behavioral patterns · Canada · child development and care center · children · codependent · dependency · husbandwife · Uncategorised

Marriage is not a gender competition.

મેરી કોમ એક પ્રસિધ્ધ બોકસર અને ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવેલા અને ખાસ કરીને તેમના “આપ કી અદાલત” ના ઇંટરવ્યૂ પછી જુદા જુદા લોકો પોતાની સૂઝ સમજ મુજબ આખી ઘટનાને નિહાળી અને સોશિયલ મીડિયા પર ચગાવી. આ વાત પર આપણે વધુ કઈં ચર્ચા કરીએ તે પહેલા થોડો સંદર્ભ આપ સૌ વાચક મિત્રોને આપી દઉં.

મેરી કોમ અને કે. ઑનલર કોમના લગ્ન 2005માં થયેલ, તેમને ચાર સંતાનો છે. અને 2023માં તેઓ ડિવોર્સ લઈને છૂટા થયા, આ આખી ઘટના પછી વર્ષ 2026 જાન્યુઆરી મહિનામાં મેરી કોમએ તેમના ઇંટરવ્યૂ દરમ્યાન જણાવ્યું કે, “Who is this man sits and lives on woman’s earnings?” અને વધુમાં જણાવાયું કે તેમના ભૂતપૂર્વ પતિએ તેમની સાથે નાણાંકીય ફોર્ડ અને ચીટિંગ કર્યું છે, તેનું ક્યારેય કોઈ કરિયર હતું જ નહીં, આખી વાત ખૂબ ચર્ચામાં આવી અને ત્યારબાદ તેના પ્રતિઉતર રૂપે, કે. ઑનલરએ જાણવાયું કે, મેરી કોમના આ બધા જ આરોપો ખોટા છે, વાસ્તવિકતામાં મેરી કોમના લગ્ન બહારના અનૈતિક સબંધોના (Extra Marital Affair) કારણે અમે છૂટા પડયા હતા.

આ ઉપરાંત ક્રિકેટરો, એક્ટર્સ અને નામચીન લોકોના છૂટાછેડાના સમાચારો અવારનવાર આપણે કાને પડે છે, ખાલી સિલિબ્રિટસ નહીં પણ આપણી આસપાસના ઘરોમાં પણ છૂટાછેડા એટલા જ સહજ થઈ રહ્યા છે આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં વર્ષ 2024માં 62,146 જેટલા મરાઈટલ ડિસપયુટને લઈને કોર્ટ કેસો નોંધ્યા જે 2023 કોર્ટ કેસોમાં 27,194 હતા. આ આંકડાઓનો પ્રવાહ અને યુવાનોનો ટકાઉં લગ્નજીવન પરનો વિશ્વાસ બે અલગ દિશામાં વધી રહયો છે . બે વ્યક્તિઓના છૂટા પડવાની ઘટનામાં ઘણી વખત માત્ર એક-બે કારણો બહાર આવતા હોય છે પણ મોટાભાગના કેસોમાં ડિવોર્સ એ ઘણા સમયથી ચાલતા મૂંગા આવેગાત્મક યુદ્ધનો અંત હોય છે.

તો આજે આ મુદ્દા પર વાત કરીએ, લગ્નજીવનમાં જીવતા બે વ્યક્તિઓનું વર્તન, પ્રેમ અને તેમનો એકમેક પ્રત્યેનો સંબંધ સમય અનુસાર બદલાય છે અને જો એક જૂની માનસિકતા લઈને લગ્નજીવન કે પ્રેમજીવનનો આરંભ કરીશું તો બહુ લાંબુ નહીં જ ટકે, કાં જેવુ તમે ધાર્યું હશે તેવું નહીં ચાલે.

1. લગ્ન એટલે એકમેકની ભાગીદારી, આ કોઈની સત્તાનું પિરામિડ નથી.

લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો કાયમી કરાર છે, આમાં કોઈ મોટું કે નાનું નથી. બંને પક્ષ પોતપોતાની જગ્યા પર સમાનતા અને વિભિન્નતા સાથે જોડાય છે. લગ્નની વિધિઓ પણ એ જ કહે છે અને આપણા રિવાજો પણ. ભારતીય લગ્નોમાં મોટાભાગે પુરુષોનું સ્થાન ઊંચું રહ્યું છે, પુરુષએ લીધેલ નિર્ણય જ ફાઇનલ માનવામાં આવે, અને કેટલાક બધા ઘરો તો એવા છે જ્યાં આવા વ્યવહારીક કે ધંધાકીય નિર્ણયોમાં સ્ત્રીઓની હાજરી નિર્જીવ ફર્નિચર જેવી હોય છે. અને ઘણી જગ્યાઓ પર જ્યારે જાગૃત સ્ત્રીઓ ચર્ચમાં ઉતરે છે ત્યારે તેઓનું મોં બંધ કરી દેવામાં આવે છે કાં તો વડીલો દ્વારા મેણાં ટોણાં મારીને, કાં તો પછી સ્ત્રીના opinionને અવગણીને.

2. આર્થિક પારદર્શકતા એ અતિ આવશ્યક છે.

આધુનિક ભારતમાં જ્યાં બંને પતિ-પત્ની અર્થોઉપાર્જન કરે છે ત્યારે એ બહુ જરૃરી છે કે, આર્થિક પારદર્શીપણું રહે, આવક કેટલી આવે છે અને ક્યાં અને કઈં રીતે વપરાશે અને સેવિંગ્સ થશે. ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં સ્ત્રીઓ પોતાની કમાણી ભેગી કરીને રાખે અને ઘરની આર્થિક જવાબદારી માત્ર પુરુષના ખંભે લાદી દેવામાં આવે, અને ઘણી વખત આનાથી એકદમ વિરુદ્ધ પણ થતું હોય છે, ત્યારે રોમાન્સની રૂહ મરી પરવારે છે અને કાંતો કોઈ વ્યક્તિ જતું કરે છે કાંતો આખો સંબંધ પડી ભાંગે છે. ત્યારે ઘરમાં આવતી આવકની એક ચોક્કસ રૂપરેખા જો અગાઉથી દંપતિ મળીને નક્કી કરી રાખે તો સંબંધ વધુ મજબૂત બનાવી શકાય અને એક વ્યક્તિને આ ભારથી દબાતો અટકાવી શકાય.

3. સપોર્ટ એ જાતિગત નહીં પણ પરસ્પરની સમજણનું પાસું છે.

માત્ર સ્ત્રી હોવાથી તે ઘર સંભાળશે અને પુરુષ હોવાથી તે “Bread Earner” (કમાતી વ્યક્તિ) બની જશે આ વ્યાખ્યા સદીઓ જૂની થઈ ગઈ, આજે પતિ-પત્ની પોતાની પસંદગી અને અંગત સમજૂતીને આધારે નક્કી કરશે કે કોણ પદડાની આગળ આવીને ભૂમિકા ભજવશે અને કોણ પડદાની પાછળનો કારભાર ઉપાડશે, જેટલા યુગલોએ પરસ્પરની સમજણ સાથે આ નિર્ણયો લીધા હોય છે તેમનો પ્રેમ, ખુશી અને બેંકની આવક ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધે છે, બાકી આપણે બધા સાક્ષી જ છીએ કે છ-બાર મહિનાની વચ્ચે યુગલો લગ્ન મંડપથી ફેમિલી કોર્ટ સુધી પહોંચી જતાં હોય છે.

4. અંગત ઓળખ એ લગ્ન જીવનને ટકાવે છે.

2012માં આવેલી English Vinglish ફિલ્મઆનું ઉતમ ઉદાહરણ છે, જ્યારે વ્યક્તિ પતિ પત્નીના લેબલથી પર થઈને પોતાની ઓળખ ઊભી કરે છે ત્યારે માત્ર આત્મવિશ્વાસ નથી વધતો પરંતુ તેના સંબંધને એ નવી રાહ મળે છે. એ પુરુષ હોય કે સ્ત્રી, બંને માટે જરૂરી છે, પ્રેમમાં ઉગવું, અને જેટલું તે પોતાની જાતને ઉજવવાની ક્ષમતા ધરાવે છે તેટલું જ વધુ સારું સમાયોજન તેઓ લગ્નજીવનમાં કરી શકે છે.

5. સમસ્યા સહજ છે પણ તેનો ઉકેલ એકમેકના સમ્માન સાથે મેળવવો એટલું જ અગત્યનું છે.

જીવન છે ત્યાં સુધી કોઈને કોઈ મૂંઝવણ અને સમસ્યા રહેવાની જ છે, પણ તે કપરા સમયમાં તમે એક યુગલ તરીકે પરસ્પર કઈ રીતે વર્તો છો તે સાબિત કરે છે, કે લગ્નનો પાયો કેટલો ઊંડો છે. રોમાન્સથી લબલબતા સમયમાં અને યુવાનીના આવેશો સમી ગયા પછી અને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમના નગારાં વગાડીને અસલ જીવનમાં એકબીજાનું સમ્માન ના કરી શકતા હો તો સમજવું કે તમારો સંબંધ પણ “Dil Dhadkene Do” ફિલ્મના માનવ અને આયેશા જેવો ખોખલો જ છે.

6. સંબંધને કોઈ જાતિ નથી.

કોઈ જોબ એપ્લિકેશન કરતી વખતે તેમાં સ્પષ્ટ શબ્દોમાં તમારો રોલ અને જવાબદારી લખેલી હોય છે, લગ્નની કંકોત્રીઓમાં કે લગ્નની ચોરીની બહાર આવી કોઈ પણ પ્રકારની ડિસ્ક્રીપશન હોતી નથી. પતિ અને પત્ની મળીને પોતાના નિયમો નક્કી કરે છે જે તેમના માટે અને તેમની આવનારી સંતતિ માટે યોગ્ય પરિણમે, એટલે સંબંધ અને તેને લગતી ભૂમિકા જાતિગત નહીં પણ વ્યક્તિગત રીતે નક્કી થાય છે. આનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરના ડૉ. આઈ. કે. વીજળીવાળા અને તેમના પત્ની કૃતિકાબહેન છે. જ્યારે તેઓ માતા પિતા બન્યા ત્યારે બંનેએ પરસ્પરની સમજણથી નક્કી કર્યું કે, કૃતિકબહેન તેમના ટાઈમટેબલ અનુસાર 11 થી 6 શાળામાં વિધ્યાર્થીઓને ભણાવા જશે, તે સમયગાળામાં ડૉ. આઈ. કે. વીજળીવાળા પોતાની ક્લિનિક બંધ રાખીને એક પિતાની ભૂમિકા ભજવશે તે જ મુજબ ડોકટરની ગેરહાજરીમાં કૃતિકાબહેન પોતાની માતા હોવાની ભૂમિકા અદા કરશે.

7. પ્રેમ સંબંધને એક ચોક્કસ સમજણરૂપ બાઉન્ડ્રીની જરૂર છે, નહીં કે આંધળા વિશ્વાસની.

“પ્યાર મેં આદમી અંધા હો જાત હૈ!” આ કહેવત ઘણી વખત સાચી પડતાં જોઈ છે, અને પ્રેમમાં માત્ર માણસ આંધળો જ નહીં લાચાર અને પાંગળો પણ થઈ જતો હોય છે, લગ્ન પહેલા જે રીતે આપણે બધી પ્રારંભિક તૈયારીઓ આદરીએ છીએ, પ્રિ – વેડિંગ શુટથી લઈને હનીમૂન સ્વીટ સુધીની અને ઘણી વાર લિવ-ઇનમાં રહીને શારીરિક જરૂરતની કમ્પેનિયનશીપની ખાત્રીઓ પણ કરીએ છીએ ત્યારે આપણે આપણી માનસિક જરૂરત અને આંતરિક જાતનો સુમેળ ચકાસવો અતિ આવશ્યક છે.

છેલ્લો કોળિયો : રિસર્ચ અનુસાર 75% યુવાનનો માને છે, તેમના માટે લગ્ન જરૂરી નથી, યોગ્ય લગ્ન જરૂરી છે. મોટી ઉંમરે લગ્ન બહુ કોમન છે. આજના લગ્નોમાં જેમ નવતર ટ્રેન્ડ આવે છે તેમ લગ્નને ટકાવી રાખવા એક નવો ટ્રેન્ડ શરૂ કરવો જ રહ્યો જો આપણે ખરેખર એક મજબૂત અને ટકાઉં દાંપત્ય જીવન ઇચ્છતા હોઈએ. જેમાં સમ્માન પહેલા અને અહમ પછી રાખવામાં આવે, જ્યાં મનોસ્થિતિ અને પરિસ્થતિનું મહત્વ હોય નહીં કે રિવાજો અને રૂઢિઓને આંધળું અનુકરણ અને ખાસ તો જ્યાં પાર્ટનારશીપ હોય નહીં કે પાવરશીપ.

Happy Valentine’s Day

લી. ડૉ. હિરલ મહેશભાઇ જગડ

(Counseling therapist, PhD, RCT-C) hirb2624@gmail.com

છબી સૌજન્ય : Pinterest

behavioral patterns · Canada · husbandwife · India · life · society

ઉડાનની પાછળના ઉઝરડાં

એક 30-35 વચ્ચેની વય ધરાવતું આ યુગલ મનન અને માનુષી, ક્લિનિકના થેરાપી રૂમમાં ગોઠવાયાં, શરૂઆતી ફોર્માલિટી પૂર્ણ થઈ અને માનુષીની આંખોમાંથી પ્રવાહી વહેવાનું શરૂ થયું અને એ જ સાથે મનનનો ગુસ્સો કોઈ બંધુકની ગોળી છૂટી હોય એમ છૂટયો, “મેડમ, તમને ખબર નથી આના આ આંસુઓ અને અકારણ ડરના કારણે અમારું 10 વર્ષનું લગ્નજીવન અત્યારે હિચકોલા ખાઈ રહ્યું છે, એને મારી સાથે ફરવા નથી આવવું, કોઈ ફેમિલી સાથેની ટ્રીપ નથી કરવી, નથી પોતાની કોઈ મિત્રની સાથે કોઈ મુસાફરી કરવી? આ બધી વસ્તુઓને મેં આજ સુધી અવગણી પણ હવે તો હદ થઈ ગઈ!, મને મારી કંપની 3 વર્ષ માટે USA મોકલી રહી છે એ પણ પરિવારની સાથે, કેમ કે આ લાંબો પ્રોજેકેટ છે, અને સાથે પ્રમોશન પણ મળી રહ્યું છે, હું આ તકને કોઈ રીતે ના છોડી શકું કેમ કે આ મારા જીવનનો મોટો વળાંક બની શકે છે, પણ માનુષી! “

“પણ માનુષીનું શું ?” મેં આશ્ચર્ય સાથે પ્રશ્ન ઉમેર્યો. આ વખતે માનુષીએ મૌન તોડયુ, “મેડમ, એમ જ કે હું એમના કરિયરની આડે આવું છું, મારા કારણે એમની પ્રગતિ રૂંધાઈ છે, એટલે જ મારે એમને મુક્ત કરી દેવા છે, મારે ડિવોર્સ જોવે છે.” અને ફરી એકવાર આંસુઓની વર્ષા અનરાધાર વરસી પડી.

બે – ત્રણ સેશન્સ અને ક્લિનિકલ અસેસમેન્ટથી એ સાબિત થયું કે, માનુષીને  ‘હોડોફોબિયા’ (Hodophobia) (મુસાફરી કરવાનો અતાર્કિક ભય) છે, જે ઘણી બધી જગ્યાએ એમના જીવનમાં સમસ્યા બની રહી છે, આ નિદાન (Diagnosis) થી મનનને  પણ સમજાયું કે, માનુષી મુસાફરી ટાળતી નથી પણ એની માનસિક સ્થિતિ એને મુસાફરી કરવા નથી દેતી. આ પછીના એક સેશનમાં મનન એ  ફ્લેશ બેકમાં જઈને એક દાયકા પહેલાનો અનુભવ પણ શેર કર્યો, “ત્યારે માનુષીએ પહેલી વખત મનને મક્કમ કરીને ફ્લાઇટમાં મુસાફરી કરેલી, અમે હનીમૂન પર અંદોમાન નિકોબાર ગયેલા, એ સમયે માનુષી ઘણી મુંજાઈ ગયેલી, મને યાદ છે, ફ્લાઇટ ટેક-ઓફ થતાં જ એના હ્ર્દયના ધબકારા ખૂબ વધી ગયેલા અને થોડી મિનિટો  સુધી તેના શ્વાસ ઘણા ટૂંકા થઈ ગયેલા, અને પરસેવે રેબઝેબ થઈ ગઈ, હું ખૂબ ઘબરાય ગયેલો પણ મને થયું હતું કે આ કદાચ આટલી લાંબી પ્લેનની મુસાફરી, લગ્ન પછીનું નવું જીવન, થાક, ઉજાગરો આ બધાના કારણે હશે, પણ આ આખી ઘટનામાં મને ક્યારેય ખ્યાલ જ ન આવ્યો કે આવી કોઈ માનસિક બીમારી પણ હોય શકે?”

“It’s okay, Manan, આ બહુ સહજ છે, કે આ પ્રકારની માહિતી આપણને નથી હોતી, પણ હું ખુશ છું કે આટલા વર્ષો પછી તમે આ એ અનુભૂતિને ફરી તાજી કરી શક્યા, એ સમયે માનુષીને જે અનુભવ થયેલો એને સાયકોલીજિકલ ભાષામાં ‘પેનિક અટેક’ કહેવામાં આવે છે. એનો મતલબ માનુષી ઘણા વર્ષોથી આ હોડોફોબિયાથી પીડાઈ છે. માનુષીની ક્લિનિકલ સારવાર આગળ ચાલી જેમાં મુખ્યત્વે કોંગનેટિવ બિહેવિયરલ થેરેપી (CBT)થી તેની ચિકિત્સા કરવામાં આવી. અને ધીરે ધીરે માનુષી આ ડર પર વિજય મેળવતી ગઈ.

સારવાર દરમિયાન જાણવા મળ્યું કે માનુષી જ્યારે તેના 12thના વેકેશનમાં ટ્રેકિંગ માટે મનાલી ગયેલી ત્યારે બનેલા એક અનુભવથી એને આ ડર સાથે સંકલન/જોડાણ  (Association) થયુ હતુ, માનુષી એ ટ્રેકિંગ કેમ્પમાં ગઈ ત્યારે પહેલીવાર ફ્લાઇટમાં બેસેલી, અને ફ્લાઇટ ટેકઓફ થવાની જ હતી ત્યારે તેની 20 સેકેન્ડ પહેલા મેસેજ મળ્યો કે, તેના પપ્પાનું અકસ્માત થયું છે અને એમને હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે, માનુષી કોઈ પ્રતિક્રિયા કરે એ પહેલા જ પ્લેન ટેકઓફ થઈ ગયું અને સંપર્ક છૂટી ગયો, મનાલી લેન્ડ થયા ત્યારે સમાચાર મળ્યા કે તેના પપ્પાનું મૃત્યુ થયું છે, માનુષીને  માનસિક રીતે બહુ મોટો ઝટકો લાગેલો, પપ્પા નામની ઘરની છત ગુમાવ્યા પછી, થોડા મહિનાઓ પછી એના આવેગત્મક ઘાવને અવગણી તેના જીવનમાં આગળ વધી, અને પણ એમની ખોટ માનુષીને આંતરિક રીતે હમેશા લાગતી.

આ પછીની બીજી એક – બે ઘટનાઓથી માનુષીના મનનો ડર વધુ દ્રઢ થઈ ગયો, અને એ માનવા લાગી કે જો તે તેના પરિવારથી ખૂબ દૂર જશે અથવા તો કોઈ લાંબી મુસાફરી કરશે તો કઇંક ખરાબ થશે, બ્લેક & વ્હાઇટ થિંકિંગએ  (કોંગનેટિવ ડિસ્ટરોશન) તેના અજ્ઞાત ભયને  વધુ વેગ મળ્યો અને જ્યારે જ્યારે કોઈ અકસ્માત અને દુર્ઘટના થતી ત્યારે તેનો ડર વધુ પોશાતો જતો, જેમકે, Air-India પ્લેન ક્રેશની કરુણ ઘટના. આ અતાર્કિક ભય અચેતન મનમાં ઘર કરી ગયેલો અને જે વારંવાર માનુષી માટે મુશકેલી ઊભી કરતું, લગ્ન બાદ હનીમૂન માટે ફ્લાઇટની મુસાફરી માટે તૈયાર થયેલી માનુષી એ ખૂબ હિંમત બતાવેલી પણ એ અનુભવમાં પણ તેનો અતાર્કિક ભય એના પર હાવી થઈ ગયો અને ફરી એકવાર ભાંગી પડી.

વર્તમાન સમયમાં રેગ્યુલર થેરેપી સેશન્સ, માનુષીના પ્રયત્નો, સાઇકોલોજીકલ એક્ટિવિટીસ, મનન અને પરિવારના સભ્યોના સહકારથી માનુષી ધીરે ધીરે ઠીક થઈ રહી છે, એના મનમાંથી મૃત્યુ અને મુસાફરી વચ્ચેનું જે ખોટું જોડાણ હતું એને તોડીને એક નવી સમજ ઊભી કરવામાં આવી કે મૃત્યુ એ અનિવાર્ય સત્ય છે, સ્વજનના મોત અને મુસાફરીને કોઈ કાર્ય- કારણ સંબંધ નથી. માનુષી અને મનન હવે સ્વસ્થ દાંપત્ય જીવનમાં સુખી છે, ડિસેમ્બર મહિનાના અંતે USA જવા માટે નીકળી રહ્યા છે, આનંદની વાત એ છે કે માનુષીએ જાતે આ નિર્ણય લીધો છે, અને છેલ્લા થોડા મહિનાઓમાં મનન અને માનુષી 2 કલાક, 5 કલાક અને 7 કલાકની 8-10 ફ્લાઇટ્સમાં ભારતની અંદર મુસાફરી કરી ચૂક્યા છે. જેને અમે મનોવૈજ્ઞાનિક ભાષામાં ઇક્સપોસર થેરપી (Exposure Therapy) કહીએ છીએ, જે માનુષીના કેસમાં ખૂબ સરસ રીતે વર્ક કરી. માનુષીના અંતિમ સેશનમાં બંને યુગલને સહજ સ્મિત સાથે જોતાં અને ભવિષ્યની ગોઠવણી માંડતા જોઈને, મનોમન મને રાજેશ ‘મિસ્કીન’ પ્રસિદ્ધ કવિતા ‘સજનવા’ ની બે પંકિત યાદ આવી ગઈ, 

છેલ્લો કોળિયો : જીવન અને મરણ એ સનાતન સત્ય છે, આપણા ભાવ વિશ્વએ કરેલું અધૂરું કે ખોટું જોડાણ ક્યારેક આપણા મનમાં આજીવન ઉઝરડાના નિશાન છોડીને જાય છે, એવા માનસિક ઘાવની સારવાર અનિવાર્ય  છે અને કોઈ પણ ધારણા બાંધતા પહેલા એની નિષ્પક્ષ ભાવે એની ખરાઈ કરવી પણ ખૂબ આવશ્યક છે. 

– હિરલ મહેશભાઇ જગડ (Counseling Therapist, RCT-C, PhD, PGDCP (Contact: hirb2624@gmail.com)

Image source: Pinterest

behavioral patterns · Canada · Health solutions · India · life · lifestyle · observations · society

કુદરતનો તટસ્થ વ્યવહાર ✨

ઉમંગ નામનો એક છોકરો ગુજરાતના એક અંતરિયાળ ગામડામાં રહે છે, એના જીવનમાં ગરીબી છે, અને સુવિધાઓની અછત છે, પૂરતું માર્ગદર્શન તો છોડો પણ ઘરની બહાર માર્ગ પણ ઠીકઠાક છે પણ એ રોજ સવારથી સાંજ સુધી ખંતપૂર્વક ખેતી કરે છે.

આરવ નામનો એક યુવક બેંગ્લોરની એક મોટી કંપનીમાં સારા એવા હોદા પર કામ કરે છે, એની પાસે આવડત છે પણ ઓળખાણનો અભાવ છે, જીવનના ધકકાઓની સાથે એ રોજ બસ – ટ્રેનના ધકકાઓમાં સંપડાયેલો છે.

કેમર્બેલી નામની એક યુવતી કેનેડાના એક શહેરમાં રહે છે, એને ડોકટર બનવું છે પણ પૈસા અને શરીર સાથ નથી આપતું, નાની – મોટી નોકરીઓ કરીને પૈસા ભેગા કરે છે અને જીવનમાં આવતા પડાવોનો સામનો કરવા તૈયાર થાય છે.

બર્લિન નામનો યુવક બાંગ્લાદેશમાં રહે છે, એના જીવનમાં આવેલા એક અકસ્માતના કારણે એની હચમચી ગયેલી દુનિયાને માણ માણ કરીને સુ – વ્યવસ્થિત કરવાના પ્રયાસો કરે છે.

ફાતિમા નામની એક પાકિસ્તાની છોકરી જાત અને સમાજ સામે લડી રહી છે, પોતાના હકો અને અધિકારો માટે. હાઉસ વાઈફ તરીકે કામ કરતા કરતા એ પત્ની અને પુત્રવધુ બનવાની ઘટનામાં જે એની જાત ખોવાય ગઈ છે , તેને શોધી રહી છે.

મહેર નામક એક ટ્રાન્સ પ્રયાસ કરે છે કે લોકો એની લાગણીઓને સમજે, સમાજની રચાયેલી એક ચોક્કસ જગ્યાઓમાં ક્યાંક એના માટે પણ ખાલી જગ્યાઓ હોય જેને એ પૂરી શકે.

બ્રેન ન્યુજર્સીમાં રહે છે અને જન્મજાત મળેલી બીમારી સાથે એ દિવસ રાત લડે છે, અને શોધે છે કે કોઈ રીતે આ પીડામાંથી આઝાદ થાઉં અને એક સમાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવું.

સાઈન નામનો એક તરુણ માં – બાપની ઈચ્છાઓ નીચે દબાઈ ગયો છે, એનામાં રહેલું કૌશલ્ય હવે એના માટે ભારરૂપ છે કેમ કે, હવે એને મનથી વાયોલિન વગાડવું નથી ગમતું પરંતુ મા – બાપની ફરમાઈશ પૂરી કરવા પૂરતું જ આ વાદ્ય એ પકડે છે.

આ બધાના જીવનને જાણી ને શું કામ છે ? એવો જ વિચાર આવતો હશે ને! ઉમંગથી લઈને સાઈન સુધીના લોકોની જીવનની વાત એટલા માટે કરી કેમ કે વધુ એક વાર આપણે એ જાણી શકીએ કે જીવનમાં કુદરત બહુ તટસ્થ છે. એણે કોઈને વધુ પડતું કે ઓછું આપ્યું નથી કે આંક્યું પણ નથી, એવી જ રીતે દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ, સમસ્યા, પીડા, અને દર્દ છે જ.

જે રીતે મૃત્યુથી કોઈ ઘર બાકાત નથી એવી જ રીતે તકલીફો અને પીડાથી કોઈ બચી શકયું નથી. દરેકના જીવનમાં દર્દ છે જ , ફર્ક માત્ર એટલો છે કે કોઈ એની સાથે રહીને રોજ દુઃખને ગાયા કરે છે અને કોઈ એની સામે થઈને રોજ તૈયાર થાય છે અને એક દિવસ ધીરે ધીરે એ પીડા મટીને જાય છે અને તાકાત બની જાય છે.

આપણે ટેવાય ગયા છીએ 30 થી 90 સેકન્ડની સમયમર્યાદામાં (span) કોઈની સફળતા જોવા, રાતોરાત કરોડપતિ બનતા એક ગરીબ વ્યક્તિને, અંધકારમાં સંપડાયેલા યુવકને મળતી અચાનક લાઇમલાઈટ, કોઈ સ્ત્રીએ હાંસિલ કરેલી અદ્રિતીય ઊંચાઈ

પણ

પણ

પણ

આ 30- 90 સેકન્ડમાં માત્રને માત્ર જીત્યા પછીની આખરી તસ્વીરો જ આપણે જોઈએ છીએ, આગળના સંઘર્ષો અવગણી નાખીએ છીએ. બહુ જ સહજ ઉદાહરણ જોઈએ, જ્યારે આપણે એકડો ઘુટવાનું શીખ્યા ત્યારે આપણને ભલે કોઈ ડિગ્રી, સર્ટિફિકેટ કે નામના ન્હોતી મળી, પણ એ જ એકડાના અભ્યાસથી આગળ શિક્ષણ મેળવીને જેમ નામચીન થતા ગયા, એનાથી રોટલો અને ઓટલો પામતા ગયા ત્યારે એ ઘુટેલા એકડાનું મહત્વ સમજાય.

એ જ રીતે કોઈ તકલીફમાંથી બહાર નીકળવા માટે મહેનત અને સાહસના અંકોને સતત શ્રધ્ધાપૂર્વક ઘૂટવા જ પડશે અને અંતે આપણું અતિ ભવ્યથી ભવ્ય લક્ષ્ય પણ આપણે સાકાર કરી લીધું હશે.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · Canada · children · Health solutions · husbandwife · India · life · lifestyle · mental health · society

जी जायेंगे हम, भूल जायेंगे अगर 🍀🧠

“બહુ થયું, હવે બહુ થયું, કેટલીવાર આ એકની એક વાત સાંભળું? શું કરું હું તારી માફી પામવા માટે ? તું મને એકવાર કહી દે.”

ક્લિનિકના વેઇટિંગ એરિયામાંથી આ અવાજ સંભળાયો. હું ઊભી થઈને બહાર ગઈ તો જોયું કે એક વૃદ્ધ દંપતિ કાઉન્સેલિંગ માટે આવેલું હતું. બંનેને કલીનિકની ઓફિસમાં બેસાડ્યા અને પછી એમની સાથેનું સેશન શરૂ કર્યું. અત્યારે સુધી શાંત બેઠેલા ચારુબેન હવે ગાજવીજ સાથે પોતાની લાગણીઓનો વરસાદ કરવા લાગ્યા.

“ડોકટર, તમને શું કહું ! આ ઋતુના પપ્પા મને બહુ દુઃખ આપે છે. મેં એમનું ઘર ચલાવ્યું છે પણ ક્યારેય કોઈ માંગ કરી નથી. મેં હંમેશાં બચત કરીને છોકરાઓને મોટા કર્યા છે, એમને મારા પર હાથ ઉપાડ્યો છે અને ઘણી વખત મારી મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધવા મજબૂર પણ કરી છે. આ વાત હું એમને યાદ કરાવું છું, તો એમને ગમતું નથી. પણ જે કર્યું છે એ તો સાંભળવું જ પડે ને! તમે જ કહો હું ખોટી છું આમા?


ચારુબેનનો અવાજ બંધ થયો, એ જ ક્ષણે અતુલભાઈ રડમસ અવાજે બોલ્યા,

“મેડમ, હું માનું છું મારે આવું ન્હોતું કરવું જોઈતું, આ ભૂલ માટે મેં એની માફી પણ ઘણીવાર માંગી છે, પણ ડોકટર મારો ઉછેર એવા માહોલમાં થયો છે કે જ્યાં આ બધું મેં જોયું છે મને સહજ લાગતી આ વસ્તુઓ કેટલી ખોટી હતી! એ મને ઘણું મોડું સમજાણું પણ સાચું કહું છું, 20 વર્ષ પહેલાં થયેલી આ ભૂલ મને આજ સુધી તકલીફ આપે છે અને એના પછી ઘણો પસ્તાયો છું, અને માફી માટે કરગર્યો પણ છું, પણ ચારુંના મગજમાંથી આ વાત જતી જ નથી. અમારા ઘર વહુઓ છે દીકરીઓ એના સાસરે છે પણ ચારું, દરેક જગ્યાએ આ પોતાનું દુઃખ ગા – ગા કર્યા કરે છે, અને મને હલકો પાડે છે. મને એનો પણ વાંધો નથી પણ એના કારણે ચારુની પોતાની તબિયત બગડે છે. છેલ્લા બે વર્ષથી એને નાના – મોટા પેટ અને માથાના દુઃખાવા રહે છે. હજારો રૂપિયાની દવા પછી ફર્ક ના પડ્યો અંતે જનરલ ફિઝિશયને, તમને એટલે કે સાયકોલોજિસ્ટને મળવાનું કહ્યું છે. હવે તમે કહો આમા શું કરી શકાય. મારાથી બનતા દરેક પ્રયત્ન હું કરીશ. મારે ચારુને હસતી અને જીવન જીવતી જોવી છે આમ દુઃખને વાગોળતી નથી જોવી”

શિલાલેખ ઝાકળના ટીપાથી ધીમે – ધીમે ભીંજાય જાય એમ જ એક સખત કાળજાવાળો પુરુષ આંસુઓ વચ્ચે કણસતો હતો.

આપણે હંમેશા ફરિયાદ કરતા હોઈએ છીએ કે યાદ નથી રહેતું, પણ આપણી ભૂલવાની શક્તિને આપણે હંમેશા નજઅંદાજ કરી દઈએ છીએ. ટેકન ફોર ગારન્ટેડ ગણાતા આ વિસ્મરણનું કેટલો મહત્વનો રોલ છે આપણા જીવનમાં. મેમરી ક્યારેક દગો દઈ જાય તો ચાલે, પણ વિસ્મરણ જો દગો આપે તો જીવન જીવવું બહુ કઠિન થઈ જાય. એક વાર કલ્પના કરી જુઓ કે, દરેક દુઃખ આપણને યાદ રહેતું હોત તો ! તો શું થાત ? વર્ષો પહેલા ગુમાવેલા સ્વજનોને આજે પણ ભૂલી ન શક્યા હોત અને એ સમાચાર મળતા જ, જે રીતે ભાંગી પડ્યા હતા, અત્યારે એવા જ હોત. કોઈએ કહેલી વાત – વિવાદ સતત મનમાં રાખીને આપણે આપણા મનનો વજન અઘણિયાત સ્ત્રીઓની જેમ વધારી લીધો હોત. વીતેલી યાદો જો રોજ કોંસ્ટન્ટ પ્રમાણમાં પેલા શોશિયલ મીડિયામાં ચાલતા રિલ્સની જેમ સ્ક્રોલ થતી હોત તો ? કોઈએ કહેલા શબ્દો, કોઈનાથી દુભાયેલી લાગણીઓ, મમ્મીએ કે પપ્પાએ આપેલી વઢ કે મિત્રોએ કહેલા કડવા વેણ, જીવનમાં થયેલા ખરાબ અકસ્માતો અને અનુભવો જો ભૂલી જ ન શક્યા હોત તો ? ભૂલી જવું એટલે સારું છે કેમકે ભૂલી જઈશું તો આગળ વધી શકશું, રસીથી ખદબદતા પગમાંથી ડોકટર ખરાબ ભાગ કાઢીને નાખે છે કેમ કે શરીરના બીજા ભાગો સારી રીતે રહે, એવી જ રીતે આપણું મગજ ભૂલવાની શક્તિ ધરાવે છે જેનાથી આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ અને પ્રગતિ કરી શકીએ. અહીં વાતનો તાત્પર્ય એવો જરાય નથી કે મન ફાવે તેવું વર્તન કરવું અને પછી અપેક્ષા રાખવી કે સામેવાળી વ્યક્તિ ભૂલી જશે. પણ કેટલું જતું કરવું અને શું જતું કરવું એનું પ્રમાણ વ્યક્તિગત રીતે નક્કી કરવું જ જોઈએ.

આ કેસમાં ચારુબેન બે દાયકા પહેલા બનેલી યાદો આજે પણ રોજ તરોતાજા કરીને જીવે છે જેના કારણે જ એમના શરીરમાં નાની-મોટી ફરિયાદોનું આગમન થયું હતું. તેમની કેસ હિસ્ટ્રી લેવામાં આવી, CBT ઉપરાંત CST જેવી સાયકો થેરાપીથી ધીરે-ધીરે તેમની સારવાર કરવામાં આવી. તેમના હાલના રૂટિનમાં ફેરફારો થયા, પતિ-પત્ની વચ્ચે સંવાદોની ગોષ્ઠી થઈ. હવે ચારુબેન ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે.

છેલ્લો કોળિયો: કુદરતે યાદ રાખવાની ક્ષમતા આપી છે એટલે આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ એ સાચું, પણ એ જ ઉપરવાળા એ ભૂલવાની શક્તિ આપી છે એટલે જ આપણે વિકસી શકીએ છીએ, એ પણ યાદ રાખવા જેવું ખરું! 😊

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · Canada · India · life · lifestyle · moral values · observations · parenting · society · unemployment · youth

चलो इक कामयाब+इन्सान बनते है ।

ઘટના : 1.

ફેબ્રુઆરી 2022માં બનેલી આ ઘટના, મૂળ બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમનો સેકેન્ડ યરનો વિદ્યાર્થી છે, તેણે 51 સેકન્ડ માટે googleને હેક કર્યું. આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ પ્રોબ્લેમ રીકવર ન થઈ. થોડા સમય પછી હેક થવાનું કારણ મળ્યું કેમકે ઋતુરાજે એને પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપનીને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં રહેલી આ ક્ષતિને કારણે હું એને હેક કરી શક્યો. અધિકારીઓ એ બાબત પર ધ્યાન આપીને ચેક કર્યું ત્યારે એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને ઈ-મેઈલ દ્વારા ઋતુરાજની આવડત અને જીણવટને અભિનંદન પાઠવતા તેને Googleમાં કામ કરવાની ઓફર મળી અને 3.66 કરોડ પગાર સાથે નિમણૂક લેટર પણ મુકલવામાં આવ્યો, ઋતુરાજનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે ત્યાર કરવામાં આવ્યો અને જેટ વિમાનથી ઋતુરાજ અમેરિકા પહોંચ્યો.

https://www.dnaindia.com/viral/report-bihar-s-rituraj-chaudhary-finds-bug-in-google-company-takes-this-step-2932273/amp

ઘટના : 2

માર્ચ 2023માં ચોકવનાર ઘટના સામે આવી, જેમાં જલંધરની એક ઓવરસીસની સહાયથી સમયાંતરે 700 જેટલા વિદ્યાર્થીઓ બ્રિજેશ મિશ્રાની મદદથી પોતાના સપનાંઓને પાંખો લગાડીને પહોંચ્યા, આ પાંખો લગાડવાની કિંમત તેમણે માથાદીઠ 16, 00, 000 રૂપિયા ચૂકવી હતી. અલગ-અલગ પ્રોગ્રામમાં એડમિશન લઈને આ વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યા, ઘરથી અલગ એકલું રહેવાનું, માતા પિતા સાથે વરચ્યુલી કનેક્ટ રહેવાનું, નવા દેશમાં નવા પેહરવેશ સાથે ગોઠવાવવાનું, ખર્ચ ચલાવવા જાતભાતની નોકરી કરવાનું, આ બધું ચાલતું હતું. થોડા સમય ભણવાનુ પૂરું થયું અને વર્ક પરમિટ મેળવ્યું, પ્રોપર જોબ મળતાની સાથે, ચોક્કસ જવાબદારીઓ પણ આવી, ભવિષ્યની યોજનાઓ અને કેટલીક ગણતરીઓ શરુ કરી, વર્ક પરમિટનો સમયગાળો પૂર્ણ થયો અને PR (કાયમી રહેવાસી) મેળવવાની પ્રોસેસ શરૂ કરી થોડા સમય બાદ ઘરે લેટર આવે છે કે, “તમારે આ દેશ છોડીને તમારી હોમ કન્ટ્રીમાં પરત ચાલયા જવાનું છે.”

કેનેડા સરકારનો આ લેટર ભૂકંપની જેમ આવ્યો અને 700 વિદ્યાર્થીઓના સપનાંઓ, આશા અને અપેક્ષાઓ ને જમીનદોસ્ત કરીને જતો રહ્યો, આ 700 વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાનું છે એટલું જ નહિ પરંતુ ભવિષ્યમાં પણ ક્યારેય આ દેશમાં આવી શકશે નહિ એવી મહોર પણ લાગી ગઈ. એક એજન્ટના સ્વાર્થની સજા આટલા બધા લોકો ભોગવશે.

https://www.hindustantimes.com/cities/chandigarh-news/deportation-notices-to-700-students-licence-of-jalandhar-based-consultant-cancelled-101679415036910.html

શું કામ ?

શા માટે ?

પ્રથમ ઘટના વાંચતા વેત આપણી છાતી ગજગજ ફૂલે અને બીજી ઘટના વાંચીને આપણે શરમ અને ક્ષોભ અનુભવીએ. છેલ્લા બે વર્ષમાં બનેલ આ બે ઘટનાઓ છે, બંને ઘટનાઓ બે અંતિમો પર સવાર છે, એક ઘટનામાં એક વ્યક્તિની કુશળતા નજીકના ભવિષ્યમાં અનેક લોકો માટે નવી યોજનાઓ અને સિદ્ધિઓ ઊભી કરશે એની બાતમિતી આપે છે, જ્યારે બીજી ઘટનામાં એક વ્યક્તિના શાણપણ અને લાલચના કારણે 700 યુવાનો અને તેમના પરિવારજનો આર્થિક, માનસિક, અને સામાજિક હાલાકીનો સામનો કરશે એની દુર્ગંધ આવે છે.

દરેક વ્યક્તિને સમજવા જેવી કેટલીક બાબતો :

  1. દેશમાં રહીને કામ કરવું હોય કે વિદેશ જઈને વસવું હોય તમારા સપનાંઓની દોર કોઈ બીજાના હાથમાં ન આપો.
  2. જેક – છેડા – ઓળખાણથી આગળ વધતા પહેલા એક વાર તમારી આવડત અને કૌશલ્યો પર કામ જરૂર કરી લેવું.
  3. કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા એની ટર્મ્સ અને કંડીશનથી સંપૂર્ણ સ્વસ્થ રીતે માહિતગાર થવું.
  4. તમારા મૂલ્યો એ તમારું વ્યક્તિત્વ છે, મૂલ્યો સાથે કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ પણ કામને હા પાડવી નહિ.
  5. શોર્ટકટ શોધવામાં જિંદગીનો મેપ ગોથે ખાઈ જતો હોય છે, તો શોર્ટકર્ટ્સને ઇગનોર કરીને સચોટ રાહ પર ચાલતા શીખો.
  6. આપણી ખુશી અને સફળતા એ બીજાની પીડા કે આક્રંદનું કારણ બને તો એ સફળતા નિષ્ફળતા કરતા પણ બદતર છે.
  7. તમારો સમય અને પૈસા ક્યાં અને કેટલીક અયોગ્ય જગ્યાએ ખર્ચાય છે આની નોંધ રાખશો તો આપોઆપ નક્કી કરેલા મુકામ સુધી પહોંચી શકશો.
  8. જીવનની સફરમાં વાંચન અને વિચારની ટિકિટ લઈને બેસજો, કોઈ પણ સમયે ઉપરવાળો આવીને ટિકિટ ચેક કરશે અને ક્યાંક તમે સોશિયલ મીડિયાની રિલમાં ના ખોવાયેલા હો!
  9. અણઆવડતને શીખવાનું અને આવડતને વહેંચવાનું ચૂકશો નહિ.
  10. હકીકતનો સ્વીકાર કરીને ભવિષ્યની યોજના કરનાર વ્યક્તિ હંમેશા સફળતાની સીડી સર કરે જ છે.

આ સિવાય તમે કંઈ ઉમેરો કરવા માંગતા હો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો.

વિક્રમ સંવત ૨૦૮૦મું વર્ષ આપ સૌ માટે ફળદાયી અને લાભદાયી રહે તેવી પ્રાર્થના.

🕉️| शुभम् भवतु वर्षम|🕉️

  • હિરલ બ્રહ્મક્ષત્રિય