Uncategorised

આશાવાદી બા

કોરોના કાળમાં આશા અને આશાવાદ પર જ કદાચ હું અને તમે જીવી રહ્યા છીએ નહિ તો અન્ય અસંખ્ય જાણીતા અજાણ્યા લોકોની માફક આપણે કયાંંક છાપે તો કયાંક કોઈની સ્ટોરીમાં ઓમ શાંતિ સાથે ટિંગાયેલા હોત.. કોઈ એક ઉમ્મીદ કદાચ આપણેને રોજ જીવાડે છે,કાં પછી આપણી આસપાસ જેમ કાળાબજારી ચાલે છે તેમ યમપુરીમાં પણ આવી કોઈ ઘાલમેલ કરીને ઉપર પહોંચેલા આપણા સ્વજનોએ થોડા વધારે શ્વાસની વ્યવસ્થા આપણા માટે કરી હશે..નીચે શું ચાલે છે એ નથ સમજાતું ત્યાં ઉપર સાટું શું વલોપાત આદરવો..! ચલો ત્યારે મુદાની વાત પર આવીએ..

છેલ્લા થોડા દિવસો પહેલાની વાત… મારા પરિવારના ત્રણેક સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યો અને ઘરના બધા સભ્યો નેગેટીવ થઈ ગયા..એક ઘેઘુર સન્નાટો મનની અંદર છાવાયેલો પણ પછી સાલુ પ્રોફેશન યાદ આવી જાય કે આપણે ગામને મનદુરસ્ત રહેવાનું કહીએ ને આપણે આમ ઢીલા પડીએ કંંઈ ભેગુ ના થાય હો..બાપુ રોજ સવારે ઉકાળા સાથે થોડુ આવું જ્ઞાન પણ ચુલે ઉકાળી લેતી અને હેમખેમ બધુ ચાલે રાખ્યુ હોમ આઈસોલેશનથી ત્રણેય સભ્યોની તબિયત સુધારા પર હતી એમની સુધરેલી તબિયત મને હકારની ઉર્જા આપતી. પણ ડર તો અંદર પેઠેલો જ રહે એ ક્યાં જવાનો ?

દસ દિવસે બાનો ફરી રિપોર્ટ કરવાનો વારો આવ્યો આર.ટી.પી.સી.આર.માં લાંબુ વેઈટિંગ હતુ અને સી.ટી.સ્કેનના ક્ષ-કિરણોને બને ત્યાં સુધી ટાળવા હતા એટલે નક્કી કર્યુ કે લોહી પરિક્ષણથી સી.આર.પી. લેવલ જોઇ લઈએ ઇંફેક્શનનો વધારો ઘટાડો જાણી લઈએ..હોસ્પિટલ પહોંચ્યા, રાશનની દુકાનની જેમ લાઈન લાગી હતી ફર્ક એટલો હતો કે આ લાઇનમાં ભુખ નહિ પણ લોકોનું દુ:ખ ઉભુ હતુ. બિમારી એ લાચારીને ચુંધવાનો એક મોકો છોડયો ન્હોતો…રાહ જોવાની હતી, ખાલી પડેલા બાંકડાઓ પર આશ અને ડિશટન્સ બન્ને રાખીને બેઠા..કેસ નોંધાવ્યો અને રિપોર્ટ કરાવા માટેની વિધિ શરુ કરી થોડા સમયની રાહ પછી બાનું થોડુ લોહી લઈ લેબ ટેકનિશયન પરિક્ષણ માટે ગયો…આ દરમ્યાન હું અને બા થોડી ઘણી વાતોએ વળગ્યા..ઉંમરના ઘસારા એમના કાનને પણ લાગ્યા હતા..એમની સાથે વાત કરવા થોડુ ઊંચુ બોલવું પડતું..પણ એમની વાતો અને એમની આંખોને સાંભળવુ સતત ગમતુંં..

કેટલોય સમય વિતી ગયો ખબર જ ના પડી..લેબમાંથી બાનો રિપોર્ટ આવી ગયો..વોર્ડબોયના હાથમાંથી લઈ મેં રિપોર્ટ જોયો..જ્યારે તમે છેક ડુંગરે પહોંચવા આવ્યા હો અને તમને ઠેસ લાગતા તમે ગબડી પડો એવી રીતે સાજા સારા બાનો ગડમથલ વાળો રિપોર્ટ જોઈ હું ગબડી પડી..બાનું જે સી.આર.પી. દસ દિવસ પહેલા ૪૨ હતુ એ આજે ૩૯૮ થઇ ગયો હતો..મનમાં કેટલાય ઉંધાચતા વિચારો આવી ગયા એ ડર અને ડરમાં બે વાર મેં એમનુ ઓક્સિજન લેવલ પણ ચેક કરી લીધુ..બા અને એમનું ઓક્સિજન લેવલ તો લેવલમાં જ હતું..પણ મારી મનોસ્થિતિ વધેલા સી.આર.પી.ને જોઈને પડી ભાંગી હતી. ડોકટર રાઉન્ડમાંથી આવે પછી આગળ શું કરવાનું તેની ખબર પડે, પણ ત્યાં સુધી શું ? મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા અને એ પ્રશ્નનો જવાબ હાથવગા તબીબ નિષ્ણાંત પાસે શોધવાનો પ્રયત્ન કર્યો..એમને રિપોર્ટ ફોરર્વડ કર્યો ફોનમાં એમના સુચન અનુસાર બાને દાખલ કરવાની, તેમના માટેના ઓક્સિજન સિલિન્ડરની અને બીજી ઘણી બધી વ્યવસ્થા મનોમન કરી રાખી..આ આખી ઘટનામાં બા તો મસ્ત જ હતા..એમના ચહેરાની રેખાઓ પર લગીરે ચિંતા ન્હોતી એ તો શાંતિ બેસીને આસપાસના દર્દીઓની પિડાને અનુભવતા હતા અને એમના માટે પ્રાર્થના કરતા હતા..આ એમનો આશાવાદ હતો.ક્યારેક ઓછું સંભળાવુ અને ઓછું સમજાવુ બહુ લાભદાયી હોય છે.

મનમાં ચિંંતા અને ઘડિયાળના કાંટા બન્ને આગળ વધતા જતા હતા..રાઉન્ડમાંથી ડોક્ટર ઓ.પી.ડી.માં પ્રવેશ્યા એક પછી એક બધા દર્દીઓનો ક્રમ શરુ કરીને એમણે એમનું કર્મ શરુ કર્યુ. બાની ફાઈલ અને આજના રિપોર્ટ બાની પહેલા જ ડોકટર પાસે નર્સ દ્વારા પહોંચી ગયા..અને પછી હું અને બા ડોકટર પાસે ગયા..ડોકટરને બાની હાલત અને રિપોર્ટ જોઇને નવાઇ લાગી એમણે લેબમાં તપાસ કરાવી અને લેબમાંથી જવાબ આવ્યો કે પ્રિંન્ટ મિસ્ટેક છે..એ રિપોર્ટનો સાચો સી.આર.પી. ૬.૮ છે મારા મનને એક્કોર હાશ અને બીજીકોરે ગુસ્સા એ દ્વંદ્ર કરી મુકયો..ડોકટર અને સ્ટાફને થોડો ઠપકો પણ દઈ દીધો પણ આ બધી ઘટનામાં બા તો સ્થિતપ્રજ્ઞ જ હતા..ડોકટરે એમની તપાસ કરીને પુછયુ કે કેવું છે તો કે ” સાહેબ, મને કાંઇ થતુ નથી, પેલા છાતીમાં ચુ..ચુ.. બોલતુ હતુ પણ હવે એવુય કંઈ નથી થતુ એટલે તમે મને ટિકડા ઓછા આપજો.” આ આખી વાત સાંંભળીને મારી આંખો રોઈ પડીને હોઠ હસી પડયા.

સૌથી ગંભીર સ્થિતી બાની હતી પણ સૌની પહેલા સાજા એ થઇ ગયા કારણ એમને જાણકારી ઓછી હતી..એમની અપેક્ષઓ ઓછી હતી..એમની પાસે હતો તો નર્યો આશાવાદ..સંધુય સારુ થૈ જાહે..નો જુસ્સો.

આસપાસ પિડાઓ જ પિડાઓ છે ત્યારે આ પ્રકારની વૃતિ આપણામાં આવે..આપણી અંંદરની પ્રકૃતિ પણ આશાવાદી થઈ જાય તેવી જ અભિલાશા.

તમે તમને અને તમારા સ્વજનોને સાચવજો.

H – Hold

O – On,

P – Pain

E – End

ડો. હિરલ જગડ

Uncategorised

ભલા હૈ બુરા હૈ જૈસા ભી હૈ

“હોય કડવાશ ભલે ઘૂંટ ભરી તો લઈએ,

આંસુઓ માફ કરો,સહેજ હસી તો લઈએ,

કાલ જે નામ લઈ આંખ થવાની જ છે બંધ,

આજ એ નામ લઈ સહેજ જીવી તો લઈએ”

– શુન્ય પાલનપુરી



વિશ્વમાં એપ્રિલના ત્રીજા શનિવારના રોજ ‘પતિ પ્રોત્સાહન દિવસ’ & ‘વિશ્વ પતિ દિવસ’ તરીકે ઉજવાય છે.

સ્ત્રી હંમેશા નાની નાની બાબતોમાં ખુશીઓ શોધતી હોય છે..સાવ નજીવો પ્રતિભાવ કે મામુલી ભેટ તેના ચેહરા પર મુસ્કાન લઈ આવતી હોય છે..તે અભિવ્યક્તિના આધારો અને આવેગોને ખાલી કરવા સહાનુભૂતિ અને શ્રોતાને ઝંખે છે…જ્યારે પુરુષ હમેંશા કંઇક વિશાળ અને મોટું કરવાના પ્રયત્નોમાં જ સતત વ્યસ્ત હોય છે..તેને આ અનુભૂતિ – લાગણીની અભિવ્યક્તિ આ બધુ બહુ આકર્ષતું નથી તે અથાક મેહનત કરી શકે છે જ્યારે તે એમ સમજે કે કોઈને તેની જરૂરિયાત છે..તેના પર જવાબદારી છે.

આપણે સ્ત્રીની વાતો સ્ત્રીના વખાણ અને સ્ત્રી પરના લખાણને માણતા જ આવ્યા છીએ. પણ એની સામે પુરુષ સાથે તેના આખા સમુદાય સાથે અન્યાય કર્યો છે..કેટલી દુ:ખદ વાત છે કે પુરુષ દ્વારા લખાયેલા અસંખ્ય સાહિત્યમાં પુરુષ નામની પ્રજાતીની કદર બહુ જવ્વલે જ કરવામાં આવે છે.આજે જ્યારે સંદર્ભ માટે શોધખોળ કરી ત્યારે કરેલ મહેનત નિષ્ફળ નીવડી.



પુરુષ એટલે શું ?

પુરુષ એટલે છપ્પનની છાતી

પુરુષ એટલે પહાડી અવાજ

પુરુષ એટલે શરીર સુખનો ભોગી

પુરુષ એટલે ઇગોમાં અટવાયેલો ખૌજી

પુરુષ એટલે સવારનું છાપુ

પુરુષ એટલે ખિસ્સામાં લીલી ખુશી ભરતો વેપારી

પુરુષ એટલે શરીરમાં દરિયો સાચવતો વીર

પુરુષ એટલે સુખની ટુંકી વ્યાખ્યા

પુરુષ એટલે હિંમતની હિમશીલા

પુરુષ એટલે પરિવારનો મોભ

પુરુષ એટલે વર્ષ ગળી ગયેલ બાળક

પુરુષ એટલે કુંટુંબનું ઇધણ

પુરુષ એટલે ક્રિકેટ જીવતો ખેલાડી

પુરુષ એટલે સંબંધોનું પિરામીડ

પુરુષ એટલે હિંમતના આંસુ સાચવતો ભડવીર

પુરુષ એટલે પૌરુષ સાચવવા ટળવળતો જીવ

પુરુષ એટલે ઘણુ બધુ

અને પુરુષ એટલે કંઇ નહિ


સુંદરતા સ્ત્રીને બક્ષી છે અને તેના સૌંદય માટે પુરુષ રચાયો છે નાલાયક હોય કે ઉંમરલાયક, સુંદર હોય કે શૂરવીર, છપ્પનની છાતી વાળો હોય કે છપ્પન કિલો વજન વાળો આ બધાને સતત એક વાત પીવરાવવામાંઆવે છે કે તું છોકરી નથી, તું કઠણ અને બાહોશ છે આ બધાથી એ જ્યારે સજ્જ થઇ જાય ત્યારે આપણો પ્રહાર ફરી શરુ થાય તારામાં લાગણી નથી, તને કોઇની ફિલિંગ્સની કદર નથી..તારામાં હ્રદય જેવું કંઇ છે જ નહિ. હવે આ ગુંચવાડામાં પુરુષ કરે તો કરે શું ?


એક પુરુષના જીવનની આ વાત બે ભાઇઓ અને એક બહેનના ભાંડળાઓમાં તે વચેટીયો..તેનુ નામ નિશાંત..એક રુઢીવાદી અને પુરુષપ્રધાન સમાજને ટેકો આપતુ આ કુંટુંબ અને એના ધારાધોરણો. વર્ષો પહેલા અનુભવ જ અભ્યાસ હતો એટલે પ્રાથમિક શિક્ષણ તો બહુ થઈ ગયુ ભાઇ અને બહેનના લગ્ન ૧૭-૧૮ વર્ષની ઉંમરે જ થવા લાગ્યા..પ્રેમા સાથે નિશાંતે પણ સહજીવન શરુ કર્યુ. નિશાંતે જે જોયુ હતુ એ અનુસર્યુ..એને પ્રેમા ખુબ ગમતી પ્રેમા હતી પણ ખુબ પ્રેમાળ પણ ઘરની અદર ખટપટ હોય કે વ્યવસાયની જડભડ હોય બધો ગુસ્સો પ્રેમા પર ઢલવાતો પહેલા શબ્દો જ પડતા હતા ધીરે ધીરે હાથ પણ ઉગામવા લાગ્યો નિશાંત..એક દિવસ કામેથી ઘરે આવતા નિશાંતનો એક નાનક્ડો અકસ્માત થાય છે તેના પગે એક ફ્રેકચર આવે છે જેને લઇને પંદર ઘરે રહ્યો અને એણે એની સગી આંખે ચકાસી લીધુ કે ઘરમાં થતી ખટપટમાં પ્રેમાનો કોઇ દોષ જ નહતો તેમ છતાં એ પ્રેમા સામે કદી કબુલી ન શક્યો. પણ તેનું વર્તન થોડા ઘણા અંશે જરૂર બદલાયુ હતુ. સમય દ્રાક્ષના વેલા માફક ચાલતો ગયો પ્રેમા અને નિશાંતને ઘરે બે દિકરીઓ જન્મી બંન્ને ખુબ સુંદર અને મોહક…જોઇને જ વ્હાલ વરસે..બંન્નેની ઉંમર કરતા વધુ સમજુ અને ઠરેલ..એક દિવસની સવારે નિશાંતઅને બંન્ને દિકરીના જીવનમાં રાત પડી ગઇ પ્રેમા હ્રદયના હુમલાથી મૃત્યુ પામી..નિશાંત સુન્ન થઇ ગયો હતો એને કંઈ જ સમજાતુ ન હતુ કે શું કરે ? પરિવારના સભ્યોએ થોડા સમય સુધી સાચવી લીધુ પણ આગળ શું ? માતા અને પિતા બંન્ને તરીકે હવે નિશાંતે તૈયાર થવાનું હતુ એને એક પુરુષની કઠોરતા છોડી એક સ્ત્રીની ઋજુતા જાણે પ્રેમાની નનામી બાંધતી વખતે જ અપનાવી લીધી હતી તે એક ઉત્તમ પિતા નહિ પણ યોગ્ય માતા પિતા તરીકે રોજેરોજ પારંગત થતો ગયો અને પ્રેમાને ન કરેલા વ્હાલને તેની કરેલ અવહેલનાને પોતાની દિકરીઓ પર પ્રેમ વરસાવીને વસુલ કરી એક વાત્સલ્યથી છલોછલ અને એક ખુબ કાબિલ દિકરીઓના પિતા તરીકે આજે તે જીવી રહ્યો છે.

એ સ્ત્રી હોય કે પુરુષ એની અંદર આવેગો તો ખદબદી રહ્યા છે આ આવેગોને આપણે યોગ્ય ઢાળ આપીને બહાર લાવવા માટેની એક દિશા શોધવાની છે.સ્ત્રી હંમેશા નાની નાની બાબતોમાં ખુશીઓ શોધતી હોય છે..સાવ નજીવો પ્રતિભાવ કે મામુલી ભેટ તેના ચેહરા પર મુસ્કાન લઈ આવતી હોય છે..તે અભિવ્યક્તિના આધારો અને આવેગોને ખાલી કરવા સહાનુભૂતિ અને શ્રોતાને ઝંખે છે…જ્યારે પુરુષ હમેંશા કંઇક વિશાળ અને મોટું કરવાના પ્રયત્નોમાં જ સતત વ્યસ્ત હોય છે..તેને આ અનુભૂતિ – લાગણીની અભિવ્યક્તિ આ બધુ બહુ આકર્ષતું નથી તે અથાક મેહનત કરી શકે છે જ્યારે તે એમ સમજે કે કોઈને તેની જરૂરિયાત છે..તેના પર જવાબદારી છે.

આમ મોટું કરવામાં હંમેશા નાનું નાનું રહી જાય છે..નાની નાની વાતોમાં અભિભૂત અને કેટલીક અભિવ્યક્તિ ન થવાથી ઘણી વાર સંબંધમાં મોટો સંઘર્ષ સર્જાય છે..એકમેકને પ્રેમાળ લાગતા પાત્રો એકબીજાને વિકરાળ લાગવા લાગે છે…અંતે સંબંધમાં રહેલો લાગણી નામનો પ્રેમ મૃત્યુ પામે છે…પતિ પત્નીના આ રોગ જોવા મળે તો છૂટાછેડા લઈ આ બીમારીનું ઓપરેશન થાય છે..! બાકીના લોકો મનથી છેડા છૂટા કરી દે છે..!


આપ સૌને આ દિવસ મુબારક અને દરેક સજીવમાં રક્ષક સ્વરુપે જીવતા એક પુરુષને વંદન.

~ ડૉ. હિરલ જગડ

Uncategorised

કાફકા 🧠


બાળ માનસનું ઘડતર અને તેના વ્યક્તિત્વની રચના માટે તેના શરૂઆતના પાંચ વર્ષો ખૂબ મહત્વના હોય છે વ્યક્તિએ અનુભવેલા નાના મોટા સારા ખરાબ અનુભવોની એક આખી ચેઇન તેના અજાગ્રત માનસ માં ફીટ થાય છે અને આપણા વ્યવહાર અને વર્તન પાછળ નો ૯૦% ફાળો આ અજાગ્રત મનનો જ છે..આ થઈ પ્રાથમિક અને પ્રારંભિક વાત.



આપણે વાત અહીં ફ્રાન્સ કાફકા ની કરવાની છે અને ૧૮૮૩માં પ્રાગ શહેરમાં જન્મેલ આ એક દુબળું પાતળું બાળક એ હારમન કાફકા અને જુલી કાફકાનું સંતાન હતા..હારમન કાફકા ખૂબ સારી અને પ્રભાવશાળી કદકાઠી ધરાવનાર સખ્ત અને કઠોર વ્યક્તિ હતા. તેમની ઈચ્છા હતી કે એમનું. બાળક રૂષ્ટ પુષ્ટ અને બુદ્ધિ ચાતુર્યથી ભરપુર હોય..પણ ફ્રાન્સ કાફકા એમના અપેક્ષિત સંતાન જેવા ન હતા..ફ્રાન્સ કાફકાને પિતા કે પરિવાર તરફથી પ્રેમ ન મળતો જે કારણે તે વારંવાર એવા કોઈ પ્રયત્નો કરતાં કે જેનાથી પરિવારના સદસ્યોનું ધ્યાન એના તરફ આકર્ષાય એક રાત્રે કાફકા એ આવું જ કર્યું જ્યારે એમની ઉંમર નવ વર્ષની હતી…તે વારંવાર પાણી પીવું છે એવી ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યા આવા વર્તનથી તેમના પિતા ખૂબ ઈરિટેડ થયા અને ખૂબ ગુસ્સો કર્યો કાફકા પર ને તેમણે બહાર અતિશય ઠંડી હતી તેમાં ફ્રાન્સ કાફકાને સજા ઠપકારતા હારમને બાલ્કનીમાં આખી રાત ઉભો રાખ્યો..એ આખી રાતમાં ખાલી ફ્રાન્સ કાફકા શરીરથી જ નહિ મનથી પણ ધ્રુજી ઉઠયા હતા..એમને સતત એક સવાલ થતો કે મારા માતા પિતા પાસે થોડી ક્ષણો માણવી ગુન્હો છે ? કે જેના પરિણામ સ્વરૂપે મને આ સજા મળી..?

એમના જીવનમાં આવા કેટલાય બનાવો બનતા હતા કે જે તેને તેના પિતાને અને પોતાની જાતને નફરત કરવા માટે પૂરતા હતા.. ફ્રાન્સ કાફકાના પિતા તેને નકામો અને ડફોળ માનતા હતા અને ધીરે ધીરે ફ્રાન્સ કાફકા પણ પોતાની જાતને આવું જ સમજવા લાગ્યા એમના જીવનમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે સમાયોજન કે સુમેળ સાધવામાં તેમને ડર લાગતો હતો… પિતાના અતિશય દબાણથી તેઓ વકીલાતનો અભ્યાસ કર્યો અને પ્રાગ યુનિવર્સિટી માંથી કાયદાની ડિગ્રી લીધી પણ તેઓ એ ક્યારેય વકીલાત ન કરી…એક વીમાની કંપનીમાં નોકરી શરૂ કરી..ફ્રાન્સ કાફકા ખૂબ સંવેદનશીલ અને ભાવુક સ્વભાવના હતા..તેઓને આધ્યાત્મિક વિષાદ ઉભો થતો હતો..નાની ઉંમરથી જ તેમને ઘણી બધી બીમારીનો સામનો કરવો પડ્યો હતો.. ટયુબ્રોકોસિસ ( ટી બી) થયા બાદ તેમને ઘણી બધા આરોગ્ય નિકેતનો માં રહેવું પડ્યું…આ આખા સમય દરમ્યાન તેઓ પોતાના લેખન કાર્ય માં પ્રવૃત્ત રહ્યા એમણે જુદી જુદી વાર્તાઓ અને લેખો લખ્યા અને પોતાના ભાવો અને આવેગોને શાહીથી પાના પર ઉતારતા રહ્યા.. એમણે પોતાના આ લેખો કે વાર્તાને પ્રકાશિત કરવાનું ન વિચાર્યું કેમ કે તેમને સતત એમ લાગતું હતું કે એમના લેખનમાં કંઇક ખામી છે..૧૯૨૨માં તેઓ પ્રાગ છોડીને બર્લિનમાં આવીને રહેવા લાગ્યા..અને છિન્ન માનસનો ચિતાર કરતી અનેક કહાનીઓનું સર્જન કર્યું..૧૯૨૪ ના રોજ વિયેના માં તેમનું નિધન થયું.



ફ્રાન્સ કાફકાના જીવનકાળ દરમ્યાન તેમના બહુ ઓછાં સાહિત્ય પ્રકાશિત થયા હતા..જેમાંથી કેટલાક તેમણે સળગાવી દીધા હતા અને તેણે લખેલા બાકીના લેખોને પણ પોતાના મિત્ર મેક્સ બોર્ડને એ શરતે આપ્યા હતા કે તે એને સળગાવી દેશે..પણ તેના મિત્રએ કા ફકાની વાત ન માનતા હર વર્ષે તેના સાહિત્યને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.. ફ્રાન્સ કાફકા આધુનિક યુરોપિયન કથા સાહિત્યના અગ્રણી સર્જક બની ચૂક્યા હતા…એમના લખાણોમાં તેમના જીવન કાળ દરમ્યાન થયેલા અનુભવોનો આભાસ વર્તાતો હતો..ભયાવહ અને દુ : સ્વપ્નથી ભરપુર કથામાં અઢળક ફરિયાદો અને યાતનાઓ હતી..જે અવલોકન ક્યારેય તેમના સ્નેહી જનો એ ન કર્યું.



ફ્રાન્સ કાફકાએ ક્યારેય પોતાના પિતા કે પરિવાર પ્રત્યે સીધી વાત નથી કરી પણ તેમ છતાં તેણે જીવન દરમ્યાન એક કઠોર અને નિષ્ઠુર પિતાને કેન્દ્રમાં રાખી..સત્તા પર રહેલ વ્યક્તિ સતત પોતાની જાત માટે પીડાદાયક છે તેઓ નિચોડ તેમની લગભગ બધી જ ક થાઓ માં છે.


ફ્રાન્સ કાફ કાની પ્રસિદ્ધ કૃતિઓ આ પ્રમાણે છે

૧. ધ મેટામોર્ફોસિસ

૨. ઘ ટ્રાયલ

૩. કન્ટેમપ્લેસન

૪. ધ જજમેન્ટ

૫. ધ કાસલ



વાત અહીં કોઈ નવલકથાકાર કે વાર્તાકારના જીવન-કવન પર પૂરી નથી થતી પણ એક યોગ્ય બાળ ઉછેરની વાત અહીં શરૂ થાય છે..નાનકડા બાળ માનસ પર આપણે અસંખ્ય પ્રહારો કરીએ છીએ..આપણે એને સમજવાનો પ્રયાસ છોડી એને સતત દાબમાં અને તાબમાં રાખવાનો પ્રયાસો શરૂ કરી દઈએ છીએ..એની ઈચ્છા કે અભિલાષા આપણા માટે હંમેશા ગૌણ જ હોય છે આપણી વચ્ચે આવા કેટલાય કાફકા જીવતા હશે..કે જેની અંદર પ્રેમની ઉણપ અને ધૃણાનો ધોધ છલકાતો હશે..આ ધોધ ધસમસતો બની જાય અને આખે આખા વ્યક્તિને ઢસડી જાય એ પહેલા આપણી અંદર રહેલી વાત્સલ્ય અને કરુણાની નદીને વહાવીએ એને સાચવી લઈએ, સંભાળી લઈએ, એને જીવવા દઇએ, એની સાથે જીવતા થઈએ અને જિંદગીને ઉજવતા થઈએ.


જેથી કોઈ ફ્રાન્સ કાફકા જીવતા જીવ પોતાની લેખન શૈલીની પ્રતિષ્ઠાને ઉજવી શકે..અને પ્રસિદ્ધિ પામી શકે.

~ ડૉ. હિરલ જગડ



Uncategorised

એક ઉમંગનું ટોળું



અટવાયુ છે
એક ઉમંગનું ટોળું
ધસમસતા વાદળમાંથી નીચવાય ગયેલ નીરના એકાદ છાંટામાં
પ્રિયતમાને આપેલ ગુલાબની માલીપા અજાણતા રહેલ કોઇ કાંટામાં
રોજ રાત્રે દેહ વેચતી પેલી સ્ત્રીની અંદર વધેલ સ્વમાનમાં
સ્વરની અંદર જીવનું સર્જન કરતાં ગાયકના ગાનમાં
ટાઇની પાછળ પોતાનો અવાજ દબાવતા પેલા કર્મચારીમાં
શિષ્ટ બોલી ભ્રષ્ટ કાર્યમાં રચ્યા પચ્યા પેલા અધિકારીમાં
ચોપડા જોવાની ઉંમરે છોકરા જોતી દિકરીની દ્રષ્ટિમાં
શરીરને પીંખાતુ જોતી પેલી ચાર વર્ષની પુષ્ટિમાં
કરિયાવરમાં અસબાબ સાથે થોડી જાતને પેક કરતી માતામાં
કુંભમેળામાં લાંબુ આયુષ માંગતા અંધ ભક્તોની શાતામાં
આંખોના કુંડાળા પાછળ પોતાના આંસુ છુપાવતા પેલા મર્દમાં
સાવ અજાણી વ્યક્તિની મદદે આવેલ હમદર્દમાં
ફુટપાથ પર ભીખની સાથે પોતાનું બાળપણ માંગતા પેલા બાળકમાં
દેશ અને પ્રજાના હિતથી છેવાડે ઉભેલ પેલા શાસકમાં
ઘર અને ઓફીસની વચ્ચે ફુટબોલની જેમ ફરતી પેલી ગૃહિણીમાં
માનવજાતિ પર છવાયેલ અશુભ રોહિણીમાં
અહિંસાના પાટિયા નીચે ઢોર માર ખાતી પ્રજામાં
અસ્પૃશ્યતાના નામે જમીન ચાટવાની સજામાં
વાંજણી માતામાં ભરેલ અઢળક વાત્સલયમાં
થોડી આશા અને અપાર નિરાશામાં ડુબેલ દેવાલયમાં
પંખ ફેલાવીની એકલા ઉડતા પેલા પંખીમાં
દિવસે દિવસે ખાલી થતી શ્વાસની ડંકીમાં
છેલ્લા અસંખ્ય કલાકોથી સજ્જડ ઉભેલા મેડીકલ સ્ટાફમાં
ઉજળુ તોય રોજેરોજ અંધારુ કરતા ઓલા આભમાં
કલમની સાથે પોતાની લાગણીને લખતા પેલા લેખકમાં
સરહદ પર શાંતિ માટે ઝઝૂમતા પેલા સૈનિકમાં
કંઇ ન કરી શકતા આખી દુનિયાના પ્રેક્ષકમાં
ઓનલાઇન શીખતા અને શીખવતા ઓલા શિક્ષકમાં
વોર્ડની બહાર રાહ જોઈ બેઠેલા પેલા દર્દીના પ્રિયજનમાં
મરણને ટાળવા અલગ અલગ જીવતા સ્વજનમાં
બોણી વગર વધાવતા પેલા દુકાનના માલિકમાં
સોનાની ચિડીયા પર લિપાતી રોજ કાલિકમાં
ચૌદ દિવસ પૂરા થવાની રાહ જોતા સંતાનોમાં
આખા કુંટુબને ગુમાવી દેનારના સંતાપોમાં
બંધ કરેલ પાર્કમાં ખાલી પડેલા બાકડામાં
રોજ ગોથે ચડતા જીવનના ચાકડામાં
કોવિડ ડ્યુટી નિભાવતા દરેક વ્યક્તિના જીવમાં
ડરમાં લપાયેલ-મુંજાયેલ-ફસાયેલ પ્રત્યેક પ્રજીવમાં
સતત ઉભરાતાં સ્મશાન ગૃહમાં મડદાની કતારોમાં
ખાલી થતા રાશનકાર્ડને ઉભરાતા તારામાં
આઠ વાગ્યા પછી રચાતી ભયાવહ શાંતિમાં
માસ્ક પહેરીને રચાયેલ મહાક્રાંતિમાં
હા
અટવાય ગયુ છે
એક ઉમંગનું ટોળું

~ ડૉ. હિરલ એમ. જગડ ‘ હીર ‘

Uncategorised

દોષારોપણ

આજે ફોન આવ્યો કે એક મિત્રના પપ્પા ગુજરી ગયા, ગઈ કાલે સમાચાર મળ્યા કે પેલા અંકલ મૃત્યુ પામ્યા, ગયા અઠવાડિયે એક વડીલ ખૂબ સિરિયસ હતા, કંઈ સૂઝતું નથી કે શું કરવું, લોકોના માઠા સમાચાર હચમચાવી દે છે, દયા આવે છે આખી મનુષ્ય જાત પર અને એમના પર ગુસ્સો પણ આવે છે, આંખોમાં આંસુ છે અને સાથે એક અણગમો પણ છે કે લોકો કેમ સમજતા નથી, લોક ડાઉન કરી નાખવું જોવે, ચૂંટણીઓ નતી કરવાની જરૂર, લગ્ન પ્રસંગો ની પરવાનગી જ ખોટી આપી, અરે યાર તમે માત્ર ને માત્ર દોષારોપણ જ કરશો ? તમારો જરા જેટલો દોષ નથી ?

મનોવિજ્ઞાનના એક સિદ્ધાંતને સમજતી હતી ત્યારે એક નાનકડું ઉદાહરણ શીખી હતી,

બાળક જ્યારે ડગી ડગી (ચાર પગે અને પછી બે પગે ચાલવાની શરૂઆતી પ્રક્રિયા ) ચાલતા શીખે અને અચાનક એ પડી જાય તો એને કહેવામાં આવે કે ” જો કીડી મરી ગઈ, જો પેલું આમ થઈ ગયું, હત..” આમ કરીને પેલા રડતા બાળકને શાંત કરાવામાં આવે અને સાથે એક પ્રકારનું જોડાણનું પણ સ્થાપન થાય કે ખરાબ કામ થયું છે તો એ હંમેશા બીજા કોઈએ કર્યું છે, તમે નુકશાન થયું છે તો કોઈ બીજા એ કર્યું છે, આનાથી વિપરીત જ્યારે બાળક કોઈ રાઈમ્સ બોલશે કે કોઈ બીજી પ્રવૃત્તિ કરશે તો કહેવામાં આવશે કે અરે વાહ આ તો કેટલું સરસ..તે કર્યું તે બનાવ્યું, બધું જ તે કર્યું.. અહીં પણ એક નવું જોડાણ (Conditioning) થાય કે સારું કરું એ બધું જ હું કરું.

આ વાતની ચર્ચા એટલે અગત્યની છે કે આ સિદ્ધાંત આપણી અંદર ઘર કરી ગયો છે..એટલે જ આપણે આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે આપણી આસપાસ શ્વાસ ઓછા અને લાસ વધુ થઈ રહી છે..આસ ઓછી અને એમ્બ્યુલસો વધુ આટા મારી રહી છે એવી પરિસ્થતિ માં પણ આપણી મનો સ્થિતિ માત્ર ને માત્ર સરકારને, મીડિયાને, હોમ ડિપાર્ટમેન્ટ ને દોષ દેવમાં અને દોષ શોધવા માટેની જ છે..આપણે આક્ષેપ અને જોકસને જેટલા હોશ અને જોશથી ફેરવીએ છીએ કાશ એટલા હોશથી અને એટલી જ નીતિમતાથી આપણે કોવિડની ગાઇડલાઈનને અનુસરીએ.

આઠ પછી કરફ્યુ છે ૭:૪૫ સુધી ફરી લો કઈ વાંધો નહિ..પછી ટ્રાફીકમાં ખીચોખીચ કરીને દોડધામ કરીને ઘરે પહોંચી જાઉં..અરે.. કોરોના વાઈરસની અંદર કોઈ એલાર્મ ફીટ નથી કરેલો કે એ તમારા ઘરે પહોંચ્યા પછી જ જાગીને આવશે..એ ક્યારેય પણ તમને લાગી શકે છે..કરફ્યુ.. લોકડા ઉન,પોલીસનું પેટ્રોલિંગ, માસ્ક ને પહેવરવાનો દંડ, સામજીક અંતર અંગેની સૂચના, સતત સંભળાતી કોલ ર ટ્યુ ન તમને ડરાવવા માટે નથી તમે બચાવવા માટે છે..ખોટા ભ્રમ માંથી બહાર આવી જાઉં..જીવવું છે તો ચોક્કસ જીવનશૈલી ને જીવતા શીખી જાઉં..

કારણ વગર બહાર નહિ ફરો

મીનાબેન તમારી ચકરી
રંજનબેન તમારી પતરી
કનું કાકા તમારા માવા
મુન્ના ભાઈ તમારું ચોકનું ટોળું
આશિફ ભાઈ તમારી ચાની ટપરી
નૈના બેન તમારી કર્ટી પાર્ટી
નમન તારા જુલા
પૂર્વી તારી લસરપટ્ટી
આકાશ તારું જીમ
સાધના તારું પાર્લર
જગુદાદા તમારું પાર્ક
મોહન તારું હિલ સ્ટેશન
શાંતા કાકી તમારું દેવાલય
પ્રજ્ઞા તારી સ્કૂલ
કળી માંથી બનતું પેલું ફૂલ

આ બધું જ આપણી રાહ જોએ છે..અને આપણે જો એને મળવું હશે તો આપણે રાહ જોવી પડશે..નહિ તો કોલાહલ કરતી એમ્બ્યુલન્સની અંદર ક્યાંક આપણો તો ક્યાંક આપણા લોકોનો અવાજ રુંધાય જશે..શ્વાસનું આવન જાવન બંધ થઈ જશે અને રહી જશે એક ભેંકાર શુન્યતા.

એ નહિ જ ગમે આપણને એટલે જ માસ્ક પહેરીએ અને mass થી દુર રહીએ..સ્વચ્છ રહીએ અને સ્વસ્થ રહીએ..સારું વિચારીએ.. સારાં વાઈબ્સ રચીએ..કારણ વગર બહાર ન નીકળીએ…દોષારોપણ ઓછું કરીએ..જાતને સુધારીએ..શિસ્તને અપનાવીએ..આપણે બચીએ અને બીજાને પણ બચાવીએ..!

ભવતુ સર્વ મંગલમ્

~ ડૉ. હિરલ એમ જગડ ‘ હીર ‘

Uncategorised

પ્રેરણા

” કસોટી જિંદગી કી” આ સિરિયલનો બાળપણમાં મારા પર ઘણો પ્રભાવ હતો, આ નાનકડા ટીવી શોના કથાનક કરતાં તેના પાત્રો મને ખૂબ આકર્ષતા… આજની તારીખે પણ શ્વેતા તિવારી મને એટલી જ આકર્ષે, એનું દમદાર વ્યક્તિત્વ દિલ જીતી લે..

બોલીવુડ બ્બલસમાં રજુ થયેલા તેના તાજાં ઇન્ટરવ્યૂમાં એણે પોતાના અંગત જીવનની વાત વિના સંકોચે કરી..

કોઈ વ્યક્તિ પોતાના અંગત જીવનમાં શું કરે શું નહિ એના પર બોલવા કે ટિપ્પણી કરવાનો આપણો હક કેટલો ?

આપણું નાક અને જીભ ગમે એટલા લાંબા હોય પણ એને બીજાના જીવનના અંગત ઘાવ સુધી લઈ જવું એ આપણા વ્યક્તિત્વને છાજે ખરી !

આપણે આટલા મોર્ડન થઈ ગયા હોવા છતાં સ્ત્રીને જન્મવું કે નહિ જનમ્યા પછી એને શું પહેરવું, એને પરણવું કે નહિ, પરણવું તો કોની સાથે, કેટલા અને ક્યારે બાળકો કરવા, કેટલું અને કેટલી હદે કોમ્પ્રોમાઈઝ
કરવું, છૂટું થવું કે પીસાતું રહેવું, દુઃખ ગળી જવું કે મરી જવું આ બધું જ નક્કી આપણે કરી લઈએ છીએ એક સમાજ તરીકે આપણી આધુનિકતા આટલી જ છે, આપણે નગ્નતા ને જોઈએ છીએ પણ સ્ત્રીના જીવનમાં ચાલતા મનોભારની વાસ્તવિકતાને નહિ, સારો પતિ, સારું ઘર અને બાળકો આ ત્રિકોણમાં એવી તો એને ગુચવી મૂકીએ છીએ કે એને એનો એક નાનકડો ખૂણો શોધવાનો અધિકાર શુદ્ધા આપતાં નથી.

એના અને એના બાળકોના ભવિષ્યને યથાવત રાખવાના પ્રયાસમાં એમને પેલી સ્ત્રીનું કચડાયેલુ વર્તમાન નજરે જ નથી આવતું..

પણ કેટલીક સ્ત્રીઓ હોય છે
શૂરવીર..એને જરા પણ સંકોચ નથી થતો એ કબુલવાનો કે એને પાત્ર પસંદગીમાં બે બે વાર ભૂલ કરી..એનામાં એટલી હિંમત અને તાકાત છે કે એ છૂટાછેડા લઈને એનું અને એના બાળકોનું પોષણ અને સંવર્ધન કરી શકે.

આવી દરેક સ્ત્રીને સલામ,
જેની પાસે સાહસ છે પ્રેમ કરવાનું,
પોતાના પાત્રની ખોટી પસંદગીને સ્વીકારવાનું,
પોતે કરેલી ભૂલને સુધારવાનું,
સ્ત્રી અને સ્ત્રીત્વ નું જતન કરવાનું.
અંતમાં એક ઉતમ સ્ત્રીની કલમે લખાયેલ અછાંદસ.. ઉષા ઉપાધ્યાય લખે છે…

જાણું છું
ન્યાયની દેવીની આંખે બંધાયેલા પાટા
ક્યારેય ખૂલવાના નથી
ત્રાજવાંનાં બંને પલ્લાં
ક્યારેય સમધારણ થવાનાં નથી
અને છતાં
કપાયેલી પાંખના મૂળમાં બચેલાં
એકાદ પીંછાને આધારે
આ તે કઈ આશાથી
હું વીંધવા મથું છું
અનંત અંધકારભર્યા આ મહાસાગરને !?

~ ડૉ. હિરલ એમ જગડ ‘ હીર ‘

Uncategorised

સ્માર્ટ ફોન


મારી તો ફૂલ ડિમાન્ડ છે ભાઈ,

આ માણાની જાત આખો દહાડો મને ભેગોને ભેગો લઈને ફરે,

પથારીમાં હારે,

બાથરૂમમાં હારે,

અરે જાજરૂ કરવા પણ મને ભેળો લઈને જાય, બોલો..

નાના, મોટા, આદમી, બૈરા, બચ્ચા, બુઢ્ઢા બધાને મારી એવી તો આદત છે ને..

કે મને બેકગ્રાઉન્ડમાં પેલી જેકલીન વાળું ગીત સંભળાયા જ રાખે છે,

” મુજે તો તેરી લત લગ ગઈ..લગ ગઈ..લગ ગઈ ”

લત પણ કેવી હૈ.. મેં આ આદમીને ક્યાંથી ક્યાં પહોંચાડયો છે,

“કરલો દુનિયા મૂઢી મેં” નું સ્વપ્ન સાકાર કર્યું,લોકોને એક ટચમાં આખું વિશ્વ દેખાડ્યું,

ભટકેલાને સાચી રાહ બતાવી,

બેરોજગારોને નોકરી અપાવી,

વિદેશ વસતા સ્વજનોનો સાથે મન મેળ કરવાયો,

પુસ્તકોની ગંગા વહાવી,

લોકોના પ્રેમનો સાક્ષી બન્યો,

અને બીજું તો કેટલું કર્યું

પણ સાચું કંઉ બઉ વિલાપ થાય છે મારે કાળજે ક્યારેકમારે કારણે આ બાપ દીકરો રોજ ઝઘડે,

પેલા સાહેબ આમ મને મૂકીને ગયા હોય તો,

શેઠાણી મારી તપાસ આદરે અને એમાંથી કંઈ મળતાં વાર જ ઘરમાં કજિયો જ કજિયો ચાલે,

બે વર્ષના ટિંકુને શું ખાય છે એનું ભાન જ નથી,સ્વાદની એને ગતાગમ જ ના રહે મને એના નાના નાના હાથોમાં પકડી રાખે,એની મમ્મી એને પકડી રાખે અને એક પછી એક કોળિયો મોઢામાં ઠાલવે,નાના હાથો આમ જ્યારે મારા હેવાયા થઈ જાય ત્યારે મને એમનું ભવિષ્ય બગાડવાનું મોટું દુઃખ લાગે,

અલ્યા દુઃખ તો મને ઘણું છે,આ મુઆ છોકરાઓ પેલું ગંદુ ગંદુ ગોદડાંમાં મને ઘાલીને જુએ અને પછી તો કેટલું બધું થાય,આ બધું જુએ અને પાછી આવા પ્રકારની અપેક્ષાઓના ઘોડા પણ દોડાવે,

અને માણાની જાત કોઈની સગી નહિ બોલો ગુસ્સો આવે તો મારો ઘા કરી દે,

મને પછાડે,

અલ્યા, મુંઆ મને વાપરે છે અને મારી હારે જ આવું ભૂંડું વર્તન કરે છે,

વફાદાર તો જરાય નહિ જરાક નવું મોડલ આવે અને મને મૂકે તડકે અને એને ઘરે લઇ આવે પાર કરે,પણ હું શું કરું આ સંસાર છે,સારું છે હું તો સ્માર્ટ ફોન છું એટલે સનધુય સમજુ છું,

માણાની જાતમાં તો અક્કલનો છાંટો નથી,

નહિ તો મારું આટલું વળગણ થોડું હોત એને.
~ ડૉ.હિરલ એમ. જગડ ‘ હીર ‘

Uncategorised

Things are never bad as they seem

दो अपरिचित व्यक्तियों का आपस में दुःख बाँट लेना..
दो परिचित व्यक्तियों में प्रेम से… अधिक सुंदर है…

~ पायल

બે પાત્રોની પત્રો દ્વારા થતી વાતચીત, સ્વાદમાં સંવાદ, દુઃખમાં સુખ શોધવાની કળા, જીવવાનો તરીકો અને સલિકો, સિક્કાની બે બાજુ જોવી તેવો સંદેશ, પડોશીનું મહત્વ અને તેની સાથેનું મમત્વ, પતિની ભૂખ અને સુખ વિશે વિચારતી એક સામાન્ય સ્ત્રી, સંબંધોમાં મેકઅપ કરીને બધું સેટઅપ કરવાનો પ્રયત્ન કરતી એક પત્ની, વગેરે.
ઈલા પોતાના પતિને ટિફિન મોકલે છે અને એ ટિફિન બાય મિસ્ટેક (મુંબઈના ડબ્બાવાળાથી ભાગ્યે જ આવી ભૂલ થાય) સાજન ( ઈરફાન સર ) ને મળે છે આ પછી શરૂ થાય છે એક વાર્તાલાપ..આ વાર્તાલાપમાં કેટલાક દિલમાં ઘર કરી ગયેલા ડાયલોગસ

  • There is no value of talent in this country.
  • I wanted to come up and tell you this in person. But i just watched you wait. you were beautiful.
  • Things are never bad as they seem.
  • Sometimes even the wrong train takes us to the right station.
  • Life is very busy in these days. There are too many people and everyone wants what are other has.
  • I think we forget things if there is nobody to tell them.

પતિના પ્રેમને પામવાનો રસ્તો પેટથી પસાર થાય છે એમ માનતી એક સ્ત્રી ઘણા ભાવથી રોજ ટિફિન ભરે છે અને થોડી પ્રેમની રેસીપી અજમાવે છે. વર્ષોથી પત્નીના હાથનું જમતો એ પતિ ઓળખી નથી શકતો બદલાયેલા ટિફિન ને કે બદલાયેલી પત્નીની માનસિક સ્થિતિને.
આખા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં એવી કેટલી સ્ત્રીઓ હશે કે જે માત્ર આ કામ કરીને ખુશ રહેતી હશે, એના પતિ ભાણે બેઠીને એમ બોલે કે “આજે મજા પડી ગઈ” ત્યારે તેનો ભવ સુધરી ગયો હોય તેમ ઘેલી થઈ જાય અને આવું જ તે પતિની પથારી ગરમ કરીને ફીલ કરતી હોય છે
એનું જીવન તો શું ! એના વિચારોનું જગત સુધ્ધા એના પતિ અને સંતાનો પૂરતું સીમિત થઈ જતું હોય છે…એવા સમયે જો એને કોઈના તરફથી સહાનુભૂતિ મળે, થોડો સ્નેહ મળે તો તેના તરફ એને ઢળવું ગમે,તે વ્યક્તિને મળવું ગમે, પોતાની જાતને એક નવી દિશા આપવી ગમે.
એવું અહીં બંને પક્ષે છે બે વ્યક્તિઓમાં જ્યારે ઘણા સમયથી ખાલીપો ઘર કરી ગયો હોય ત્યારે તેઓને લાગણીઓથી સધ્ધર થવુ ગમતું હોય છે..પણ ઈલા અને સાજનનું મળવું બધા કેસમાં સક્સેસ ક્યાં જાય છે !
આવી ઘણી બધી સ્ત્રીઓ અને સાજન સમા પુરુષોને લાગણીની માંગણી ન કરવી પડે, તેઓની આવેગોની અભિવ્યક્તિ થતી રહે તેમાં જ મજા છે…બાકી બધા જ લોકોને ઊંચી મંઝિલથી છલાંગ મારવા હિંમતની જરૂર હોતી નથી એમની મજબૂરી અને મન સાથેની દુરી કાફી હોય છે.

~ Dr Hiral M Jagad ‘Heer’ (Bhavnagar)


Uncategorised

ટેઢી – મેઢી – ક્રેઝી

એક સ્ત્રી એના વ્યક્તિત્વમાં મલક એકના અસ્તિત્વને જીવતી હોય છે એ સપનાંઓને આંખોમાં, જવાબદારીઓને પાંખોમાં અને કુળની લાજને પોતાની શાખોમાં રાખીને સતત જીવતી અને પરિવારનું સુખ ઝંખતી હોય છે પણ જ્યારે જ્યારે એ પોતાની જાત માટે જીવી છે ત્યારે ત્યારે એને લડવું પડયું પ્રથમ એની જાત સાથે અને પછી પોતે સ્ત્રી છે એ વાત સાથે એને માત્ર લગ્ન પછી પિતાનું ઘર છોડવા પુરતો સંઘર્ષ  નથી હોતો એને સંઘર્ષ હોય છે પોતાની યથાવત ઓળખને જાળવી રાખવાનો એને સંઘર્ષ હોય છે કન્યાદાનમાં ક્યાંક પોતાની આવડતની દિક્ષા દઈ દેવાનો એને ડર હોય છે જવતલની સાથે પોતાની અભિવ્યક્તિની આહુતિનો.

લગ્ન પછી અમે એને બધી જ છૂટ આપી છે

અમે એને દિકરીને જેમ રાખી છે

એને જીન્સ પહેરવાની છૂટ છે

આવુ બધુ ઘણી બધીવાર સાંભળવા મળે ત્યારે પહેલો પ્રશ્ન અહીં એ જ થાય કે પોતાના દેહને ઢાંક્વા શું પહેરવું એની છુટ આપનારા આ લોકો છે કોણ?

એને બીજી બહુ નીજી વાત કે પહેરવા ઓઢવા જેવી બાબતોમાં છુટ દેતો આપણો સમાજ શા માટે સ્ત્રીની અંદરના વ્યક્તિત્વને તેના અસ્તિત્વને તેના શોખ અને શૈલીઓને તેની અંદરની કૃતિઓને ખિલવા માટે કેટલો સાથ અને છુટ આપે  છે ?

અભંગ, સમભંગ અને ત્રિભંગની સુંદર વાત આખા ત્રિભંગ (૨૦૨૧)ફિલ્મની અંદર કરવામાં રેણુકા સહાને એ ખુબ ઉમદા માર્ગદર્શન અને લેખન કર્યુ છે .. ૧ કલાક અને  ૩૫ મિનિટમાં ઘણી બધી વાતોને પહોંચાડી.

વ્યક્તિની પ્રાથમિક જરુરિયાતો સહજ છે પણ એનાથી ઉપર જતા તેને એક સ્વીકાર અને મમત્વની જરુરિયાત હોય છે મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લો એ આ વાતને પોતાના સિધ્ધાંતમાં વિગતવાર સમજાવી છે એક સમય પર તમારી પ્રાથમિક જરુરિયાત પણ ગૌણ બની જતી હોય છે અહીં ફિલ્મના પાત્રોમાં નયનતારા એક લેખિકા, અનુરાધા એક નૃત્યાંગના અને માસા એક સામાન્ય છોકરી  છે આ ત્રણ પેઢી કે જેમાં ત્રણેય સ્ત્રી પાત્રો એક આંતરિક સંર્ઘષમાં છે કે જેમાં તેને પોતાની આવડત અને કલાની સાથે સાથે તેના પરિવારનું પણ જતન કરવું છે. પોતાની માતા એ કરેલી ભુલોને પોતે જીવનમાં ક્યારેય નહીં એવું નક્કી કરીને પોતાના જીવનનો દરેક દિવસ અને દરેક સંબંધ રચતી. આપણી સામે હોવા છતાં પણ કોઇ વ્યક્તિથી સતત દુર રહેતી.. અને સતત એક રંજ છે કે મારા જીવનને મારા નિર્ણયોને યોગ્ય ન કરી શકી.

લેખનશૈલીના લીધે રોજબરોજનો થતો સાસુ વહુનો ઝઘડો, પોતાની બાળકી પર કરેલા પોતાના જ બોયફ્રેંન્ડનું શારીરિક શોષણ, જીવન અને સમાજને સતત ચુનોતી આપતી એક સ્ત્રી અંદર કેટલુ ઘુટાતી હશે ? બાળપણના કિસ્સાઓનો ભાર લઈને નાચતી એક સ્ત્રી, આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય,પોતાના જીવનમાં આખા જીવનમાંથી પુરુષની બાદબાકી, ગુસ્સો અને ગાળો થકી પોતાનું ફ્રર્શટેશન નિકાળતી એક સ્ત્રી પોતાની અંદર કેટલી મુંઝાતી હશે ? પોતાને ન મળેલી યોગ્ય ફેમીલિ પોતાની આગવી પેઢીને આપી શકે માત્ર એ એક ચાહતના લીધે નાના મોટા કેટલાય એડજેસ્ટમેન્ટો આ બધુ એક સ્ત્રી કરે છે અને અંતે તેની ઈચ્છા બીજાને ખુશ જોવાની જ હોય છે અને કેટલુ અજુગતુ છે કે સમાજ પણ એની પાસે આવા જ પ્રકારની અપેક્ષાઓ રાખે છે.

આવી  ટેઢી – મેઢી – ક્રેઝી લાઈફ જીવનારી લાખો સ્ત્રીઓની અંદર એક કબ્રસ્તાન હશે.. જેમાં તેની ઇચ્છઓ, તેની પાસે કરવામાં આવતી અણછાજતી માંગણીઓ, તેની ઉપર ઉગામેલો હાથ,તેના શરીર પર કરાયેલો બળપુર્વક કે કળપુર્વક વાર, કંકુ પગલા સાથે ભુસાતું તેનું ભવિષ્ય, સેથી અને પેઢીને સાચવવામાં જાત સાથે સમજોતો કરેલી કેટલીય લાગણીઓની લાશો પડી હશે ને !

–          હિરલ એમ જગડ ‘હિર’

Uncategorised

બાબુલ કી દૂઆએ લેતી જા..જા તુજ કો આઇફોન મિલે…!😏😏😏

“હિના બહુ શોખીન છે”

“હિનાને નીચું જોણું થશે

“હિના એની ફ્રેન્ડને શું કહેશે”

“હિના એક ખુણામાં બેસીને રોઈ લેશે પણ કોઈને કંઈ કહેશે નહિ”

“પચાસ હજારનો ફોન નથી જોઇતો પણ સાવ હલકો ન ગમે હિનાને..”

“આંગળી મુકી જે વસ્તુ પર તે મળ્યુ છે હિનાને તો તમે જરાંક ધ્યાન રાખજો “

વગેરે………..વગેરે……………. વગેરે……………….

આ કોઇ ફોનની કંપનીની જાહેરાત હોય શકે

કે પછી કોઇ કંપનીને પાડવા માટેનું કાવતરું

પરંતુ અહીં છતુ થાય છે આપણુંં મનોજગત, આપણી માનસિક્તા, આપણા વિચારો,આપણો દ્રષ્ટિકોણ…..

સગાઇ, લગ્ન કે પરસ્પર રચાતો આવો કોઇ નવો સંબંધ પર રખાયેલી આપણી અપેક્ષા…. આપણી પાંગળી માંગણીઓ……

કોઈ ફોન કે તેની કંપની હલ્કી – ભારે કહેવામાં આપણે આપણી જાતને, આપણી માનસિકતાને હલ્કી કરી મુકીએ છીએ……

આવા કોઇ રેકોર્ડીગ જ્યારે વાઈરલ થાય  છે ત્યારે માત્ર એ ઓડિયો ક્લીપ જ નહી પણ વાયરલ થાય છે આપણું આખે આખુ મનોજગત….. વાઈરલ થાય છે આપણી ભૌતિક સુખની ભુખ…વાયરલ થાય છે આપણો સંબંધમાં કંઈ ન ઝંખવાનો દંભ…..આપણી કોઈ જ માંગણી નથીનો વ્યર્થ દાવો…

દહેજ..સ્ત્રી સંશક્તીકરણ…સુ-સજ્જ સમાજ…ધ્યાન અને જ્ઞાનની વાતો…આધુનિકતા..અને બીજું ઘણું

આપણે સગાઈ કે લગ્ન કરવા પાછળ કેમ આવી બધી માંગણીઓને આગવી રાખીએ છીએ..

છીંછરી વાતો તથા ભૌતિક સવલત પાછળ કેમ આટલા ગાંડા થઈ જઈએ છીએ..

કેમ આપણે સમજ, સહજતા, વિનોદવ્રુતિ, આસપાસના વિશ્વની ઓળખ, એકમેકની વફાદારી,નાની મોટી કાળજી, કુંટુંબના સભ્યોની સચવાતી આજ્ઞા અને બીજું ઘણું બધુ જોવાને બદલે શા માટે આ બધી વસ્તુ અને વાતને પ્રાધાન્ય આપીએ છીએ ?

આજે આપણે વિકસિત અને શિક્ષિત થવાના બણગા ફુંકીએ છીએ ત્યારે આપણો વિકાસ એટલો જ છે કે આપણે સંબંધોમાં આર્થિક શોષણની નવી નવી રીતો શોધવામાં સક્ષમ થયા છીએ, આપણે આપણા સંતાનોને એટલા માટે ઊંચી ડિગ્રી કે અભ્યાસ કરવા પ્રેરીએ છીએ કેમ કે સમય આવતા વેવાઇ પાસે એના નામની હરાજી કરી શકીએ. હું ભણેલી કે ભણેલો છું એવું માત્ર કાગળમાં જ દેખાઈ તો એનો કોઈ અર્થ  કે મતલબ ખરો...!

હિનાનું વેવિશાળ તુટે કે ફરી વખત જોડાઈ વાત ખાલી એટલી જ છે કે આપણી અંદર અપેક્ષાઓની ઉધઈ દિવસે ને દિવસે ફુટી રહી છે અને એ આપણી ઊચ્ચ હોવાની નિમ્ન માનસિક્તાને કોતરી કોતરીને ખાઈ રહી છે.

-હિરલ એમ. જગડ ‘હિર’
  સલાહ મનોવૈજ્ઞાનિક