behavioral patterns · Canada · Health solutions · India · life · lifestyle · observations · society

કુદરતનો તટસ્થ વ્યવહાર ✨

ઉમંગ નામનો એક છોકરો ગુજરાતના એક અંતરિયાળ ગામડામાં રહે છે, એના જીવનમાં ગરીબી છે, અને સુવિધાઓની અછત છે, પૂરતું માર્ગદર્શન તો છોડો પણ ઘરની બહાર માર્ગ પણ ઠીકઠાક છે પણ એ રોજ સવારથી સાંજ સુધી ખંતપૂર્વક ખેતી કરે છે.

આરવ નામનો એક યુવક બેંગ્લોરની એક મોટી કંપનીમાં સારા એવા હોદા પર કામ કરે છે, એની પાસે આવડત છે પણ ઓળખાણનો અભાવ છે, જીવનના ધકકાઓની સાથે એ રોજ બસ – ટ્રેનના ધકકાઓમાં સંપડાયેલો છે.

કેમર્બેલી નામની એક યુવતી કેનેડાના એક શહેરમાં રહે છે, એને ડોકટર બનવું છે પણ પૈસા અને શરીર સાથ નથી આપતું, નાની – મોટી નોકરીઓ કરીને પૈસા ભેગા કરે છે અને જીવનમાં આવતા પડાવોનો સામનો કરવા તૈયાર થાય છે.

બર્લિન નામનો યુવક બાંગ્લાદેશમાં રહે છે, એના જીવનમાં આવેલા એક અકસ્માતના કારણે એની હચમચી ગયેલી દુનિયાને માણ માણ કરીને સુ – વ્યવસ્થિત કરવાના પ્રયાસો કરે છે.

ફાતિમા નામની એક પાકિસ્તાની છોકરી જાત અને સમાજ સામે લડી રહી છે, પોતાના હકો અને અધિકારો માટે. હાઉસ વાઈફ તરીકે કામ કરતા કરતા એ પત્ની અને પુત્રવધુ બનવાની ઘટનામાં જે એની જાત ખોવાય ગઈ છે , તેને શોધી રહી છે.

મહેર નામક એક ટ્રાન્સ પ્રયાસ કરે છે કે લોકો એની લાગણીઓને સમજે, સમાજની રચાયેલી એક ચોક્કસ જગ્યાઓમાં ક્યાંક એના માટે પણ ખાલી જગ્યાઓ હોય જેને એ પૂરી શકે.

બ્રેન ન્યુજર્સીમાં રહે છે અને જન્મજાત મળેલી બીમારી સાથે એ દિવસ રાત લડે છે, અને શોધે છે કે કોઈ રીતે આ પીડામાંથી આઝાદ થાઉં અને એક સમાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવું.

સાઈન નામનો એક તરુણ માં – બાપની ઈચ્છાઓ નીચે દબાઈ ગયો છે, એનામાં રહેલું કૌશલ્ય હવે એના માટે ભારરૂપ છે કેમ કે, હવે એને મનથી વાયોલિન વગાડવું નથી ગમતું પરંતુ મા – બાપની ફરમાઈશ પૂરી કરવા પૂરતું જ આ વાદ્ય એ પકડે છે.

આ બધાના જીવનને જાણી ને શું કામ છે ? એવો જ વિચાર આવતો હશે ને! ઉમંગથી લઈને સાઈન સુધીના લોકોની જીવનની વાત એટલા માટે કરી કેમ કે વધુ એક વાર આપણે એ જાણી શકીએ કે જીવનમાં કુદરત બહુ તટસ્થ છે. એણે કોઈને વધુ પડતું કે ઓછું આપ્યું નથી કે આંક્યું પણ નથી, એવી જ રીતે દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ, સમસ્યા, પીડા, અને દર્દ છે જ.

જે રીતે મૃત્યુથી કોઈ ઘર બાકાત નથી એવી જ રીતે તકલીફો અને પીડાથી કોઈ બચી શકયું નથી. દરેકના જીવનમાં દર્દ છે જ , ફર્ક માત્ર એટલો છે કે કોઈ એની સાથે રહીને રોજ દુઃખને ગાયા કરે છે અને કોઈ એની સામે થઈને રોજ તૈયાર થાય છે અને એક દિવસ ધીરે ધીરે એ પીડા મટીને જાય છે અને તાકાત બની જાય છે.

આપણે ટેવાય ગયા છીએ 30 થી 90 સેકન્ડની સમયમર્યાદામાં (span) કોઈની સફળતા જોવા, રાતોરાત કરોડપતિ બનતા એક ગરીબ વ્યક્તિને, અંધકારમાં સંપડાયેલા યુવકને મળતી અચાનક લાઇમલાઈટ, કોઈ સ્ત્રીએ હાંસિલ કરેલી અદ્રિતીય ઊંચાઈ

પણ

પણ

પણ

આ 30- 90 સેકન્ડમાં માત્રને માત્ર જીત્યા પછીની આખરી તસ્વીરો જ આપણે જોઈએ છીએ, આગળના સંઘર્ષો અવગણી નાખીએ છીએ. બહુ જ સહજ ઉદાહરણ જોઈએ, જ્યારે આપણે એકડો ઘુટવાનું શીખ્યા ત્યારે આપણને ભલે કોઈ ડિગ્રી, સર્ટિફિકેટ કે નામના ન્હોતી મળી, પણ એ જ એકડાના અભ્યાસથી આગળ શિક્ષણ મેળવીને જેમ નામચીન થતા ગયા, એનાથી રોટલો અને ઓટલો પામતા ગયા ત્યારે એ ઘુટેલા એકડાનું મહત્વ સમજાય.

એ જ રીતે કોઈ તકલીફમાંથી બહાર નીકળવા માટે મહેનત અને સાહસના અંકોને સતત શ્રધ્ધાપૂર્વક ઘૂટવા જ પડશે અને અંતે આપણું અતિ ભવ્યથી ભવ્ય લક્ષ્ય પણ આપણે સાકાર કરી લીધું હશે.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · Canada · children · Health solutions · husbandwife · India · life · lifestyle · mental health · society

जी जायेंगे हम, भूल जायेंगे अगर 🍀🧠

“બહુ થયું, હવે બહુ થયું, કેટલીવાર આ એકની એક વાત સાંભળું? શું કરું હું તારી માફી પામવા માટે ? તું મને એકવાર કહી દે.”

ક્લિનિકના વેઇટિંગ એરિયામાંથી આ અવાજ સંભળાયો. હું ઊભી થઈને બહાર ગઈ તો જોયું કે એક વૃદ્ધ દંપતિ કાઉન્સેલિંગ માટે આવેલું હતું. બંનેને કલીનિકની ઓફિસમાં બેસાડ્યા અને પછી એમની સાથેનું સેશન શરૂ કર્યું. અત્યારે સુધી શાંત બેઠેલા ચારુબેન હવે ગાજવીજ સાથે પોતાની લાગણીઓનો વરસાદ કરવા લાગ્યા.

“ડોકટર, તમને શું કહું ! આ ઋતુના પપ્પા મને બહુ દુઃખ આપે છે. મેં એમનું ઘર ચલાવ્યું છે પણ ક્યારેય કોઈ માંગ કરી નથી. મેં હંમેશાં બચત કરીને છોકરાઓને મોટા કર્યા છે, એમને મારા પર હાથ ઉપાડ્યો છે અને ઘણી વખત મારી મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધવા મજબૂર પણ કરી છે. આ વાત હું એમને યાદ કરાવું છું, તો એમને ગમતું નથી. પણ જે કર્યું છે એ તો સાંભળવું જ પડે ને! તમે જ કહો હું ખોટી છું આમા?


ચારુબેનનો અવાજ બંધ થયો, એ જ ક્ષણે અતુલભાઈ રડમસ અવાજે બોલ્યા,

“મેડમ, હું માનું છું મારે આવું ન્હોતું કરવું જોઈતું, આ ભૂલ માટે મેં એની માફી પણ ઘણીવાર માંગી છે, પણ ડોકટર મારો ઉછેર એવા માહોલમાં થયો છે કે જ્યાં આ બધું મેં જોયું છે મને સહજ લાગતી આ વસ્તુઓ કેટલી ખોટી હતી! એ મને ઘણું મોડું સમજાણું પણ સાચું કહું છું, 20 વર્ષ પહેલાં થયેલી આ ભૂલ મને આજ સુધી તકલીફ આપે છે અને એના પછી ઘણો પસ્તાયો છું, અને માફી માટે કરગર્યો પણ છું, પણ ચારુંના મગજમાંથી આ વાત જતી જ નથી. અમારા ઘર વહુઓ છે દીકરીઓ એના સાસરે છે પણ ચારું, દરેક જગ્યાએ આ પોતાનું દુઃખ ગા – ગા કર્યા કરે છે, અને મને હલકો પાડે છે. મને એનો પણ વાંધો નથી પણ એના કારણે ચારુની પોતાની તબિયત બગડે છે. છેલ્લા બે વર્ષથી એને નાના – મોટા પેટ અને માથાના દુઃખાવા રહે છે. હજારો રૂપિયાની દવા પછી ફર્ક ના પડ્યો અંતે જનરલ ફિઝિશયને, તમને એટલે કે સાયકોલોજિસ્ટને મળવાનું કહ્યું છે. હવે તમે કહો આમા શું કરી શકાય. મારાથી બનતા દરેક પ્રયત્ન હું કરીશ. મારે ચારુને હસતી અને જીવન જીવતી જોવી છે આમ દુઃખને વાગોળતી નથી જોવી”

શિલાલેખ ઝાકળના ટીપાથી ધીમે – ધીમે ભીંજાય જાય એમ જ એક સખત કાળજાવાળો પુરુષ આંસુઓ વચ્ચે કણસતો હતો.

આપણે હંમેશા ફરિયાદ કરતા હોઈએ છીએ કે યાદ નથી રહેતું, પણ આપણી ભૂલવાની શક્તિને આપણે હંમેશા નજઅંદાજ કરી દઈએ છીએ. ટેકન ફોર ગારન્ટેડ ગણાતા આ વિસ્મરણનું કેટલો મહત્વનો રોલ છે આપણા જીવનમાં. મેમરી ક્યારેક દગો દઈ જાય તો ચાલે, પણ વિસ્મરણ જો દગો આપે તો જીવન જીવવું બહુ કઠિન થઈ જાય. એક વાર કલ્પના કરી જુઓ કે, દરેક દુઃખ આપણને યાદ રહેતું હોત તો ! તો શું થાત ? વર્ષો પહેલા ગુમાવેલા સ્વજનોને આજે પણ ભૂલી ન શક્યા હોત અને એ સમાચાર મળતા જ, જે રીતે ભાંગી પડ્યા હતા, અત્યારે એવા જ હોત. કોઈએ કહેલી વાત – વિવાદ સતત મનમાં રાખીને આપણે આપણા મનનો વજન અઘણિયાત સ્ત્રીઓની જેમ વધારી લીધો હોત. વીતેલી યાદો જો રોજ કોંસ્ટન્ટ પ્રમાણમાં પેલા શોશિયલ મીડિયામાં ચાલતા રિલ્સની જેમ સ્ક્રોલ થતી હોત તો ? કોઈએ કહેલા શબ્દો, કોઈનાથી દુભાયેલી લાગણીઓ, મમ્મીએ કે પપ્પાએ આપેલી વઢ કે મિત્રોએ કહેલા કડવા વેણ, જીવનમાં થયેલા ખરાબ અકસ્માતો અને અનુભવો જો ભૂલી જ ન શક્યા હોત તો ? ભૂલી જવું એટલે સારું છે કેમકે ભૂલી જઈશું તો આગળ વધી શકશું, રસીથી ખદબદતા પગમાંથી ડોકટર ખરાબ ભાગ કાઢીને નાખે છે કેમ કે શરીરના બીજા ભાગો સારી રીતે રહે, એવી જ રીતે આપણું મગજ ભૂલવાની શક્તિ ધરાવે છે જેનાથી આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ અને પ્રગતિ કરી શકીએ. અહીં વાતનો તાત્પર્ય એવો જરાય નથી કે મન ફાવે તેવું વર્તન કરવું અને પછી અપેક્ષા રાખવી કે સામેવાળી વ્યક્તિ ભૂલી જશે. પણ કેટલું જતું કરવું અને શું જતું કરવું એનું પ્રમાણ વ્યક્તિગત રીતે નક્કી કરવું જ જોઈએ.

આ કેસમાં ચારુબેન બે દાયકા પહેલા બનેલી યાદો આજે પણ રોજ તરોતાજા કરીને જીવે છે જેના કારણે જ એમના શરીરમાં નાની-મોટી ફરિયાદોનું આગમન થયું હતું. તેમની કેસ હિસ્ટ્રી લેવામાં આવી, CBT ઉપરાંત CST જેવી સાયકો થેરાપીથી ધીરે-ધીરે તેમની સારવાર કરવામાં આવી. તેમના હાલના રૂટિનમાં ફેરફારો થયા, પતિ-પત્ની વચ્ચે સંવાદોની ગોષ્ઠી થઈ. હવે ચારુબેન ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે.

છેલ્લો કોળિયો: કુદરતે યાદ રાખવાની ક્ષમતા આપી છે એટલે આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ એ સાચું, પણ એ જ ઉપરવાળા એ ભૂલવાની શક્તિ આપી છે એટલે જ આપણે વિકસી શકીએ છીએ, એ પણ યાદ રાખવા જેવું ખરું! 😊

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · children · dependency · life · lifestyle · mental health · moral values · observations · Uncategorised

Are you Comfortable?

અગસ્ત નામનો એક યુવાન હતો, ઘરમાં મમ્મી – પપ્પા અને એક વૃધ્ધ દાદા હતા. દાદા બહુ ચપળ અને બુદ્ધિશાળી હતા. અને પાછા કોઈના જીવનમાં ચંચુપાત કરવી એમને ગમતી પણ નહિ. એ તો મસ્તમૌલા પોતાના કામથી કામ રાખવાનું અને મસ્ત મજા કરવાની જરૂર જેટલું ભોજન કરી મોટા ભાગનો સમય એ વાંચનમાં પસાર કરતાં, દરરોજ સાંજે મિત્રો સાથે કુદરતના ખોળે બેસી જીવનને માણતા. ઘરમાં બધું સમુસુધરૂ ચાલતું હતું. કોઈ જાતની કંઈ મગજમારી નહોતી, ફેમિલી બિઝનેસ પણ સારો ચાલતો હતો. પણ દાદાને મનોમન અગસ્તની ચિંતા થયા રાખતી, કેમ કે પૌત્રને આમ ભણવાનુ અધવચ્ચે છોડીને સીધી ગાદી મળી ગયેલી એટલે જીવનમાં કોઈ જાતની સ્ટ્રગલ જોઈ કે જાણી ન્હોતી, એટલે જ એ ધીરે ધીરે કરીને પોતાના કમ્ફર્ટ ઝોનમાં ગોઠવાતો જાય છે. દાદાજીએ પોતાની ચિંતા દિકરા સાથે શેર કરી અને બીજા અઠવાડિયે જ કંઇક એવું બન્યું કે અગસ્ત માથે આભ ફાટ્યું. અગસ્તના પિતાને પેરાલીસનો હુમલો આવ્યો તકલીફ એટલી હતી કે હલનચલન તો દૂર પણ વાતચીત કરવી પણ મુશ્કેલ હતી. પિતાજી હોસ્પિટલમાં હતા એટલે ધંધાનું સંપૂર્ણ કારભાર એના માથે હતો. ખરીદી, વેચાણ અને માર્કેટિંગ આ બધું જે કોઈ વાર એણે કર્યું જ ન્હોતું તે તેની માથે આવ્યું. શરૂ શરૂમાં બહુ મૂંઝવણ થઈ, કેટલાક ખોટા નિર્ણયો લીધા અને પછી થાકી હારીને એક દિવસ ધંધો બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે દાદાજી એ તેને પાસે બેસાડીને એક વાર્તા કહી.

“એક ગુરુ અને એક શિષ્ય હતા, એકવાર તે એક ગામથી બીજા ગામમાં જવા નીકળ્યા પણ સાંજ પડી ગઈ હતી અને ખૂબ થાક્યા હતા એટલે કોઈ વિસામો શોધતા હતા. ત્યાં જ એમને એક ઝૂંપડી દેખાણી અને ત્યાં આસપાસ નજર કરી તો એક ગરીબ માણસ દેખાયો, ગુરુ – શિષ્યએ વિસામો માંગ્યો અને ત્યાં થોડીવાર આરામ કર્યો. આરામ કર્યા પછી નીકળવાની તૈયારી કરતા હતા, ત્યારે એ ગરીબ માણસ પોતાની હેસિયત મુજબ સીધુ અને ભાતું લઈને આવ્યો, ગુરુજી ખૂબ પ્રભાવિત થયા. થોડીવાર બેઠા અને વાતચીત કરી ત્યારે એમની નજર બાજુમાં એક ખેતર પર પડી, એમણે પૂછ્યું કે આ આટલું વિશાળ ખેતર કોનું છે ? પેલા ગરીબ વ્યક્તિએ કહ્યું કે મારું છે, પણ હું ખેતર ખેડતો નથી, એક ભેંસ છે એના સહારે મારું ગુજરાન ચાલ્યા રાખે છે. ગુરુજીને અચંબો થયો. પણ કંઈ બોલ્યા નહિ. ગરીબીની વિનંતી પર રાત ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું, પણ અડધી રાત્રે ગુરુ અને શિષ્ય નીકળી ગયા અને પોતાની સાથે ભેંસ પણ લેતા ગયા. શિષ્ય આખા રસ્તે ગુરુજીને પૂછતો રહ્યો કે, “આ તો કેટલું ખોટું કહેવાય, એ બિચારા ગરીબ માણસે આપણને મદદ કરી અને આપણે એની એકમાત્ર રોજીને આમ ચોરીને આવી ગયા.”
ગુરુ કંઈ બોલ્યા નહિ, સમય પસાર થઈ ગયો અને એ વાતને ત્રણ વર્ષ વિતી ગયા, ગુરુજીએ એ ભેંસની માવજત ખૂબ કરી હતી. અને એક દિવસ શિષ્યએ લઈને ફરી એ ગામમાં ગયા, આ વખતે ભેંસને પરત કરવા અને એ ગરીબને મળવા જઈ રહ્યા હતા. ગરીબના ઘરે પહોંચ્યા તો જોયું કે ઝૂંપડીની જગ્યાએ હવે પાક્કું મકાન બની ગયું હતું અને વેરાન પડેલું ખેતર પાકથી લહેરાતું હતું. ગુરુ તે ગરીબને મળ્યા અને ભેંસ પરત કરી ત્યારે, ગરીબ સજળ આંખે કહ્યું કે, માયબાપ, આ જે પણ છે તમારા કારણે છે તમે જો મારી પાસે ભેંસ લીધી ન હોત તો હું આજીવન ગરીબીમાં જ જીવત, હું લાચાર અને પાંગળો બન્યું ત્યારે જ મને મારામાં રહેલી શક્તિ સમજાય.”


દાદાજીની વાર્તા અગસ્તને ગળે ઉતરી અને એ પણ ધીરે ધીરે એનામાં રહેલી શક્તિને ઓળખી ગયો અને જરૂર જણાય ત્યાં દાદાજીની સલાહ અને પપ્પાનું માર્ગદર્શન લીધું પણ ગોઠવાય ગયો. અગસ્તએ ધંધો ખાલી સંભાળ્યો જ નહિ પણ એને આગળ પણ વધાર્યો અને હવે અગસ્તના પિતા તેમની બીમારીમાંથી અને અગસ્ત તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે.

દાદાજી હવે ખૂબ ખુશ હતા અને એક સાંજે ફળિયામાં બેઠાં બેઠાં રામધારી સિંહ દિનકરની કવિતા વાંચતા હતા,

सच है, विपत्ति जब आती है,
कायर को ही दहलाती है,
सूरमा नहीं विचलित होते,
क्षण एक नहीं धीरज खोते,
विघ्नों को गले लगाते हैं,
काँटों में राह बनाते हैं।

गुण बड़े एक से एक प्रखर,
हैं छिपे मानवों के भीतर,
मेंहदी में जैसे लाली हो,
वर्तिका-बीच उजियाली हो।
बत्ती जो नहीं जलाता है
रोशनी नहीं वह पाता है।

बढ़कर विपत्तियों पर छा जा,
मेरे किशोर! मेरे ताजा!
जीवन का रस छन जाने दे,
तन को पत्थर बन जाने दे।
तू स्वयं तेज भयकारी है,
क्या कर सकती चिनगारी है?


છેલ્લો કોળિયો: આપદાને અવસર સમજીને ઉજવાતા થઈ જઈશું, અને તકલીફને તક સમજીને સળગતા અને પ્રગટતા થઈ જઈશું ત્યારે ત્યારે આપણે સફળ થઈ જઈશું

-Dr. Hiral Brahmkshatriya

behavioral patterns · codependent · dependency · Health solutions · life · lifestyle · mental health · moral values · observations · society

Discipline is success ✨

2020-2021માં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં કામ કરેલું, ત્યારે અલગ અલગ રીતે લોકોમાં વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમો કરેલા. જેના માટે નવી નવી રીતો શોધી હતી, આ બધા અનુભવ દરમ્યાન એક વાર્તા સાંભળેલી, જે કંઇક આવી હતી.

એક આશ્રમ હતું જેમાં એક ગુરુ અને એમના શિષ્યો રહે, આ ગુરુ સહજ અને સરળ હતા, શિષ્યોને એમના જીવનમાં જે નાની મોટી સમસ્યાઓ આવે ત્યાં એમને યોગ્ય રાહ ચિંધતા બાકીના સમયે એ ધ્યાન કરતા અને ધર્મનું વાંચન કરતા રહેતા. આશ્રમમાં દરેક શિષ્યને પોતાની અનુકૂળતા મુજબ રહેવાની છૂટ હતી પણ આશ્રમનો એક જ નિયમ હતો કે આશ્રમના પટાગણમાં મદ્યપાન કે ધૂમ્રપાન વર્જિત હતું. અને દરેક શિષ્ય આ વાતનું પાલન કરતા અને મુલાકાતી પણ આ વાતને ધ્યાનમાં રાખીને નિયમનું પાલન અચૂક કરતા. એક દિવસ આશ્રમમાં ધૃપદ નામનો નવો શિષ્ય આવ્યો. તે તેના જીવનથી ઘણો કંટાળેલો હતો અને આશ્રમમાં શાંતિ અને સલામતી મેળવવાની ઈચ્છાએ આવ્યો હતો. ધૃપદને બીજો તો કોઈ પ્રશ્ન ન્હોતો પણ એને દારૂ પીવાની આદત હતી, હવે આશ્રમમાં તો મનાઈ હતી એટલે ધૃપદ મૂંઝાયો કે કરવું શું ? મનમાં ને મનમાં વાત વાગોળતો રહ્યો, અને પછી નક્કી કર્યું કે કોઈને ખબર ન પડે એ રીતે ક્યારેક ક્યારેક પી લઈશ. સમય પસાર થતો ગયો, અને ધૃપદ તો છુપાઈને દારૂ પીવા લાગ્યો, ગુરુને જાણ હતી પણ એમને થયું કે નવો છે ધીરે ધીરે સમજી જશે, પણ એમ થયું નહિ. ગુરુ એ એક દિવસ સભા પૂરી થયા પછી ધૃપદને બોલાવીને સમજાવ્યો, એને વિંનતી કરી કે આ લત છોડી દે. ધૃપદે ગુરુની લાજ રાખવા વચન પણ આપ્યું પણ તે પાલન ન કરી શક્યો. ગુરુને થયું કે હવે કોઈ બીજી રીતે સમજાવું પડશે. એક સાંજે ગુરુ બધા શિષ્યો સાથે વિહાર કરવા નીકળ્યા, જંગલમાં ચાલતા ચાલતા ગુરુ એ અચાનક એક વૃક્ષના થડને કચકચાવીને પકડી લીધું. અને પછી રાડો પાડવા લાગ્યા.

“મને છોડી, એ વૃક્ષ મને છોડી. મારે જાવું છે તું મને છોડી દે.”

બધા શિષ્યો અચંબામાં હતા. કે આ ગુરુજી શું કરે છે ! એટલામાં ધૃપદ આગળ આવ્યો અને પહેલા તો ખડખડાટ હસવા લાગ્યો અને પછી કહ્યું કે,

“ગુરુજી, આ વૃક્ષએ ક્યાં તમને પકડ્યું છે ! તમે એને પકડી રાખ્યું છે, તમે છોડી દેશો તો એ છૂટી જશે.”

ધૃપદની વાત સાંભળતા જ ગુરુજી એ વૃક્ષનું થડ છોડી દીધું, અને ધૃપદની નજીક જતાં બોલ્યા કે,

“તારી વાત તો સાચી, હું પણ તને એ જ સમજાવવા માંગુ છું કે આપણી ખરાબ કે ખોટી આદતો એ આપણને નહીં પણ આપણે એ આદતોને પકડી રાખી છે, જો આપણે છોડી દઈશું તો છૂટી જશે. સમય લાગશે અને તકલીફ પણ પડશે પણ પ્રયત્ન કરીશ તો આદતોની માયાજાળમાં ફસાતાં બચી જઈશ.”

ગુરુની વાત ધૃપદને ગળે ઉતરી ગઈ અને એની આદતો ધીરે ધીરે બદલાઈ ગઈ.

આ વાર્તા અહીં પૂરી થઈ, 100 લોકો સુધી આ વાત પહોંચે તો એમાંથી કદાચ એક વ્યક્તિ બદલાઈ એવી મહદઅંશે શક્યતાઓ છે. કેમ કે આપણે જાણતા હોવા છતાં ખરાબ આદતોને પાળીએ છીએ. એટલે જ દુનિયાભરમાં ચાર માંથી એક પુરુષ અને દસમાંથી એક મહિલા તમાકુનું સેવન કરે છે. તમાકુ અને આલ્કોહોલની લતના કારણે હજારો પરિવાર વિખરાય છે અને કરોડો લોકો ભયંકર બીમારીઓથી પીડાય છે આના સિવાય વધુ એક સમસ્યા આજના સમયમાં જોવા મળે છે એ છે ઈન્ટરનેટ એડિકશન.

લોકો દિવસ રાત સોશિયલ મીડિયા પર ખોવાયેલા અને છવાયેલા રહે છે અને દિવસ, મહિના અને વર્ષના અંતે ભાન થાય છે કે આ કામ કરવાનુ તો રહી જ ગયું. લોકોની કામ કરવાની ક્ષમતા(productivity) ની સાથોસાથ એકાગ્રતા( focus/concentration) પણ ઘટી છે. ન્યુ યરમાં લીધેલા રિસોલ્યુશન એક મહિના સુધી પણ ચાલતા નથી. કેમ કે આ બધા પાછળ અભાવ છે નિયમિતતાનો – discipline નો. આયોજન બનાવવું અને એનું પાલન કરવું જો આપણે શીખી જઈશું તો ચોક્કસપણે આપણે આપણા લક્ષ્ય (goal) સુધી પહોંચી જઈશું.

“With self-discipline, almost anything is possible.” – Theodore Roosevelt



#છેલ્લો કોળિયો: કરીએ એટલું કામ થાય, અને થાય એટલું કામ કરીએ આ બંને વચ્ચેનો તફાવત શીખી જઈશું અને સમજી લઈશું તો આપણું જીવન પાર થઈ જશે.

Continue reading “Discipline is success ✨”
Uncategorised

Schizophrenia


વ્યક્તિ પાસે બે જગત હોઈ છે એક વાસ્તવિક અને બીજું કાલ્પનિક.આ બન્ને વચ્ચે જ્યારે વિખવાદ સર્જાય ત્યારે સમસ્યાનો જન્મ થાય છે.

અને ધીરે ધીરે તે રોગ બની મનોરોગ બનીને બહાર આવે છે.વિશ્વભરમાં સૌથી વ્યાપક અને ગંભીર પ્રકારની મનોવિકૃતી એટલે છિન્ન મનોવિકૃતી.( Schizophrenia)

વર્તમાન સમયમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. અભ્યાસો સૂચવે છે કે 24 લાખથી વધુ દર્દીઓ માત્ર યુ.એસ.એ.માં છે.

આ રોગનો ઇતિહાસ જોઈએ તો 1860માં બેલ્જિયનમાં મનોચિકિત્સક મોરલને સૌ પ્રથમ આ રોગના લક્ષણો તેર વર્ષના બાળકમાં દેખાયા. તે બાળક ઘણો પ્રતિભાશાળી હતો વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતો પરંતુ એકાદ વર્ષમાં તેનામાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો, તેનો અભ્યાસમાંથી રસ ઊઠી ગયો..વધુ ને વધુ ઉદાસીન રહેવા લાગ્યો.. હરવું ફરવું બોલવું સદંતર ઓછું કરી દીધું..યાદશક્તિ બિલકુલ ચાલી ગઇ..પોતાના નજીકના સ્નેહીજનને મારી નાખવાની વાતો કર્યાં રાખે.

આ બધા લક્ષણોને અસામાજિક મનોહાર્શ તરીકે ઓળખાવ્યો..ધીરે ધીરે બીજા કેટલાક મનોચિકિત્સકોના અભ્યાસોમાં પણ આવા લક્ષણોનો ઉલ્લેખ જોવા મળ્યો અને જાણવાં મળ્યું કે આ રોગ માત્ર કિશોરાવસ્થામાં જ નહિ પુખ્ત વયમાં પણ જોવા મળે છે..DSM-4 નોંધે છે કે છિન્ન મનોવિકૃતીના ઉપચાર માટે આવતા 40% પુરુષો અને 23% મહિલાઓમાં 19 વર્ષની ઉંમર પહેલા આ રોગ શરૂ થયેલો હતો.

વ્યક્તિત્વ ત્રણ તત્વોનું બનેલું છે..
1) તત્ (id)
2) અહમ્ (ego)
3) ઉપરી અહમ્ (super ego )

આ રોગ દરમિયાન ઉત્પન્ન થતા અવરોધોના કારણ અહમની મનોજન્ય નબળાઈ અથવા રસાયણજન્ય, કોષતંતુજન્ય,જનીનજન્ય કે મનોજન્ય અથવા સંયોજન રૂપે હોઈ શકે..લાંબા સમય સુધી ‘અહમ્’ ના મૂળભૂત કાર્યોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું જ હોતું નથી અથવા બહુ જ ખરાબ રીતે પ્રાપ્ત કર્યું હોય છે તે વાસ્તવિકતા સાથે પૂરતો સંપર્ક જાળવી શકાતો નથી.તેથી વિચારણા ઈચ્છાપૂર્તિ રૂપ ત રંગો કે જે બાલ્યાવસ્થાને યોગ્ય ગણાય એ કક્ષાએ સ્થગિત થઈ ગઈ હોય છે.તે પોતાના વિચારો અને પ્રત્યક્ષીકરણને અર્થપૂર્ણ રીતે વ્યકત કરી શકતો નથી.તેના અહમના બચાવની વ્યવસ્થા એટલી નબળી બની ગઈ હોય છે કે તે પોતાના વિશેના ઉપયોગી ખ્યાલને ટકાવી શકતો નથી.

24 મે schizophrenia Awareness Day તરીકે ઉજવાય છે.

આજના સમયમાં માણસ મગજ અને બુદ્ધિનો ઉપયોગ કરીને ઉત્તમ અને અતિઉત્તમ બનવા લાગ્યો છે, પણ ક્યાંક એનું માનસ ખંડિત થઈ રહ્યું છે જેની એને જાણ હોય છતાં ઉપચાર કરવા માટે કોઈ જ કાર્ય કરતો નથી.આ તો કેવી વાત છે કે આપણા શરીરના કોઈ અંગમાંથી સતત લોહી નીકળે છે પણ આપણે એનો ઈલાજ કરવાને બદલે એવું વિચારીએ છીએ કે..

” હાય હાય લોકો શું કહેશે…”

” મારે કોઈ તબીબની જરૂર નથી..”

“હું તો કંઈ ગાંડો છું ?”

અને આવા અસંખ્ય વાક્યો આપણી પાસે હાજરાહજૂર હોય છે જ્યારે વાત માનસિક સ્વાસ્થ્યની આવે છે..અઢળક શિખામણોનો ઢગલો કરી શકીએ છીએ પણ કોઈ તજજ્ઞ પાસે સાચી સલાહ લેવા જતા નથી..આમાં ઓછપ અને આંતરિક ભીતિ જ અનુભવતા હોઈએ છીએ..!

આવા દિવસો માત્ર દર્દીઓ માટે નથી ઉજવાતા પણ એટલા માટે ઉજવાય છે કે..જે લોકો ધીમે ધીમે દર્દી બનવા માટે તૈયાર થઈ રહ્યા છે તેમના માનસમાં છપાયેલી ખોટી વ્યાખ્યાઓ દૂર થાય અને તેમના શરીરની કાળજી જે રીતે કરે છે તેટલી જ ચોકસાઈ તે તેના મન..મગજ.. માનસ..મનોદશા (mood) ની પણ રાખે.. આપણું ભાવિ પાગળું બનતા અટકે..આપણી આસપાસ શારીરિક-માનસિક-આધ્યત્મિક-આવેગિક રીતે સ્વસ્થ એવો સમાજ વિકસે..!

સારવાર કરતા સાવચેતી સારી…🙏

#Heer 🌸#SchizophreniaAwarenesDay🤗
#Wecare✨#MentalHealth✌️#psychology🕎
#HealthyNation👼#HealthyUs💖

behavioral patterns · child development and care center · children · husbandwife · India · life · moral values · Norway · parenting

अच्छा हुं, बुरा हुं पता नहीं ! पर मां हुं |

કોઈ એક સવારે તમારા ઘરે બે સ્ત્રીઓ આવી અને તમારા પાંચ મહિનાના બાળકને ઉપાડીને લઈ જાય તો તમે કંઈ રીતે વર્તન કરો ?

હાથથી બાળકને જમાડવું કે તેને કપાળે કાળું ટપકું કરવું, બાળકને માતાપિતાની સાથે સુવડાવવું કે તમારી માતૃભાષામાં વાત કરવી, બાળકનો પ્રોજેક્ટ ભૂલી જવો કે બીજું કોઈ પણ વર્તન તમે કરો તો એવું સાબિત કરવામાં આવે કે તમે યોગ્ય માતા નથી, તો તમે શું કરો ?

જો તમને કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવે કે, તમારા બંને બાળકો 18 વર્ષની ઉંમર સુધી સરકાર પાસે રહેશે, તો તમે કંઈ રીતે રીએક્ટ કરો ?

જો તમને ખબર પડે કે તમારા બાળકોને યોગ્ય માહોલ અને યોગ્ય ઉછેર નથી મળી રહ્યો તો તમે કંઈ રીતે પ્રતિક્રિયા આપશો ?

ત્રણ – ચાર કોર્ટમાંથી નિરાશા મળ્યા પછી જો તમને ઓફર મળે કે તમારા બાળકની કસ્ટડી તમારા દિયરને મળી શકશે, પણ તમને નહિ? તો શું તમે આ સ્વીકારશો ?

તમારા બાળકો તમારા જ કુટુંબના સભ્યો પાસે હોય અને તેમ છતાં જો તમે એમને ના મળી શકો તો, શું મનોસ્થિતિ હોય તમારી ?

જેને તમે પ્રેમ કર્યો અને જેની સાથે સંસાર માંડ્યો એ વ્યક્તિની પ્રાયોરિટી લિસ્ટમાં તમારું કે તમારા બાળકોનું નામ જ ન હોય અને માત્રને માત્ર એક દેશની સિટીઝનશીપ અને પૈસા જ હોય તો એ સ્થિતિમાં તમે શું કરો ?

આ બધા સવાલોની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે, જ્યારે કોઈ એક વ્યક્તિએ આવી જિંદગી જીવી છે, હાલમાં પ્રકાશિત થયેલી રાની મુખર્જીની ફિલ્મ Mrs Chatterjee Vs Norway જે સત્ય ઘટના પર આધારિત છે તે નોર્વેમાં વસતા એક ભારતીય દંપતીના જીવનનું પ્રતિબિંબ છે. 12 વર્ષથી વિદેશમાં વસતા આ બંગાળી કપલના બાળકોની કસ્ટડી માટેની આખી લડત આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આની સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા છે.

એક માણસ તરીકે તમારામાં રહેલી માણસાઈ કેટલી હદ સુધી નીચે જઈ શકે ? અહીં નોર્વે સરકાર અંતર્ગત કામ કરતા તથા બાળ કલ્યાણ યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓ ગેરકાનુની રીતે પૈસા કમાવવા માટે કેટલાક દંપતીઓને ફસાવીને તેમને કોર્ટમાં માનસિક અસ્વસ્થ કે અયોગ્ય માતાપિતા સાબિત કરી દે છે અને તેમને તેમના બાળકોથી તેમને વર્ષો સુધી અલગ કરી દે છે.

એક જ પરિવારમાં રહેનાર વ્યક્તિઓ પોતાના જ લોહી કે વારસદાર માટે કેટલી જુદી રીતે વિચારી શકે ? અહીં બાળકોના પિતા, કાકા અને દાદા – દાદી માત્રને માત્ર સ્વાર્થ અને પૈસાને જ અગત્યતા આપે છે જેની માટે એ કંઈ પણ હદ સુધી જવા તૈયાર છે.

માતા વિદેશમાં હોય કે પોતાના દેશમાં, મા સામે દરેક સ્થિતિ નજીવી હોય છે જ્યારે વાત તેના બાળકો પર આવે છે. અલગ અલગ કોર્ટમાં હાથ જોડીને હાથ ફેલાવીને આ માતાએ એના બાળકો માટે અરજ કરી. અને અંતે તેને તેનું યથાર્થ ફળ મળ્યું.

સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય છે, એવું ભલે કહેવાતું પણ આ કેસમાં નોર્વેની ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ થી લઈને કોલકાતાની એડવોકેટ મિસ. પ્રતાપ સુધી દરેક સ્ત્રી આ સ્ત્રીપાત્રની લડતમાં સાથે હતી.

સમય બદલાય છે આપણી લાગણીઓ અને માગણીઓ પણ બદલાય છે, સંસ્કૃતિ અને સમાજને વધુ આવેગીક વિકાસની જરૂર છે.

#છેલ્લો કોળિયો : સવલતમય અને સમૃદ્ધ થતાં થતાં ક્યાંક આપણે નિષ્ઠુર અને અસંવેદનશીલ તો નથી થઈ રહ્યાને ! રોજ એક વાર પોતાની જાતને પૂછીને ખાતરી કરી લેવી.

Movie released on 2023
Novel published on 2022
behavioral patterns · Canada · India · life · lifestyle · moral values · observations · parenting · society · unemployment · youth

चलो इक कामयाब+इन्सान बनते है ।

ઘટના : 1.

ફેબ્રુઆરી 2022માં બનેલી આ ઘટના, મૂળ બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમનો સેકેન્ડ યરનો વિદ્યાર્થી છે, તેણે 51 સેકન્ડ માટે googleને હેક કર્યું. આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ પ્રોબ્લેમ રીકવર ન થઈ. થોડા સમય પછી હેક થવાનું કારણ મળ્યું કેમકે ઋતુરાજે એને પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપનીને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં રહેલી આ ક્ષતિને કારણે હું એને હેક કરી શક્યો. અધિકારીઓ એ બાબત પર ધ્યાન આપીને ચેક કર્યું ત્યારે એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને ઈ-મેઈલ દ્વારા ઋતુરાજની આવડત અને જીણવટને અભિનંદન પાઠવતા તેને Googleમાં કામ કરવાની ઓફર મળી અને 3.66 કરોડ પગાર સાથે નિમણૂક લેટર પણ મુકલવામાં આવ્યો, ઋતુરાજનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે ત્યાર કરવામાં આવ્યો અને જેટ વિમાનથી ઋતુરાજ અમેરિકા પહોંચ્યો.

https://www.dnaindia.com/viral/report-bihar-s-rituraj-chaudhary-finds-bug-in-google-company-takes-this-step-2932273/amp

ઘટના : 2

માર્ચ 2023માં ચોકવનાર ઘટના સામે આવી, જેમાં જલંધરની એક ઓવરસીસની સહાયથી સમયાંતરે 700 જેટલા વિદ્યાર્થીઓ બ્રિજેશ મિશ્રાની મદદથી પોતાના સપનાંઓને પાંખો લગાડીને પહોંચ્યા, આ પાંખો લગાડવાની કિંમત તેમણે માથાદીઠ 16, 00, 000 રૂપિયા ચૂકવી હતી. અલગ-અલગ પ્રોગ્રામમાં એડમિશન લઈને આ વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યા, ઘરથી અલગ એકલું રહેવાનું, માતા પિતા સાથે વરચ્યુલી કનેક્ટ રહેવાનું, નવા દેશમાં નવા પેહરવેશ સાથે ગોઠવાવવાનું, ખર્ચ ચલાવવા જાતભાતની નોકરી કરવાનું, આ બધું ચાલતું હતું. થોડા સમય ભણવાનુ પૂરું થયું અને વર્ક પરમિટ મેળવ્યું, પ્રોપર જોબ મળતાની સાથે, ચોક્કસ જવાબદારીઓ પણ આવી, ભવિષ્યની યોજનાઓ અને કેટલીક ગણતરીઓ શરુ કરી, વર્ક પરમિટનો સમયગાળો પૂર્ણ થયો અને PR (કાયમી રહેવાસી) મેળવવાની પ્રોસેસ શરૂ કરી થોડા સમય બાદ ઘરે લેટર આવે છે કે, “તમારે આ દેશ છોડીને તમારી હોમ કન્ટ્રીમાં પરત ચાલયા જવાનું છે.”

કેનેડા સરકારનો આ લેટર ભૂકંપની જેમ આવ્યો અને 700 વિદ્યાર્થીઓના સપનાંઓ, આશા અને અપેક્ષાઓ ને જમીનદોસ્ત કરીને જતો રહ્યો, આ 700 વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાનું છે એટલું જ નહિ પરંતુ ભવિષ્યમાં પણ ક્યારેય આ દેશમાં આવી શકશે નહિ એવી મહોર પણ લાગી ગઈ. એક એજન્ટના સ્વાર્થની સજા આટલા બધા લોકો ભોગવશે.

https://www.hindustantimes.com/cities/chandigarh-news/deportation-notices-to-700-students-licence-of-jalandhar-based-consultant-cancelled-101679415036910.html

શું કામ ?

શા માટે ?

પ્રથમ ઘટના વાંચતા વેત આપણી છાતી ગજગજ ફૂલે અને બીજી ઘટના વાંચીને આપણે શરમ અને ક્ષોભ અનુભવીએ. છેલ્લા બે વર્ષમાં બનેલ આ બે ઘટનાઓ છે, બંને ઘટનાઓ બે અંતિમો પર સવાર છે, એક ઘટનામાં એક વ્યક્તિની કુશળતા નજીકના ભવિષ્યમાં અનેક લોકો માટે નવી યોજનાઓ અને સિદ્ધિઓ ઊભી કરશે એની બાતમિતી આપે છે, જ્યારે બીજી ઘટનામાં એક વ્યક્તિના શાણપણ અને લાલચના કારણે 700 યુવાનો અને તેમના પરિવારજનો આર્થિક, માનસિક, અને સામાજિક હાલાકીનો સામનો કરશે એની દુર્ગંધ આવે છે.

દરેક વ્યક્તિને સમજવા જેવી કેટલીક બાબતો :

  1. દેશમાં રહીને કામ કરવું હોય કે વિદેશ જઈને વસવું હોય તમારા સપનાંઓની દોર કોઈ બીજાના હાથમાં ન આપો.
  2. જેક – છેડા – ઓળખાણથી આગળ વધતા પહેલા એક વાર તમારી આવડત અને કૌશલ્યો પર કામ જરૂર કરી લેવું.
  3. કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા એની ટર્મ્સ અને કંડીશનથી સંપૂર્ણ સ્વસ્થ રીતે માહિતગાર થવું.
  4. તમારા મૂલ્યો એ તમારું વ્યક્તિત્વ છે, મૂલ્યો સાથે કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ પણ કામને હા પાડવી નહિ.
  5. શોર્ટકટ શોધવામાં જિંદગીનો મેપ ગોથે ખાઈ જતો હોય છે, તો શોર્ટકર્ટ્સને ઇગનોર કરીને સચોટ રાહ પર ચાલતા શીખો.
  6. આપણી ખુશી અને સફળતા એ બીજાની પીડા કે આક્રંદનું કારણ બને તો એ સફળતા નિષ્ફળતા કરતા પણ બદતર છે.
  7. તમારો સમય અને પૈસા ક્યાં અને કેટલીક અયોગ્ય જગ્યાએ ખર્ચાય છે આની નોંધ રાખશો તો આપોઆપ નક્કી કરેલા મુકામ સુધી પહોંચી શકશો.
  8. જીવનની સફરમાં વાંચન અને વિચારની ટિકિટ લઈને બેસજો, કોઈ પણ સમયે ઉપરવાળો આવીને ટિકિટ ચેક કરશે અને ક્યાંક તમે સોશિયલ મીડિયાની રિલમાં ના ખોવાયેલા હો!
  9. અણઆવડતને શીખવાનું અને આવડતને વહેંચવાનું ચૂકશો નહિ.
  10. હકીકતનો સ્વીકાર કરીને ભવિષ્યની યોજના કરનાર વ્યક્તિ હંમેશા સફળતાની સીડી સર કરે જ છે.

આ સિવાય તમે કંઈ ઉમેરો કરવા માંગતા હો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો.

વિક્રમ સંવત ૨૦૮૦મું વર્ષ આપ સૌ માટે ફળદાયી અને લાભદાયી રહે તેવી પ્રાર્થના.

🕉️| शुभम् भवतु वर्षम|🕉️

  • હિરલ બ્રહ્મક્ષત્રિય
behavioral patterns · life · lifestyle · moral values · observations · society

The Grass is blue 🔵

એક જંગલમાં એક ગધેડા અને એક વાઘ વચ્ચે ચર્ચા ચાલતી હતી.

ગધેડો : તને ખબર છે ઘાસ કેવું સરસ ભૂરું ભૂરું હોય છે.

વાઘ : અરે, જા..જા.. શું ગમે તેમ બોલે છે, ઘાસ લીલા રંગનું હોય છે, આ તને દેખાતું નથી કે શું ?

વાત વિવાદમાં પરિણમી અને અંતે બંને એ એક વાત પર સમજોતો કર્યો કે કોઈ ત્રીજી વ્યક્તિની મદદ લઈને આ આખી વાતનો ફેંસલો કરવામાં આવશે. બંને મળીને સિંહ પાસે ગયા અને પોતાનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે અમને ન્યાય આપો.સિંહ તૈયાર થયો અને બંને એ સિંહની અદાલતમાં પોતપોતાના વિચારોનો મુકદમો રજૂ કર્યો.

ગધેડો : જજ સાહેબ ! મારું સ્પષ્ટ અને ચોક્કસપણે માનવું છે કે ઘાસ ભૂરા રંગનું હોય છે.પણ મારા કાબિલ દોસ્ત આ વાતથી અસહમત છે.

સિંહ : જો તું આ વાતને સત્ય માને છે તો એમ હશે.

વાઘ : પરંતુ, જજ સાહેબ આ સત્ય નથી, ઘાસ ભૂરા રંગનું નહિ, લીલા રંગનું હોય છે. આ જૂઠું બોલનાર ગધેડાને સજા આપો.

સિંહ : ઠીક છે, આજથી ત્રણ દિવસ માટે વાઘ મૌનવ્રતનું પાલન કરશે, આ એની સજા છે.

આટલું સાંભળતા જ ગધેડો ગાંડો ગાંડો થઈ ગયો, એ તો રાજી થતો થતો, બૂમો પાડતો પાડતો આખા જંગલમાં ફરવા લાગ્યો કે, “ઘાસ ભૂરું હોય છે, ઘાસ ભૂરું હોય છે.”

વાઘ : સજા! મને શું કામ ? ઘાસ લીલા રંગનું જ હોય છે, આમા મેં ખોટું શું કહ્યું? તમે મને શા માટે સજા આપી ?

સિંહ : સજા ઘાસના રંગ માટેની છે જ નહિ, પણ સજા તો તને એટલે મળી છે કે એક મૂર્ખની વાતમાં આવીને એના ઉટપટાંગ સવાલો પર તે ચર્ચા કરીને તારો સમય બગાડ્યો, તારા જેવા ચાલાક અને હોશિયાર પ્રાણીઓ આ રીતે સમયની બરબાદી કરે એ ન ચાલે. અને ઉપરથી આ આખી વાતને તું મારી પાસે લાવીને મારો પણ સમય બગાડે છે એટલે તું સજાને હકદાર છે.

વાત હસવાની પણ છે અને સમજવાની પણ છે ઘણી બધી વાર લોકોને ફકત સાચું સાબિત થવું હોય છે, એ સાચા હોય કે ન હોય. પણ એમનો વિજય એમના ભ્રમને સાર્થક કરવામાં છૂપાયેલો હોય છે. નક્કી આપણે કરવાનું છે કે આવા લોકો સાથે વાદવિવાદ કરીને સમય વેડફવો કે પછી આપણે આપણાં જ્ઞાનને અને શક્તિને બીજી કોઈ જગ્યાએ રોપવી.

ઉપરની વાર્તા જેવી ઘટનાઓ આપણી આસપાસ ઘણી વાર થતી હોય છે જેમાં આપણે સૌ જાણતા હોવા છતાં પણ આવી બેફિઝૂલની વાતોમાં આપણો સમય આપીએ છીએ અને પછી અંતે ફરિયાદ પણ કરતાં હોઈએ છીએ. બિલાડી પોતાની જાતને સિંહ સમજવા લાગે તો આ વાત તો ખોટી જ છે પણ જો તમે એને અરીસો બતાવ્યા રાખશો તો એ ઇનકાર કર્યા રાખશે. પણ જે દિવસે સામે સિંહ ઊભો હશે ત્યારે એ જ બિલાડી ‘ભીગી બિલ્લી’ બનીને ઊભી પૂંછડીએ ભાગશે.

છેલ્લો કોળિયો : બિનજરૂરી વાતોની અવગણના કરો કેમકે, હંમેશા આપણી વાતોને સાબિત કરવી જરૂરી નથી, ઘણી વખત પરિસ્થતિ અને મનોસ્થિતી જ સત્ય બહાર લઈ આવે છે.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Uncategorised

અરે, સાંભળો છો! હું માણસ છું અને મારી જાતિ સ્ત્રી છે.

“સાહેબ, મારે ફરી પાછું ભૂતકાળમાં જવું છે મને ટાઇમ ટ્રાવેલ કરીને એ જ જૂની રૂઢિઓ અને માન્યતાઓમાં જીવવું છે.” ક્લીનીકની અંદર પગ મુકતાની સાથે જ મુગ્ધા આ બે વાક્યો બોલી. આરામથી ખુરશી પર બેસાડીને શાંત કર્યા પછી એની સાથે વાતચીત શરૂ કરી, “મેં પૂછ્યું કેમ ટાઇમ ટ્રાવેલ કરવું છે અને ભૂતકાળ તરફ પાછું કેમ વળવું છે ?” જવાબ આપતા મુગ્ધા બોલી, “સર, તમે જાણો જ છો છેલ્લા એક મહિનાથી હું મારી આ અકારણ ચિંતા (Anxiety) માટે તમારી પાસે કાઉન્સિલિંગના સીટિંગ માટે આવુ છું, પણ એક વાત મેં હજુ સુધી તમને નથી જણાવી કે મારી ચિંતાનું મુખ્ય કારણ હું ખુદ છું. મારી વધુ પડતી મહત્વાકાંક્ષાઓ જ મને રડાવે છે. હું થાકી ગઈ છું, એક યોગ્ય પત્ની, સમજુ વહુ, આદર્શ માતા અને સ્વાવલંબી (Independent) સ્ત્રી બનીને. એટલે મારે હવે ફક્ત હાઉસ વાઈફ બની જવું છે, ખાલી ઘરે બેસીને ઘરનું કામ કરવું છું, બસ. તમને ખબર છે મારું જોબ પ્લેસ દૂર છે એટલે લગભગ 2 કલાક મારા ટ્રાવેલિંગમાં જાય છે. ઓફિસના 8 કલાક અને પછી ઘરના અપાર કામ, રાત્રે સૂતા પહેલા બીજા દિવસની પૂરી ગોઠવણી કરીને સુવા જાઉં છું તેમ છતાં જો ઘરનું એક મેમ્બર મોડું જાગે એટલે મારા આખા દિવસનું ટાઇમ ટેબલ હલી જાય. મારે નોકરી શરૂઆતમાં કરવી હતી પણ હવે છોડવી છે પણ ઘરના લોકો છોડવા દેતા નથી, સારી આવક ઘરમાં આવતી હોય તો કોને ના ગમે ! પણ સામે હું ઘૂંટાવ છું એ કોઈ નથી જોતું!” આંખમાંથી આંસુઓ અચાનક એમ સરી પડ્યા જેમ હોળીના દિવસે વરસાદ. એક લાંબો પોઝ લઈને મુગ્ધાએ ફરી બોલવાનું શરૂ કર્યું. “છેલ્લા પંદર વર્ષથી હું નોકરી કરું છું અને ઘર પણ સંભાળું છું, પણ મારા ઘરની અંદર મારી મનોસ્થિતિને સમજનાર કે સાંભળનાર કોઈ નથી. લગ્ન પહેલા ઘરમાં એક – બે નોકર હતા, એ મારા આવવાની સાથે છોડાવી દેવાયા, મારા પતિ મને ઘરનું એક પણ કામ કરાવે કે તરત મારા સાસુ સસરા એને ‘બાયુના કામ’ કંઈ કરાતા હશે એવું બોલે, એટલે હવે મારા પતિ કામને હાથ પણ અડાડતા નથી. મારો છોકરો પણ એના પપ્પાના નકશા કદમ પર ચાલે છે. ઘરની અંદર કામવાળી અને ઘરવાળી હું જ છું અને બહાર જઈને કમાવવાળી પણ હું જ છું. મારા પતિની જોબ કોરોનામાં છૂટી ગઈ છે. થોડા સમય માટે પ્રયાસો કર્યા પણ હવે તે નવી જોબ માટે પ્રયાસો પણ કરતા નથી. કેમ કે મારી સરકારી નોકરીમાંથી ઘર ખર્ચ આરામથી નીકળી જાય છે. હું એટલે ભૂતકાળમાં જવા માંગું છું, કેમ કે મારે ફરી એ લાજ લપ્રથાવાળું જીવન જીવવું છે. ભલે મને બહાર જઈને કામ કરવાની છૂટ ન મળે, મને ચાલશે. હું મર્યાદામાં જીવી લઈશ. હું ઘરે રહીને મારા સંતાનોને મોટા કરી લઈશ પણ આ મારી જાતને સાબિત કરવામાં અને પુરુષ સમોવડી થવામાં મારી જાતને રોજ સળગતી નથી જોઈ શકતી.” મારી કલીનીકમાં આ વાક્ય પછી ફકત આંસુઓના ડૂસકાં જ સંભળાતા હતા.

સ્ત્રીઓ આવી અને સ્ત્રીઓ તેવી છે, આપણે એ સમાજમાં જીવીએ છીએ કે જ્યાં સ્ત્રી માતા છે એવું પણ અસંખ્ય માત્રામાં સંભળાય છે અને એ જ સ્ત્રી પર અસંખ્ય અભદ્ર શબ્દ પ્રયોગ પણ થાય છે, ઝઘડો ભલે બે પુરુષ વચ્ચે ચાલતો હોય પણ એમાં ગુસ્સો પ્રદર્શિત કરવા બોલાતી ભાષા સ્ત્રીઓને અને એના અંગત અવયવોને અનુલક્ષીને જ હોય છે. એના સિવાયની વાત કરીએ તો છેલ્લા પાંચ દાયકામાં સ્ત્રીઓની ભૂમિકામાં પરિવર્તન આવ્યું છે, સ્ત્રીઓના જીવનમાં ધરખમ ફેરફાર આવ્યા છે. એક ઝુંબેશ ચાલે છે સ્ત્રીઓ માટે પણ શું આપણે જાણીએ છીએ કે આ ઝુંબેશની જરૂરિયાત કેટલી છે ? સમાજની અંદર ભણેલી સ્ત્રીઓ, કામ કરતી સ્ત્રીઓ, પોતાનો બિઝનેસ ચલાવતી સ્ત્રીઓનો એક અલગ મોભો છે પણ એ સ્ત્રીઓના જીવનના અંગત અરીસામાં પડેલી તિરાડો જોઈએ છીએ ? આપણો સમાજ બદલાયો છે પણ પેલી *(કંડીશન અપ્લાઈ) સાથે. આપણે છૂટ આપી છે પણ સ્ત્રીના એક પગમાં ઘરની જવાબદારીની સાંકળ બાંધીને. અહીં સ્ત્રીઓને ઘરની જવાબદારીઓમાંથી મુક્તિ અપાવવાની વાત નથી પણ એક પ્રાથમિક સમજ વિકસાવવાની વાત છે. સરળ સમજ એટલી જ છે કે જો કોઈ મનુષ્ય માટે કોઈ પણ કામ નાનું નથી ! તો શા માટે આપણે સ્ત્રીઓ અને પુરુષોના કામના ભાગલા પાડીને શા માટે આજે અતિઆધુનિક યુગમાં પણ જીવીએ છીએ ? પુરુષ જેટલી મજૂરી કરીને કે પોતાની આવડત દેખાડીને સ્ત્રીને પૈસા કમાવવામાં શરમ કે સંકોચ નથી થતો તો શા માટે પુરુષને ઘરના કામ કરવા માટે આટલો શોભ અને સંકોચ થાય છે ? ઘરના દસ્તાવેજ પર નામ નોંધવા માટે જેમ હકની વાતો આવી જાય છે તો ઘરની અંદરના દરરોજના કામ માટે શું કામ આપણે આપણી ફરજો ભૂલી જઈએ છીએ? ઘર બંનેનું છે એટલે એની માવજત પણ બંને મળીને જ કરવી પડે જો એક જણ આમને આમ પોતાની શક્તિ ખર્ચે રાખશે તો એક દિવસ એ કરમાઈ જશે.

દરેક સ્ત્રીની સ્થિતિ આવી છે એવું હું નથી કહેતી પણ ઘણી બધી સ્ત્રીઓ આમાંથી બાકાત નથી. સ્ત્રીઓને અડધી કલાક ચાલવા જવું હોય કે પછી થોડી વાર પોતાનો અંગત સમય કાઢવો હોય તો તેને મળતો નથી, અને અમુક સમય પછી એના શોખ એના રસોડાની વરાળમાં બાષ્પીભવન પામી જાય છે, એનું વધતું શરીર જોઈને આપણે એના પર હસી લઈએ છીએ કે ટીકા ટિપ્પણી કરી લઈએ છીએ પણ એના પર વધી રહેલા કામના ભારની કાળજી કરવાનુ ચૂકી જઈએ છીએ. સ્ત્રીઓનું જીવન રસોડા અને ઓફિસ વચ્ચે ફૂટબોલની માફક ફંટાતું રહે છે અને આપણે એની પાસે બેસીને એની સાથે સંવાદ કરવાનું ટાળીને એક – બે ગમતી ભેટની લાલચ આપી દઈએ છીએ. કેટલાય ઘરોમાં મેં આવા સંવાદો સાંભળ્યા છે કે, ” આના પપ્પા જાતે પાણીનો ગ્લાસ પણ ન લે.”, ” આમને ગરમ રોટલી ના મળે એટલે પત્યું, બહુ વડકા ભરે.”, “મારી ઈચ્છા તો છે પણ આના પપ્પા નહિ માને.” ત્યારે લૈંગિક સમાનતા સામે ખરેખર પ્રશ્ન થાય. પુરુષને સ્ત્રી જેવું બનીને કામ કરવાનું તાત્પર્ય નથી, પણ સ્ત્રીને સ્ત્રી રહેવા દઈએ એને રોબોટ કે મશીન બનતા અટકાવી શકીએ તો સાચું વુમન એપારવમેન્ટ થયું ગણાશે અને ખરેખર આ આઠમી માર્ચની ઉજવણી સાર્થક થશે.

અહીં મુગ્ધા કેસમાં ફેમિલી કાઉન્સેલિંગ સેશન્સ લેવાયા, ધીરે ધીરે મુગ્ધા ઠીક થઈ રહી છે. અને હવે એનો ટાઇમ ટ્રાવેલનો વિચાર બદલીને લાઇફ પાર્ટનર સાથે વેકેશનમાં ટ્રાવેલ કરવાની યોજનાઓ બનાવી રહી છે. મુગ્ધા અને તેમના પતિ હવે ઘર અને નોકરી બની સમાન રીતે સંભાળે છે.

#છેલ્લો કોળિયો: સ્ત્રીને પુરુષ સમોવડી કે પુરુષને સ્ત્રી જેવું વર્તવાનું નથી પણ એક માણસ તરીકે માણસ જેવું વર્તવાની જરૂર છે. આર્થિક અને સમાજિક જીવનમાં તાલમેલ ન હોય તો આવેગિક જીવન ખોરવાય જાય છે પછી કાં તો સંબંધ માંદો
પડે છે કાં તો માણસ.


આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી એકાદ મહિલાના મનને સમજીને કરીએ, એના ફિગરને થોડી સાઈડમાં મૂકીને એનામાં રહેલી જીગર અને લાગણીઓની ઉજવણી કરીએ. એને એક વ્યક્તિ તરીકેના દ્રષ્ટિકોણથી જોઈએ.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · Health solutions · life · lifestyle · moral values · observations · society · youth

कुछ पाने की हो आश आश ❣️

Great wall of China, 2200 વર્ષ પહેલાં જ્યારે બની ત્યારે તેનો મૂળ ઉદ્દેશ દેશની સુરક્ષા માટે અને તેની ઉપર થતાં હુમલાઓથી દેશવાસીઓને બચાવવા માટેનો હતો, પરંતુ એના પછીના જ 100 વર્ષોમાં ચાયના પર ત્રણ હુમલા થયા, હુમલો કરનારને આ દીવાલને ઓળંગવાની કે તોડવાની જરૂર જ ના પડી તેમણે તેના રક્ષકોને લાલચ આપી અને એમનું કામ સરળ થઈ ગયું.

તો વિશ્વની મોટામાં મોટી દીવાલ કંઈ ?

આપણા મૂલ્યો અને આપણી પ્રમાણિકતા એ સૌથી મોટી, ઊંચી અને અડીખમ દીવાલ છે, ખરું કે નહીં ! આપણા બાળકોની અંદર આવી કેટલીક દીવાલોનું ચણતર આપણે દાડીયા થઈને હર એક દિવસે કરવું પડશે, દુનિયાને આજે સગવડભર્યું વાતાવરણ મળી રહે છે પણ આવેગિક રીતે સધ્ધર માણસોની કમી વર્તાય છે. બહુ સહજતા અને સરળતાથી આપણી પેઢી પોતાના અભ્યાસ વિષયો, કામના ઠેકાણા અને પ્રિયપાત્રના ચહેરાઓ બદલે છે. આ પેઢીમાં તરવરાટ અને ઉત્સાહ ઓછો અને કોલાહલ અને બેચેની વધી રહી છે. એને એકલતાથી મૂંઝારો થાય છે અને ઘોંઘાટ એને cool લાગે છે. મોટાભાગના યુવાનો નિષ્ફળતા મળે પછી નાના મોટા વ્યસનોની ટ્રેનમાં ચડી જાય છે. ઘણી મોટી ઉંમર સુધી એ પોતાની જાતથી અજાણ હોય છે, એને પોતે શું ઇચ્છે છે/ શું બનવું છે એ વિચારવા માટે કે એની શોધખોળ માટે સમય નથી પરંતુ શોશિયલ મીડિયા સ્કોર્લિંગમાં કલાકો ખપી જાય છે. આ વાત બધા જ લોકો માટે સત્ય નથી પણ મોટાભાગના લોકો આમાં સપડાયેલા છે. એક વ્યક્તિ તરીકે આપણે આમા શું કરી શકીએ ?

1. કલ્પનાશક્તિમાં વધારો : દરરોજ 10 મિનિટનું વાંચન, જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે એમ ધીરે ધીરે લક્ષ્ય સિદ્ધિ મળે છે કદાચ આ ન ગળે ઉતરે તો આપણે આધુનિક કહેવત જોઈએ MB – MB એ GB વપરાય જાય. એવી જ રીતે એક પાનાની શરૂઆત વર્ષના અંતે બે – ત્રણ પુસ્તકો થઈ જાય. આનાથી દુનિયાને બીજાની રીતે જોવાની મોકળાશ વધશે, તમારી કલ્પનાઓને એક અલગ આકાશ મળશે અને થોડી હાશ અને શાંતિ પણ મળશે.
2. લક્ષ્મણ રેખાનું નિર્માણ : કેટલીક દવા મીઠી હોય છે એવી જ રીતે કેટલીક લિમિટ અને બાઉન્ડિર્સ મીઠી હોય છે. નિયમિતતા જાળવવાં માટે આ એક ઉત્તમ પગલું છે. સોશિયલ મીડિયાના ઉપયોગની મર્યાદા, સૂવાની અને ઉઠવાની આદતની ચોક્કસ રૂપરેખા, ખાવા અને પીવાની સૂઝ અને સમજણ આ બધાનો હુંફાળો ફાયદો થશે અને આ લક્ષ્મણ રેખા ખેંચીને રાખશો તો તમે જીવનની અગ્નિપરીક્ષાઓ સરળતાથી પાર પાડી શકશો.
3. પરકાયા પ્રવેશ : અહીં કોઈની સાથે આત્માની ફેરબદલ નથી કરવાની પણ બીજાની અંદર આપણી જાતને જોવાની છે. મારા દાદી મને ઘણી વાર્તાઓ કહેતા, જેમાં નરસિંહ મહેતા સાથે થતાં કેટલાંક છૂતઅછુતના કિસ્સાઓનું વર્ણન કરે અને પછી પૂછતા કે તું નરસિંહ મહેતાની જગ્યાએ હો તો તું શું કરે ? પહેલા તું હું મારી સમજ પ્રમાણે જવાબ આપતી પણ પછી હું વિચારતી કે નરસિંહ મહેતા આ જગ્યા પર કેવું વર્તન કરે ! અને ફરી એનો જવાબ આપતી, આ રીતે પરકાયા પ્રવેશ વિચારો થકી કરીને જવાબ આપતી, ઘણા વર્ષો પછી અનુભવાય છે કે કેટલી સાદી રીતે નાના મોટા મૂલ્યો મારી અંદર રોપાય ગયા. આવું આજે પણ કરી શકાય, આપણી પાસે મહાન વ્યક્તિઓની ઉણપ નથી; ઉણપ છે માત્ર એમની સુધી પહોંચવાની ધગશની, ચલો ત્યારે પરકાયા પ્રવેશ કરીએ?
4. એકલતાને આવકાર : એકાંતમાં બેસવું અને દરરોજ ધ્યાન કરવું એ તમારું સૌથી મોટું અને બળવતર રોકાણ છે, આ રોકાણથી ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. શરીર, મન, વ્યવહાર, વાતાવરણ, આર્થિક, માનસિક, આવેગિક, સામાજિક વેગેરે કેટલાય પાસાંઓના પ્રશ્નો આ એક માત્ર રોકાણથી દૂર થઈ જાય છે અને નફાની વાત એ છે કે આ રોકાણ માટે કોઈ રિસ્ક નથી, માત્ર એક જ ટર્મ અને કન્ડીશન છે એ છે કાયમીપણું (consistency).


ઉપર કહેલા સૂચનો માટે આપણી પાસે અઢળક કારણો હશે, એ સ્વીકાર્ય છે પણ શરૂઆત કરો આ કહેવાતા બહાનારૂપી કારણો આપોઆપ છુઅઅઅ થઈ જશે.
∆ ” વાંચવું તો છે પણ મારી પાસે પુસ્તક નથી ” એવી અગવડતા હોય તો Libby app છે જે ડિજીટલ લાઇબ્રેરી છે, જેના થકી તમે તમારા ફોનની અંદર દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને આરામથી 10 મિનિટ વાંચવાની શરૂઆત કરી શકો છો. આ સિવાય પણ ઘણી બધી એપ્લિકેશન છે જે તમને ફ્રી બુક્સ આપે છે. થોડી શોધખોળ કરવાથી અને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવાથી વસ્તુઓ મળી જ જતી હોય છે.
∆ ” મેં બધું જ ટ્રાય કર્યું છે પણ કોઈ ફાયદો નથી ” વાત જો આવી હોય તો આવી કેટલીક હેલ્થી આદતોને સળંગ 280 દિવસ સુધી કરી જુઓ પછી પરિણામ નથી મળતું એવી ફરિયાદ નહીં રહે. આપણે બીજરૂપી અંકુરિત થયા પછી ગર્ભમાં 280 દિવસ એટલે કે 9 મહિના રહ્યા છીએ અને પછી માનવ આકૃતિ થઈને દુનિયામાં પગ મૂક્યો છે વચ્ચે કોઈ માતાએ ધીરજ ગુમાવી નથી, એમ આપણે પણ આપણું નવું વર્તન કે નવું જીવન આરંભવુ હશે તો થોડી ધીરજ તો રાખવી પડશે ને ! અને આમ પણ ઇયળમાંથી પતંગિયું બનતા વાર તો લાગે જ છે.

# છેલ્લો કોળિયો: વિશ્વની અંદર કંઇક બદલાવ લાવવો હોય તો આપણી અંદર કંઇક બદલવું પડશે. પેલું કહેવાય છે ને “charity begins at home.”

– હિરલ બ્રહ્મક્ષત્રિય

फूंक दे खुद को ज्वाला ज्वाला
बिन खुद जले ना होय उजाला