behavioral patterns · codependent · dependency · life · lifestyle · mental health · moral values · parenting · society · Uncategorised · youth

ઝગડાનો જનાજો

“થાકી ગયો છું, થાકી ગયો છું તારી આ જૂની વાતોથી. તું આમ હથિયારની જેમ જ્યારે જ્યારે વાપરે છે ત્યારે ત્યારે મને ડાઉટ થાય છે કે તું આ બધું રેકોર્ડ કરીને રાખે છે, એટલે ફરી વખત આપણો ઝગડો થાય ત્યારે તું એને વેપેન તરીકે યુઝ કરી શકે, અને હું લાચાર અને હથિયાર વિહોણો ઊભો હોઉં અને તું જીતી જા.”

આવા પ્રકારનું એક ઉદાહરણ આપીને મારી ક્લાયન્ટ શ્રીમતી અનુરાધા અગ્રવાલ ચૂપ થઈ ગઈ, અને એની લગોલગ બેઠેલા શ્રીમાન અવધ અગ્રવાલ ચિંતાતુર ભાવે થોડીવાર મને અને થોડીવાર એમની પત્નીને જોઈ રહ્યા અને ઊંડો નિસાસો નાખતા બોલ્યા.

“જુઓ, મેડમ આ વાત તદ્દન સાચી છે, હું આવું 100% એ 100% બોલ્યો છું, પણ એની પાછળ કારણ છે. જે હજાર વખત સમાજાવ્યા છતાં અનુ (અનુરાધા) નથી સમજતી, મેં એને કહ્યું છે કે તું ભૂતકાળને પકડી પકડીને નહિ ચાલ, જે થઈ ગયું એને જવા દે અને વર્તમાન અને ભવિષ્યમાં જીવ. જૂની વાતોને ખોદ ખોદ કરવાથી શું મળશે ? પણ ના એને હંમેશા જૂની વાતોનો જનાજો લઈને ફરવું હોય છે અને પોતાની જાતને બિચારી સાબિત કરવી હોય છે.”

લગભગ એક શ્વાસે આ બધું બોલીને અવધ શાંત થઈ ગયો.

આ પતિ – પત્નીનો કેસ ભલે નવો હોય પણ કિસ્સો મારા માટે નવો નથી કેમકે પતિ અને પત્ની વચ્ચે કે થોડું વધુ સ્પષ્ટ કરતા સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો વિવાદ થવો સ્વાભાવિક છે. કેમ કે બંનેની પ્રકૃતિ અલગ છે, વિચારવાની, વર્તવાની અને વાગોળવાની રીત નોખી નોખી છે. ઝગડો કરવાની અને એને પચાવવા માટે બંનેની હોજરી પણ ભિન્ન છે. તો આનો ઉપાય શું ? આપણે બંનેના દૃષ્ટિકોણથી સમજીએ. જ્યારે સ્ત્રીઓ જૂની વાતોને યાદ કરીને વર્તમાન ઝગડામાં લાવે છે ત્યારે એની પાછળ કેટલાંક સંકેતો હોય છે જે એની મનોદશાને છતી કરે છે.

  1. हम साथ साथ है! : એટલે કે સ્ત્રીઓ જો વારંવાર આ પ્રકારનું વર્તન કરી રહી છે તો ક્યાંક એ એના મનમાં એવી ઇચ્છા છે કે તમે આ એની સાથે છો અને હંમેશા એની સાથે જ ઉભા છો એની ખાતરી એને જોવે છે. એટલે કે તમે બંને એક જ ટીમમાં છો ઓપોજિશન પાર્ટીમાં નથી.
  2. धोकाधाडी! : આ ટાઇટલને લિટરલી નથી લેવાનું પણ હા, ઘણીવખત સ્ત્રીઓ એવા મનોભાવમાં હોય છે કે ઘણી બધી વખત ચાન્સ આપ્યા છતાં અંતે એમના પાર્ટનર તરફથી એમને દગો મળ્યું, આ દગો મોટેભાગે આવેગિક (emotional) હોય છે. જેમાં તેની ધારણા મુજબનું વર્તન ન થયું હોય અથવા તો એના માટે અયોગ્ય કે અછાજતું છે એવું વર્તન થયું હોય છે.
  3. सुन रहा है ना तू ! : ઘણા બધા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ ભૂતકાળને વાગોળે છે કેમ કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ પોતાના ભાવ અને આવેગોને ખુલ્લા કરવા માંગે છે અને તે ઈચ્છે છે કે એમના પતિદેવ એમની મનોસ્થિતિ સમજે અને એને વેરીફાઈ કે અકનોલેજ કરે.
  4. जैसे थे वैसे है ! : આ કારણ મોટાભાગે જોવા મળે છે કેમ કે પુરુષ જેવા છે એવા કુદરતી રહેવાના જ છે, સ્ત્રીઓ ઈચ્છે છે કે અગાઉ જે ચર્ચા થઈ એ પ્રમાણે એમનામાં નાનો મોટો ચેન્જ આવે, અને જ્યારે તે કોઈ પણ પ્રકારનો બદલાઉં નથી જોતી ત્યારે એ ફરી જૂની વાતોને યાદ કરીને અફસોસ કરવાનું શરૂ કરી દે છે.
  5. उलझन नहीं सुलझी होगी! : આ એક મહત્વનું કારણ છે, સ્ત્રીઓ જ્યારે પોતાની જૂની વાતોને જઘડામાં વેપેન તરીકે વાપરે છે એનો મતલબ એ પાછળનો જઘડો હજુ સુધી શરૂ જ છે, એ મુશ્કેલી હજુ ક્યાંક ઉભરીને ઉગેલી જ છે. જરૂર છે એના પર પહેલા કામ કરવાની.

હવે અહીં હું ન્યુટ્રલ રહેતા પુરુષ જાતિની પણ મનોદશા વર્ણવી દઉં. કે શા માટે પુરુષોને એવું લાગે છે કે સ્ત્રીઓ જૂની વાતોને હથિયાર બનાવીને વાપરે છે કેમ કે એમને જીતવું હોય છે!

  1. भूल गया सब कुछ! : મોટાભાગે પુરુષો નાની નાની વસ્તુઓને પોતાની મેમરીમાં સ્ટોર કરવાનું ટાળે છે, જેના કારણે એમને આ લાગણી સતત થાય છે કે સ્ત્રીઓ આવી જીણવટ પૂર્વક વિગતોને નોંધે છે અને પછી એને નવા વિવાદમાં યુઝ કરે છે જે એના માટે કોન્ટેકલેસ છે.
  2. में ऐसा क्यों हु! : આ વસ્તુ પાણી જેવી સાફ છે કે પુરુષો પ્રેકટિકલ વધુ હોય અને સ્ત્રીઓ ઈમોશનલ. અને એટલે જ તેમની વિચારવાની અને સંબંધોને જોવાની ટેકેનિકાલિટી જુદી જુદી હોય જ.
  3. लब्ज़ रहने दो तुम आंखो से कह दो! : હવે આ વાતને ઘણા પુરુષો ઘોળીને પી ગયા છે એટલે તેઓ શબ્દોથી નહિ પણ વર્તનથી દેખાડે છે કે એમની પાર્ટનરશીપ મજબૂત અને ટકાઉ છે. પણ સ્ત્રીઓ જ્યારે ઝગડામાં જૂની વાતો લઈને આવે ત્યારે એ બેબાકળા થઈ જતાં હોય છે અને નેક્સ્ટ મોવ પર ઘણી વખત અણધાર્યો વળાંક લઈ લે છે.
  4. आखिर मेरी गलती क्या है! : આ મુદ્દામાં પુરુષ બેલેન્સ જાળવી રાખવાનું કામ કરે છે, તે પોતાના માતા- પિતા અને તેની પત્ની આ બે પેઢી સાથે સંકલન સાધવાનું કામ ખૂબ જ કાળજીપૂર્ણ કરે છે, તેમ છતાં જ્યારે વારંવાર ફરિયાદનો ટોપલો તેના તરફ ઢોળી દેવામાં આવે ત્યારે તે વધુ મૂંઝાતો હોય છે.
  5. चलो जाने दो अब छोड़ो भी: પુરુષો અલ્પવિરામ ને પૂર્ણવિરામ સમજીને જે થઈ ગયું એ થઈ ગયું, અર્થાત્ રાત ગઈ બાત ગઈમાં માને છે, એટલે જ પાછલો ભૂલીને આગળ ચાલે છે, અને જે ઘણી વખત એના માટે તકલીફ ઊભી કરે છે.

આખી વાત થોડી કોમ્પલેક્ષ લાગશે, જે સ્વાભાવિક છે કેમ કે માનવીના મનોવલણને સમજવું એટલું ક્યાં સરળ છે!

પણ આપણે અનુરાધા અને અવધમાં કિસ્સાની વાત પર પાછા આવીએ તો, બંનેનું યોગ્ય રીતે અને યોગ્ય સમય સુધી રીલેશનશીપ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ થયું, જ્યાં જરૂર લાગી ત્યાં ફેમિલી સેશન્સ પણ થયા. અને અંતે આ વાર્તાનો અંત ‘ખાધું પીધું ને રાજ કર્યું’ એ રીતે થયો. પણ દરેકની વાર્તા આટલી સરળ નથી હોતી કેટલાંક કિસ્સાઓમાં વર્ષો સુધી એક પાત્ર રિબાઈ છે તો કેટલાકમાં હિસ્સામાં છૂટાછેડાનો દોર આવે છે, પણ થોડી સમજથી આપણો સંબંધ અને સમાજ મહેકી શકે છે જરૂર છે પ્રયત્નની.

લી.

ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય (RCT-C, PhD(Psy))

behavioral patterns · child development and care center · children · codependent · dependency · Health solutions · India · life · lifestyle · mental health · moral values · observations · parenting · society · youth

Animal but not social animal ! ✨

અબ્રાહમ મેસ્લોએ દર્શાવેલ જરૂરિયાતના સિદ્ધાંત મુજબ સૌથી નીચેના સ્તરે અથવા તો દરેક પ્રાણી માત્રની પ્રાથમિક જરૂરિયાત એ શારીરિક જરૂરિયાત છે અને એના પછી આગળ વધીએ કે ચાલીએ તો બીજી કેટલીક આવશ્યકતાઓ પર પહોંચીએ અને અંતે સ્વ-સાર્થકતા ( self actualization)ના સ્તર પર પહોંચીએ.

We are a product of our genetics and our environment. અર્થાત આપણું ઘડતર આપણને મળેલો શારીરિક વારસો અને વાતાવરણ પર આધારિત છે. આ વિષય પર અસંખ્ય સંશોધનો થઈ ચૂક્યા છે અને દરેક રિસર્ચના પરિણામો એક મુખ્ય તારણ પર પહોંચ્યા છે કે વ્યક્તિના વ્યક્તિત્વના સારા કે ખરાબ પાસાંઓ માટે એનું શારીરિક, માનસિક અને ભૌગોલિક પર્યાવરણ બહુ મહત્વનો ભાગ ભજવે છે.

2012ના દિલ્હી શહેરમાં એક કેસથી દરેક સંવેદનશીલ મનુષ્યના મન હચમચી ગયેલા, તે નિર્ભયા કેસ પરની એક ડોક્યુમેન્ટરી “India’s Daughter” માં અહમ ભૂમિકા ભજવનાર કિલનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. મધુમિતા પાંડેએ 150 કરતા પણ વધુ તિહાર જેલના કેદીઓના ઈન્ટરવ્યુ કર્યા, જેમાં તેમણે નોંધ્યું કે જે કેદીઓએ કોઈ વ્યક્તિની હત્યા કરી હતી તેઓની અંદર ‘અપરાધ ભાવ અને અફસોસ ભાવ’ જોવા મળેલો પરંતુ જે કેદીઓ બળાત્કાર પછીની સજા ભોગવી રહ્યા હતા, તેઓની અંદર ‘ અપરાધ કે અફસોસની ભાવના’ બહુ નિમ્ન હતી, પરંતુ તેઓ માનતા હતા કે જે પણ એમણે કર્યું છે એ ખૂબ યોગ્ય હતું અને સ્ત્રીઓ એ જ લાયક હોય છે એ પ્રકારનું વલણ જોવા મળ્યું.

https://www.thelily.com/a-woman-interviewed-100-convicted-rapists-in-india-this-is-what-she-learned/


આ બધી વાતો અને વિષયો અહીં શું કામ ! કેમ કે હવે પછીના વિષય માટે આ અભ્યાસોનો આધાર ખૂબ જરૂરી છે. તો અહીં વાત કરવાની છે હાલમાં બહુ ચર્ચિત એવા ચલચિત્રની જેનું નામ છે એનિમલ (ANINAL)
ડાયરેકટર અને સ્ક્રીન પ્લે લેખકની બે વાતથી હું પ્રભાવિત જો હોઉં તો એક ફિલ્મનું સુયોગ્ય નામ રાખવા બદલ કેમકે ખરેખર આ ફિલ્મ પ્રાણીઓ વડે બનાવાયેલી પ્રાણીઓ દ્વારા ભજવાયેલી પ્રાણીઓ દ્વારા જોવાય એવી જ પટકથા છે. (સામાજિક પ્રાણીઓનો સમાવેશ અહીં તદન નથી કરવામાં આવતો.) અને અને બીજું સારું સંગીત આપવા બદલ.

તો ફિલ્મ નિર્દેશકશ્રીને, તેમાં ભૂમિકા ભજવનાર કલાકારોને અને જે જૂથને આ ફિલ્મ ખૂબ ગમી છે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા જેવા ખરા.

1. તમે લોકોને પિતા – પુત્રની પ્રેમ અને નફરતની કથા ટ્રેલરમાં બતાવી પણ ખરેખર એ આખી સ્ટોરીમાં પીરસવામાં તમે કેટલા ટકા સફળ રહ્યા છો !


2. કહેવાય છે કે કોઈ સારું નાટક નવરસનું યોગ્ય મિશ્રણ હોય છે, અથવા તો કોઈ એક શૈલીને ઉત્તમ રીતે પ્રદર્શિત કરતું હોય તેવું હોઈ શકે, પણ હૈ સંદીપભાઈ અહીં રોદ્રરસના ચક્કરમાં બિભસ્ત રસ (disgust ) કેમ લોકોને પીવરાવ્યો તમે !


3. હે ભાઈ, એક વાત કહેશો ! તમારા મતે આક્રોશ પડદા પર મૂકવો એની વ્યાખ્યા શું ! આક્રોશ અને ગુસ્સો દેખાડવવો એટલે કોઈ પણ જાતના કાનૂની કે ઉપરી દબાણ કે પ્રભાવ વગર, દુનિયાની વાસ્તવિકતાથી માઈલો દૂર જઈને કંઈ પણ હબક ચીતરી દેવું ! કે પછી આવી કુહાડી અને બંદૂકની ટ્રેનીંગ તમે બહુ પહેલા મેળવી ચૂક્યા છો એટલે જ આટલા જોમથી તમારા નાયક અને ખલનાયક પાસે આ કારીગરી કરાવો છો !


4. હવે પ્રશ્ન નાયક અને ખલનાયક ભાઈઓને ! મદિરા અને ધૂમ્રપાનનું સેવન, હિંસા અને વાસના દેખાડીને જ મર્દાનગી સાબિત થઈ શકે ! અને આના માપદંડો નક્કી કોણ કરશે ! પોતાની બહેનની છેડતી કરનારને મારવા કોઈ હાઇસ્કુલ સ્ટુડન્ટ રાયફલ ગન લઈને શાળા કે કોલેજમાં પ્રવેશી શકે !, એક આધેડ ઉંમરનો આઠ બાળકોનો પિતા અને બે પત્નીઓનો પતિ એના ત્રીજા લગ્નની સેરીમનીમાં કોઈ વ્યક્તિની આંખમાં ચાકુ ખોપીને એની હત્યા કરીને એ સ્થળે એની એક નહિ બે પત્નીઓનો બળાત્કાર કરી શકે ! પોતાના પતિના લગ્ન બહારના સંબંધની જાણ પત્નીને થાય તો પતિને હક મળી જાય છે પિસ્તોલ કાઢવાનો ! કે પછી એના શરીરને ફરી એકવાર ચૂથીને એને એની જગ્યા બતાવવાનો ? કોઈ ખૂપિયા વ્યક્તિ કે દુશ્મને મોકલેલ વ્યક્તિ સાથે સેકસ કરવાથી અને એને તમારા બુટ ચાટવાનું કહેવાથી તમે શક્તિશાળી પુરુષ બની જાઉં !


5. હવે વાત કરીએ નાયિકાઓની, હે બહેનો, એક જવાબ તો આપો ! તમે કોઈ ભ્રમમાં તો નથીને કે તમે બહુ ઉચ્ચ કક્ષા પર છો અને બહુ જ ઉમદા કામ કરો છો ! કેમ કે તે વાતમાં ઘણી શંકાઓ છે, જો પડદા પર તમારો ઉપયોગ માત્રને માત્ર શરીર સુખ માણવા માટે કે એવા અશ્લીલ દ્રશ્યો બતાવવા માટે કે પછી તમારા સુડોળ શરીરની અર્ધ નગ્નતા બતાવવા માટે અને તે કથામાં તમારી ભૂમિકા માત્ર લોકોને લલચાવવા કે આકર્ષવા માટેની જ હોય તો, તો તમારા કરતાં વધુ ગૌરવશાળી કામ તો લોકોના ઘરે વાસણ – કપડાં અને સફાઈ કરતી બહેનો કરે છે, કેમ કે એના દરેક નિર્ણયો એ જાતે નક્કી કરે છે અને હા, એને કામ અને આવડતના કારણે રોજી મળે છે એના માટે એને કોઈ અયોગ્ય કે અણછાજતું કામ કરવું નથી પડતું! હશે પણ ફિલ્મોની અંદર તો તમારી મરજી, તમારી સ્કીલ અને તમને મળતું વળતર પુરુષ જાતિની એકસમાન જ હશે, નહિ !


6. હવે વ્હાલી જનતા, તમને શું ગમ્યું આ ફિલ્મમાં ! સ્ટોરી, વર્ણન, વર્તન, હિંસા, ઇન્ટીમેટ દ્રશ્યો, એક્ટિંગ કે પછી સાવ અકાલ્પનિક એવી કાલ્પનિક કથા !

હવે તમે પણ મને પૂછશો કે આટલું બધું સંવેદનશીલ થવું જરૂરી છે એક બિગ બજેટ ફિલ્મ માટે ! શું એક ત્રણ કલાક આપણા સમાજ પર હાવિ થઈ જશે ! લોકો એમની સૂઝ અને સંસ્કારો છોડીને આવા વ્યક્તિઓ થઈ જશે ! શું પહેલા આવી કોઈ ફિલ્મો નથી આવી !

આ બધા જ પ્રશ્નો યોગ્ય છે, મારા જવાબમાં હું એવું કહીશ કે હું કે મારું જેવું વિચારી રહેલા લોકો સંવેદનશીલ એક ફિલ્મ પૂરતા નથી પરંતુ ધીરે ધીરે ઊભી થતી આવા પ્રકારની માનસિકતા પ્રત્યે છીએ. જેવી રીતે શરીરને એક પ્રોપર લેવલ પર લાવવા કે ફીટ રાખવા માટે દરરોજ કરવામાં આવતી કસરત, નિયમિતતા, યોગ્ય ડાયટ તથા વ્યક્તિની તેના પ્રત્યેનું હકારત્મક જુનુન મળીને નક્કી કરે છે કે 6-12 મહિના પછી ફીટ અને આદર્શ શરીર તૈયાર થશે કે પછી પેટ ફેમિલીપેક બનીને બહાર લટકશે. આ જ સિદ્ધાંત આપણાં જગતને પણ લાગુ પડે છે. ધીરે ધીરે આ આલ્ફામેન, આક્રમક વૃત્તિ, અશ્લીલતા, સિગારેટ અને દારૂનો નશો, સ્ત્રીપાત્રોનો સેકસ અને નગ્નતા ચીતરવા માટે થતો ભરપૂર માત્રામાં ઉપયોગ, સાયકોપેથ અને ક્રિમીનલને નાયક બનાવીને સમાજ સામે મુકીને લોકોની વાહવાહ ભેગી કરનાર આ નિર્દેશકો એક વાતથી અજાણ છે કે તેઓ સમાજને ઉદ્યય બનીને ખાઈ રહ્યા છે.

આ દરેક વસ્તુને તેઓ ભલે કાલ્પનિક છે, ફિલ્મ છે, એમના જગત અને ચેતન મનની ઉપજ કહે પણ તેઓ એ કેમ ભૂલી જાય છે કે વ્યક્તિના વર્તન પાછળ અને વર્તન માટે માસ – મીડિયાનો બહુ મોટો રોલ છે. એટલે જ વાસ્તવિક જગત પર સિનેમા-જગતની અસર પડ્યા વગર નથી રહેતી!
અને જે લોકો એવી દલીલ કરે છે ફિલ્મ જોવા જઈએ ત્યારે મગજ થિયેટરની બહાર મુકીને જવાનું તો ઝરા મને સમજાવશો કે આપણે આપણાં પેહરવેશ, વાતો અને વિચારોનો દોર આ ટ્રેન્ડ મુજબ કેમ ચલાવીએ છીએ ? આ વાત સ્વીકારો કે નહિ પણ વ્યક્તિની સામે ભજવાતી દરેક ઘટનાની છાપ એના માનસપટ પર હંમેશ માટે અંકિત થઈ જાય છે, એની માત્રા અને એનું પ્રમાણ નક્કી કરે છે તેના વ્યવહાર અને વર્તનમાં બહાર આવશે કે નહીં. અને જે રીતે અત્યારે ફિલ્મો આવી રહી છે એ જોતાં એવું જ લાગે છે કે આપણી અંદર સંવેદનો ઓછા થઈ રહ્યા છે, જો આપણે બીજાની પીડા જોઈ ખુશ થઈએ છીએ, હિંસા જોઈને આનંદ માહલીએ છીએ તો આપણે ડરવાની જરૂર છે કેમકે આ એક માનસિક બીમારીની નિશાની છે, આની અતિશયોક્તિ કદાચ વ્યક્તિને sadist ( ક્રૂરતામાં જાતીય આનંદ માણનાર) અથવા voyeurism (પરપીડાન વૃત્તિ) સુધી લઈ શકે છે.
હવે નક્કી તમારે કરવાનું છે કે ક્યાં પ્રકારનું વલણ સ્વીકારવું, જોવું અને વખાણવું છે અને ક્યાં પ્રકારનું નહિ !

છેલ્લો કોળિયો : જે રીતે રસ્તા ઉપર મળી રહેલા ફાસ્ટફૂડને ટેસ્ટી બનાવવા અને બતાવવા, લોકોને લલચાવવા અને એક ખોટો હાયપ ઊભો કરવા બટર અને ચીઝનો થપ્પો કરી દેવામાં આવે છે, કંઇક એવી જ રીતે હલકી કક્ષા અને વાહિયાત માનસિકતા ધરાવતી સ્ટોરીલાઈનને ઉત્તમ બતાવવા ભરપૂર હિંસા, સેક્સ સીન્સનો ઢગલો અને અનુશાસન વગરની દુનિયા ઊભી કરવામાં આવે છે, અને લોકો તર્ક અને જ્ઞાનને નેવે મુકીને શરીર અને મનને ખરાબ કરવાના પૈસા અને સમય બંને હસતા મોઠે આપે છે, ત્યારે ફરી એકવાર સાબિત થાય છે કે આ કળયુગ છે.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · Canada · India · life · lifestyle · moral values · observations · parenting · society · unemployment · youth

चलो इक कामयाब+इन्सान बनते है ।

ઘટના : 1.

ફેબ્રુઆરી 2022માં બનેલી આ ઘટના, મૂળ બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમનો સેકેન્ડ યરનો વિદ્યાર્થી છે, તેણે 51 સેકન્ડ માટે googleને હેક કર્યું. આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ પ્રોબ્લેમ રીકવર ન થઈ. થોડા સમય પછી હેક થવાનું કારણ મળ્યું કેમકે ઋતુરાજે એને પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપનીને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં રહેલી આ ક્ષતિને કારણે હું એને હેક કરી શક્યો. અધિકારીઓ એ બાબત પર ધ્યાન આપીને ચેક કર્યું ત્યારે એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને ઈ-મેઈલ દ્વારા ઋતુરાજની આવડત અને જીણવટને અભિનંદન પાઠવતા તેને Googleમાં કામ કરવાની ઓફર મળી અને 3.66 કરોડ પગાર સાથે નિમણૂક લેટર પણ મુકલવામાં આવ્યો, ઋતુરાજનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે ત્યાર કરવામાં આવ્યો અને જેટ વિમાનથી ઋતુરાજ અમેરિકા પહોંચ્યો.

https://www.dnaindia.com/viral/report-bihar-s-rituraj-chaudhary-finds-bug-in-google-company-takes-this-step-2932273/amp

ઘટના : 2

માર્ચ 2023માં ચોકવનાર ઘટના સામે આવી, જેમાં જલંધરની એક ઓવરસીસની સહાયથી સમયાંતરે 700 જેટલા વિદ્યાર્થીઓ બ્રિજેશ મિશ્રાની મદદથી પોતાના સપનાંઓને પાંખો લગાડીને પહોંચ્યા, આ પાંખો લગાડવાની કિંમત તેમણે માથાદીઠ 16, 00, 000 રૂપિયા ચૂકવી હતી. અલગ-અલગ પ્રોગ્રામમાં એડમિશન લઈને આ વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યા, ઘરથી અલગ એકલું રહેવાનું, માતા પિતા સાથે વરચ્યુલી કનેક્ટ રહેવાનું, નવા દેશમાં નવા પેહરવેશ સાથે ગોઠવાવવાનું, ખર્ચ ચલાવવા જાતભાતની નોકરી કરવાનું, આ બધું ચાલતું હતું. થોડા સમય ભણવાનુ પૂરું થયું અને વર્ક પરમિટ મેળવ્યું, પ્રોપર જોબ મળતાની સાથે, ચોક્કસ જવાબદારીઓ પણ આવી, ભવિષ્યની યોજનાઓ અને કેટલીક ગણતરીઓ શરુ કરી, વર્ક પરમિટનો સમયગાળો પૂર્ણ થયો અને PR (કાયમી રહેવાસી) મેળવવાની પ્રોસેસ શરૂ કરી થોડા સમય બાદ ઘરે લેટર આવે છે કે, “તમારે આ દેશ છોડીને તમારી હોમ કન્ટ્રીમાં પરત ચાલયા જવાનું છે.”

કેનેડા સરકારનો આ લેટર ભૂકંપની જેમ આવ્યો અને 700 વિદ્યાર્થીઓના સપનાંઓ, આશા અને અપેક્ષાઓ ને જમીનદોસ્ત કરીને જતો રહ્યો, આ 700 વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાનું છે એટલું જ નહિ પરંતુ ભવિષ્યમાં પણ ક્યારેય આ દેશમાં આવી શકશે નહિ એવી મહોર પણ લાગી ગઈ. એક એજન્ટના સ્વાર્થની સજા આટલા બધા લોકો ભોગવશે.

https://www.hindustantimes.com/cities/chandigarh-news/deportation-notices-to-700-students-licence-of-jalandhar-based-consultant-cancelled-101679415036910.html

શું કામ ?

શા માટે ?

પ્રથમ ઘટના વાંચતા વેત આપણી છાતી ગજગજ ફૂલે અને બીજી ઘટના વાંચીને આપણે શરમ અને ક્ષોભ અનુભવીએ. છેલ્લા બે વર્ષમાં બનેલ આ બે ઘટનાઓ છે, બંને ઘટનાઓ બે અંતિમો પર સવાર છે, એક ઘટનામાં એક વ્યક્તિની કુશળતા નજીકના ભવિષ્યમાં અનેક લોકો માટે નવી યોજનાઓ અને સિદ્ધિઓ ઊભી કરશે એની બાતમિતી આપે છે, જ્યારે બીજી ઘટનામાં એક વ્યક્તિના શાણપણ અને લાલચના કારણે 700 યુવાનો અને તેમના પરિવારજનો આર્થિક, માનસિક, અને સામાજિક હાલાકીનો સામનો કરશે એની દુર્ગંધ આવે છે.

દરેક વ્યક્તિને સમજવા જેવી કેટલીક બાબતો :

  1. દેશમાં રહીને કામ કરવું હોય કે વિદેશ જઈને વસવું હોય તમારા સપનાંઓની દોર કોઈ બીજાના હાથમાં ન આપો.
  2. જેક – છેડા – ઓળખાણથી આગળ વધતા પહેલા એક વાર તમારી આવડત અને કૌશલ્યો પર કામ જરૂર કરી લેવું.
  3. કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા એની ટર્મ્સ અને કંડીશનથી સંપૂર્ણ સ્વસ્થ રીતે માહિતગાર થવું.
  4. તમારા મૂલ્યો એ તમારું વ્યક્તિત્વ છે, મૂલ્યો સાથે કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ પણ કામને હા પાડવી નહિ.
  5. શોર્ટકટ શોધવામાં જિંદગીનો મેપ ગોથે ખાઈ જતો હોય છે, તો શોર્ટકર્ટ્સને ઇગનોર કરીને સચોટ રાહ પર ચાલતા શીખો.
  6. આપણી ખુશી અને સફળતા એ બીજાની પીડા કે આક્રંદનું કારણ બને તો એ સફળતા નિષ્ફળતા કરતા પણ બદતર છે.
  7. તમારો સમય અને પૈસા ક્યાં અને કેટલીક અયોગ્ય જગ્યાએ ખર્ચાય છે આની નોંધ રાખશો તો આપોઆપ નક્કી કરેલા મુકામ સુધી પહોંચી શકશો.
  8. જીવનની સફરમાં વાંચન અને વિચારની ટિકિટ લઈને બેસજો, કોઈ પણ સમયે ઉપરવાળો આવીને ટિકિટ ચેક કરશે અને ક્યાંક તમે સોશિયલ મીડિયાની રિલમાં ના ખોવાયેલા હો!
  9. અણઆવડતને શીખવાનું અને આવડતને વહેંચવાનું ચૂકશો નહિ.
  10. હકીકતનો સ્વીકાર કરીને ભવિષ્યની યોજના કરનાર વ્યક્તિ હંમેશા સફળતાની સીડી સર કરે જ છે.

આ સિવાય તમે કંઈ ઉમેરો કરવા માંગતા હો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો.

વિક્રમ સંવત ૨૦૮૦મું વર્ષ આપ સૌ માટે ફળદાયી અને લાભદાયી રહે તેવી પ્રાર્થના.

🕉️| शुभम् भवतु वर्षम|🕉️

  • હિરલ બ્રહ્મક્ષત્રિય
behavioral patterns · Health solutions · life · lifestyle · moral values · observations · society · youth

कुछ पाने की हो आश आश ❣️

Great wall of China, 2200 વર્ષ પહેલાં જ્યારે બની ત્યારે તેનો મૂળ ઉદ્દેશ દેશની સુરક્ષા માટે અને તેની ઉપર થતાં હુમલાઓથી દેશવાસીઓને બચાવવા માટેનો હતો, પરંતુ એના પછીના જ 100 વર્ષોમાં ચાયના પર ત્રણ હુમલા થયા, હુમલો કરનારને આ દીવાલને ઓળંગવાની કે તોડવાની જરૂર જ ના પડી તેમણે તેના રક્ષકોને લાલચ આપી અને એમનું કામ સરળ થઈ ગયું.

તો વિશ્વની મોટામાં મોટી દીવાલ કંઈ ?

આપણા મૂલ્યો અને આપણી પ્રમાણિકતા એ સૌથી મોટી, ઊંચી અને અડીખમ દીવાલ છે, ખરું કે નહીં ! આપણા બાળકોની અંદર આવી કેટલીક દીવાલોનું ચણતર આપણે દાડીયા થઈને હર એક દિવસે કરવું પડશે, દુનિયાને આજે સગવડભર્યું વાતાવરણ મળી રહે છે પણ આવેગિક રીતે સધ્ધર માણસોની કમી વર્તાય છે. બહુ સહજતા અને સરળતાથી આપણી પેઢી પોતાના અભ્યાસ વિષયો, કામના ઠેકાણા અને પ્રિયપાત્રના ચહેરાઓ બદલે છે. આ પેઢીમાં તરવરાટ અને ઉત્સાહ ઓછો અને કોલાહલ અને બેચેની વધી રહી છે. એને એકલતાથી મૂંઝારો થાય છે અને ઘોંઘાટ એને cool લાગે છે. મોટાભાગના યુવાનો નિષ્ફળતા મળે પછી નાના મોટા વ્યસનોની ટ્રેનમાં ચડી જાય છે. ઘણી મોટી ઉંમર સુધી એ પોતાની જાતથી અજાણ હોય છે, એને પોતે શું ઇચ્છે છે/ શું બનવું છે એ વિચારવા માટે કે એની શોધખોળ માટે સમય નથી પરંતુ શોશિયલ મીડિયા સ્કોર્લિંગમાં કલાકો ખપી જાય છે. આ વાત બધા જ લોકો માટે સત્ય નથી પણ મોટાભાગના લોકો આમાં સપડાયેલા છે. એક વ્યક્તિ તરીકે આપણે આમા શું કરી શકીએ ?

1. કલ્પનાશક્તિમાં વધારો : દરરોજ 10 મિનિટનું વાંચન, જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે એમ ધીરે ધીરે લક્ષ્ય સિદ્ધિ મળે છે કદાચ આ ન ગળે ઉતરે તો આપણે આધુનિક કહેવત જોઈએ MB – MB એ GB વપરાય જાય. એવી જ રીતે એક પાનાની શરૂઆત વર્ષના અંતે બે – ત્રણ પુસ્તકો થઈ જાય. આનાથી દુનિયાને બીજાની રીતે જોવાની મોકળાશ વધશે, તમારી કલ્પનાઓને એક અલગ આકાશ મળશે અને થોડી હાશ અને શાંતિ પણ મળશે.
2. લક્ષ્મણ રેખાનું નિર્માણ : કેટલીક દવા મીઠી હોય છે એવી જ રીતે કેટલીક લિમિટ અને બાઉન્ડિર્સ મીઠી હોય છે. નિયમિતતા જાળવવાં માટે આ એક ઉત્તમ પગલું છે. સોશિયલ મીડિયાના ઉપયોગની મર્યાદા, સૂવાની અને ઉઠવાની આદતની ચોક્કસ રૂપરેખા, ખાવા અને પીવાની સૂઝ અને સમજણ આ બધાનો હુંફાળો ફાયદો થશે અને આ લક્ષ્મણ રેખા ખેંચીને રાખશો તો તમે જીવનની અગ્નિપરીક્ષાઓ સરળતાથી પાર પાડી શકશો.
3. પરકાયા પ્રવેશ : અહીં કોઈની સાથે આત્માની ફેરબદલ નથી કરવાની પણ બીજાની અંદર આપણી જાતને જોવાની છે. મારા દાદી મને ઘણી વાર્તાઓ કહેતા, જેમાં નરસિંહ મહેતા સાથે થતાં કેટલાંક છૂતઅછુતના કિસ્સાઓનું વર્ણન કરે અને પછી પૂછતા કે તું નરસિંહ મહેતાની જગ્યાએ હો તો તું શું કરે ? પહેલા તું હું મારી સમજ પ્રમાણે જવાબ આપતી પણ પછી હું વિચારતી કે નરસિંહ મહેતા આ જગ્યા પર કેવું વર્તન કરે ! અને ફરી એનો જવાબ આપતી, આ રીતે પરકાયા પ્રવેશ વિચારો થકી કરીને જવાબ આપતી, ઘણા વર્ષો પછી અનુભવાય છે કે કેટલી સાદી રીતે નાના મોટા મૂલ્યો મારી અંદર રોપાય ગયા. આવું આજે પણ કરી શકાય, આપણી પાસે મહાન વ્યક્તિઓની ઉણપ નથી; ઉણપ છે માત્ર એમની સુધી પહોંચવાની ધગશની, ચલો ત્યારે પરકાયા પ્રવેશ કરીએ?
4. એકલતાને આવકાર : એકાંતમાં બેસવું અને દરરોજ ધ્યાન કરવું એ તમારું સૌથી મોટું અને બળવતર રોકાણ છે, આ રોકાણથી ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. શરીર, મન, વ્યવહાર, વાતાવરણ, આર્થિક, માનસિક, આવેગિક, સામાજિક વેગેરે કેટલાય પાસાંઓના પ્રશ્નો આ એક માત્ર રોકાણથી દૂર થઈ જાય છે અને નફાની વાત એ છે કે આ રોકાણ માટે કોઈ રિસ્ક નથી, માત્ર એક જ ટર્મ અને કન્ડીશન છે એ છે કાયમીપણું (consistency).


ઉપર કહેલા સૂચનો માટે આપણી પાસે અઢળક કારણો હશે, એ સ્વીકાર્ય છે પણ શરૂઆત કરો આ કહેવાતા બહાનારૂપી કારણો આપોઆપ છુઅઅઅ થઈ જશે.
∆ ” વાંચવું તો છે પણ મારી પાસે પુસ્તક નથી ” એવી અગવડતા હોય તો Libby app છે જે ડિજીટલ લાઇબ્રેરી છે, જેના થકી તમે તમારા ફોનની અંદર દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને આરામથી 10 મિનિટ વાંચવાની શરૂઆત કરી શકો છો. આ સિવાય પણ ઘણી બધી એપ્લિકેશન છે જે તમને ફ્રી બુક્સ આપે છે. થોડી શોધખોળ કરવાથી અને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવાથી વસ્તુઓ મળી જ જતી હોય છે.
∆ ” મેં બધું જ ટ્રાય કર્યું છે પણ કોઈ ફાયદો નથી ” વાત જો આવી હોય તો આવી કેટલીક હેલ્થી આદતોને સળંગ 280 દિવસ સુધી કરી જુઓ પછી પરિણામ નથી મળતું એવી ફરિયાદ નહીં રહે. આપણે બીજરૂપી અંકુરિત થયા પછી ગર્ભમાં 280 દિવસ એટલે કે 9 મહિના રહ્યા છીએ અને પછી માનવ આકૃતિ થઈને દુનિયામાં પગ મૂક્યો છે વચ્ચે કોઈ માતાએ ધીરજ ગુમાવી નથી, એમ આપણે પણ આપણું નવું વર્તન કે નવું જીવન આરંભવુ હશે તો થોડી ધીરજ તો રાખવી પડશે ને ! અને આમ પણ ઇયળમાંથી પતંગિયું બનતા વાર તો લાગે જ છે.

# છેલ્લો કોળિયો: વિશ્વની અંદર કંઇક બદલાવ લાવવો હોય તો આપણી અંદર કંઇક બદલવું પડશે. પેલું કહેવાય છે ને “charity begins at home.”

– હિરલ બ્રહ્મક્ષત્રિય

फूंक दे खुद को ज्वाला ज्वाला
बिन खुद जले ना होय उजाला

children · life · lifestyle · moral values · observations · old is gold · parenting · society · youth

एक था बंदर 🙊

એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ થયો, જેમાં આપણા વર્તન પર પડતી ઘડ અને એના કેટલાક અનુભવોનું સંકલન આપણા માનસ સાથે કેવું છે તેની તપાસ કરવામાં આવી.
પ્રયોગ હતો આઠ વાંદરાઓ પર, એક રૂમની અંદર આઠ વાંદરાને રાખવામાં આવ્યા અને ત્યાં ઉપર એક કેળાની લૂમ બાંધવામાં આવી સાથે એક સીડી (ladder) પણ ગોઠવેલી હતી, વાંદરાઓની નજર કેળા પર ગઈ અને એક પછી એક વાંદરાઓ એ કેળા લેવા માટે પ્રયાસો શરૂ કર્યા, કેળાની લૂમ મેળવવા માટે, જેવા તે સીડી પર ચડીને કેળા સુધી પહોંચે ત્યાં જ તેમના પર ઠંડુ બરફ જેવું પાણી રેડવામાં આવે અને વાંદરાઓ નિરાશ થઈને પાછા આવી જાય. અહીં ટવીસ્ટ એ હતો કે પાણી અમુક સમય સુધી પડે એવી રીતની ગોઠવણ હતી, જો નક્કી કરેલ સમય સુધી પ્રયોગપાત્ર રાહ જુએ તો તેના લક્ષ્ય સુધી પહોંચી શકે એવું આયોજન હતું, પરંતુ વાંદરાઓ ઉપર જાય પાણી માથે પડે અને નીચે ઉતરી જાય, આવું વારંવાર થયું, ઘણીવાર થવા લાગ્યું પણ આઠમાંથી એક પણ વાંદરાએ ત્યાં રહીને એ પાણીને સહન કરવાનો કે ત્યાં ઊભા રહીને રાહ જોવાનો પ્રયાસ ન કર્યો પરંતુ કઈક અલગ જ વર્તન જોવા મળ્યું જેમાં હવે જો કોઈ એક વાંદરો ઉપર જાય તો બીજા બધા વાંદરા મળીને તેને ખેંચી ખેંચીને નીચે લઇ આવે, આઠ વાંદરાઓમાંથી એક વાંદરાને બહાર લઈને એક નવા વાંદરાને પ્રયોગમાં સામેલ કરવામાં આવ્યો, ઠંડા પાણીના અનુભવથી વંચિત એવો નવો વાંદરો જ્યારે કેળા લેવા માટે ઉપર ચડવા જાય છે ત્યાં ફરી અગાઉના વાંદરાઓ તેને ખેંચીને નીચે લઇ આવે હવે આવી રીતે એક પછી એક નવા વાંદરાને પ્રયોગમાં સામેલ કરતા ગયા અને અગાઉના વાંદરાને બહાર લેતા ગયા, એક સમય એવો આવ્યો કે આઠે આઠ વાંદરા નવા હતા, આઠમાંથી એક પણ વાંદરાને ઉપરથી પડતા ઠંડા પાણીનો કે એવો કોઈ અનુભવ ન હતો તેમ છતાં તેમનું વર્તન અગાઉના વાંદરા જેવું જ હતું, જ્યારે જ્યારે કોઈ વાંદરો પ્રયત્નપૂર્વક ઉપર જાય ત્યારે ત્યારે તે બધા વાંદરા મળીને તેને નીચે લઈ આવે.

એક ઘડ, એક પેર્ટન અને એક ચોક્કસ વર્તન. સમાજમાં રહીને આપણે જૂથનું અનુકરણ કરીએ છીએ, ત્યારે પણ કંઇક આવું જ થાય છે ને ! જૂના રિવાજો અને માન્યતાઓને આપણે આજે પણ એવી રીતે અનુસરીએ છીએ, આપણને એની પાછળનું કારણ નથી ખબર, આપણને એનું સાચું તારણ નથી ખબર તેમ છતાં આપણે એને માનીએ છીએ. જે તે સમયે એ વિચારો સાચા અને યોગ્ય હશે પણ આજની સ્થિતિમાં જો એ વાત બંધબેસતી જ ન હોય તેમ છતાં એને અનુસરવાની!

લગ્ન પ્રસંગોમાં ચાલતા અસંખ્ય રિવાજો હોય કે સામાજિકતાના નામે ચાલતા કેટલાય વ્યવહારો હોય, કોઈ ફિલ્મનો અકારણ થતો વિરોધ હોય કે પછી કોઈ દેશ કે ધર્મ માટે થતી અકારણ નફરત હોય, કોઈ એક જાતિ ( Gendar) માટે નક્કી કરેલા નિયમો હોય કે પ્રથાઓના નામે ચાલતી કુપ્રથાઓ હોય. શું કામ આપણે પ્રત્યક્ષ અનુભવ વગર માત્રને માત્ર જૂથની સરખામણી કરવામાં આપણી સ્થિતિ અને મનોસ્થિતિ ભૂલી જઈએ છીએ ? શું કામ આપણે દેખાદેખી કરવા આપણી ચાદરને આપણી ચામડી ઉતેડીને સાંધા માર્યા કરીએ છીએ ? શું કામ આપણે એક ઉગ્ર અને ભયાનક ઘટનાનો ભાગ અને ભોગ બની જઈએ છીએ ?

આ બધા પ્રશ્નો તમને થયા છે ? આપણી ક્રિયા પ્રક્રિયા માટે કેટલાક મુદ્દાઓ

1. Rethink before you react
સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પહેલા કે કોઈ વાતને સમર્થન આપતા પહેલા એક વાર ફરી વિચાર કરી લેવો અને એને કોઈ પણ જાતના બાયસ વગર ચકાસી લેવું હિતાવહ રહેશે.

2. Realize before you act
આજના ટ્રેન્ડને ફોલો કરવા અને કોઈ ચોક્કસ પદ્ધતિનું આંધળું અનુકરણ કરતા પહેલા મનની અને પરિવારની સ્થિતિ પર નજર કરી લેવી વધુ યોગ્ય છે.

3. Feel before you fight
સમાજમાં ચાલતા દગાઓ અને કેટલીક વાતોમાં જ્યારે આપણે ધડામ લઈને કૂદી પડીએ છીએ ત્યારે પોતાને એ સ્થિતિમાં કલ્પી જોવી ખૂબ આવશ્યક છે.

4. Ask before you claim
દોષના ટોપલાને બીજા પર ચઢાવી દેવો બહુ સરળ અને સહજ છે પણ આપણે ખાલી આપણા પક્ષ અને આપણા મનને જ સાંભળીએ છીએ એક વાર સામેવાળા પક્ષને પણ સાંભળી લેવો જોઇએ.

5. Know your worth
તમારી અંદર કેટલી ક્ષમતા રહેલી છે તે તમે તમારી જાતે ચકાસો, પરખો અને તેમાં પાવરધા થાઓ, પછી ભલે ગમે તેટલા વાંદરાઓ તમારા પગ ખેંચે, પરંતુ તમારું લક્ષ્ય ફક્ત પ્રગતિને પામવાનું જ હશે.

આ અભ્યાસમાંથી મૂળ બે મુદ્દા આપણા જીવનમાં ઉતારવા જેવા ખરા :

1. નવા માહોલ અને વાતાવરણનો અનુભવ જાતે કરો, બીજાને સાંભળો પણ એનું આંધળું અનુકરણ ના કરો.
2. લોકો તમારી માટે ટેકા બનીને હંમેશા નહીં ઊભા રહે મોટાભાગે ટાટિયા જ ખેંચશે ત્યારે ગભરાવું નહીં નહીતર તમારું વ્યક્તિત્વ ટોળામાં વધારો કરવા જેટલું જ રહી જશે.

#છેલ્લો કોળિયો : આપણું જીવન પણ એક પ્રયોગ જ છે થોડી ક્ષણો સહન કરવાની છે, થોડી તકો જાતને ઉજળી કરવાની છે, થોડો સમય આવડતને તાકાત બનાવામાં આપીએ અને થોડી ધીરજ રાખીએ એટલે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરીએ.

~ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Be the best version of yourself 🤗
children · Health solutions · life · lifestyle · parenting · society · youth

• बचपन का प्यार •

એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલી અને ત્યારે એક ઘટના બની, વાત જાણે એમ હતી કે, રૈના નામની એક છોકરીએ તેના મિત્ર એટલે ઋષભ નામના છોકરાને ચુંબન (Lip kiss) કર્યું, આ વાત બહુ સહજ અને સ્વાભાવિક લાગે પણ વાતનો વિવાદ એટલા માટે થયો કેમ કે રૈનાની ઉંમર 5 વર્ષ અને ઋષભની ઉંમર 6 વર્ષની હતી. બંને મિત્રો હતા અને સાથે રમતા હતા, જ્યારે ચુંબન કરી રહ્યા હતા ત્યારે કોઈ વડીલ વ્યક્તિ તે બંનેને જોઈ ગયા અને પછી આખો પ્રસંગ સંસ્કાર અને સભ્યતાની વાટાઘાટોમાં પલટાઈ ગયો. બંને બાળકોના માતા પિતાએ ઝઘડો કર્યો, બાળકો પર હાથ ઉપાડ્યો અને રૈના અને ઋષભની દોસ્તી તોડાવીને પોતપોતાને ઘરે ગયા.

૧૪ વર્ષથી નાની વયની વ્યક્તિને આપણે બાળક તરીકે ઓળખીએ છીએ, એ આપણે સૌ જાણીએ છીએ, અહીં જ્યારે ઘટના બની ત્યારે બે પ્રશ્નો સામે આવે છે.

1) શું આપણે જાતીય જીવન જેટલું બાળકોથી છુપાવીને રાખીએ છીએ એટલું આક્રમક જીવન છુપાવીએ છીએ ?
2) શું આપણે બાળકના હાથમાં 4×6 ઇંચની સ્ક્રીન પકડાવીને તેને જે જોવું હોય તે જોવાની મોકળાશ બહુ જલ્દી આપી દીધી છે ?

પહેલા પ્રશ્નનો જવાબ મોટાભાગના કિસ્સાઓમાં ‘ ના ‘ મળશે, ખરેખર આપણે કેટલી કાળજી રાખીએ છીએ ! આપણી અંગત અને રોમાંટિક ક્ષણોને છુપાવીને રાખવાની જેટલી તસ્દી લઈએ છીએ એટલી કાળજી આપણે આક્રમક થવામાં કે આક્રમકતા છતી કરવામાં રાખતા નથી. કોઈ દિવસ આપણે સહકુટુંબ ફિલ્મ જોવા બેઠા હોઈએ, અને ભૂલથી પણ કોઈ કિસ કરતો સીન આવે કે અશ્લીલ દ્રશ્ય આવે તો આપણે ચેનલ બદલી નાખીએ છીએ કાં પછી બાળકોને આખા પાછા કરી દઈએ છીએ પણ શું એ જ વસ્તુ આપણે મારધાડ કે હત્યાના દ્ર્શ્યો આવે ત્યારે કરીએ છીએ ? આપણું બાળક ઉછેરીએ છીએ ત્યારે તેના દરેક આવગોની જવાબદારી આપણી છે, જેટલું સહજતાથી આપણે લઈએ છીએ એટલું જ સહજ અને સરળ એને પણ એ વસ્તુ કે ઘટના લાગે છે, મારવું અને મારી નાખવું એ બહુ સામાન્ય છે એવું બતાવનાર અસંખ્ય ફિલ્મો, અગણિત સિરીઝો ઉપલબ્ધ છે ત્યારે શું આપણા બાળકમાં એ સમજ રોપી છે કે કોઈને મરજી વગર હાથ લગાડવો ગુન્હો છે એ જ રીતે કોઈની પર હાથ ઉપાડવો કે તેને તકલીફ થાય તેવું કોઈ પણ વર્તન કરવું એ પણ એક પ્રકારનો ગુન્હો છે! કિસ કરવી અને યૌન સંબંધ બાંધવા માટે એક ચોક્કસ ઉંમર છે એવું આપણે બાળકને સમજાવીએ છીએ ! કે માત્ર TV ના એક સીનની જેમ સહેલાઈથી બદલાવી નાખીએ છીએ! બાળકોની અંદર વધી રહેલી આક્રમકતા અને નાની ઉંમરમાં થઈ રહેલા શારીરિક બદલાવો ક્યાંક ઇન્ડીકેશન તો નથી ને ! આપણી બદલાઈ ગયેલી જીવનશૈલી અને મોર્ડન ઉછેર પ્રક્રિયાનો. દીકરીઓનો માસિકસ્ત્રાવનો સમય બદલાઈને આશરે 5-7 વર્ષ વહેલો થઈ ગયો છે, અભ્યાસો મુજબ 70% છોકરાઓ 10 વર્ષની ઉંમરથી પોર્ન કે બ્લુ ફિલ્મ જોવાનું શરૂ કરે છે. આપણી પાસે એવો કોઈ આધાર નથી કે આપણા બાળકો ક્યારે અને ક્યાંથી આક્રમકતા જોવાનું શરૂ કરે છે અને આપણે એ વાતથી પણ અજાણ જ છીએ કે આક્રમક ગેમ્સ અને મારધાડથી ખચાખચ ભરેલા પ્લોટના કન્ટેન્ટ જોતાજોતા આપણું બાળક ક્યારે આક્રમક વ્યક્તિ થઈ જાય છે અને ગુન્હાહિત વર્તન કરી બેસે છે. જુવેલાઈન ક્રાઇમ કેસોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. 2021માં કુલ 31170 કેસોની નોંધણી થઈ હતી અને જે 2020ની સરખામણી એ 4.7% વધારે છે.જેમાં હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓ પણ સામેલ છે.

સવાલ નંબર 2 નો જવાબ લગભગ લગભગ ‘ હા ‘ હશે, આપણે જલ્દી નહીં પણ બહુ જ જલ્દી આપણા બાળકને એક વળગણે લગાવી દઈએ છીએ, અને એ છે આ નાનકડાં મોબાઈલ ફોનનું વળગણ. તમારા કામની ગોઠવણી કરવા માટે અને બાળકો સાથે બેસીને થોડા પ્રયત્નો અને થોડા વિચારપૂર્વક રમવામાં આવતી રમતો, બાળવાર્તાઓ, બાળગીતો અને તેની સાથે રમાતી દરેક આઉટડોર અને ઇનડોર રમતો રમવાનું છોડીને આપણે એક વર્ષના બાળકને શું આપ્યું આ એક ગેજેટ અને હવે એની આદત એવી લાગી છે કે બાળક ધાવણ (બ્રેસ્ટ ફીડિંગ) છોડી દે છે પણ મોબાઈલ છોડતું નથી. બાળક શાંતિથી બેઠું રહે એવા હેતુથી શરુ થતી આ મોબાઈલની પરંપરા ઘણીવાર બહુ મોટી પરાકાષ્ઠા પહોંચે છે અને જેનું પરિણામ બહુ ખરાબ આવતું હોય છે. બાળકો જેટલું સાંભળીને અનુકરણ નથી કરતું એટલું વધારે જોઈને કરે છે, તો માતા, પિતા, સખીઓ અને સખાઓ આપ સૌને વિનંતી છે કે નવરા પડીને તમે ફોન લઈને બેસી જતા હશો તો તમારું બાળક પણ તમારી બાજુમાં બેસીને એ જ કરશે, તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ‘ બાળકને ગોળ ખાતા અટકાવું હોય તો તમારે પણ અટકવું પડશે.’

ઘરની અંદર કેટલીક વસ્તુઓ ફર્નિચરની જેમ ફીટ કરાવવાની તાતી જરૂરિયાત છે :
🌸 બે – ત્રણ દિવસે એકવાર ઘરસભા ગોઠવો. (સભ્યોને સમજો અને એના ભાવોને સમજવાનો પ્રયત્ન કરો)
🌸 બાળકને ફોનથી જેટલું આકર્ષણ થાય છે એટલું આકર્ષણ તમારાથી થાય એવો માહોલ અને કુતુહલતા ઊભી કરો.
🌸 બાળકને સેકસ અને વાયોલેન્સ શું છે તેની યોગ્ય ઉંમરે સાચી સમજ આપો.
🌸 બાળકની કલ્પના શકિત વધે તેના માટે નવી નવી વાર્તા કહો
🌸 પુસ્તકો તમે પણ વાંચો અને બાળકોને પણ આ ટેવ વારસામાં આપો.
🌸 બાળકના મનની જિજ્ઞાસાને તમારી રાડ અને આળસમાં દબાવ્યા વગર, એના કુતુહલતાના કોયડાનો ઉકેલ આપો અથવા સાથે મળીને શોધો.

છેલ્લો કોળિયો : સંતાનો માટે પૈસા પાછળ જે દોડ માંડી છે એમાં ક્યાંક આપણા સંતાનો (માનસિક સ્વાસ્થ્ય) જ આપણા પગ નીચે દબાઈ નથી ગયાને! જરાક જોઈ લેજો.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય