાદગીભર્યા જીવનમાં માનતા અને જીવતા.. શાળામાં જ્યારે ભણાવાનું આવે ત્યારે તેમનો વર્ગ ખૂબ ઉત્તમ રીતે લેતા અલબત્ત ઘણા બધા વિદ્યાર્થીઓના આ પ્રિય શિક્ષક..અમુક અમુક તો તેમની રમૂજમાં નકલ પણ કરતાં..વર્ષો વીતતા ગયા અને પંદરેક વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં ચોક અને ડસ્ટર પછી વ્હાઇટ બોર્ડ અને માર્કર આવ્યું…એટલું તો ઠીક હતું ભેગુ ભેગુ કમ્પ્યુટર અને ઈન્ટરનેટ પણ આવ્યું..

ગ્રામ્ય જીવ મુંજાય ગયો ગભરાઈ ગયો આ બધું મને ફાવશે કે કેમ હું કરી શકીશ કે નહિ ? શિક્ષક એટલે તો વિદ્યાર્થી અને એનું ભણતર એવું જ હોઇને એમાં વળી આ બધું ક્યાં કર્યું ?..અને કેમનું થશે ?

આ બધી ગડમથલ ચાલતી હતી..તેમાં થોડું થોડું જેમ તેમ થીગડું કરીને ચાલતું જ હતું ત્યાં વળી પાછું ઓનલાઇન એજ્યુકેશન, ગુગલ મીટ અને જુમ કોલિંગ આ બધા એ ઉપાડો લીધો..આપણા શિક્ષક ભાઈ વધુ મુંઝવણમાં મુકાઇ ગયા..કરવું તો કરવું શું ?
એમને હંમેશા ડર લાગતો કે મારી તળપદી બોલી, મારો ગ્રામીણ સ્વભાવ ક્યાંક બધાની સામે છતો ન થઈ જાય ક્યાંક હું બધાની સામે ખુલ્લો ન પડી જાઉં.. ” એક ઓરડામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઠીક છે પણ બહાર “ના” કયારેય નહિ..અને વિડિયો તો કેમ બનાવી શકાય એમાં તો હું કેવો લાગુ ? “

આજે લોકડાઉનને આટલા મહિના થઈ ગયા પણ એ સાહેબ ઓનલાઈન આવતા જ નથી તેમના વિદ્યાર્થીઓ તેમને યાદ કરે છે પણ એમનું લાસ્ટ સીન ચેન્જ થતું જ નથી..એક ડરને સંતાડવા માટે પોતાની અંદરની ભીતિ અને નવી વ્યવસ્થામાં સેટ ન થવાના કારણે તે કાયમ માટે ઑફલાઈન થઈ ગયા આજે તેમના મૃત્યુને છ મહિના થઈ ગયા.. હજુ પણ જ્યારે ટાઈમ ટેબલમાં એમનો વિષય આવે ત્યારે વિદ્યાર્થી તેમને યાદ કરે અને ફરિયાદ પણ કરે કે..

“તમે અમને જીવતા શીખવતા હતા અમે તમને ટેકનોલોજી શીખવી દેત આટલી નાની બાબતમાં આમ કંઈ આજીવન માટે પોતાને શિક્ષા થોડી કરવાની હોય ?”

માણસ જીવનમાં આવતા દરેક નવા બદલાવને સ્વીકારી શકતો નથી..પણ ધીરે ધીરે તેની સાથે સુમેળ જરૂર સાધી લે છે…પણ એની પહેલા જો કંઇ ખલેલ પડે, કંઈ અજુગતું બને, કોઈ ખટપટ કે વિખવાદ ઉભો થાય તો જીવન ડગમગે છે..સ્થિર ન રહો તો ડૂબવું નિશ્ચિત છે..!

~ હિરલ એમ. જગડ

કાઉન્સેલિંગ સાઈકોલોજિસ્ટ

Uncategorised

🤔भूल गया सब कुछ याद नहीं अब कुछ…..😞

21 સપ્ટેમ્બર અલ્ઝાઇમર દિવસ તરીકે ઉજવાય છે.
કેવું છે ને જેમાં ક્ષણભર માટે બધું જ ભુલાઈ જાય છે તેવા રોગના દિવસને આપણે યાદ રાખવાનો છે.

માનસિક વ્યાપારોમાં સ્મરણ અને વિસ્મરણનું ઘણું મોટું સ્થાન છે. સ્મરશક્તિ વધે તેના સેમિનાર થતાં હોય છે લોકો કેટકેટલીય માનતાઓ રાખતા હોય છે અને બદામ ખાઈ ખાઈ ને સતત પ્રયત્નો કરતાં હોઈ છે કે વાંચેલું યાદ રહે, સ્મરણશક્તિ રૃષ્ઠ પુષ્ટ થાય પણ ક્યારેય આવા પ્રયોગો કે નુસખાઓ સ્મરણો કે જીવાતી જિંદગીના ધબકારા એવાં આપણા આસપાસના સ્વજનો માટે નથી કર્યા. આપણે ક્યારેય કોઈ સંબંધો કે સંબંધીઓની પાંચ પાંચ વાર લખીને ગોખણપટ્ટી નથી કરી કે ક્યારેય સ્વજન મને યાદ રહે એવી પ્રાથનાઓ કે દુવાઓ કામે લગાવી પડી, સ્નેહી સાથે વિતાવેલી ક્ષણ કે સદી, ઘટના કે દુર્ઘટનાને Imp તરીકે ટીક માર્ક નથી કરવાની જરૂર જ નથી પડી તેમ છતાં યાદ રહી જાય છે, સંબંધને પામવા ભલે આપણે વલખાં માર્યા હોઈ માનતા માની હોય પણ સંબંધને યાદ રાખવા આવું ક્યારેય નથી કર્યું.

ક્ષણિક વિચારી જોવો કે સ્નેહી ભુલાઈ જાય તો ?
દરેક સંવાદ, એમનો સહવાસ બ્લેક બોર્ડ પર ફરતા ડસ્ટરમાં લૂછાતાં અક્ષરોની જેમ ભૂંસાઈ જાય તો ? આંખોની સામે હોવા છતાં પણ ઓળખાણ રૂંધાઇ જાય તો ?

કહેવાય છે કે, વિસ્મરણ – ભૂલવું – યાદ ન રહેવું આ બધું સુખ છે. પણ જ્યાં સુધી અણગમતું ભુલાઈ જાય ત્યાં સુધી જ્યારે મનગમતું ભૂલાવા લાગે ત્યારે પીડા બહુ આકરી થતી હોય છે.

અલ્ઝાઇમર એક ન્યુરો ક્રોનિક બીમારી છે જે તબક્કાવાર વધે છે અને દર્દીના મગજ અને શરીરમાં ક્રમશ: નુકશાન પહોંચાડે છે જેની શરૂઆત મગજના હિપોકેમ્પસ નામના ભાગ પરથી થાય છે કે જે સ્મરણશક્તિ સંગ્રહ કરે છે આ બીમારીમાં વ્યક્તિમાં short term memory loss જેવાં શરૂઆતી લક્ષણો જોવા મળે છે અને ધીરે ધીરે તે મગજના અન્ય ખંડો પર અસરો થાય છે વ્યકિતત્વ – વર્તનની ભાતો પરિવર્તન, તાર્કિક જ્ઞાન છિન્ન થવું જેવા મુખ્ય લક્ષણો પણ દેખાઈ છે અને દર્દીની સ્થિતિ વધુ ને વધુ કફોડી બનતી જાય છે.à

ઈ. સ. 1901માં ડૉ. એલોઇસ અલ્ઝાઇમર (જર્મન મનોચિકિત્સક ) સૌ પ્રથમ વાર આ રોગના લક્ષણોનું વર્ણન કર્યું હતું તેમને પોતાના એક દર્દીના નિરીક્ષણ દરમ્યાન આ બાબતો અને અલ્ઝાઇમરના લક્ષણો ધ્યાનમાં આવ્યા હતા. તે દર્દીના મૃત્યુ બાદ તેમને તેના શરીર પરના કેટલાંક અભ્યાસો થતાં આ રોગ સામે આવ્યો હતો. આજે આખા વિશ્વમાં 45 મિલિયન લોકો આ રોગનો ભોગ બનેલા છે. વર્તમાન તબીબી સ્થિતિ પર નજર કરીએ તો આજ સુધી આ માટે કોઈ વેક્સિન શોધાય નથી પરંતુ યોગ્ય મેડિકેશનની મદદથી રોગને વધતો અટકાવી શકાય છે.

આપણને મળેલ જીવન, સ્વજનો અને સ્મરણો સાથે જીવાતી ક્ષણ બહુ કિંમતી છે. કેમકે આપણે એને મનપ્રદેશમાં લાવવા કે એમની યાદોને પીપરમેન્ટની માફક ચગળવા કોઈ દવા કે સારવારની જરૂર પડતી નથી.

🧠 તાજા – માજા અને સાજા રહો ❤️
હિરલ એમ. જગડ
કાઉન્સેલિંગ સાયલોજીસ્ટ
(Ph.D.*, M.A., P.G.D.C.P., D.Y.Ed.)
ભાવનગર

Uncategorised

વેદાંત ભૂખ્યો છે..⚡

બાલમંદિરના આ વર્ગમાં ભણતાં ભૂલકાંઓના શિક્ષકોની આજે ટ્રસ્ટી મંડળે મીટીંગ યોજી હતી. મિટિંગમાં નવા એજેંડાનું આયોજન થયું અને જૂના પ્રશ્નો અંગે ચર્ચા થઈ. ચર્ચાનો દોર વેદાંત ત્રિવેદી પર આવી અટકી ગયો. વેદાંતના વર્તનમાં પરિવર્તન અંગેની નોંધ લગભગ બધા શિક્ષકો એ લીધી હતી. આ વાતને ગંભીરતાથી લઈને આચાર્ય શ્રી તથા મનોવૈજ્ઞાનિક એ વેદાંતનું પૂરતું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું.

વેદાંતના વર્તનમાં હમણાં હમણાં ખૂબ બદલાવ હતો જેમાંથી એક મુખ્ય બદલાવ હતો કે તે વારંવાર તેને ભૂખ લાગી છે તેવું જણાવતો. વેદાંતનું બાલમંદિર આશરે નવ વાગ્યા આસપાસ શરૂ થતું..પ્રાથના સભામાં પ્રાથના થતી અને ત્યારબાદ તેમને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવાતી હતી. વેદાંત પ્રાથના પૂરી થતા જ પોતાના શિક્ષકને પૂછવા લાગતો કે મને નાસ્તો ક્યારે મળશે ? મને ભૂખ લાગી છે. અને આવું તે વારંવાર પુછતો.. વેદાંતના બાલમંદિરના નિયમ મુજબ તેઓને બાર વાગે નાસ્તો મળતો અને ત્યારબાદ તેઓ ઘરે જવા રવાના થતાં.

વેદાંત એ આવું આગાઉ ક્યારેય પણ કર્યું નથી તેને આ પ્રકારના પ્રશ્નો છેલ્લા વીસ દિવસથી શરૂ કર્યા હતા. મનોવૈજ્ઞાનિક અને આચાર્યશ્રીનું નિરીક્ષણ શરૂ હતું. અને જેનાથી એક જાણ થઈ કે વેદાંતને નાસ્તો આપવામાં આવતો ત્યારે તે નાસ્તો પોતાની જગ્યા પર જ મૂકીને પોતાના ઘરે જવા માટેના વાહનમાં ઝડપથી બેસી જતો. આ વાત વધુ અજુગતી હતી કે જો તેને ખરેખર ભૂખ લાગતી હોઈ તો વેદાંત એ નાસ્તો જલ્દી આરોગી લેવો જોવે પણ વેદાંત નાસ્તાનો એક દાણો પણ ખાતો ન્હોતો.

આ અંગે વધુ તપાસ થઈ અને તેના માતાપિતાને રૂબરૂ વાતચીત માટે બોલાવવામાં આવ્યા. આખી વાત તેમની સામે રજૂ કરવામાં આવી અને તેમને આ બાબતે પ્રશ્નો પૂછવામાં આવ્યા. માતાપિતાએ કહ્યું કે લગભગ વેદાંતનું વર્તન બદલાયું નથી પણ હા હમણાં હમણાં તે વધુ ને વધુ ઘરમાં રહે છે. પહેલા એ ગાર્ડનમાં રમવા જવા માટે જીદ કરતો પણ હવે તે નથી જતો. સોસાયટીમાં તેના મિત્રો સાથે પણ રમવા નથી જતો. મનોવૈજ્ઞાનિક દ્વારા તેના માતા - પિતા પાસેથી આખી કેસ હિસ્ટ્રી લેવામાં આવી અને વેદાંતના કેસની વધુ ધ્યાન પૂર્વક ચકાસણી થઈ ત્યારબાદ વધુ ત્રણ - ચાર સિટિંગસ માતા-પિતા સાથે અને વેદાંત સાથે પણ ગોઠવવામાં આવ્યા. આ દરમ્યાન જાણવા મળ્યું કે આશરે ત્રીસેક દિવસ પહેલા વેદાંતના તોફાનની પ્રતિક્રિયામાં તેના માતા - પિતા એ ખૂબ ગુસ્સો કર્યો હતો અને તે વેદાંતને છોડીને જતાં રહેશે તેવું કહ્યું હતું. આ વાત વેદાંતના મન પર લાગી ગઈ હતી અને જેના કારણે તેના વર્તનમાં આખો બદલાવ સર્જાયો હતો. વેદાંત જાણતો હતો કે બાલમંદિરમાંથી નાસ્તો મળશે પછી ઘરે જવા મળશે એટલે તે વારંવાર ભૂખ લાગવાની ફરિયાદ કરતો અને જેવી રજા પડે એવો તરત તે પોતાના ઘરે જવા માટેના વાહનમાં બેસી જતો કે જેનાથી તે ઝડપથી ઘરે પહોંચી શકે. તે ઘરમાંથી બહાર જવાનું ટાળતો કેમ કે તેને ડર હતો કે ક્યાંક પોતે બહાર જશે તો તેના માતા - પિતા તેને છોડીને જતાં ન રહે. આ સાંભળ્યા પછી વેદાંતના માતા - પિતાને પોતાની ભૂલ સમજાણી તેમણે મનોવૈજ્ઞાનિકની સલાહ મુજબ વેદાંતને વધુ સમય આપવાની શરૂઆત કરી ધીરે ધીરે વેદાંતમાં ફરી વિશ્વાસ ઉત્પન્ન થયો કે ‘મારા માતા પિતા મારા જ છે તે મને છોડીને કશે નહિ જાય.’ અને વેદાંત ફરી જેવો હતો તેવો ધીમે ધીમે થઈ ગયો.

~ વિશેષ: આપણે પથ્થર ઉપાડીને જ્યારે દરિયામાં ફેંકીએ છીએ ત્યારે એ નથી જાણતા કે તે કેટલો ઊંડે સુધી ગયો છે. એવી જ રીતે તમારા બોલાયેલા શબ્દો,વિધાન અથવા તો તમે કરેલી પ્રતિક્રિયા તમારા બાળક, પ્રિયજન,સ્વજનની કેટલી અંદર ગઈ છે તે જાણી શકાતું નથી. માનવબાળ બહુ કોમળ મનનું હોય છે તેના પર તમારા કેટલાંક કટુ શબ્દો કુહાડીના ઘા માફક પડતા હોય છે. તો તેની સાથે વર્તતા પહેલા જરાં સંભાળજો.
બાળકને હંમેશા આપણા ભવિષ્યના સહારા અને વર્તમાનના ઉમંગ તરીકે જોતા હોઇએ છીએ. સ્ત્રી અને પુરૂષમાંથી લગભગ 280 દિવસની પ્રક્રિયામાંથી પસાર થઈને માનવબાળ તૈયાર થાય છે. તબક્કાવાર તે વૃધ્ધિ પામે અને વિકસવાનું શરૂ કરે છે. આખી પ્રક્રિયાને આપણે ઉછેર અને સામજિકરણનું નામ આપીએ છીએ. આપણે બાળકને સક્ષમ અને સાક્ષર કરવામાં એવા મચી પડીએ છીએ કે તેના આવેગો, આંકક્ષા, ભાવો, ઇચ્છા, વિચાર, જ્ઞાન, ડહાપણ, આવડત, શૈલી બધું જ ભુલી જઈએ છીએ. એક સમય એવો આવી પહોંચે છે જ્યાં આપણે આપણી અપેક્ષાઓના પિંજરામાં બાળકને કેદ કરી દઇએ છીએ અને પછી બાળકના કાને વારંવાર “તું આઝાદ છો” એવાં બણગા આપણે જ ફૂંક્યા રાખીએ છીએ. અને બાકી હોઈ તો પોતે કરેલા ત્યાગ અને પરિશ્રમની ગાથા દરેક પ્રસંગે પીરસી આપીએ. તમારું બાળક તમારું બિબુ કે મૉલ્ડ નથી એને રંગસુત્રો આપના જરૂર મેળવ્યા છે પણ આવેગો, વિચારો, દ્રષ્ટિ, ઇચ્છા, સપનાઓ એના પોતાના છે.
માતા-પિતા તરીકે રહેવાનું છે એને વધુને વધુ સાચવીને કે દબાવીને રાખવાનો તમને કોઈ અધિકાર નથી. અનેક અભ્યાસો પછી એમ થાય કે બાળકનું જીવન સૌથી માસૂમ નહિ પણ સૌથી વધુ વકરું છે. આપણે તેને આપણી અનુકૂળતા અને મરજી અનુસાર નચાવીએ છીએ. અને પછી ફરિયાદ પણ આપણે જ કરીએ છીએ કે સંતાનો બગડી ગયા. સંતાનો પાસે અમારા માટે સમય નથી પણ એક વાત હમેંશા યાદ રાખો મારા વ્હાલા માતા-પિતાશ્રીઓ કે તમે જે આજે વાવો છે તે જ તમને આવતી કાલે મળશે તમે આજે જો બાળકને સમયના પર્યાયમાં મોબાઈલ, રમકડાં અને ચોકોલેટસ આપી દેશો તો આવતી કાલે એ તમને પણ સમય અને લાગણીના પર્યાયમાં આવી જ કોઈ વસ્તુઓ કે પૈસા આપીને પોતાના સંતાન થવાનો ધર્મ નિભાવી લેશે. એક બાળકનો ઉછેર એ કદાચ આખા સમાજના ઉછેર જેવુ છે કેમકે એ બાળક જ આગળ જઈને સમાજને કેવું બનાવું અને સમાજમાં કેમ જીવવું, તેમાં કેમ રહેવું તે નક્કી કરશે. સંસ્કાર કોઈ પુસ્તકથી નહીં પણ તમારી જીણી જીણી આદતોથી તમારા સંતાનોમાં રેડાતા હોય છે. આ વાતને ધ્યાને અને કાને દઈને સમજી લેવી જોઈશે કે આપણા સંતાનો આપણા છે ફક્ત આપણા નથી. આપણે એના પર માલિકીભાવ નહીં માત્રને માત્ર લાગણીભાવ દર્શાવવાનો છે. વેલ ત્યારે જ ખીલે જ્યારે તેને તમે સહારો આપતા થોડું બંધન આપો પણ જો એને કચક્ચાવીને બાંધવા જશો તો તે મુર્જાય જશે.
અહીં વેદાંતના કેસમાં શિક્ષકોને અને મનોવૈજ્ઞાનિકની મદદથી બાળકના મન પરની ખોટી અસર અને આઘાતને દૂર કરી શક્યા પણ બધા બાળકનું આવું સદનસીબ નથી હોતું કે સમયસર મનોવૈજ્ઞાનિકનો ટેકો મળી શકે. આથી જ બાળક સાથે વર્તતા કે વાતચીત કરવા માટે તમારે જ્ઞાની કે ચતુર હોવાની જરૂર નથી પણ તમારુ વ્યક્તિત્વ લાગણીસભર અને તમારા જવાબો તેની કુતૂહલતાને દૂર કરી શકે તેવા હોવા જોશે. બાળક વધુ કોઈ માંગ નહિ કરે તમારી પાસે એ માત્ર તમારી માત્ર સવારના નાસ્તામાં થોડી હુંફ, ભોજનમાં છલકાતી લાગણીઓ અને રાત્રે કલ્પનાસભર વાર્તા સાથે માથા પર ફરતો તમારો હાથ ઝંખતો હોય છે. જો તમે માતા – પિતા હો , માતા – પિતા બનવાના હો કે પછી કોઈ બાળકના ઉછેરમાં ભાગીદાર હો તો આ વાતને ખ્યાલમાં રાખજો.
આભાર

લી. હિરલ એમ જગડ
કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ
ભાવનગર
(M.A., P.G.D.C.P. & D.Y.Ed.)

Uncategorised

🚪દરવાજો🚪

દરવાજો એટલે
બે બારણાં અને બંને બાજુએથી કમાડ વાસી શકાય
દરવાજાને બારસાખ, ઉંબરો, આકડિયો, સ્ટોપપર નામના વિભાગો છે.
આ બધા વિભાગોની પોતાની એક વાર્તા છે.. તેમની જિંદગીમાં તેઓ ઘણું સહન કરે છે..બારસાખ પર નભતો દરવાજો આજીવન તેની ઓરસ ચોરસ વિટળાઈને જીવતો હોઈ..દરવાજાની ગોઠવણ બરાબર થઈ શકે એટલે કેટકેટલાય નટબોલ અને સ્ક્રુ પોતાની અંદર સમાવી લેતો હોઈ છે. બારસાખ અડીખમ ઉભો રહે એટલે એના પાયાને બરોબર મજબૂતાઇ આપવામાં આવે છે..દરવાજાની કડી કદાચ છૂટી પડી જાય પણ બારસાખ ક્યારેય તૂટી પડતું નથી.

ઉંબરો
ઓળગવો કે નહિ એનું ચિંતન સીતાને પણ હતું અને કદાચ આજની દરેક નારીને પણ હશે..ઘરની બહાર ઉંબરાને ઓળગીને ક્યારે અને ક્યાં સમયે જવું તે ઘરના સભ્યો અને ઉંબરા એ જાણે મનોમન નક્કી કરી લીધું હોય છે…એ નિયમોનું ઉલ્લંઘન ઘરના વડીલની સાથે ઉંબરાને પણ નથી ગમતું, ફર્ક એટલો છે કે ઘરનું વડીલ ખિજાઈ જાય છે, રિસાઈ જાય છે, ઉંબરો ઓળગવા બદલ ઉંબરે ધક્કો મારી દે છે પણ ઉંબરો ત્યારે પણ તમને સંભાળી લે છે..એ રિહ – ધોક્કો કરવામાં માનતો નથી..બિચારો એવો કશો વ્યવહાર જ કદાચ જાણતો નથી.

આકડીયો બે બારણાંને જોડતી એક કળ. જેની મદદથી આડશ થઈ શકે.

કડી બંધ કરી દેવાથી મુશ્કેલીઓ દૂર નથી થઈ જતી પણ હળવી જરૂર પડી જાય છે..જેનાથી તમે સલામત છો એવો ભાસ થઈ શકે..જેના થકી તમે તાળું મારીને તમારા કિંમતી અસબાબને કિંમતી રાખી શકો..આ આકડીયો જોડાણ છે અને એ જોડાણથી તમને ખાતરી મળે છે તમે સલામત છો સાથોસાથ તમને ખાતરી થાય છે કે બારણાંની ભીતરે હું અભય છું આ આકડિયા એ મારી લાજ રાખી છે.. અહીં હું નિર્ભય છું.

જીવનમાં આવા બારણાં એટલે કેટલાંક સંબંધો..
કેટલાંક સંબંધો દરવાજા જેવા તો કેટલાક બારણાંના બારસાખ જેવા કેટલાક આકડીયા જેવા તો કેટલાક જોડતી કડી..કેટલાક અંદર ખુલ્લે એવા તો કેટલાક બહાર ખુલ્લે એવા સંબંધો.. કેટલાક ખૂબ જાડાઈ ધરાવતા મજબૂત હોઈ એવા તો કેટલાક આરપાર નીરખી ઉઠે ત્વરિત દેખાઈ આવે એવા પારદર્શક સંબંધો.. કેટલાંક ભીનાશ વધતા ફુલ્લી જાય એવા તો કેટલાક દબાણ વધતા તૂટી પડે એવા સંબંધો… સમારકામ કરીને ઠીક કરવા પડે એવા તો કેટલાક દરેક ધોરણે અંકબંધ રહેતા હોઈ એવાં સંબંધો

જાત જાતના અને ભાત ભાતના દરવાજા અને એવા જ ભાત ભાતના સંબંધોની વચ્ચે સજીવન રહેતા આપણે આ ભાત ભાતના સંબંધોની વાર્તા જાણીને વર્તશો તો તમને સંબંધમાં ફરિયાદ ઓછી અને અધૂરપ વધારે જોવા મળશે..તમારા વ્યક્તિત્વને પોષતા આ દરેક સંબંધોના દરવાજાને જરાં સંભાળી રાખજો..

તમે તમારા સંબંધોના દરવાજાની અંદર સલામત રહો
– હિરલ જગડ 🤍