Uncategorised

શું આપે આભાસી આભૂષણ પહેર્યું છે ???

મને યાદ છે કે ગરમીની સિઝનમાં રાહ જોવાતી કાચી કેરીઓ પર મીઠું મરચું લગાવીને ખાવાની,ફિર્જના ડીપ ફિરિઝરમાં દ્રાક્ષ મૂકીને ખાવાની,ગરમીથી બચવા નથનવા જુગાડ અજમાવવાની, સંબધીઓના ઘરે રોકાવા જવાની, કેટલીય રમતોને સાચવીને રાખી હોય તેને માળિયામાંથી કાઢવાની, ભાગદોડ ભરી જિંદગીમાંથી થોડો આરામ પણ કાઢી લેતાં.
કોઈને બાળપણ વિશે કંઇક પૂછવામાં આવે એટલે એના ચેહરા પર એક મીઠડું હાસ્ય સ્ફુરી ઉઠે..બાળપણના વિચારોના વાદળ નીચે તે ભીંજાવા લાગે કેટલી મોટી તિજોરી હશે અજ્ઞાત મનમાં કે જ્યાં આખેઆખું બાળપણ અને એની અસંખ્ય યાદો ગોઠવાયેલી છે…!

કેટલા લોકોએ પોતાની સવાર આસપાસના ઘરોમાં ટીવીમાં નથનાવા કાર્યક્ર્મ જોવામાં , કાર્ટુન જોવામાં કે ધીંગામસ્તી કરવામાં વિતાવી હશે..બપોર પડતાં એમની મમ્મી આખી શેરીમાં શોધવા નીકળતી હશે કે આ મારું તોફાન કોના ઘરમાં અત્યારે તોફાન કરતું હશે.. જરાં શોધીને એને જમાડી લઉં…

બપોરના ઉતરાર્ધમાં એક આખી મેહફીલ જામે..વિડિયો ગેમની.. આતુરતાપૂર્વક રિમોટ હાથમાં આવવાની રાહ જોવાતી હોય..લેવલ કિયર કરવામાં વર્લ્ડ કપની જીતિયા જેવી ખુશી મળતી..સૂરજદાદાનો તાપ ઓસરે એટલે ચોગાનમાં ગલ્લી ક્રિકેટ ,કુંડાળા,સંતાકૂકડી,સાંકળ, નારગેલિયો,ડબ્બા આઈસ પાયસ આવી કેટલીય રમતો શરૂ કરવાની..રમતની અંદર ચોક્કસ નિયમો અને કોણ દહીં દૂધમાં રેહશેે તે નક્કી થાય અને ધમાલ શરૂ થાય..!

સાંજે થાકીને લોટપોટ થઈને ઘરે આવીએ અને વાળું પાણી પતાવી ફરી એક નક્કી કરેલા ઓટલે ભેગા થઈએ.. શેરીના દાદા દાદીમાંથી કોઈ એક રોજ વાર્તા સંભળાવે કે પછી એમની યાદોની વર્ષા કરે…

આ વેકેશન હતું..

અને આજે પણ વેકેશન આવે છે..જેમાં મોટી મોટી હોટેલમાં જવાનું..મોલમાં શોપિંગ કરવા જવાનું..ગેમઝોનમાં ગેમ રમી મજા લેવાની અને કોઈ ટુરિઝમ પેકેજ બુક કરીને ફરવા જતું રેહવાનું..ઘરની અંદર આવતા જ ટીવી અને ફોન લઈને સ્થાન લઈ લેવાનું બધી જ ગેમ રમવાની પણ વરચ્યુલી..આંખોમાં ઉત્સાહ નહિ પણ સતત સ્ક્રીન જોયાનો થાક ભરાય અને અંતે સૂઈ જવાનું..

આ બધા આભાસોનો સામનો કરી એને આછાં નથી કરતાં પણ આપણે એક પછી એક નવા આભાસ એના પર ડાંમીએ છીએ..ગુજરાત સરકારે વેકેશનના સમયગાળામાં ફેરફાર કર્યો..

આપણે આપણું જીવન એક આભાસમાં જીવી રહ્યા છીએ કદાચ..કે આપણે પૈસાદાર છીએ..આપણે ખુશ છીએ.. આપણી પાસે બધું જ છે..આપણને બધું જ આવડે છે..હું સક્ષમ છું..મને કોઈ દુઃખ નથી..

આપણે આપણા વેકેશન ગાળવા અને માણવામાં પણ પરિવર્તન કરી શકીએ તેવું સંભવિત છે ????

આમ થાય તો કદાચ આગળ પણ આ સુરદર્શન ફાકિર ની આ રચના ગવાતી રહેશે…


ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो
भले छीन लो मुझसे मेरी जवानी
मगर मुझको लौटा दो बचपन का सावन
वो कागज़ की कश्ती, वो बारिश का पानी

मुहल्ले की सबसे निशानी पुरानी
वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी
वो नानी की बातों में परियों का डेरा
वो चेहरे की झुरिर्यों में सदियों का फेरा
भुलाए नहीं भूल सकता है कोई
वो छोटी सी रातें वो लम्बी कहानी

कड़ी धूप में अपने घर से निकलना
वो चिड़िया वो बुलबुल वो तितली पकड़ना
वो गुड़िया की शादी में लड़ना झगड़ना
वो झूलों से गिरना वो गिर के सम्भलना
वो पीतल के छल्लों के प्यारे से तोहफ़े
वो टूटी हुई चूड़ियों की निशानी

कभी रेत के ऊँचे टीलों पे जाना
घरौंदे बनाना बनाके मिटाना
वो मासूम चहत की तस्वीर अपनी
वो ख़्वाबों खिलौनों की जागीर अपनी
न दुनिया का ग़म था न रिश्तों के बंधन
बड़ी खूबसूरत थी वो ज़िंदगानी

~હીર❤️

Uncategorised

હોતે હોતે પ્યાર હો ગયા…♥️

પ્રેમનો મહિનો એટલે ફેબ્રુઆરી એમ કહેવાય..પણ આ કહેવું ઝરાં મને ખટકે છે પેહલી વાત તો પ્રેમના મહિના ન હોય અને હોય તો પણ આ સૌથી ટૂંકો મહિનો તો ન જ હોય.

मैं इसलिए ख़ुदकुशी नहीं करता
उसके महबूब को खुशी होगी
-Idris Babur

આપણે કોને પ્રેમ કરીએ ?
આપણાથી વિજાતીય જાતિ હોય તેને ?
સુંદર હોય તેને ?
પૈસાદાર હોય તેને ?
આકર્ષક હોય તેને ?
અમુક નક્કી કરેલા પેરામીટર માં બંધબેસતા હોય તેને ?
નક્કી કરેલા વિસ્તારમાં રહેતી હોય તે વ્યક્તિને ?
આપણી જ્ઞાતિ કે સમાજનો ભાગ હોય તેને ?
આપણાથી નાના કે મોટા હોઈ તેને ??

આવાં ઘણાં બધાં પ્રશ્નો પર ચર્ચા થઈ શકે.

પરંતુ એક રીતે એમ લાગે કે
આપણે પ્રેમ એને કરીએ છે જે આપણામાં ખૂટે છે એને પૂર્ણ કરે..સિગ્મંડ ફ્રોઈડ એ આપેલી બચાવ પ્રયુક્તિ માંથી એક છે તે ક્ષતિપૂર્તી.

પ્રેમમાં પણ કંઇક એવું જ છે…આપણી જાતને જે પૂર્ણ બનાવે તે પ્રેમ..
પ્રેમ તમને દેવદાસ કે કબિરસિંગ નથી બનાવતું..

પ્રેમ તો તમને ઈશ્વર (ઈશ્વર ફિલ્મ) અને લક્ષ્મીકાંત (પેડમેન ફિલ્મ) બનાવે છે..

“આ જગતમાં પ્રેમીઓ એવા ય આવી જાય છે,જે વચન દેતાં નથી તોય નિભાવી જાય છે.” – મરીઝ

કોઈ પણ પ્રેમી ખામીઓને ખોદી ખોદીને તમારી અંદર લઘુતાની લાગણીનું સવર્ધન નથી કરતાં પરંતુ તમારી ખામીઓની દીવાલ પર પોતાના પ્રેમના વાંટા કરીને બધાં ગાબડાં બુરી દે છે..એની લાગણી લઘુતાનું શમન કરે છે અને સ્વમાનને જન્મ આપે છે.

તે મને ફોન કેમ ના કર્યો ?
તારાથી મને આમ કેહવાય જ કેમ ?
તું બીજા સાથે વાત જ કેમ કરી શકે ?
તારો ફોન બિઝી હોવો જ ન જોવે..
તારું ધ્યાન ફક્ત મારામાં જ હોવું જોઈએ..
મને જે ગમે છે તે તને ગમવું જ જોઈએ..
મારી માટે તારે બદલાઈ જવું જ પડશે..

આ બધી વાત હાલમાં કહેવાતાં સંબંધોમાં પ્રવર્તે છે..આવું જ રહ્યું તો આગળ જતાં એવું જરૂર સંભળાશે કે તે મને પૂછ્યા વગર શ્વાસ લીધો જ કેમ ?

પ્રેમમાં કોઈ તર્ક વિતર્ક નથી હોતા પણ પ્રેમમાં બુદ્ધિ કે સમજને નેવે મૂકીને કોઈને ઝંખવાનું શરૂ નથી કરી દેવાનું..

પ્રેમીને જોઇને ગાલ ગુલાબી થવા જોવે પણ જ્યારે એને જોઈને એનું વર્તન જોઇને આંખો રાતી થવા લાગે ત્યારે વિચારવું કે શું ખરેખર હું પ્રેમમાં છું ?

હિરલ જગડ ‘ હીર ‘ ❤
(ભાવનગર)

Uncategorised

શું તમે ડાઉન ટુ અર્થ છો ?

એક વ્યક્તિ જન્મે છે તેનું સામાજીકરણ થાય છે..તેનો વૃધ્ધિ અને વિકાસ થાય છે..

આની સાથે તેનામાં રહેલા અહમની દિવારો પણ પહોળી થાય છે.. પોહળાય યોગ્ય દિશામાં અને યોગ્ય માત્રામાં થાય તો તકલીફ નથી નહિ તો કઠંગુ અને અસ્તવ્યસ્ત દેખાય છે..

એક છોકરાંની વાત જે પોતાના અસ્તિત્વને બચાવવા અને કંઇક કરી છૂટવાની ભાવના સાથે વિદેશ જાય છે..એનામાં રહેલા ગભરાયેલા આત્મને ઝંઝોળીને સ્થિર કરે છે અને કામ પર લાગી જાય છે રાત દિવસ કામ કરે છે ધીરે ધીરે પૈસા ભેગા થવા લાગે છે.વધુ પૈસા વધુ ભૌતિક સગવડો અને વધુ મેળવવાની દોડ ચાલવા લાગી..
અહીં અહમ પણ વધતો હતો..આ છોકરાની સાથે સાથે તેના પરિવારના સભ્યોની પણ અહમની દિવાલ મોટી થઈ..હર વસ્તુમાં ચલાવી લેવાતું હતું અને હવે એક એક વસ્તુની એલર્જી ઊભી થાય છે..સંબધોમાં હળીમળીને રહેવું જેને ગમતું હતું એ હવે સતત બધાં લોકોને મળીને પોતાની સિધ્ધિની બડાય કરવાને ખુશી માને છે..જે માત્ર પોતાના સમય અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા માંડે છે..અને એ મનોમન સમજે છે કે મારા અસ્તિત્વની મેં શોધ કરી લીધી.

પણ હકીકતમાં તે ઘણું છીછરું અને ધૂંધળું વિચારે છે..આંખોમાં સપનાં વાવી શકીએ એવા સપનાં જે તમને ધનવાન નહિ પણ ક્રાંતિમાન બનાવે..જીવન જીવવા માટે માત્ર પ્રાથમિક જરૂરિયાત જ જરૂરી નથી પણ આની સાથે બીજું ઘણું જરૂરી છે…
મમત્વની લાગણી..આત્મીયતાનો આધાર અને લોકોની આપણા પર રહેલી શ્રધ્ધા આપણને જીવાડે છે

એક સામાન્ય ઘરનો પુરુષ બહુ નબળી આર્થિક સ્થિતિ માંથી પસાર થઈ આગળ આવે છે..ધીરે ધીરે તમામ પરિસ્થતિ બદલાઈ છે પણ એનો સ્વભાવ એમાં રહેલી વિનમ્રતા એવી ને એવી જ રહે છે.

જીવન એટલે શું ? સવારથી રાત અને રાત થી સવાર સુધીનો સફર પરંતુ એની વચ્ચે એક સાંજ પડે છે એ સાંજ તમને ચડતી અને પડતી બંને આપે છે.

જીવનમાં સુખી થવું અને ખુશ રેહવું જેટલું અગત્યનું છે તેટલું જ મહત્વ વિવેકશીલ હોવાનું છે.

તમારા પૈસા અને ઓળખાણના ઢગલા પર ધમપછાડા કરતાં કરતાં તમે ક્યારે પડી જશો એની તમને ભાન સુધ્ધા નહિ રહે..

પ્રસિદ્ધ જરૂર થાવ પણ પ્રદર્શિત નહિ..
મમત્વ જરૂર હોવું જોવે પણ માયા નહિ..
સ્વમાન અને સ્વાભિમાનની જાળવવાનું છે એના બધી જગ્યાઓ પર ધજાગરા કરવાની કોઈ આવશ્કતા નથી..
મોઢું ખોલવું કંઇક બોલવું ત્યારે જ જોઈએ જ્યારે યોગ્ય સમય અને શક્તિ હોય..
જ્ઞાનનો ભંડાર હોય કે પૈસાનો પટારો હોય પણ એની અંદર રહેલા અહમની ઉધય તમને જીવવા નહિ દે..

તો એક વાર અરીસા સામે ઊભેલા વ્યક્તિથી રૂબરૂ થઈને પૂછવું કે..શું તમે ડાઉન ટુ અર્થ છો ??

~હિરલ જગડ ‘ હીર ‘ ❤️

Uncategorised

લાસ્ટ સીન દેખાઈ છે ?

સ્ટેટ્સ જોયું મારું ?
પેલાની સ્ટોરી જોઈ ?
નક્કી તે પ્રેમમાં લાગે છે..
મારી વાત માન એના વિચારો પણ આવા જ છે એની પોસ્ટ જેવાં..સાવ હલકાં..
એના ફોટો પર લાઈક તો જો બાપ રે..બાપ..
એને ડિપ્રેશન થયું લાગે છે..એને મૂડ ઑફનું સ્ટેટ્સ મૂક્યું છે..

એની બધી જ પોસ્ટ બહુ બોલ્ડ હોય છે એની સાથે કંઇ પણ કરી શકાય..
નક્કી એનું બ્રેક અપ થયું હશે..
એ તો કેટલું ફરે છે..
યાર આખો દિવસ ટીકટોક માટે કયાંથી સમય કાઢતા હશે આ લોકો ?

PUBG માં લેવલ તો જો..!
એના ફોલોર્સ વધતાં જાય છે..એટલું તો કંઈ ખાસ છે નહીં એનામાં..!

આવું ઘણું બધું આપણી આસપાસ જોવા જાણવા અને સુંઘવા- સાંભળવા મળશે..

આપણે ટેલિફોન માંથી ટેલીગ્રામ પર આવ્યા..પેજરથી ફોનમાં આવ્યા..ફોનથી સ્માર્ટ ફોનમાં આવ્યા..ઘણું બધું બદલાયું પણ આપણે આપણી લાગણી આપણી અભિવ્યક્તિ આ બધું બદલાયું ??

તાળીઓ ટ્વીટ કરીએ છીએ..
ગાળો અપડેટ કરીએ છીએ..
વેદનાને ચારેકોર વેચતાં ફરીએ છીએ..
અને ખુશીની નુમાઇશ કરીએ છીએ..

મારું જીવન મારો અધિકાર આવું લખીને આપણે બીજાનો ઓપીનીય પોલ લઈએ છીએ..

બોલવાનું અલગ..કરવાનું અલગ અને પોસ્ટ પર મૂકવાનું કંઇક અલગ..

બીમાર પડીએ એટલે પોસ્ટ કરો..
બાળક આવવાનું છે પોસ્ટ કરો..
સાંજે આમ કર્યું પોસ્ટ કરો..
રાત્રે આમ જવાનું છે પોસ્ટ કરો..
કેટલા બધા ફોટોસ લેતા ફરીએ છીએ..
લોકેશન શોધી શોધીને બેકગ્રાઉન્ડ બદલતાં ફરીએ છીએ..
પણ બેકગ્રાઉન્ડ આગળ જે મુખ્ય ભૂમિકામાં જાત છે તેની ઓળખ થતી જ નથી..

બધું સોશીયલ મિડીયા પર વેહતું કરો જેનાથી લોકોને ખ્યાલ આવે કે મારું સ્ટેટ્સ શું છે..
લાયક ન હોઈએ તો પણ લાઈક્સનો ઢગલો અનિવાર્યપણે હોવો જ જોવે.. કમેન્ટમાં વાહ વાહ જ કરવાની કંઇક નિષેધક ટિપ્પણી કરવું હોય તો તે અંગત રીતે જ કહેવાનું નહિ તો ડખા થઈ જાય.

ઝઘડો કરવાની અને રિસવાની ડિજિટલ રીત આવી.. લાસ્ટ સીન છૂપાવીને રાખવાનું.. નામની ફેરબદલી કરી નાખવાની..
બ્લોક કરી દો સામેવાળાને
અથવા તેને ડિજિટલ દુનિયામાં ઈગનોર કરો..આ બધું ટ્રેન્ડમાં છે.

આ વાત યુવાનોની નથી આ વાત એ દરેક વ્યક્તિની છે જે આ કરે છે…એક વાત બહુ સાચી છે કે આ પોસ્ટ કરવામાં અને પોસ્ટ થયેલું જોવામાં આપણું જીવન પાસ્ટ થતું જાય છે.. વર્તમાન કાળને છોડી આપણે બાકી બધાં કાળને ભોગવવાની આદતમાં પડી ગયા છીએ.

Uncategorised

સંબંધ ♻️

“કોઈ સાથેની
સાંજ અને સવારમાં
લાગણીની કુમાશ
મધમધતી હોય

કુમાશ ક્રૂરતામાં
પરિવર્તિત ન પામે
તેટલી કાળજી
એટલે
સંબંધ”

સંબંધમાં બે પક્ષ હોય એક તમે અને એક અન્ય અને તેમાં બે વાત હોય એક આદર કે વિવેકની અને બીજી અહમ કે લાલચની.

શરૂઆતમાં બંન્ને પક્ષ તરફથી આદર અને વિવેકનો સેતુબંધ જળવાય પણ ખીલેલા ફૂલ જેમ મૂર્જાવા લાગે તેમ અહીં વિવેક અને આદર પણ ધીરે ધીરે લાલમાંથી રાતા અને રાતામાંથી કાળા થવા લાગે છે અને જન્મે છે બીજી વાત અહમની લાલચની..

અહીં બધું બદલાતું જાય છે જે અવાજ રણકાર લાગતો હોય તે હવે હથોડા જેવો લાગે..જેના આગમનથી રાજીપો થતો હોય તે તમને ત્રાસ જેવું લાગે..જેની સાથે કલાકો સુધી વાતો કરી હતી તેની સામે પળવારના પલકારાના સંબંધ પણ ટાળવા લાગીએ..

અણધાર્યા નિર્મિત થયેલા સંબધોમાં આપણે કેટકેટલી ધારણો બાંધીને બેસીએ અને અંતમાં સંબંધ નામનો પતંગ કપાય છે કાં તો પછી લૂંટાય છે એ ટકતો તો નથી જ..અને આપણે પાસે વધે છે એ ગૂંચવાયેલી ધારણાઓના લચ્છા..

સહન કરી લેવું સમી જવું નમી જવું કે ખમી જવું આ જેટલું સહજ શરૂઆતમાં હોય છે તેટલું કાયમ કેમ ના રહી શકે ? સંબંધોમાં પણ આપણે માર્કેટિંગ પોલિસી અપનાવી લઈએ..ડેમો કંઇક અલગ અને પછી કંઇક અલગ.. પેહલે ઈશ્ત્માલ કરે ફીર વિશ્વાસ કરે એવું નહિ પણ અહીં તો થોડું રિવર્સ ચાલીએ પેહલે વિશ્વાસ કરે ફીર ઇશ્ત્માલ હી ઇશ્ત્માલ કરે..

હક જતાવવામાં આપણે ક્યાંક હદ વટાવી નાખીએ છીએ… સરાસરીમાં કાં વ્યક્તિ શોષાય છે કાં સંબંધ નીચોવાઈ જાય છે..અંતમાં કંઇ વધતું જ નથી..તમારા હકનું…

સંબંધ સતત જેવો છે એવો નથી રહેવાનો પણ તમે એવા ને એવા રહી શકો છો..તમારા અહમને અને માન ને જાળવી સંબંધને મજબૂત કરી શકો છો..લાલચ અને લાગણીનો ભેદ પાડી અને સમજી શકો છો..

કોઈની ચીસ માત્ર કેટલી ઊંડી છે તેનું અનુમાન બાંધી શકો છો..

વ્યક્તિના જીવનમાં આત્મીયતા પૂર્વક અવતર્યા છીએ કે ઘૂસખોરીમાં આવી ગયા છીએ..ક્યાં સુધી જવાનું છે અને ક્યાં સુધી ફેલાવાનું છે તેની સમજ મગજમાં નાખીને આગળ ચાલીએ તો બહુ વાંધો આવતો નથી..

કુમાશ ક્રૂર ના થાય ત્યાં સુધીની થોડી કાળજી એટલે સંબંધને એનું દાણા પાણી મળી ગયું..! શું કહો છો આપ ?

~હિરલ જગડ ‘ હીર ‘

Uncategorised

જુઓને સાહેબ ક્યાંય મેળ નથી પડતો..

સમાજમાં છોકરીઓના નખરાં વધી ગયા છે..
છોકરાઓનું ભણતર ઓછું છે..
ઘરમાં સવલત ઓછી છે..
છોકરીમાં ઘર ચલાવાની આવડત નહિવત છે..
આટલું દૂર તો કંઇ કરાતું હશે..
એના મમ્મી પપ્પાનું બનતું નથી..
એનો ભાઈ દારૂડિયો છે..
એની બહેન માથાભારે છે..
એના ઘરે માનસિક બિમાર વ્યક્તિ છે..
એની આવક ઓછી છે..
એનો દેખાવ ઠીક – ઠીક છે..
ઊંચાઈ બહુ વધારે છે..
ના યાર ના ચાલે ઠીંગણો છે..
ચશ્માના નંબર કેટલાં બધા છે..
ગામડામાં રહે છે..
ધંધામાં બધા ભેગા છે..
સરકારી નોકરી નથી..
કેટલું મોટું કુટુંબ છે..
મકાન નાનું છે..
સંકુચિત માનસ ધરાવે છે..

વગેરે વગેરે વગેરે..

અઢળક વાતો આપણે સાંભળી છીએ..જ્યારે આપણે ઉંમર લાયક વ્યક્તિ માટે લાયક પાત્ર શોધતા હોઈએ છીએ..

લાયકાત એટલે શું ?

ઉપર મુજબના બધા વિધાનો કદાચ યોગ્ય હોઈ શકે.

પરંતુ હાલની પરિસ્થિત જોતા લાગે છે કે જીવનસાથીની પસંદગીમાં સામે વાળા પ્રત્યે ઓળખોળ થવાને બદલે આપણે માત્ર એની શોધખોળ આદરી દઈએ છીએ..અને પછી ગોળગોળ ફરતાં રહીએ છીએ..

જાણે કે તે કોઈ રસપ્રદ સંશોધનનો વિષય હોય..એનો ભૂતકાળ..વર્તમાન..ભવિષ્ય આ બધું જાણવા માટે ચશ્માનો ઉપયોગ કરીએ ત્યાં સુધી ઠીક છે પણ આપણે તો માયક્રોસ્કોપ લઈને ગોઠવાય જઈએ છીએ..અને જીણું જીણું ન દેખાતું પણ દ્રશ્યમાં તાદ્વશ્ય કરીએ છીએ..

એને ભૂતકાળમાં અફેરે હતા કે નહિ એ શું કામ તૂટ્યું..હવે વાત કરે છે કે નહીં વાત કરે છે તો તે નોર્મલ વાત છે કે નહીં..

તેના ઘરમાં તેનું વર્તન કેવું છે..

તેને કોઈ વ્યસન તો નથીને..

તે વર્જિન તો છેને ?
તેને કોઈ ગુપ્તરોગ તો નથીને ?
તેના શરીર પર કોઈ કોઢ તો નહિ હોઈને ?
તેના પરિવારમાં કોઈને ગંભીર બીમારી હશે તો ?
તે જાતિય સુખ સંપૂર્ણપણે આપી શકશે ને..?
તેના ઘરમાં મને જિન્સ પેહરવાની છૂટ મળશે ને ?

એને વિજાતીય મિત્રો તો નથી ને ?

પરિવારનો વેહવાર બહુ લાંબો તો નથી ને ?

કેટલું હોય પણ યાર..તમારે લગ્ન કરવાના છે..તે એક સાહસ છે એક રોમાંચ છે…જેમાં તમારે રોમાન્સ અનુભવાનો છે..

આંખો બંધ કરીને ફેરા નથી ફરી લેવાના પરંતુ આંખોમાં લેન્સના સ્તર કરીને કે કોઈ પ્રયોગશાળાના પ્રયોજયની જેમ તેની ચકાસણી નથી આદરવાની..!

હા માન્યું કે આજકાલ સમય ખરાબ છે..ઘણું બધું ન બનવા જેવું બને છે..પણ એનો ઉકેલ ઘણી બધી બીજી રીતે મળી શકે તેમ છે.

કોઇના પર રાખેલો વિશ્વાસ એ વ્યક્તિની વાસ્તવિકતાના દર્શન કરાવશે..

સંસ્કારનું મિથ્યા સ્તર પાતળું કરો..પારસ્પરિક સંબંધ બાંધતા પેહલા જાણવાનો પ્રયાસ કરો..

સંબધ બંધાય જાય પછી ચાર દિવસ જૂની શાકની ગાંઠડી જેવો ગંધાતો નહિ પણ માથામાં નાખેલા ગજરા જેવો મહેકતો સુંગધથી મઘમઘતો હોવો જોઈએ..

વારંવાર સગાઈ-લગ્ન તૂટ્યાના ભણકારા કાને પડે છે.. કારણમાં ગેરસમજ અને ભૌતિક સુખની માંગ મોખરે છે..

કાં તો પછી જેવું જોવે છે તેવું મળતું નથી આ સાંભળવા મળે છે..

તમારા પાત્રને પૈસાની પાંખે અને બીજાની આંખે નહિ જોવો..
એની સાથે નવા નવા અખતરા નહિ કરો એને અનુભવાનું શરૂ કરો..

એનામાં ખાલી વ્યસનની વૃત્તિ નહિ બીજાને હસતા રાખવાની રમૂજવૃત્તિ પણ હશે..

એની પાસે સરકારી નોકરી નહિ પણ પોતાની સૂઝથી ચાલવાનું કમાવાનું હુંનર હશે..

કદાચ એનો હાથ ઘરકામમાં નહિ જામેલો હોય પણ સંબધોની દોરી એણે સારી પેઠે માંજેલી હશે..

મકાન નાનું હશે પણ મનમાં વિશાળતા હશે..

જાતિય સુખમાં ચરમસીમા કદાચ ન આપી શકે પણ એ તમારી મનની સીમાઓને અોળગીને તમારા સન્માનને જાળવી રાખશે..

જમવાનું બગાડશે પણ તમારા જીવનને સજાવી દેશે..

આવાં કોઈ વિધાયક વિચાર આપણે કરવાનું ભૂલી ગયા છીએ કે પછી આપણે નિષેધક જ બની ગયા છીએ..

આપણે જ્યારે પાત્ર શોધવા નીકળીએ ત્યારે આપણી પાત્રતાને અંદરથી અને બહારથી ચકાસી લેવી જોઈએ..

અરીસા સામે આંખો બંધ કરીને અને આંખો ફાડીને પોતાની જાતને ડોળ કર્યા વગર જેવી છે તેવી સ્વીકારવી જોઈએ અને પછી કહેવુ જોઈએ કે,

હા..મારા માટે મારે સમકક્ષ પાત્ર જોવે છે..મારા જેવું જ..

~હિરલ જગડ
‘ હીર ‘

Uncategorised

જો જો છલકાતાં નહીં…🗯️

ઘણી વાર એવું થાય કે આપણા કરતાં તો પાણીની ટાંકી સારી.. એને છલકાઈ જવાની છૂટ છે જ્યારે તે ભરાઈ જાય છે..એની અંદર ધરબાયેલું જે છે તેને ઉભરાઈ આવવાનો હક છે..

પણ આપણે (કહેવાતા પુખ્ત લોકો ) સ્થળ – સમય – સંજોગ આ બધું જોઈને નક્કી કરવાનું કે છલકાવું કે નહિ…આમ મારી અંદર વર્ષો જૂની એકલતા છે મનમાં વર્ષોથી ધૂળ ખાતા સંતાપો છે એને વહાવી દઉં કે નહીં ?

અને કદાચ કોઈ ઘડીએ મારા મનની ટાંકી ઓવરફલો થઈ જાય અને હું વાલ બંધ કરવાનું ભૂલી જાઉં તો.. કોઈ મારી લાગણીનો ફાયદો તો નહીં ઉપાડે ને ? અને મારા હ્રદયમાં છુપાયેલા કેટલાય દસ્તાવેજો ભાવુક થઈને જો મારાથી ખુલ્લી જશે તો કોઈ વકીલાત કરવા તો નહિ આવી પડેને ?

કે પછી આમ મને મારા આ છલકાતા લાગણીના પ્રવાહમાં પથરાયેલો જોઈને મારા વ્યક્તિત્વ પર કોઈ ન્યાયધીશ બનીને ચુકાદાઓ તો નહિ આપવા લાગેને ?

આસપાસ મારી ટોળું છે પણ મને હુંફ કેમ નથી મળતી ? અને મને સતત શંકાઓ કેમ થાય છે કે…

આની પાસે જો હું રડી પડીશ આમ ઢીલો પડી જઈશ તો મેં સ્થાપિત કેટલા મારા વ્યક્તિત્વનું શું ? આ વ્યક્તિત્વ તો ભસ્મીભૂત થઈ જશે..મારા વર્ષોથી ઊભા કરેલા ગંજીપાનાના મહેલને ઠોકર લાગી જશે.

આપણું જીવન સુવિધાઓથી ભરપૂર અને મુશ્કેલીઓથી છલોછલ થતું જાય છે..આ જીવનમાં અપેક્ષાઓ અઢળક છે આવેગોને ભાવોમાં લાવવા કે નહિ એ બહુ મોટો સવાલ છે સાચું કરવું કે નહિ એ પછી પેહલા તો સાચું વિચારવું કે નહીં એ જ વિચાર છે…!

લોકો માટે પોતાની જાત કરતાં પણ વધુ મહત્વનું સત્તાનું અવલંબન છે..કોઈને પોતાના ભાવો કહીને હળવા થઈ જવું નથી પણ સતત પોતે સારા છે સુંદર છે સુઘડ છે સુવ્યવસ્થિત છે આવું બતાવીને ભારેખમ થતાં જવું છે..!

આ વ્યથા છે આપણા સૌની કથા છે ઘણીવાર એમ થાય કે દરેક પાસે બે એવા ખંભા હોવા જ જોવે કે જેના પર માથું ટેકવીને રડી પડે અને બીજા ખંભાને સહારે ઉંચે ચડી શકે..આગળ વધી શકે..આમ થાય તો ઘણી કથાઓમાં સમાયેલી વ્યથાઓ ઓછી થઈ જાય..

તમે- હું- આપણે સૌ આવા કોઈ ખંભાને શોધી શકીએ અને જો આપણે ખંભો છીએ તો નિષ્ઠાથી ભેળસેળ વગરનો ખંભો થઇએ તેવી શુભકામનાઓ અને આશા..🍁🌸🌼🏵️🌼🌸 તમારા ખંભાને ભીનો થવાની છૂટ આપજો અને તેને ફરી ભરવાની તક પણ આપજો..!

© હિરલ જગડ ‘ હીર ‘

Uncategorised

પેઢી..♠️

એક આખો એવો સમય પસાર થઈ ગયો કે જ્યાં રામુ તેના ખેતરના કામમાં થતી ગૂંચવણ એના બાપુની મદદથી ઉકેલી લેતો.. રસીલા પોતાના ઘરકામની સૂઝ માતાના નેજા હેઠળ શીખી પાવરધા થઈ જતી..કોઈ શિક્ષક પોતાના પરિવારમાંથી જ ક્યાંક શિક્ષકની ભૂમિકા ને સમજી લેતો..જીવવું શું ? વિકસવું શું ? આ બધું સમજી લેતો..વ્યક્તિનો વિકાસ અહીં સરળ અને મુંઝવણનો ભાર વહેંચાય જતો.

એક પેઢી એવી વિકસી રહી છે કે જેની પાસે સંવેદન અને તકનીક બંન્ને છે..એને કંઇક નવું કરવું છે માર્ગદર્શકો છે પણ એક પેઢીથી બીજી પેઢી સુધીના વિશ્વાસનું પ્રતીક બન્નેની નજરથી જુદું છે..પિતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ થાય છે..માત્ર આજે જ થાય છે એવું નથી પણ આજે સંઘર્ષ કંઇક અલગ છે. આજે જ્યારે કોઈ પુત્ર પિતાની સાથે પોતાના સોફ્ટવેર બિઝનેસ માટે સલાહમહાવરો નથી કરતો ત્યારે પિતાને પોતાના અસ્તિત્વ ઉપર પ્રશ્નો થાય છે ? એને એના સરસ મજાની પોસ્ટ પર બેસેલા પુત્ર પણ ગર્વ છે પણ તેના અસ્તિત્વની અવેહેલાનાનું દુ:ખ પણ છે.

પિતા સાથે સંવાદ કરવામાં અને માતાને પોતાની સમજ સમજાવા માં મોટાભાગે વિવાદ થાય છે અને એક નવો માર્ગ ઊભો થાય છે જે જૂઠાણાંનો હોય છે કે કૃત્રિમ હોય છે એક પુત્ર કે પુત્રી પોતાના અસ્તિત્વને સમજવાં કરતાં પણ વધારે પ્રયાસો પોતાના જન્મદાતાને સમજવામાં લગાવી દે છે.

અહીં વાત એવી નથી કે માતા કે પિતામાં સમજનો અભાવ છે પણ ક્યાંક એમને સામાન્યીકરણ કરવાની આદત પડી ગઈ છે..એના છોકરો આમ કરતો હતો અને જેલ ગયો તો મારા છોકરા સાથે પણ આમ થશે એની છોકરી પ્રેમલગ્ન કરીને દુ:ખી થઈ તો મારી પણ થશે.

આ એકાદ ઉદાહરણો છે બાકી અસંખ્ય વિચારો છે જેના લીધે એક પેઢી બીજી પેઢીથી દૂર દૂર દૂર થતી જાય છે.

આજનું બાળક થોડું વધુ મુંજાય છે એને આપણી એક પૂર્વગ્રહ વગરના સંબંધની..અપેક્ષા વગરના પ્રેમની અને ટીકા વગરના વ્હાલની જરૂર છે. એને વાતે વાતે મરી જવાના શબ્દો તકલીફ આપે છે. આવેગિક દબાણ (Emotional Blackmail)માં એ અંદર દબાતો જાય છે.

બાળક પાસે સંબધોનો અભાવ છે..તેના મિત્રો સાથેનું સાતત્ય ટકાવી રાખવું બધા માટે સરખું નથી..મારે શું ફોલો કરવું મારી સંસ્કૃતિ કે એ વિદેશી અનુભૂતિ જે ચારેબાજુ ફેલાયેલી છે ? કપડાં અને વિદેશી અને વિચારો દેશી રાખવાના છે..સમજ ગમે તેટલી હોય પણ વરસોથી ચાલતા ચિલ્લાને જાળવી રાખવાના છે..

પ્રેમ કરી કોઈ પાત્રને સમજવાનું છે કે મારી સામે અને પરિવાર સામે કેવું નાટકીય વર્તન કરવાનું છે..લગ્ન ક્યારે કરવા બાળક ક્યારે કરવું આ બધામાં મતભેદ થશે પણ મનભેદ પડતાં અટકાવવાનું છે.

આજની પેઢીને સવલતો બહુ મળી છે પણ એવું ઘણું બધું છીનવાય ગયું છે જેનાથી તેના સંવેદનોને ખીલવણી અટકી જાય છે.

જોઈએ નવું વર્ષ શું નવું લઈને આવે છે..બે હજારને માથે વીસ..આ વરસનાં રામ રામ..અને હેપ્પી ન્યૂ યર 💞 #HEER🏵️

Uncategorised

વીસમું વરસ

વીસમુ વર્ષ અગત્યનું મહત્ત્વનું સ્ફુરેલું વરસ

શરૂ થવા જઇ રહ્યું છે
એકવીસમી સદીને વીસમું બેઠશે.

નવું થાય તે સૌને ગમે પણ
ખટપટ ઘણી છે આ યૌવનથી થનગનતી સદીમાં

અહીં સગવડ છે પણ સુખ નથી
અહીં સ્નેહ છે પણ તેમાં સાતત્ય નથી
અહીં જોડાણ છે પણ લાગણીઓમાં ખેડાણ નથી

ટૂંકમાં ઘણું બધું છે તેમ છતાં કશું નથી આવો ભાવ છે..લોકો મેળવવામાં અને માણવામાં ફર્ક છે આ વાતમાં થાપ ખાઈ જાય છે.

દરેક જગ્યા પર કંઇક એવી ચિંતા વસી ગઈ છે કે જેમાંથી બહાર નીકળવામાં પોતાના વિચારોની અને ચિંતનની આખી પાવર બેંક વાપરી નાખે છે કે તેને શું કરવાનું છે તેનું તેને ભાન જ રેહતું નથી.

શાળામાં શિક્ષકના ભાગે ભણાવવા નું ઓછું અને છબરડાઓ ઉકેલવાનું કામ વધુ હોય છે.

ઘરે બાળકને ઉછેરવાનું નહિવત પણ તેને ટોપટેનમાં રાખવાના કાવતરા વધુ રચાય છે.

ભાઈ બહેનની અંદર એકમેક માટેની સમજણ કરતાં વધુ એકબીજાની સંવેદનની સંતાકુક્કડીઓ રમાય છે.

મિત્રનો મહિમા તેના નક્કી કરેલા સ્વાર્થ સુધી ગવાતો હોય.

આપણે આમ સોશીયલ મિડીયાની સ્ટોરી જેવા થઈ ગયા છીએ ચોવીસ કલાક પછી ગાયબ. સંબધોમાં પણ આવું જ કરીએ આપણે..આપણા બોલેલા વિધાનો પણ આમ જ ગાયબ થાય છે.. આપણો વિશ્વાસ પ્રેમ સ્નેહ પણ ક્ષણિક જ હોય છે.

એકવીસમી સદીનું વીસમું વરસ આમાંથી થોડું ઓછું કરી કંઇક નવું લઈને આવે તો કેવું સારું.

કોઈ સાંતકલોઝના આવે તો ચાલશે પણ જે કલોઝ છે તે તો શાંત થાય શાતા અર્પે તોઈ ઘણું.

કોઈ કેક કટ નથી કરવી ખાલી ખોટા વ્હેમ કટ કરીએ તો કેવું સારું.

ટચની દુનિયામાં જીવતા જીવતા કોઈકની વેદનાની અને સંવેદનાને સમજી અને સદીના યૌવનની ઉજવણી સમજણથી કરીએ.

મગજ સારું કરવાની મગજમારી મૂકી માનસને શ્રેષ્ઠ બનાવીએ. નવું વર્ષ શુભ રહો..🙏

_હિરલ જગડ

😊🎊

Uncategorised

સંવેદનનું પિંજર🚫

સામાજીકરણ

સમાજનું અનુકરણ.. સમાજ જેવું થવું તે.. સમાજ ને અનુરૂપ બનવું..આવા ઘણા બધા અર્થો તેના થાય છે.. માનવી હાંડમાસના લોચામાંથી સામાજિક પ્રાણી બને આ આખી અદભૂત પ્રક્રિયા છે પરંતુ ઘણી વખત એમ થાય કે આ ક્રિયામાં..પ્રક્રિયામાં પરિવર્તનને અવકાશ છે કે કેમ ? વર્ષોથી ચાલતી પ્રણાલીને વળગીને જ જો સામાજિકરણ થતું રહેશે તો કૈંક કશેક વ્યક્તિ પોતાના જીવનમાં મનોભારથી પીડાયેલો.. નિરાશામાં લપેટાયેલો અને હતાશમાં ધૂત મળશે..

આજે અમુકતમુક વિસ્તારોને બાદ કરતાં લગભગ બધી જ જગ્યાએ છોકરીઓનો ઉછેર છોકરાની માફક થવા લાગ્યો છે..એટલે કે છોકરીઓને પણ છોકરાઓને મળે છે તેટલી જ છૂટ મળી રહે છે..તેવી જીવનશૈલી સમાજ એ આપી..જેનાથી છોકરીઓ સ્વતંત્ર બની, આત્મવિશ્વાસુ થઈ,સ્વનિર્ભર બની અને પોતાની ખરી ઓળખ સાથે આંખ મિલાવતી થઈ.

આ તમામ પરિવર્તનો ખૂબ જ યોગ્ય,સહજ અને સુંદર છે તેમાં કોઈ પ્રશ્ન જ નથી.પરંતુ અહીં સમસ્યા એ છે કે આપણે આ પરિવર્તન સમાજના એક ભાગમાં જ કર્યું આપણે બાળાઓ, બાલિકાઓ,કુમારીઓ,યુવતીઓ,સ્ત્રીઓ, પ્રૌઢાઓ વગેરેના સંદર્ભે વિચાર્યું પરંતુ સામે પક્ષે ભૂલકાઓ,બાળકો,કુમારો,યુવકો,પુરુષો, પ્રૌઢો પ્રત્યે ક્યાંક ધ્યાનચૂક થઇ છે તેઓ તરફ ધ્યાન આપવાનું અથવા તો પરિવર્તન લાવવા અંગે વિચાર સુધ્ધા કર્યો નથી..ત્રાજવાના બંન્ને પલ્લા સરખાં કરવામાં એક તરફ જ ભારણ વધે છે.

આજે પણ કોઈ પારસ ૩ વર્ષની ઉંમરે રડે તો માતા એમ જ કહે છે કે, “શું છોકરીની જેમ રડે છે ? ” બાળકના જન્મ પેહલા ઇટ્સ ગર્લ અને ઈટ્સ બોય ટેગ રંગોના ભેદો સાથે પાડી દેવાય છે..દસ વર્ષનો અનિષ પોતાની વાતચીતને રજૂ કરે તો તેને ચાગલવેડા બંધ કરવાનું કહેવામાં આવે છે, સત્તર વર્ષમાં પ્રવેશતા જો વિજાતીય આકર્ષણ થાય તો તેને રેડ એલર્ટ આપવમાં આવે છે..વીસ વર્ષના હિમાંશુના માતાના મૃત્યુ બાદ તેનું રુદન ડુમો બની દબાઈ જાય છે..પાત્રીસ વર્ષે માતા, પત્ની અને દીકરીની સામે અભિવ્યક્ત થતાં તે અટવાય જાય છે.. પચાસે સુધી પહોચતાં શરીરના ડાબા ભાગમાં શર્ટના ખિસ્સાની પાછળ લાગણીઓનો એક હિસ્સો હ્રદય રોગ બનીને છલકાઈ છે.

સરળ આદત બદલવી પણ કઠિન છે તો આ તો આખો સમાજ છે..તેનું માનસ છે..સ્ત્રીને આઝાદ કરી બાહ્ય બંધનમાંથી તેમ પુરુષ પણ આઝાદ થવું પડશે પોતાની અનઅભિવ્યક્તિના પિંજરમાંથી..ઘણી વખત એવું થાય કે પુરુષ અભિવ્યક્ત નથી થતો એટલે તે વિકૃત થઈ જાય છે..છાતી પહોળી રાખવામાં ભીતરે પડેલી સંવેદનાઓ ઢોળવાંનું ભૂલી જાય છે.

અભિવ્યક્તિનું શાસ્ત્ર જો તે નહિ સમજે તો તેના જીવનના ડગલેને પગલે તેને કઠિનતા સાલશે..જીવનના પડાવમાં તેને તંદુરસ્ત અને મંદુરસ્ત હોવું પડશે..તો જ સ્ત્રી ચળવળની જેમ પુરુષ ચળવળની શરૂઆત નજીકના ભવિષ્યમાં શરૂ નહિ કરવી પડે.