મેરી કોમ એક પ્રસિધ્ધ બોકસર અને ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવેલા અને ખાસ કરીને તેમના “આપ કી અદાલત” ના ઇંટરવ્યૂ પછી જુદા જુદા લોકો પોતાની સૂઝ સમજ મુજબ આખી ઘટનાને નિહાળી અને સોશિયલ મીડિયા પર ચગાવી. આ વાત પર આપણે વધુ કઈં ચર્ચા કરીએ તે પહેલા થોડો સંદર્ભ આપ સૌ વાચક મિત્રોને આપી દઉં.
મેરી કોમ અને કે. ઑનલર કોમના લગ્ન 2005માં થયેલ, તેમને ચાર સંતાનો છે. અને 2023માં તેઓ ડિવોર્સ લઈને છૂટા થયા, આ આખી ઘટના પછી વર્ષ 2026 જાન્યુઆરી મહિનામાં મેરી કોમએ તેમના ઇંટરવ્યૂ દરમ્યાન જણાવ્યું કે, “Who is this man sits and lives on woman’s earnings?” અને વધુમાં જણાવાયું કે તેમના ભૂતપૂર્વ પતિએ તેમની સાથે નાણાંકીય ફોર્ડ અને ચીટિંગ કર્યું છે, તેનું ક્યારેય કોઈ કરિયર હતું જ નહીં, આખી વાત ખૂબ ચર્ચામાં આવી અને ત્યારબાદ તેના પ્રતિઉતર રૂપે, કે. ઑનલરએ જાણવાયું કે, મેરી કોમના આ બધા જ આરોપો ખોટા છે, વાસ્તવિકતામાં મેરી કોમના લગ્ન બહારના અનૈતિક સબંધોના (Extra Marital Affair) કારણે અમે છૂટા પડયા હતા.
આ ઉપરાંત ક્રિકેટરો, એક્ટર્સ અને નામચીન લોકોના છૂટાછેડાના સમાચારો અવારનવાર આપણે કાને પડે છે, ખાલી સિલિબ્રિટસ નહીં પણ આપણી આસપાસના ઘરોમાં પણ છૂટાછેડા એટલા જ સહજ થઈ રહ્યા છે આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં વર્ષ 2024માં 62,146 જેટલા મરાઈટલ ડિસપયુટને લઈને કોર્ટ કેસો નોંધ્યા જે 2023 કોર્ટ કેસોમાં 27,194 હતા. આ આંકડાઓનો પ્રવાહ અને યુવાનોનો ટકાઉં લગ્નજીવન પરનો વિશ્વાસ બે અલગ દિશામાં વધી રહયો છે . બે વ્યક્તિઓના છૂટા પડવાની ઘટનામાં ઘણી વખત માત્ર એક-બે કારણો બહાર આવતા હોય છે પણ મોટાભાગના કેસોમાં ડિવોર્સ એ ઘણા સમયથી ચાલતા મૂંગા આવેગાત્મક યુદ્ધનો અંત હોય છે.
તો આજે આ મુદ્દા પર વાત કરીએ, લગ્નજીવનમાં જીવતા બે વ્યક્તિઓનું વર્તન, પ્રેમ અને તેમનો એકમેક પ્રત્યેનો સંબંધ સમય અનુસાર બદલાય છે અને જો એક જૂની માનસિકતા લઈને લગ્નજીવન કે પ્રેમજીવનનો આરંભ કરીશું તો બહુ લાંબુ નહીં જ ટકે, કાં જેવુ તમે ધાર્યું હશે તેવું નહીં ચાલે.
1. લગ્ન એટલે એકમેકની ભાગીદારી, આ કોઈની સત્તાનું પિરામિડ નથી.
લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો કાયમી કરાર છે, આમાં કોઈ મોટું કે નાનું નથી. બંને પક્ષ પોતપોતાની જગ્યા પર સમાનતા અને વિભિન્નતા સાથે જોડાય છે. લગ્નની વિધિઓ પણ એ જ કહે છે અને આપણા રિવાજો પણ. ભારતીય લગ્નોમાં મોટાભાગે પુરુષોનું સ્થાન ઊંચું રહ્યું છે, પુરુષએ લીધેલ નિર્ણય જ ફાઇનલ માનવામાં આવે, અને કેટલાક બધા ઘરો તો એવા છે જ્યાં આવા વ્યવહારીક કે ધંધાકીય નિર્ણયોમાં સ્ત્રીઓની હાજરી નિર્જીવ ફર્નિચર જેવી હોય છે. અને ઘણી જગ્યાઓ પર જ્યારે જાગૃત સ્ત્રીઓ ચર્ચમાં ઉતરે છે ત્યારે તેઓનું મોં બંધ કરી દેવામાં આવે છે કાં તો વડીલો દ્વારા મેણાં ટોણાં મારીને, કાં તો પછી સ્ત્રીના opinionને અવગણીને.
2. આર્થિક પારદર્શકતા એ અતિ આવશ્યક છે.
આધુનિક ભારતમાં જ્યાં બંને પતિ-પત્ની અર્થોઉપાર્જન કરે છે ત્યારે એ બહુ જરૃરી છે કે, આર્થિક પારદર્શીપણું રહે, આવક કેટલી આવે છે અને ક્યાં અને કઈં રીતે વપરાશે અને સેવિંગ્સ થશે. ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં સ્ત્રીઓ પોતાની કમાણી ભેગી કરીને રાખે અને ઘરની આર્થિક જવાબદારી માત્ર પુરુષના ખંભે લાદી દેવામાં આવે, અને ઘણી વખત આનાથી એકદમ વિરુદ્ધ પણ થતું હોય છે, ત્યારે રોમાન્સની રૂહ મરી પરવારે છે અને કાંતો કોઈ વ્યક્તિ જતું કરે છે કાંતો આખો સંબંધ પડી ભાંગે છે. ત્યારે ઘરમાં આવતી આવકની એક ચોક્કસ રૂપરેખા જો અગાઉથી દંપતિ મળીને નક્કી કરી રાખે તો સંબંધ વધુ મજબૂત બનાવી શકાય અને એક વ્યક્તિને આ ભારથી દબાતો અટકાવી શકાય.
3. સપોર્ટ એ જાતિગત નહીં પણ પરસ્પરની સમજણનું પાસું છે.
માત્ર સ્ત્રી હોવાથી તે ઘર સંભાળશે અને પુરુષ હોવાથી તે “Bread Earner” (કમાતી વ્યક્તિ) બની જશે આ વ્યાખ્યા સદીઓ જૂની થઈ ગઈ, આજે પતિ-પત્ની પોતાની પસંદગી અને અંગત સમજૂતીને આધારે નક્કી કરશે કે કોણ પદડાની આગળ આવીને ભૂમિકા ભજવશે અને કોણ પડદાની પાછળનો કારભાર ઉપાડશે, જેટલા યુગલોએ પરસ્પરની સમજણ સાથે આ નિર્ણયો લીધા હોય છે તેમનો પ્રેમ, ખુશી અને બેંકની આવક ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધે છે, બાકી આપણે બધા સાક્ષી જ છીએ કે છ-બાર મહિનાની વચ્ચે યુગલો લગ્ન મંડપથી ફેમિલી કોર્ટ સુધી પહોંચી જતાં હોય છે.
4. અંગત ઓળખ એ લગ્ન જીવનને ટકાવે છે.
2012માં આવેલી English Vinglish ફિલ્મઆનું ઉતમ ઉદાહરણ છે, જ્યારે વ્યક્તિ પતિ પત્નીના લેબલથી પર થઈને પોતાની ઓળખ ઊભી કરે છે ત્યારે માત્ર આત્મવિશ્વાસ નથી વધતો પરંતુ તેના સંબંધને એ નવી રાહ મળે છે. એ પુરુષ હોય કે સ્ત્રી, બંને માટે જરૂરી છે, પ્રેમમાં ઉગવું, અને જેટલું તે પોતાની જાતને ઉજવવાની ક્ષમતા ધરાવે છે તેટલું જ વધુ સારું સમાયોજન તેઓ લગ્નજીવનમાં કરી શકે છે.
5. સમસ્યા સહજ છે પણ તેનો ઉકેલ એકમેકના સમ્માન સાથે મેળવવો એટલું જ અગત્યનું છે.
જીવન છે ત્યાં સુધી કોઈને કોઈ મૂંઝવણ અને સમસ્યા રહેવાની જ છે, પણ તે કપરા સમયમાં તમે એક યુગલ તરીકે પરસ્પર કઈ રીતે વર્તો છો તે સાબિત કરે છે, કે લગ્નનો પાયો કેટલો ઊંડો છે. રોમાન્સથી લબલબતા સમયમાં અને યુવાનીના આવેશો સમી ગયા પછી અને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમના નગારાં વગાડીને અસલ જીવનમાં એકબીજાનું સમ્માન ના કરી શકતા હો તો સમજવું કે તમારો સંબંધ પણ “Dil Dhadkene Do” ફિલ્મના માનવ અને આયેશા જેવો ખોખલો જ છે.
6. સંબંધને કોઈ જાતિ નથી.
કોઈ જોબ એપ્લિકેશન કરતી વખતે તેમાં સ્પષ્ટ શબ્દોમાં તમારો રોલ અને જવાબદારી લખેલી હોય છે, લગ્નની કંકોત્રીઓમાં કે લગ્નની ચોરીની બહાર આવી કોઈ પણ પ્રકારની ડિસ્ક્રીપશન હોતી નથી. પતિ અને પત્ની મળીને પોતાના નિયમો નક્કી કરે છે જે તેમના માટે અને તેમની આવનારી સંતતિ માટે યોગ્ય પરિણમે, એટલે સંબંધ અને તેને લગતી ભૂમિકા જાતિગત નહીં પણ વ્યક્તિગત રીતે નક્કી થાય છે. આનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરના ડૉ. આઈ. કે. વીજળીવાળા અને તેમના પત્ની કૃતિકાબહેન છે. જ્યારે તેઓ માતા પિતા બન્યા ત્યારે બંનેએ પરસ્પરની સમજણથી નક્કી કર્યું કે, કૃતિકબહેન તેમના ટાઈમટેબલ અનુસાર 11 થી 6 શાળામાં વિધ્યાર્થીઓને ભણાવા જશે, તે સમયગાળામાં ડૉ. આઈ. કે. વીજળીવાળા પોતાની ક્લિનિક બંધ રાખીને એક પિતાની ભૂમિકા ભજવશે તે જ મુજબ ડોકટરની ગેરહાજરીમાં કૃતિકાબહેન પોતાની માતા હોવાની ભૂમિકા અદા કરશે.
7. પ્રેમ સંબંધને એક ચોક્કસ સમજણરૂપ બાઉન્ડ્રીની જરૂર છે, નહીં કે આંધળા વિશ્વાસની.
“પ્યાર મેં આદમી અંધા હો જાત હૈ!” આ કહેવત ઘણી વખત સાચી પડતાં જોઈ છે, અને પ્રેમમાં માત્ર માણસ આંધળો જ નહીં લાચાર અને પાંગળો પણ થઈ જતો હોય છે, લગ્ન પહેલા જે રીતે આપણે બધી પ્રારંભિક તૈયારીઓ આદરીએ છીએ, પ્રિ – વેડિંગ શુટથી લઈને હનીમૂન સ્વીટ સુધીની અને ઘણી વાર લિવ-ઇનમાં રહીને શારીરિક જરૂરતની કમ્પેનિયનશીપની ખાત્રીઓ પણ કરીએ છીએ ત્યારે આપણે આપણી માનસિક જરૂરત અને આંતરિક જાતનો સુમેળ ચકાસવો અતિ આવશ્યક છે.
છેલ્લો કોળિયો : રિસર્ચ અનુસાર 75% યુવાનનો માને છે, તેમના માટે લગ્ન જરૂરી નથી, યોગ્ય લગ્ન જરૂરી છે. મોટી ઉંમરે લગ્ન બહુ કોમન છે. આજના લગ્નોમાં જેમ નવતર ટ્રેન્ડ આવે છે તેમ લગ્નને ટકાવી રાખવા એક નવો ટ્રેન્ડ શરૂ કરવો જ રહ્યો જો આપણે ખરેખર એક મજબૂત અને ટકાઉં દાંપત્ય જીવન ઇચ્છતા હોઈએ. જેમાં સમ્માન પહેલા અને અહમ પછી રાખવામાં આવે, જ્યાં મનોસ્થિતિ અને પરિસ્થતિનું મહત્વ હોય નહીં કે રિવાજો અને રૂઢિઓને આંધળું અનુકરણ અને ખાસ તો જ્યાં પાર્ટનારશીપ હોય નહીં કે પાવરશીપ.
આરંભ દ્રવેદી થેરપી રૂમના સોફા પર કોઈ રોલર કોસ્ટર રાઇડ્માં બેઠા હોય એ રીતે ગોઠવાય ગયો ઓલમોસ્ટ પોતાની જાતને આખી સંકોચીને સોફાની એકધાર પર બેઠેલા, શરૂઆતી કાગળિયાની વિધિ પૂર્ણ થતાં જ,આરંભે એ સંકોચ સાથે શરૂ કર્યું,
“જુઓ, ડોકટર એમ મને કોઈ માનસિક તકલીફ નથી, હું એકદમ સ્વસ્થ છું, પણ કશુંક ખટકતું હોય એવું લાગે છે. અને છેલ્લા બે મહિનાથી વિચારું છું કે ઠીક થઈ જશે પણ આ મનની અંદરનો ઉત્પાત કોઈ રીતે શાંત થતો નથી, એટલે મારા એક ખાસ મિત્રે મને કાઉન્સેલિંગ સેશન્સનું સૂચન કર્યું એટલે અહીં તમારી પાસે આવ્યો છું, પણ ખરેખર મને કોઈ માનસિક તકલીફ નથી.”
આટલું કહીને ફરી એક વખત આરંભ એના કોચલામાં ગોઠવાય ગયા, બંને પગ એકબીજાને વીટાળેલ, ઘૂટંણ પર બંને હાથોથી હથેળીઓ એમ ગોઠવેલી જાણે મુંબઈની લોકલ ટ્રેનમાં કોઈએ ગ્રેબ હેન્ડલ પકડેલું હોય, વારંવાર સુકાતું ગળું અને આછો કપાળનો પરસેવો કહેતો હતો કે, આરંભને આ ક્લિનિક સુધી આવવા માટે ઘણો સંઘર્ષ થયો હશે અને તેમણે તેમના ક્ષોભને ત્યજીને આ પહેલી અપોઇન્ટમેન્ટ બુક કરી હશે, જે અમે (માનસિક સ્વાસ્થ્યના વ્યવસાયિકો) 10માંથી 4 લોકોમાં અવારનવાર જોતાં હોઈએ છીએ. માનસિક સ્વાસ્થયની વાત કરવી અને તેની સારવાર માટેના પગલાં લેવા એ હજુ ઘણા લોકો માટે અશોભનીય/આયોગ્ય કાર્ય છે. સૌ પ્રથમ આરંભને થેરપીમાં સહજ (comfortable) કરવા માટે કેટલીક અનૌપચારિક વાતચીત શરૂ કરી અને તેના પછી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
આરંભ સાથેના શરૂઆતી સેશન્સ દરમ્યાન જાણવા મળ્યું કે, તેની અકારણ બેચેનીનું મૂળ કારણ છ મહિના પહેલાંની તેની ઓફિસની એક ઘટના હતું. 42 વર્ષના આરંભ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે, આરંભ પોતાના કામની અંદર ખૂબ ઉત્તમ હતા, 15 વર્ષના કાર્યકાળમાં ન કોઈ ફરિયાદ હતી કે ન કોઈને તેમનાથી ઈર્ષા હતી, બધુ તાજા વલોવેલા માખણ જેવુ સ્મૂધ જતું હતું, ત્યારે એક દિવસ આરંભને તેના સિનિયરે તેમની ચેમ્બરમાં બોલાવ્યા અને પ્રમોશન ઓફર કર્યુ, આ ઓફર સ્વીકારવી કે નહીં તેના માટે એક અઠવાડિયુ મનોમંથન કર્યું અને અંતે નક્કી કર્યું કે તે પ્રમોશન નહીં સ્વીકારે અને જે બીજા એક સહકર્મચારીને મળ્યું પણ અને ફળ્યું પણ. આરંભની મુંઝવણનો આરંભ અહીંથી થયો. વાતની ઊંડાણમાં જતાં જાણવા મળ્યું કે જ્યારે આરંભે પ્રમોશનનો અસ્વીકાર કર્યો હતો ત્યારે તેણે પોતાની જાત સાથે ઘણી ચર્ચા કરેલી જેમાં આ સવાલો મોખરે હતા.
પ્રમોશન પછીની જવાબદારીઓ નિભાવવામાં હું નિષ્ફળ જઈશ તો ?
લોકો મારી ભૂલોની મજાક ઉડાવશે તો અથવા તો તેમની અપેક્ષાઓ મારા પ્રત્યે ખૂબ વધી જશે તો ?
પ્રમોશન પછીનો વર્કલોડ હું હેન્ડલ કરી શકીશ ?
અત્યાર જેવી શાંતિથી મારી લાઈફ ચાલે છે શું એવી ચાલશે ?
મારા કમ્ફર્ટનું શું ?
આ બધા પ્રશ્નોના ઉત્તરો આરંભને એક ડર તરફ દોરતા હતા, ‘કમ્ફર્ટ ઝોન’ને છોડીને કઈંક નવું કામ કરવાનો ડર, સાહસ કરીને પોતાના લેવલથી ઉપર ઊઠવાનો ભય, તેણે અનુકૂળ થઈ ગયેલા વાતાવરણમાંથી પીડા આપનાર માહોલની અવગણના કરીને નિર્ણય લઈ લીધો કે પ્રમોશન નથી લેવું પણ જ્યારે તેણે જોયું કે તેનો સહકર્મચારી આ પ્રમોશનની કસોટીમાંથી પાર ઉતરીને તેના વિકાસ (growth) ની દિશામાં ઉતારોત્તર પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે પોતે લીધેલા નિર્ણય પર ભારે વસવસો થતો હતો. આ જ કારણથી તેની બેચેની (restlessness) દિવસેને દિવસે વધતી જતી હતી, તેને તેના સહકર્મચારીથી ઈર્ષા ન્હોતી થતી પણ તેને અફસોસ થતો હતો કે તેણે શરૂઆતી પીડાથી ડરીને આટલી મોટી તક હાથમાંથી જવા દીધી, તેને શરમ એ વાતની હતી કે પોતે પોતાની સ્થિતિમાં કમ્ફર્ટેબલ થઈ તેને પોતાના પ્રગતિના બારણાં જાતે જ બંધ કરી દીધા.
થોડા કાઉન્સિલિંગ સેશન્સના અંતે આરંભએ ગુમાવેલો આત્મવિશ્વાસ ફરી પાછો આવ્યો, આરંભ હવે તૈયાર છે તેના કમ્ફર્ટ ઝોનમાંથી ધીરે ધીરે લર્નીગ ઝોનમાં જવા માટે અને અંતે ગ્રોથ ઝોનમાં પહોંચવા માટે અને હવે તેને સેશન્સમાં આવતા સંકોચ પણ નથી થતો. અંતિમ સેશનમાં આરંભે એક યાદી તૈયાર કરી જેમાં એવી એક્ટિવિટીસ હતી જે તેના કમ્ફર્ટને ચેલેન્જ કરી શકે. જેમાં તે નવી ટેક્નોલોજી અને સોફ્ટવેર શીખ્યા અને એ કારણસર તેમની કંપનીમાં એક અતિ મહત્વના(Asset) કર્મચારી બની ગયા.
આરંભ જેવા કેટલાય આરંભ આપણી અંદર છે જે કદાચ આપણા વિકાસને આડે તાળાં મારીને બેઠા છે, પણ એ તાળાંઓની ચાવી આપણી પાસે જ છે, આશા છે કે આપણે સૌ 2026માં પીડા, પરિશ્રમ અને પુરુષાર્થ રૂપી ચાવીઓથી આપણી ઉન્નતિ અને સફળ જીવન તાળાંઓને ખોલી શકીશું અને આપણે પણ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકીશું.
છેલ્લો કોળિયો : ઈંડામાંથી ઇયળ બનતા પીડા તો થઈ હશે ને?, એ ઇયળને કોશેટો બનાવામાં કંટાળો તો આવ્યો હશે ને ? અને કોશેટો તોડીને જયારે પાંખો ફૂટી હશે ત્યારે પતંગિયાને કેવું લાગ્યું હશે ?
આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં, બંને ક્લિનિકમાં આવતાની સાથે ખૂબ રડ્યા બંનેનું મન થોડું હળવું થયું પછી વાતની શરૂઆત કરી. વાત એમ હતી તાજેતરમાં આધ્યાએ એના પિતા ગુમાવ્યા હતા, આધ્યાની ઉંમર 9 વર્ષ. આ આખી ઘટનાને ઝીરવવી અને જીવનની ગાડી આગળ ધપાવવી આઘ્યા અને એના મમ્મી બંને માટે મુશ્કેલ હતી. સામાન્ય સંજોગોમાં સ્વજનના ગુમાવ્યા પછીના આ પાંચ તબ્બકાઓમાંથી આપણે પસાર થતાં હોઈએ છીએ. 1. અસ્વીકાર (Denial) : પ્રિયજન કે સ્વજનને ગુમાવ્યાના સમાચાર સાંભળીને આઘાત ઝીરવાતો નથી, આખી વાત અને ઘટના પર અવિશ્વાસ થાય છે, ખાસ કરીને જ્યારે મૃત્યુના સમાચાર અણધાર્યા અને અચાનક આવ્યા હોય. 2. ગુસ્સો/ક્રોધ (Anger) : સ્વજનનું આમ અચાનક આપણા જીવનમાંથી ચાલ્યાં જવું, એ ક્રોધ અને ગુસ્સો ઉત્પન્ન કરે છે ખાસ કરીને કુદરત/ઇશ્વર પર. 3. ભાવતાલ (Bargaining) : બીજા તબ્બકાને પાર કર્યા પછી આપણે ઈશ્વર સાથે થોડી લેવડદેવડ કરવાની કોશિશ કરીએ છીએ અને મનોમન ઈચ્છીએ છીએ કે આ ભૂતકાળની ક્ષણ ભૂંસીને નવી ક્ષણ રચવાની આપણે આપણને એક તક મળે. 4. હતાશા ( Depression) : પછી અતિશય પીડા અને તીવ્ર નિરાશાનો તબક્કો આવે છે, જેમાં આપણે ગુમાવેલી વ્યકિત આપણી સાથે નથી અને હવે ફરી ક્યારેય એ વ્યક્તિને જોઈ નથી શકવાના એ વસવસો ડૂમો બનીને અંતરમન કોરી ખાઈ છે. 5. સ્વીકાર (Acceptance) : છેલ્લા તબક્કામાં હકીકત સ્વીકારીને એ વ્યકિત વિના જીવન જીવવાનું ધીરે ધીરે શીખી જઈએ છીએ.
પણ ઘણી વાર અચાનક આવેલ આઘાતને સહન કરવા માટે આપણું મન અને મગજ તૈયાર હોતું નથી. અને ત્યારે જે માનસિક સ્થિતિ સર્જાય છે, તેને PTSD ( Post Traumatic Stress Disorder) અને જટિલ શોક (Complicated Grief) તરીકે ઓળખવામાં આવે છે. આ કેસમાં આધ્યાની સ્થિતિ કંઇક આવી જ હતી. એક કાર અકસ્માતમાં 38 વર્ષની વ્યક્તિનું મૃત્યુ એ ઘટના અતિશય પીડા આપનારી છે જ. અને એ જ્યારે તમારા પિતા હોય ત્યારે એ આખી ઘટના કીડી માથે આભ જેવી લાગે. આધ્યા અને તેના મમ્મી મધુબેનનું લગભગ 18 મહિનાઓ સુધી ટ્રીટમેન્ટ ચાલી, થેરાપી સેશન્સ થયા, CBT ( Cognitive Behavioral Therapy) અને નરેટિવ થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ગ્રુપ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવ્યો, એના પછી હવે ધીરે ધીરે બંનેનું નોર્મલ જીવનમાં ગોઠવાયા છે.
નાની ઉંમરે સ્વજન/પ્રિયજનને ગુમાવી દેવાની ઘટના જીવનભરનો આઘાત આપીને જાય એ વાતને ઝૂંટવી ન શકીએ, આધ્યા અને મધુબેન જેવા અસંખ્ય લોકો હશે જે જીવનની આ ઘટનાને સ્વીકારીને નવેસરથી જીવન જીવતા શીખતા હશે, અને સમય સાથે સ્વસ્થ પણ થઈ જતાં હશે. એ દરેક વ્યક્તિને ઇશ્વર હિંમત આપે! પણ મારે વાત કંઇક અલગ કરવી છે એક સૂચન છે એ દરેક વ્યક્તિને જે જીવનને અને ખાસ કરીને પોતાની ‘ શારીરિક અને માનસિક હેલ્થ ‘ ને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. કેટલાંક આંકડાઓ જુઓ તો અઘ્ધધ, તમારી આંખો પહોળી થઈ જશે. Ministry of road transport and highway ના national crime records bureau (NCRB) ના 2021ના રિપોર્ટ અનુસાર 1,50,000 લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે હર્દય રોગના કારણે દર વર્ષે 3 મિલિયન (30 લાખ) લોકો, COPD ( Chronic Obstructive Pulmonary Disease ના કારણે અંદાજિત 10 લાખ લોકો જીવ ગુમાવે છે, કેન્સર અને બીજા અન્ય રોગોથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો લાખોની સંખ્યામાં જ છે. શાસ્ત્રો અને પુરાણોની વાતો મુજબ હશે કદાચ આપણા શ્વાસો પહેલેથી જ નક્કી થયેલા પરંતુ એક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ તરીકે હંમેશા મને પ્રશ્ન થાય, કે આપણા સમાજમાં કેટલીક વસ્તુઓ/સિસ્ટમની તાતી જરૂર છે, જેના કારણે જીવન લાંબુ થશે કે નહીં પણ જીવનની ગુણવતા તો ચોક્કસ સુધરશે. અને આ કેટલાંક આયામો જો આપણે વહેલી તકે લાગુ પાડી શકીએ તો કદાચ આપણા સમાજની છબી વધુ ઉજળી બનાવી શકીએ. આ સાથે તમે શું વિચારો છો એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો.
1. સ્વાર્થીપણું: દરેકેદરેક વ્યક્તિએ પોતાની સેહત માટે સ્વાર્થી બનતા શીખી જાય તો કેટલું સરસ! કોઈ પણ જાતના બહાના, કારણો કે સામાજિક જવબદારીઓમાં અટવાયા વગર દિવસની એક કલાક શરીર માટે. ચાલવાનું, દોડવાનું, કસરત કરવાની, કોઈ પણ જાતની શારિરિક કસરત અને દસ મિનિટનું ધ્યાન. કેટલાક હજાર રૂપિયાના ફોનને સાચવવા કવર અને ટફન ગ્લાસ નખાવીએ છીએ, તો આપણું શરીર અને મન મામૂલી છે ? જેને ગમે તે રીતે ટ્રિટ કરીએ ? કોઈપણ ભોગે તાત્કાલિક ધોરણે જીવનમાં નિયમિત રીતે હળવી કસરત ઉમેરીને આપણી જાત માટે આટલું સ્વાર્થી બનવું તો આપણેને પરવડે, ખરું કે નહિ ? 2. જંક ફૂડ એ જંક જ છે: કમાવાની લાયમાં, સમય બચાવાની દોડમાં કે જીભના ચટકારા માટે જે રીતે અને જેટલી માત્રામાં આપણે ફાસ્ટફૂડ ખાઈ રહ્યા છીએ, ત્યારે એ સમજવું અતિ આવશ્યક છે કે આ કેટલી અને કેવી રીતે આપણા શરીરને પોષણ આપશે ? ચીઝના ઢગલા અને બટરથી લદાયેલા ખોરાકની આપણે ખરેખર જરૂર છે ? આજના સ્વીચ અને ટેકનોલોજીની સગવડ સજ્જ એવી સોસાયટીમાં જ્યારે આપણે ગોઠવાયેલા છીએ ત્યારે આ નીતરતી કેલેરી ભરેલો ખોરાક આપણે પચાવી શકીશું ? 3. ટેકનોલોજી અને સ્ક્રીન ટાઈમ : કામને લઈને કે પછી શોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાના ચક્કરમાં દિવસની લગભગ ૧/૩ કલાકો સ્ક્રીન ઉપર ખર્ચતી વખતે આપણે આપણા મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ ? ‘બ્લુ લાઈટ એકસ્પોઝર’ કેટલું ખતરનાક છે એની જાણ આપણને છે ? રાત્રે સૂતા પહેલા અને સવારે જાગીને પહેલો સંપર્ક સ્ક્રીનનો કરીએ છીએ ત્યારે આપણા ઊંઘની નિયમિતતા અને શરીરના આવગોમાં તણાવ ઊભો થાય છે, અને જે ઘણા બધા રોગોને નોતરે છે. તો શું આપણે એટલી કાળજી ન રાખી શકીએ કે, આપણે ટેકનોલોજી વાપરીએ, નહિ કે ટેકનોલોજી દ્વારા આપડે વપરાતા જઈએ અને ખર્ચાતા જઈએ! 4. વાહન ચલાવો એ પહેલા ચલાવતા શીખો : નાની ઉંમરે કે 18 વર્ષ પછી કોઈ પણ વાહન ચલાવો તો એને શાંતિથી શીખો, ટ્રાફિકના નિયમો અનુસરો, હેલ્મેટ અને સીટ બેલ્ટની અવગણના ન કરો અને સમયસર પહોંચવા ઘરેથી સમય પર નીકળતા શીખો નહિતર ઓવર સ્પીડીના ચક્કરમાં તમારે અથવા તો બીજા કોઈને કાયમ માટે જીવનની એકસિટ (exit) લેવી પડશે. આ ત્રણ- ચાર પાસાંઓ જ મૃત્યુઆંક વધારે છે એવું નથી, બીજા ઘણા બધા પાસાંઓની ચોક્કસ ભૂમિકા છે જ, જેમકે, વારસાગત કારણો, પર્યાવરણલક્ષી કારણો, તમાકુ – દારૂનું સેવન, જીવન કે રોગને લઈને અસમજ અથવા તો ગરીબી. પરંતુ દરેક વ્યક્તિના હાથમાં એટલી તો શક્તિ છે જ કે આ ચાર પાસાંઓ પર તાત્કાલિક ધોરણે કામ કરી શકે. આ આર્ટિકલ ક્યાં સુધી અને કેટલા લોકો સુધી પહોંચશે એ મને ખબર નથી પણ જેટલા સુધી પહોંચે એટલા લોકોને વિનંતી છે કે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમારી શારીરિક – માનસિક સ્વસ્થતાનું ધ્યાન રાખો. કેમકે તમારી અચાનક લીધેલ વિદાય, તમારા પરિવારને આજીવન કોરી ખાશે.
છેલ્લો કોળિયો: એક બાળક શાળાની સ્વાધ્યાયપોથીની ખાલી જગ્યા પૂરવા માટેનો ઉકેલ શોધી લેશે, પણ પરિવારમાંથી ગુમાવેલ વ્યક્તિની ખાલી જગ્યા કોઈ ક્યારેય પૂરી નહિ શકે, તો તમે તમને જરૂર સાચવજો. – હિરલ
અમૃતા અને આત્મિયના તાજા તાજા લગ્ન થયા હતા, બંને સરળ સમજુ અને સુઘડ કહી શકાય એવું કપલ સમાજને દેખાતું હતું. પરંતુ વાત જાણે એમ થઈ કે અમૃતાના મનની મનોદશા અજાણતા જ આત્મિયની સામે ખુલ્લી પડી ગઈ, જે સાંભળીને એક પુરુષનો સઘળો અહમ્ અને સ્વાભિમાન હચમચી ગયો.
તારીખ 21/11/2022નાં રોજ અમૃતા પોતાની એક કોલેજની મિત્ર સાથે વિડિયો કોલ પર વાત કરતી હતી, બંને બહેનપણીઓના લગ્ન લગભગ એક સમયે જ થયા હતા, તો સ્વાભાવિક રીતે બંને સહેલીઓ લગ્નના છ મહિના પછીનો અનુભવ, વ્યથા અને કથા શેર કરી રહી હતી. આ ઘટનાનો પ્રેક્ષક આત્મિય અજાણતા જ બની ગયો અલબત્ત સમગ્ર ઘટનાથી એ અવગત ન્હોતો જ.
“તારે કેવું સારું છે સંજના, બહુ જ રોમેન્ટિક અને કેર કરવાવાળો હસબન્ડ મળ્યો છે તને, જેવું આપણે ફિલ્મોમાં જોયું હતું અદલ એવો જ. મારા નસીબમાં તો એ બધી વસ્તુઓના સપનાઓ જ છે. ક્યારેક તો મને શંકા પણ થાય કે આત્મિય મને ખરેખર પ્રેમ કરે છે ? અથવા તો એ નોર્મલ જ છે ને ? “
બસ આટલા વાક્યો પૂરતા હતા આત્મિય અને અમૃતાનું લગ્નજીવન વેરવિખેર કરવા માટે, આત્મિયએ મનોમન નક્કી કરી લીધું કે હું અમૃતાને આ રીતે નહિ જીવવા દઉં, એની ઇચ્છાઓ અને અપેક્ષાઓ જો હું પૂરી નથી કરી શકતો તો હું એનાથી ડિવોર્સ લઈશ અને એને આ લગ્નજીવનમાંથી મુક્ત કરી દઈશ. આ વિચાર સાથે વાત કોર્ટ સુધી ગઈ અને કોર્ટે આપેલા છ મહિનાના સમજૂતીના ગાળામાં આ વાત મારી સુધી પહોંચી અને હવે તમારા સુધી.
અચંબાભરી વાત એ હતી કે કોર્ટ અને ક્લિનિક સુધી પહોંચી ચૂકેલા આ દંપતી એકબીજાના મન પહોંચવામાં નિષ્ફળ ઠર્યા હતા. કેમ કે અમૃતાને આજ સુધી ખ્યાલ નથી કે આત્મિય શા માટે અચાનક ડિવોર્સ લેવા માંગે છે. એક કાઉન્સેલર તરીકે સૌથી પહેલાં તો આખી વાત ખુલ્લી કરી, આત્મિય જે અધૂરી માહિતી સાંભળીને અધાધુન થયો હતો, એ આખી વાત સાંભળીને શાંત થયો.
“મારા કિસ્સામાં અથવા તો અમારી લવ લેન્ગવેજ જરા અલગ છે, આત્મિયની વ્યક્ત થવાની રીત અને પ્રેમ પ્રદર્શિત કરવાની રીતો બહુ અલગ છે. એટલે મને કયારેક લાગે કે,….તારે કેવું સારું છે સંજના, બહુ જ રોમેન્ટિક અને કેર કરવાવાળો હસબન્ડ મળ્યો છે તને જેવું આપણે ફિલ્મોમાં જોયું હતું અદલ એવો જ. મારા નસીબમાં તો એ બધી વસ્તુઓના સપનાઓ જ છે. ક્યારેક તો મને શંકા પણ થાય કે આત્મિય મને ખરેખર પ્રેમ કરે છે ? અથવા તો એ નોર્મલ જ છે ને ? ચાલ આ બધું છોડ બીજું કંઈ હોય તો કે મને.”
અમૃતા મહદઅંશે જાણતી હતી કે દરેકની લવ લેન્ગવેજ અલગ હોય શકે. જે રીતે દરેક માણસની ફિંગરપ્રીન્ટસ્ અલગ હોય છે. ક્લાયન્ટ સાથેની ચર્ચાઓ અને કેટલાક અસેસમેન્ટ પછી તારણ નીકળ્યું કે આ કેસ ન્યુરોડાયવર્જન્ટ/ ન્યુરોડાઇવર્સ પર્સનાલિટીનો હતો. The terms ‘neurodivergent’ and ‘neurodiverse’ refer to people whose thought patterns, behaviors of learning styles fall outside of what is considered ‘normal’ or ‘neurotypical’ of humans. એટલે કે, ‘ન્યુરોડાઇવર્જન્ટ’ અને ‘ન્યુરોડાઇવર્સ’ શબ્દો એવા લોકોનો સંદર્ભ આપે છે જેમની વિચારસરણી, શીખવાની શૈલીઓની વર્તણૂક માનવીઓ માટે “સામાન્ય” અથવા ‘ન્યુરોટીપિકલ’ માનવામાં આવે છે તેનાથી વિપરીત કે જુદી છે. આ ટર્મ સૌ પ્રથમ 1997માં જુડી સિંગર નામના સમાજશાસ્ત્રીએ ઓટીઝમ સ્પેક્ટ્રમ માટે વાપરી હતી. ( કેટલીક ચોક્કસ માહિતી અને વિગત લિંકમાં આપેલ બ્લોગમાં વાંચી શકશો.)
અમૃતા અને આત્મિયનાં કેસમાં, આત્મિય ન્યુરોડાયવર્જન્ટ હતો, એટલે કે આત્મિયને learning disability હતી જેના કારણે જ તેની લવ લેન્ગવેજ અન્ય લોકો કરતાં જુદી હતી. આખી કાઉંસેલિંગ પ્રક્રિયામાં કપલને સમાજવવામાં આવ્યું કે આ બહુ જ નોર્મલ છે, ડરવાનું કે મુંજવાનું કોઈ જ જરૂર નથી, બસ કેટલીક આદતો સમજવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. જેમાં સૌથી અગત્યનું હતું પાંચ પ્રકારની લવ લેંગેવેજ જે મોટાભાગના ન્યુરોડાયરવરશન લોકો એક્સ્પ્રેસ કરતા હોય છે.
Penguin Pebbling (પેંગ્વિન પેબ્લિંગ) : ન્યુરોડાયવર્સ લોકો નાની ભેટો આપીને પોતાના પ્રેમની લાગણીઓને વ્યક્ત કરે છે. જેમ પેંગ્વિન તેમના સાથીદારોને નાના પથ્થરો આપીને પ્રેમ જતાવે છે, એ રીતે. આજના સમયમાં આ ચેસર ઈન્સ્ટાગ્રામ પર રિલ શેર કરવાનું પણ હોઈ શકે.
Info dumbing (ઇન્ફો ડમ્પિંગ): તેઓ પોતાની જાણકારી અને રસ ધરાવતા વિષયો વિશેની માહિતી પોતાના પાર્ટનર સાથે શેર કરીને એક ઈમોશનલ બોન્ડ અને એક ડીપ કનેક્શન ડેવલપ કરવા ઈચ્છતા હોય છે, આ અનોખી રીતે એ કેર અને ફિલીંગસ પ્રદર્શિત કરતા હોય છે.
Parellal Play (પેરલલ પ્લે) : ન્યુરોડાયવર્સ લોકો એક સાથે અલગ-અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અને એ રીતે પોતાની રોમેન્ટિક લાગણીઓને વાચા આપે છે. દા.ત., એક પાર્ટનર કોઈ પુસ્તક વાંચે છે તો એ જ સમયે બીજું પાર્ટનર એની ગમતી કોઈ પઝલ સ્લોવવ કરે છે.
Support swapping (સપોર્ટ સ્વેપિંગ) : એકબીજાની નાની મોટી અને વણમાંગી મદદ કરવામાં પણ પ્રેમ છતો થતો હોય છે, જેમ કે સમયસર દવા લેવાનું યાદ કરાવું કે પછી યોગા અથવા તો જીમ પર નિયમિત જવા માટે એક રિમાન્ડર આપવું.
Deep pressure/Consensual Crushing (ડીપ પ્રેશર/કન્સેન્ચ્યુઅલ ક્રશિંગ) : હગીંગ દ્વારા અથવા હલકાં હાથે શરીર દબાવાથી પણ પોતાની અંદર રહેલી ભાવનાઓને પોતાના પ્રિયપાત્ર સુધી પહોંચાડવા માંગતા હોય છે.
અહીં અમૃતા અને આત્મિયના કેસમાં વિવધ થેરાપી બહુ ઝડપથી કામ કરી કેમ કે બંનેનું મનોબળ મક્કમ હતું અને તેમને સંબંધને કરમાવવા ન્હોતું દેવું. બંનેની ઉપરોક્ત દર્શાવેલી પાંચ લવ લેન્ગવેજ વિસ્તારથી સમજવવામાં આવી અને આ સિવાય પણ કેટલીક પ્રવૃત્તિઓ આખી સલાહ પ્રકિયા દરમ્યાન કરવામાં આવી કે જેના કારણે બંને વચ્ચે સ્ટોર્ગ બોન્ડ રચાય અને લગ્નજીવન વધુ મજબૂત થાય. આજે બંને સરસ રીતે એક આદર્શ પતિ પત્ની બનીને પોતાનું જીવન પસાર કરે છે.
રીદા કલીનિકની અંદર પગ મૂકતા જ રડવા લાગી હજુ હું કંઈ સમજુ કે પૂછું એ પહેલાં અચ્યુત કલીનિકમાં આવ્યો અને રીદા સામે નજર કરીને શાંત થવાનો ઈશારો કર્યો. ૫ મિનિટ પછી બંને મારી સામેની બે ખુરશીઓ પર ગોઠવાય ગયા. થોડીક કેસ રિલેટેડ ફોર્માલિટી પૂરી કરી મેં બંનેને પુછ્યું, “શું મદદ કરી શકું છું હું આપની ?” જેનો જવાબ કંઇક અલગ મળ્યું. અચ્યુત બોલ્યો, ” મેડમ, તમે મારા પપ્પા અને મમ્મીને અહીં રાખી શકો ?હું એમને તમારી કલીનિકે મૂકી જાઉં ? આ સવાલ કેમ ઉભો થયો અને કલાઈન્ટ આટલી અકળામણમાં કેમ છે એ જ્યારે કેસ હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું. અચ્યુત અને રિદા બંને ભાઈ – બહેન પોતાના માતા – પિતાની ફરિયાદોનો કાફલો અને કેટલીક પીડાઓ લઈને આજે મારે આંગણે આવ્યા હતા. તો વાત જાણે એમ હતી કે, બંનેના માતા – પિતા એટલે કે હસમુખભાઈ અને મૃણાલીબહેન મુંજપરા જીવનના પાંચ દાયકા પૂરા કરીને છઠ્ઠામાં પ્રવેશી ચૂક્યા હતા. એમનું જીવન ઘણું સરળ અને સુખદ દેખાતું હતુ પણ ખરેખર એવું હતું નહિ. ફરિયાદોનો આરંભ કરતા રીદાએ બોલી,
“મમ્મી કે પપ્પા અમારી એક પણ વાત માનતા કે સમજતાં નથી, પોતાની જૂની રૂઢિ અને રિવાજોને મારી અને ભાઈ પર થોપી બેસાડે છે, વાત અહીંયા પૂરી થઈ જતી હોય તો પણ ભલે પણ ના, એ તો અલગ અલગ તૂત ઉભા કર્યા જ રાખે છે, ક્યારેક અમારા ફ્રેન્ડસ સામે તો ક્યારેક અમારી પ્રોફેશનલ લાઇફમાં, નાની – મોટી બધી વસ્તુમાં ચંચુપાત કરવાની અને ન કંઈ કહીએ કે પૂછીએ તો રિસાઈ જવાનું. શું આ બધું ઠીક છે ? સમય પર દવા નથી ખાવી કે પોતાનું કંઈ ધ્યાન નથી રાખવું હવે અમે કેટલીક વાર કહીએ ? નાનું બાળક હોય તો ખીજાય ને કે ઠપકો આપીને પણ કહી દેવાય પણ આમની સાથે તો એ પણ ન થઈ શકે.“
અચ્યુતે થોડું ઉમેરતા કહ્યું, “મેડમ હું જાણું છું કે આ બધું થવું બહુ સ્વાભાવિક છે બધા સંતાનો સાથે થતું હશે પણ શું આના કારણે માતા – પિતાની માનસિક સ્થિતિ ખરાબ થાય ? કે એમને બીજી કોઈ મુશ્કેલીઓ પડે ખરી ? કેમ કે કયારેક મને એવું લાગે છે કે They are not really okay! કેમ કે પોતે ભલે એકપણ કામ જાતે સંભાળી શકતા નથી તો પણ સ્વાભીમાનનું પૂછડું છોડવું નથી. બીજાની મદદ લેવી નથી અને ક્યારેક તો ગળગળા થઈ જાય અને ક્યારેક જૂની વાતોને યાદ કરીને કરીને ખિલખિલાટ હસ્યા કરે. શું આ બધું નોર્મલ છે ?“
અચ્યુત અને રીદાના પેરન્ટ્સનો કેસ ખરેખર ઇન્ટ્રેસિંગ હતો, આખી વાતને શરૂથી શરૂ કરવામાં આવી માતા-પિતા સાથે કાઉન્સિલીંગ સેશન્સ થયા અને ફેમિલી કાઉન્સિલીંગ સેશન્સ પણ થયા. યોગ્ય પ્રકારની સાયકોથેરાપીની મદદથી લગભગ ૮ મહિના પછી ધીરે ધીરે અચ્યુત અને રીદાનું ટ્યુનિંગ તેમના માતા-પિતા સાથે બેઠું અને હવે પરિવાર કુશળમંગળ રીતે જીવન જીવે છે.
દરેક કેસ થેરાપિસ્ટ/કાઉન્સેલરને કંઇક શીખવે છે, સ્વાભાવિકપણે આ કેસમાં મેં પણ ઘણું શીખ્યું અને સમજ્યું ત્યારે મનમાં સતત એક વિચાર ચાલતો હતો અને I am sure કે તમારામાંથી ઘણા બધાને પણ આ વિચાર આવતો હશે કે શા માટે આપણી પાસે એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા કે યોજના નથી જેમાં આપણે સમજી, જાણી અને શીખી શકીએ કે જીવનના ઉતાર્ધ પર આગળ વધી રહેલા આપણા માતા – પિતાને કંઈ રીતે સંભાળવા ? શા માટે આપણી સામાજિક વ્યવસ્થામાં એવી કોઈ પ્રણાલી પ્રસ્થાપિત નથી કે જ્યાં પુખ્ત થતાં વડીલોની કુમળી લાગણીઓને આપણે સુરક્ષિત રાખી શકીએ. આપણે ગર્ભસંસ્કારમાં માનીએ છીએ અને એને ઉજવીએ અને જીવીએ પણ છીએ તો પ્રોઢસંસ્કાર કેમ નહિ ? આપણે ‘જનરેશન ગેપ’ના નામ પર ઘણી વખત આ વાત અવગણી નાખીએ છીએ પણ આ વિષય પર વાત કરવાનું હંમેશા ટાળીએ છીએ. એક સંતાન વધતી ઉંમર સાથે પ્રગતિ તરફ આગળ વધે છે જ્યારે તેના માતા – પિતા જીવનના અંત તરફ આગળ વધે છે, એ સમયે સ્વભાવમાં પરિવર્તન વ્યાજબી છે, બાળકને પા – પા પગલી શીખવવા અને તેને દુનિયામાં સેટલ થવામાં આપણે પુરે પૂરી મદદ કરીએ છીએ એ જ રીતે જીવન જીવી ચૂકેલા નિવૃત્ત થયેલા/ થવા જઈ રહેલા આપણા માતા – પિતા અને વડીલોની કાળજી રાખવી પડશે. સંશોધનો દર્શાવે છે કે પ્રોઢ/ વધતી ઉંમરે વડીલોને આ મુજબની કેટલીક કાળજી/કેર/હુંફ ની જરૂર હોય છે.
1. રોજબરોજના જીવનમાં ગોઠવણમાં મદદ આવશ્યક છે, સતત કેટલાય વર્ષોથી નોકરી/વ્યવસાય કરીને કે એક પ્રવૃત્ત ગૃહિણી બનીને સતત કામ કર્યું હોય ત્યારે અચાનક આવી પડેલો ફ્રી (free) ટાઈમ એમના માટે હેન્ડલ કરવો અઘરો હોય છે.
2. સુરક્ષા સંબંધી સવલતો : ઉંમરના આ તબક્કે નાની – મોટી દરેક વસ્તુ પર અન્ય પર આધારિત થવાનું એમના માટે એક અજુગતો અનુભવ છે, જેના કારણે ઘણીવાર તેઓ સંકોચ રાખે છે કાં તો પછી ચિડાય જાય છે. દા. ત. પોતાના ફાયનાસીસનું મેનેજમેન્ટ, ખરીદી, દવા કે ડોકટરની વિઝીટ વગેરે.
3. શારીરિક કે માનસિક સમસ્યાઓ : નાની મોટી શારીરિક કે માનસિક બિમારીઓ પણ તેમના વર્તન અને વ્યવહારને બદલી શકે છે.
4. ગૂણવતાસભર જીવન : અમુક સમય પછી ગૂણવતાસભર જીવન ટકાવી રાખવું એ બહુ ચેલેંજીંગ હોય છે જેના કારણે પણ કેટલાક વ્યક્તિમાં ફરસ્ટેશન અને અકળામણ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે કેટલાક ગંભીર કે સામાન્ય રોગો – ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કે અલ્ઝાયામર.
5. સબંધોની માવજત અને પરિવારની ગરિમા : હવે મોટાભાગના વડીલો માટે આ બદલાવ ભુંકપના આંચકા જેવો હોય છે, સંબંધોની ગોષ્ઠિ પોતે જેમ ગોઠવી છે, સ્વાભાવિક છે એમના સંતાનો તદ્દન એ જ ફોલો કરશે એવી અપેક્ષા અતિશયોક્તિ ભરી છે, મનનું ધાર્યું નથી થતું ત્યારે તકલીફ થાય એ સહજ છે અને બીજું કે જ્યારે વર્ષોથી ઘરને એકજૂથ કરીને રાખ્યું હોય, જુદા જુદા નિર્ણયો લીધા હોય અને હવે જ્યારે મૌન રહીને ઘરની અંદર બનતી ઘટના પ્રેક્ષક બનીને જોવાની થાય ત્યારે મૂંઝારો તો થાય જ ને ?
6. જાત – સંભાળ (Self- care) : આપણા માતા – પિતા હંમેશા આ બાબતે કાચા જ રહ્યા છે, એમને પોતાની જાતને સૌ પ્રથમ મૂકતા કે પોતાની જાતને લાઇલાઇટમાં મૂકતા આવડ્યું જ નથી, એટલે આપણે એ સ્કીલ સેટ કરવા માટે એમને મદદ કરવી જ પડશે.
અચ્યુતની વાત પરથી આ વિચાર આવેલો અને મને લાગે છે કે આ સમયે ખરેખરે આપણા સમાજને આવા પ્રકારના એક દૃષ્ટિકોણની જરૂર છે. દરેક ઘરોમાં નાના – મોટા કલેશ/જઘડાઓ વર્ષોથી ચાલે છે, પણ આ મુદ્દાને આપણે આ દૃષ્ટિથી એકવાર જોઈએ અને ધીરે ધીરે અપ્લિકેબલ બનાવીએ તો કદાચ સંબંધોમાં એક નવી સુવાસ પ્રસરે. લોકો એકબીજાની વધુ નજીક આવી શકે. જે રીતે બાળકના જન્મ પહેલાં, દરમ્યાન અને પછી આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ અને પૂરતી કાળજી રાખીએ છીએ કે કોઈ જ ક્ષતિ ન રહે, બસ એવું જ વલણ વૃદ્ધ થતા માતા – પિતા પ્રત્યે કેળવવાનું છે.
છેલ્લો કોળિયો: જેટલી ધીરજ અને આસ્થા આપણા માતા – પિતાએ આપણને મોટા કરતી વખતે રાખી હતી કદાચ એનાથી ઓછી ધીરજ અને આસ્થા આપણે એમના ઘડપણને સમજવા માટે આપવાની જરૂર છે. મનના કોઈ ખૂણામાં વૃદ્ધ થતી વ્યક્તિના મનમાં આ વિચાર જરૂર આવતો હશે. જે કવિયત્રી પાયલએ બહુ યોગ્ય રીતે લખેલો છે.
“जीवन खोए हुई लोगो से और चीजों से भरा पड़ा है, पर फिर भी खाली सा है । “
“થાકી ગયો છું, થાકી ગયો છું તારી આ જૂની વાતોથી. તું આમ હથિયારની જેમ જ્યારે જ્યારે વાપરે છે ત્યારે ત્યારે મને ડાઉટ થાય છે કે તું આ બધું રેકોર્ડ કરીને રાખે છે, એટલે ફરી વખત આપણો ઝગડો થાય ત્યારે તું એને વેપેન તરીકે યુઝ કરી શકે, અને હું લાચાર અને હથિયાર વિહોણો ઊભો હોઉં અને તું જીતી જા.”
આવા પ્રકારનું એક ઉદાહરણ આપીને મારી ક્લાયન્ટ શ્રીમતી અનુરાધા અગ્રવાલ ચૂપ થઈ ગઈ, અને એની લગોલગ બેઠેલા શ્રીમાન અવધ અગ્રવાલ ચિંતાતુર ભાવે થોડીવાર મને અને થોડીવાર એમની પત્નીને જોઈ રહ્યા અને ઊંડો નિસાસો નાખતા બોલ્યા.
“જુઓ, મેડમ આ વાત તદ્દન સાચી છે, હું આવું 100% એ 100% બોલ્યો છું, પણ એની પાછળ કારણ છે. જે હજાર વખત સમાજાવ્યા છતાં અનુ (અનુરાધા) નથી સમજતી, મેં એને કહ્યું છે કે તું ભૂતકાળને પકડી પકડીને નહિ ચાલ, જે થઈ ગયું એને જવા દે અને વર્તમાન અને ભવિષ્યમાં જીવ. જૂની વાતોને ખોદ ખોદ કરવાથી શું મળશે ? પણ ના એને હંમેશા જૂની વાતોનો જનાજો લઈને ફરવું હોય છે અને પોતાની જાતને બિચારી સાબિત કરવી હોય છે.”
લગભગ એક શ્વાસે આ બધું બોલીને અવધ શાંત થઈ ગયો.
આ પતિ – પત્નીનો કેસ ભલે નવો હોય પણ કિસ્સો મારા માટે નવો નથી કેમકે પતિ અને પત્ની વચ્ચે કે થોડું વધુ સ્પષ્ટ કરતા સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો વિવાદ થવો સ્વાભાવિક છે. કેમ કે બંનેની પ્રકૃતિ અલગ છે, વિચારવાની, વર્તવાની અને વાગોળવાની રીત નોખી નોખી છે. ઝગડો કરવાની અને એને પચાવવા માટે બંનેની હોજરી પણ ભિન્ન છે. તો આનો ઉપાય શું ? આપણે બંનેના દૃષ્ટિકોણથી સમજીએ. જ્યારે સ્ત્રીઓ જૂની વાતોને યાદ કરીને વર્તમાન ઝગડામાં લાવે છે ત્યારે એની પાછળ કેટલાંક સંકેતો હોય છે જે એની મનોદશાને છતી કરે છે.
हम साथ साथ है! : એટલે કે સ્ત્રીઓ જો વારંવાર આ પ્રકારનું વર્તન કરી રહી છે તો ક્યાંક એ એના મનમાં એવી ઇચ્છા છે કે તમે આ એની સાથે છો અને હંમેશા એની સાથે જ ઉભા છો એની ખાતરી એને જોવે છે. એટલે કે તમે બંને એક જ ટીમમાં છો ઓપોજિશન પાર્ટીમાં નથી.
धोकाधाडी! : આ ટાઇટલને લિટરલી નથી લેવાનું પણ હા, ઘણીવખત સ્ત્રીઓ એવા મનોભાવમાં હોય છે કે ઘણી બધી વખત ચાન્સ આપ્યા છતાં અંતે એમના પાર્ટનર તરફથી એમને દગો મળ્યું, આ દગો મોટેભાગે આવેગિક (emotional) હોય છે. જેમાં તેની ધારણા મુજબનું વર્તન ન થયું હોય અથવા તો એના માટે અયોગ્ય કે અછાજતું છે એવું વર્તન થયું હોય છે.
सुन रहा है ना तू ! : ઘણા બધા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ ભૂતકાળને વાગોળે છે કેમ કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ પોતાના ભાવ અને આવેગોને ખુલ્લા કરવા માંગે છે અને તે ઈચ્છે છે કે એમના પતિદેવ એમની મનોસ્થિતિ સમજે અને એને વેરીફાઈ કે અકનોલેજ કરે.
जैसे थे वैसे है ! : આ કારણ મોટાભાગે જોવા મળે છે કેમ કે પુરુષ જેવા છે એવા કુદરતી રહેવાના જ છે, સ્ત્રીઓ ઈચ્છે છે કે અગાઉ જે ચર્ચા થઈ એ પ્રમાણે એમનામાં નાનો મોટો ચેન્જ આવે, અને જ્યારે તે કોઈ પણ પ્રકારનો બદલાઉં નથી જોતી ત્યારે એ ફરી જૂની વાતોને યાદ કરીને અફસોસ કરવાનું શરૂ કરી દે છે.
उलझन नहीं सुलझी होगी! : આ એક મહત્વનું કારણ છે, સ્ત્રીઓ જ્યારે પોતાની જૂની વાતોને જઘડામાં વેપેન તરીકે વાપરે છે એનો મતલબ એ પાછળનો જઘડો હજુ સુધી શરૂ જ છે, એ મુશ્કેલી હજુ ક્યાંક ઉભરીને ઉગેલી જ છે. જરૂર છે એના પર પહેલા કામ કરવાની.
હવે અહીં હું ન્યુટ્રલ રહેતા પુરુષ જાતિની પણ મનોદશા વર્ણવી દઉં. કે શા માટે પુરુષોને એવું લાગે છે કે સ્ત્રીઓ જૂની વાતોને હથિયાર બનાવીને વાપરે છે કેમ કે એમને જીતવું હોય છે!
भूल गया सब कुछ! : મોટાભાગે પુરુષો નાની નાની વસ્તુઓને પોતાની મેમરીમાં સ્ટોર કરવાનું ટાળે છે, જેના કારણે એમને આ લાગણી સતત થાય છે કે સ્ત્રીઓ આવી જીણવટ પૂર્વક વિગતોને નોંધે છે અને પછી એને નવા વિવાદમાં યુઝ કરે છે જે એના માટે કોન્ટેકલેસ છે.
में ऐसा क्यों हु! : આ વસ્તુ પાણી જેવી સાફ છે કે પુરુષો પ્રેકટિકલ વધુ હોય અને સ્ત્રીઓ ઈમોશનલ. અને એટલે જ તેમની વિચારવાની અને સંબંધોને જોવાની ટેકેનિકાલિટી જુદી જુદી હોય જ.
लब्ज़ रहने दो तुम आंखो से कह दो! : હવે આ વાતને ઘણા પુરુષો ઘોળીને પી ગયા છે એટલે તેઓ શબ્દોથી નહિ પણ વર્તનથી દેખાડે છે કે એમની પાર્ટનરશીપ મજબૂત અને ટકાઉ છે. પણ સ્ત્રીઓ જ્યારે ઝગડામાં જૂની વાતો લઈને આવે ત્યારે એ બેબાકળા થઈ જતાં હોય છે અને નેક્સ્ટ મોવ પર ઘણી વખત અણધાર્યો વળાંક લઈ લે છે.
आखिर मेरी गलती क्या है! : આ મુદ્દામાં પુરુષ બેલેન્સ જાળવી રાખવાનું કામ કરે છે, તે પોતાના માતા- પિતા અને તેની પત્ની આ બે પેઢી સાથે સંકલન સાધવાનું કામ ખૂબ જ કાળજીપૂર્ણ કરે છે, તેમ છતાં જ્યારે વારંવાર ફરિયાદનો ટોપલો તેના તરફ ઢોળી દેવામાં આવે ત્યારે તે વધુ મૂંઝાતો હોય છે.
चलो जाने दो अब छोड़ो भी: પુરુષો અલ્પવિરામ ને પૂર્ણવિરામ સમજીને જે થઈ ગયું એ થઈ ગયું, અર્થાત્ રાત ગઈ બાત ગઈમાં માને છે, એટલે જ પાછલો ભૂલીને આગળ ચાલે છે, અને જે ઘણી વખત એના માટે તકલીફ ઊભી કરે છે.
આખી વાત થોડી કોમ્પલેક્ષ લાગશે, જે સ્વાભાવિક છે કેમ કે માનવીના મનોવલણને સમજવું એટલું ક્યાં સરળ છે!
પણ આપણે અનુરાધા અને અવધમાં કિસ્સાની વાત પર પાછા આવીએ તો, બંનેનું યોગ્ય રીતે અને યોગ્ય સમય સુધી રીલેશનશીપ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ થયું, જ્યાં જરૂર લાગી ત્યાં ફેમિલી સેશન્સ પણ થયા. અને અંતે આ વાર્તાનો અંત ‘ખાધું પીધું ને રાજ કર્યું’ એ રીતે થયો. પણ દરેકની વાર્તા આટલી સરળ નથી હોતી કેટલાંક કિસ્સાઓમાં વર્ષો સુધી એક પાત્ર રિબાઈ છે તો કેટલાકમાં હિસ્સામાં છૂટાછેડાનો દોર આવે છે, પણ થોડી સમજથી આપણો સંબંધ અને સમાજ મહેકી શકે છે જરૂર છે પ્રયત્નની.
છેલ્લો કોળિયો : સ્ત્રીઓ થોડી પ્રેકટિકલ અને પુરુષો થોડા ઇમોશનલ થઈ જશે તો સંબંધોની સમસ્યાઓ થોડી સરળ થઈ જશે, અને મને ખાતરી છે કે ઝગડાઓના જનાજાઓ આપણા ઘરોમાંથી નીકળતા બંધ થઈ જશે.
નોંધ : આપ સૌની માફી માંગુ છું કે છેલ્લા કેટલાક સમયથી સમયસર બ્લોગ નથી લખી રહી, કેમકે એક નવા દેશમાં પા પા પગલી કરતા શીખી રહી હતી, અને આપ સૌના આશીર્વાદથી અહીં સલાહ મનોવૈજ્ઞાનિક તરીકેનું લાઇસન્સ મેળવી લીધું છે અને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ પણ શરૂ કરી દીધું છે. મારા વાચકોની શુભકામનાઓ હંમેશા મને ફળી છે એ માટે હ્રદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હવે પ્રયત્ન કરીશ કે દર અઠવાડિયે આપ સૌની સાથે શબ્દોનો સ્પર્શ બરકરાર રહે.
અગસ્ત નામનો એક યુવાન હતો, ઘરમાં મમ્મી – પપ્પા અને એક વૃધ્ધ દાદા હતા. દાદા બહુ ચપળ અને બુદ્ધિશાળી હતા. અને પાછા કોઈના જીવનમાં ચંચુપાત કરવી એમને ગમતી પણ નહિ. એ તો મસ્તમૌલા પોતાના કામથી કામ રાખવાનું અને મસ્ત મજા કરવાની જરૂર જેટલું ભોજન કરી મોટા ભાગનો સમય એ વાંચનમાં પસાર કરતાં, દરરોજ સાંજે મિત્રો સાથે કુદરતના ખોળે બેસી જીવનને માણતા. ઘરમાં બધું સમુસુધરૂ ચાલતું હતું. કોઈ જાતની કંઈ મગજમારી નહોતી, ફેમિલી બિઝનેસ પણ સારો ચાલતો હતો. પણ દાદાને મનોમન અગસ્તની ચિંતા થયા રાખતી, કેમ કે પૌત્રને આમ ભણવાનુ અધવચ્ચે છોડીને સીધી ગાદી મળી ગયેલી એટલે જીવનમાં કોઈ જાતની સ્ટ્રગલ જોઈ કે જાણી ન્હોતી, એટલે જ એ ધીરે ધીરે કરીને પોતાના કમ્ફર્ટ ઝોનમાં ગોઠવાતો જાય છે. દાદાજીએ પોતાની ચિંતા દિકરા સાથે શેર કરી અને બીજા અઠવાડિયે જ કંઇક એવું બન્યું કે અગસ્ત માથે આભ ફાટ્યું. અગસ્તના પિતાને પેરાલીસનો હુમલો આવ્યો તકલીફ એટલી હતી કે હલનચલન તો દૂર પણ વાતચીત કરવી પણ મુશ્કેલ હતી. પિતાજી હોસ્પિટલમાં હતા એટલે ધંધાનું સંપૂર્ણ કારભાર એના માથે હતો. ખરીદી, વેચાણ અને માર્કેટિંગ આ બધું જે કોઈ વાર એણે કર્યું જ ન્હોતું તે તેની માથે આવ્યું. શરૂ શરૂમાં બહુ મૂંઝવણ થઈ, કેટલાક ખોટા નિર્ણયો લીધા અને પછી થાકી હારીને એક દિવસ ધંધો બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે દાદાજી એ તેને પાસે બેસાડીને એક વાર્તા કહી.
“એક ગુરુ અને એક શિષ્ય હતા, એકવાર તે એક ગામથી બીજા ગામમાં જવા નીકળ્યા પણ સાંજ પડી ગઈ હતી અને ખૂબ થાક્યા હતા એટલે કોઈ વિસામો શોધતા હતા. ત્યાં જ એમને એક ઝૂંપડી દેખાણી અને ત્યાં આસપાસ નજર કરી તો એક ગરીબ માણસ દેખાયો, ગુરુ – શિષ્યએ વિસામો માંગ્યો અને ત્યાં થોડીવાર આરામ કર્યો. આરામ કર્યા પછી નીકળવાની તૈયારી કરતા હતા, ત્યારે એ ગરીબ માણસ પોતાની હેસિયત મુજબ સીધુ અને ભાતું લઈને આવ્યો, ગુરુજી ખૂબ પ્રભાવિત થયા. થોડીવાર બેઠા અને વાતચીત કરી ત્યારે એમની નજર બાજુમાં એક ખેતર પર પડી, એમણે પૂછ્યું કે આ આટલું વિશાળ ખેતર કોનું છે ? પેલા ગરીબ વ્યક્તિએ કહ્યું કે મારું છે, પણ હું ખેતર ખેડતો નથી, એક ભેંસ છે એના સહારે મારું ગુજરાન ચાલ્યા રાખે છે. ગુરુજીને અચંબો થયો. પણ કંઈ બોલ્યા નહિ. ગરીબીની વિનંતી પર રાત ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું, પણ અડધી રાત્રે ગુરુ અને શિષ્ય નીકળી ગયા અને પોતાની સાથે ભેંસ પણ લેતા ગયા. શિષ્ય આખા રસ્તે ગુરુજીને પૂછતો રહ્યો કે, “આ તો કેટલું ખોટું કહેવાય, એ બિચારા ગરીબ માણસે આપણને મદદ કરી અને આપણે એની એકમાત્ર રોજીને આમ ચોરીને આવી ગયા.” ગુરુ કંઈ બોલ્યા નહિ, સમય પસાર થઈ ગયો અને એ વાતને ત્રણ વર્ષ વિતી ગયા, ગુરુજીએ એ ભેંસની માવજત ખૂબ કરી હતી. અને એક દિવસ શિષ્યએ લઈને ફરી એ ગામમાં ગયા, આ વખતે ભેંસને પરત કરવા અને એ ગરીબને મળવા જઈ રહ્યા હતા. ગરીબના ઘરે પહોંચ્યા તો જોયું કે ઝૂંપડીની જગ્યાએ હવે પાક્કું મકાન બની ગયું હતું અને વેરાન પડેલું ખેતર પાકથી લહેરાતું હતું. ગુરુ તે ગરીબને મળ્યા અને ભેંસ પરત કરી ત્યારે, ગરીબ સજળ આંખે કહ્યું કે, માયબાપ, આ જે પણ છે તમારા કારણે છે તમે જો મારી પાસે ભેંસ લીધી ન હોત તો હું આજીવન ગરીબીમાં જ જીવત, હું લાચાર અને પાંગળો બન્યું ત્યારે જ મને મારામાં રહેલી શક્તિ સમજાય.”
દાદાજીની વાર્તા અગસ્તને ગળે ઉતરી અને એ પણ ધીરે ધીરે એનામાં રહેલી શક્તિને ઓળખી ગયો અને જરૂર જણાય ત્યાં દાદાજીની સલાહ અને પપ્પાનું માર્ગદર્શન લીધું પણ ગોઠવાય ગયો. અગસ્તએ ધંધો ખાલી સંભાળ્યો જ નહિ પણ એને આગળ પણ વધાર્યો અને હવે અગસ્તના પિતા તેમની બીમારીમાંથી અને અગસ્ત તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે.
દાદાજી હવે ખૂબ ખુશ હતા અને એક સાંજે ફળિયામાં બેઠાં બેઠાં રામધારી સિંહ દિનકરની કવિતા વાંચતા હતા,
सच है, विपत्ति जब आती है, कायर को ही दहलाती है, सूरमा नहीं विचलित होते, क्षण एक नहीं धीरज खोते, विघ्नों को गले लगाते हैं, काँटों में राह बनाते हैं।
गुण बड़े एक से एक प्रखर, हैं छिपे मानवों के भीतर, मेंहदी में जैसे लाली हो, वर्तिका-बीच उजियाली हो। बत्ती जो नहीं जलाता है रोशनी नहीं वह पाता है।
बढ़कर विपत्तियों पर छा जा, मेरे किशोर! मेरे ताजा! जीवन का रस छन जाने दे, तन को पत्थर बन जाने दे। तू स्वयं तेज भयकारी है, क्या कर सकती चिनगारी है?
છેલ્લો કોળિયો: આપદાને અવસર સમજીને ઉજવાતા થઈ જઈશું, અને તકલીફને તક સમજીને સળગતા અને પ્રગટતા થઈ જઈશું ત્યારે ત્યારે આપણે સફળ થઈ જઈશું
વ્યક્તિ પાસે બે જગત હોઈ છે એક વાસ્તવિક અને બીજું કાલ્પનિક.આ બન્ને વચ્ચે જ્યારે વિખવાદ સર્જાય ત્યારે સમસ્યાનો જન્મ થાય છે.
અને ધીરે ધીરે તે રોગ બની મનોરોગ બનીને બહાર આવે છે.વિશ્વભરમાં સૌથી વ્યાપક અને ગંભીર પ્રકારની મનોવિકૃતી એટલે છિન્ન મનોવિકૃતી.( Schizophrenia)
વર્તમાન સમયમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. અભ્યાસો સૂચવે છે કે 24 લાખથી વધુ દર્દીઓ માત્ર યુ.એસ.એ.માં છે.
આ રોગનો ઇતિહાસ જોઈએ તો 1860માં બેલ્જિયનમાં મનોચિકિત્સક મોરલને સૌ પ્રથમ આ રોગના લક્ષણો તેર વર્ષના બાળકમાં દેખાયા. તે બાળક ઘણો પ્રતિભાશાળી હતો વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતો પરંતુ એકાદ વર્ષમાં તેનામાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો, તેનો અભ્યાસમાંથી રસ ઊઠી ગયો..વધુ ને વધુ ઉદાસીન રહેવા લાગ્યો.. હરવું ફરવું બોલવું સદંતર ઓછું કરી દીધું..યાદશક્તિ બિલકુલ ચાલી ગઇ..પોતાના નજીકના સ્નેહીજનને મારી નાખવાની વાતો કર્યાં રાખે.
આ બધા લક્ષણોને અસામાજિક મનોહાર્શ તરીકે ઓળખાવ્યો..ધીરે ધીરે બીજા કેટલાક મનોચિકિત્સકોના અભ્યાસોમાં પણ આવા લક્ષણોનો ઉલ્લેખ જોવા મળ્યો અને જાણવાં મળ્યું કે આ રોગ માત્ર કિશોરાવસ્થામાં જ નહિ પુખ્ત વયમાં પણ જોવા મળે છે..DSM-4 નોંધે છે કે છિન્ન મનોવિકૃતીના ઉપચાર માટે આવતા 40% પુરુષો અને 23% મહિલાઓમાં 19 વર્ષની ઉંમર પહેલા આ રોગ શરૂ થયેલો હતો.
આ રોગ દરમિયાન ઉત્પન્ન થતા અવરોધોના કારણ અહમની મનોજન્ય નબળાઈ અથવા રસાયણજન્ય, કોષતંતુજન્ય,જનીનજન્ય કે મનોજન્ય અથવા સંયોજન રૂપે હોઈ શકે..લાંબા સમય સુધી ‘અહમ્’ ના મૂળભૂત કાર્યોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું જ હોતું નથી અથવા બહુ જ ખરાબ રીતે પ્રાપ્ત કર્યું હોય છે તે વાસ્તવિકતા સાથે પૂરતો સંપર્ક જાળવી શકાતો નથી.તેથી વિચારણા ઈચ્છાપૂર્તિ રૂપ ત રંગો કે જે બાલ્યાવસ્થાને યોગ્ય ગણાય એ કક્ષાએ સ્થગિત થઈ ગઈ હોય છે.તે પોતાના વિચારો અને પ્રત્યક્ષીકરણને અર્થપૂર્ણ રીતે વ્યકત કરી શકતો નથી.તેના અહમના બચાવની વ્યવસ્થા એટલી નબળી બની ગઈ હોય છે કે તે પોતાના વિશેના ઉપયોગી ખ્યાલને ટકાવી શકતો નથી.
24 મે schizophrenia Awareness Day તરીકે ઉજવાય છે.
આજના સમયમાં માણસ મગજ અને બુદ્ધિનો ઉપયોગ કરીને ઉત્તમ અને અતિઉત્તમ બનવા લાગ્યો છે, પણ ક્યાંક એનું માનસ ખંડિત થઈ રહ્યું છે જેની એને જાણ હોય છતાં ઉપચાર કરવા માટે કોઈ જ કાર્ય કરતો નથી.આ તો કેવી વાત છે કે આપણા શરીરના કોઈ અંગમાંથી સતત લોહી નીકળે છે પણ આપણે એનો ઈલાજ કરવાને બદલે એવું વિચારીએ છીએ કે..
” હાય હાય લોકો શું કહેશે…”
” મારે કોઈ તબીબની જરૂર નથી..”
“હું તો કંઈ ગાંડો છું ?”
અને આવા અસંખ્ય વાક્યો આપણી પાસે હાજરાહજૂર હોય છે જ્યારે વાત માનસિક સ્વાસ્થ્યની આવે છે..અઢળક શિખામણોનો ઢગલો કરી શકીએ છીએ પણ કોઈ તજજ્ઞ પાસે સાચી સલાહ લેવા જતા નથી..આમાં ઓછપ અને આંતરિક ભીતિ જ અનુભવતા હોઈએ છીએ..!
આવા દિવસો માત્ર દર્દીઓ માટે નથી ઉજવાતા પણ એટલા માટે ઉજવાય છે કે..જે લોકો ધીમે ધીમે દર્દી બનવા માટે તૈયાર થઈ રહ્યા છે તેમના માનસમાં છપાયેલી ખોટી વ્યાખ્યાઓ દૂર થાય અને તેમના શરીરની કાળજી જે રીતે કરે છે તેટલી જ ચોકસાઈ તે તેના મન..મગજ.. માનસ..મનોદશા (mood) ની પણ રાખે.. આપણું ભાવિ પાગળું બનતા અટકે..આપણી આસપાસ શારીરિક-માનસિક-આધ્યત્મિક-આવેગિક રીતે સ્વસ્થ એવો સમાજ વિકસે..!
“સાહેબ, મારે ફરી પાછું ભૂતકાળમાં જવું છે મને ટાઇમ ટ્રાવેલ કરીને એ જ જૂની રૂઢિઓ અને માન્યતાઓમાં જીવવું છે.” ક્લીનીકની અંદર પગ મુકતાની સાથે જ મુગ્ધા આ બે વાક્યો બોલી. આરામથી ખુરશી પર બેસાડીને શાંત કર્યા પછી એની સાથે વાતચીત શરૂ કરી, “મેં પૂછ્યું કેમ ટાઇમ ટ્રાવેલ કરવું છે અને ભૂતકાળ તરફ પાછું કેમ વળવું છે ?” જવાબ આપતા મુગ્ધા બોલી, “સર, તમે જાણો જ છો છેલ્લા એક મહિનાથી હું મારી આ અકારણ ચિંતા (Anxiety) માટે તમારી પાસે કાઉન્સિલિંગના સીટિંગ માટે આવુ છું, પણ એક વાત મેં હજુ સુધી તમને નથી જણાવી કે મારી ચિંતાનું મુખ્ય કારણ હું ખુદ છું. મારી વધુ પડતી મહત્વાકાંક્ષાઓ જ મને રડાવે છે. હું થાકી ગઈ છું, એક યોગ્ય પત્ની, સમજુ વહુ, આદર્શ માતા અને સ્વાવલંબી (Independent) સ્ત્રી બનીને. એટલે મારે હવે ફક્ત હાઉસ વાઈફ બની જવું છે, ખાલી ઘરે બેસીને ઘરનું કામ કરવું છું, બસ. તમને ખબર છે મારું જોબ પ્લેસ દૂર છે એટલે લગભગ 2 કલાક મારા ટ્રાવેલિંગમાં જાય છે. ઓફિસના 8 કલાક અને પછી ઘરના અપાર કામ, રાત્રે સૂતા પહેલા બીજા દિવસની પૂરી ગોઠવણી કરીને સુવા જાઉં છું તેમ છતાં જો ઘરનું એક મેમ્બર મોડું જાગે એટલે મારા આખા દિવસનું ટાઇમ ટેબલ હલી જાય. મારે નોકરી શરૂઆતમાં કરવી હતી પણ હવે છોડવી છે પણ ઘરના લોકો છોડવા દેતા નથી, સારી આવક ઘરમાં આવતી હોય તો કોને ના ગમે ! પણ સામે હું ઘૂંટાવ છું એ કોઈ નથી જોતું!” આંખમાંથી આંસુઓ અચાનક એમ સરી પડ્યા જેમ હોળીના દિવસે વરસાદ. એક લાંબો પોઝ લઈને મુગ્ધાએ ફરી બોલવાનું શરૂ કર્યું. “છેલ્લા પંદર વર્ષથી હું નોકરી કરું છું અને ઘર પણ સંભાળું છું, પણ મારા ઘરની અંદર મારી મનોસ્થિતિને સમજનાર કે સાંભળનાર કોઈ નથી. લગ્ન પહેલા ઘરમાં એક – બે નોકર હતા, એ મારા આવવાની સાથે છોડાવી દેવાયા, મારા પતિ મને ઘરનું એક પણ કામ કરાવે કે તરત મારા સાસુ સસરા એને ‘બાયુના કામ’ કંઈ કરાતા હશે એવું બોલે, એટલે હવે મારા પતિ કામને હાથ પણ અડાડતા નથી. મારો છોકરો પણ એના પપ્પાના નકશા કદમ પર ચાલે છે. ઘરની અંદર કામવાળી અને ઘરવાળી હું જ છું અને બહાર જઈને કમાવવાળી પણ હું જ છું. મારા પતિની જોબ કોરોનામાં છૂટી ગઈ છે. થોડા સમય માટે પ્રયાસો કર્યા પણ હવે તે નવી જોબ માટે પ્રયાસો પણ કરતા નથી. કેમ કે મારી સરકારી નોકરીમાંથી ઘર ખર્ચ આરામથી નીકળી જાય છે. હું એટલે ભૂતકાળમાં જવા માંગું છું, કેમ કે મારે ફરી એ લાજ લપ્રથાવાળું જીવન જીવવું છે. ભલે મને બહાર જઈને કામ કરવાની છૂટ ન મળે, મને ચાલશે. હું મર્યાદામાં જીવી લઈશ. હું ઘરે રહીને મારા સંતાનોને મોટા કરી લઈશ પણ આ મારી જાતને સાબિત કરવામાં અને પુરુષ સમોવડી થવામાં મારી જાતને રોજ સળગતી નથી જોઈ શકતી.” મારી કલીનીકમાં આ વાક્ય પછી ફકત આંસુઓના ડૂસકાં જ સંભળાતા હતા.
સ્ત્રીઓ આવી અને સ્ત્રીઓ તેવી છે, આપણે એ સમાજમાં જીવીએ છીએ કે જ્યાં સ્ત્રી માતા છે એવું પણ અસંખ્ય માત્રામાં સંભળાય છે અને એ જ સ્ત્રી પર અસંખ્ય અભદ્ર શબ્દ પ્રયોગ પણ થાય છે, ઝઘડો ભલે બે પુરુષ વચ્ચે ચાલતો હોય પણ એમાં ગુસ્સો પ્રદર્શિત કરવા બોલાતી ભાષા સ્ત્રીઓને અને એના અંગત અવયવોને અનુલક્ષીને જ હોય છે. એના સિવાયની વાત કરીએ તો છેલ્લા પાંચ દાયકામાં સ્ત્રીઓની ભૂમિકામાં પરિવર્તન આવ્યું છે, સ્ત્રીઓના જીવનમાં ધરખમ ફેરફાર આવ્યા છે. એક ઝુંબેશ ચાલે છે સ્ત્રીઓ માટે પણ શું આપણે જાણીએ છીએ કે આ ઝુંબેશની જરૂરિયાત કેટલી છે ? સમાજની અંદર ભણેલી સ્ત્રીઓ, કામ કરતી સ્ત્રીઓ, પોતાનો બિઝનેસ ચલાવતી સ્ત્રીઓનો એક અલગ મોભો છે પણ એ સ્ત્રીઓના જીવનના અંગત અરીસામાં પડેલી તિરાડો જોઈએ છીએ ? આપણો સમાજ બદલાયો છે પણ પેલી *(કંડીશન અપ્લાઈ) સાથે. આપણે છૂટ આપી છે પણ સ્ત્રીના એક પગમાં ઘરની જવાબદારીની સાંકળ બાંધીને. અહીં સ્ત્રીઓને ઘરની જવાબદારીઓમાંથી મુક્તિ અપાવવાની વાત નથી પણ એક પ્રાથમિક સમજ વિકસાવવાની વાત છે. સરળ સમજ એટલી જ છે કે જો કોઈ મનુષ્ય માટે કોઈ પણ કામ નાનું નથી ! તો શા માટે આપણે સ્ત્રીઓ અને પુરુષોના કામના ભાગલા પાડીને શા માટે આજે અતિઆધુનિક યુગમાં પણ જીવીએ છીએ ? પુરુષ જેટલી મજૂરી કરીને કે પોતાની આવડત દેખાડીને સ્ત્રીને પૈસા કમાવવામાં શરમ કે સંકોચ નથી થતો તો શા માટે પુરુષને ઘરના કામ કરવા માટે આટલો શોભ અને સંકોચ થાય છે ? ઘરના દસ્તાવેજ પર નામ નોંધવા માટે જેમ હકની વાતો આવી જાય છે તો ઘરની અંદરના દરરોજના કામ માટે શું કામ આપણે આપણી ફરજો ભૂલી જઈએ છીએ? ઘર બંનેનું છે એટલે એની માવજત પણ બંને મળીને જ કરવી પડે જો એક જણ આમને આમ પોતાની શક્તિ ખર્ચે રાખશે તો એક દિવસ એ કરમાઈ જશે.
દરેક સ્ત્રીની સ્થિતિ આવી છે એવું હું નથી કહેતી પણ ઘણી બધી સ્ત્રીઓ આમાંથી બાકાત નથી. સ્ત્રીઓને અડધી કલાક ચાલવા જવું હોય કે પછી થોડી વાર પોતાનો અંગત સમય કાઢવો હોય તો તેને મળતો નથી, અને અમુક સમય પછી એના શોખ એના રસોડાની વરાળમાં બાષ્પીભવન પામી જાય છે, એનું વધતું શરીર જોઈને આપણે એના પર હસી લઈએ છીએ કે ટીકા ટિપ્પણી કરી લઈએ છીએ પણ એના પર વધી રહેલા કામના ભારની કાળજી કરવાનુ ચૂકી જઈએ છીએ. સ્ત્રીઓનું જીવન રસોડા અને ઓફિસ વચ્ચે ફૂટબોલની માફક ફંટાતું રહે છે અને આપણે એની પાસે બેસીને એની સાથે સંવાદ કરવાનું ટાળીને એક – બે ગમતી ભેટની લાલચ આપી દઈએ છીએ. કેટલાય ઘરોમાં મેં આવા સંવાદો સાંભળ્યા છે કે, ” આના પપ્પા જાતે પાણીનો ગ્લાસ પણ ન લે.”, ” આમને ગરમ રોટલી ના મળે એટલે પત્યું, બહુ વડકા ભરે.”, “મારી ઈચ્છા તો છે પણ આના પપ્પા નહિ માને.” ત્યારે લૈંગિક સમાનતા સામે ખરેખર પ્રશ્ન થાય. પુરુષને સ્ત્રી જેવું બનીને કામ કરવાનું તાત્પર્ય નથી, પણ સ્ત્રીને સ્ત્રી રહેવા દઈએ એને રોબોટ કે મશીન બનતા અટકાવી શકીએ તો સાચું વુમન એપારવમેન્ટ થયું ગણાશે અને ખરેખર આ આઠમી માર્ચની ઉજવણી સાર્થક થશે.
અહીં મુગ્ધા કેસમાં ફેમિલી કાઉન્સેલિંગ સેશન્સ લેવાયા, ધીરે ધીરે મુગ્ધા ઠીક થઈ રહી છે. અને હવે એનો ટાઇમ ટ્રાવેલનો વિચાર બદલીને લાઇફ પાર્ટનર સાથે વેકેશનમાં ટ્રાવેલ કરવાની યોજનાઓ બનાવી રહી છે. મુગ્ધા અને તેમના પતિ હવે ઘર અને નોકરી બની સમાન રીતે સંભાળે છે.
#છેલ્લો કોળિયો: સ્ત્રીને પુરુષ સમોવડી કે પુરુષને સ્ત્રી જેવું વર્તવાનું નથી પણ એક માણસ તરીકે માણસ જેવું વર્તવાની જરૂર છે. આર્થિક અને સમાજિક જીવનમાં તાલમેલ ન હોય તો આવેગિક જીવન ખોરવાય જાય છે પછી કાં તો સંબંધ માંદો પડે છે કાં તો માણસ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી એકાદ મહિલાના મનને સમજીને કરીએ, એના ફિગરને થોડી સાઈડમાં મૂકીને એનામાં રહેલી જીગર અને લાગણીઓની ઉજવણી કરીએ. એને એક વ્યક્તિ તરીકેના દ્રષ્ટિકોણથી જોઈએ.