હરરોજ ઘરમાં એક વાર તો ઝઘડો થાય જ છે કારણ શું હોય ખબર છે ? પપ્પા અને ભાઈને બહાર જવું હોય અને મોટી બહેન ખૂબ ગુસ્સામાં તેમની સાથે દલીલો કરતી હોય કે નથી જવાનું..ઘરના આગળ અને પાછળના દરવાજાથી આગળ વધવાનું નથી..વાત તો સાચી છે અને યોગ્ય જ છે કે આપણે બહાર ન જઈએ..
પણ આ વાત પરથી એમ વિચાર આવે કે પેલા ડોકટર,નર્સ,પોલીસ,દૂધવાળા,શાકવાળા,સફાઈના સહાયકો,ગેસ સિલિન્ડર પહોચાડનાર,ઘર સુધી છાપું આપનાર,અનાજ અને જરૂરિયાતની વસ્તુ વહેચનાર, સરકારી કર્મચારીઓ આ બધાંના ઘરમાં પણ આવા પ્રકારનો ઝઘડો થતો હશે ??
આ બધા પોતાની ફરજ બજાવતા હશે ત્યાં એમની સાથે એક ડર પણ ફરજ બજાવતો હશે કે કદાચ તેને આ રોગ થઈ શકે અને કદાચ આ માધ્યમથી એનું પરિવાર પણ જોખમાય શકે..! આ ડરને આપણે વધારે ડરામણો બનાવીએ છીએ કેટલીક ન કરવા જેવી બાબતોને હજુ આપણે મૂર્ખ બનીને કરી રહ્યા છીએ..આ પ્રયત્નો પર આપણે આપણા ખોટા વર્તનથી પાણી ફેરવી રહ્યા છીએ..!
થોડી કાળજી રાખવાની છે કે બસ તમારે એ જગ્યા પર રહેવાનું છે કે જેનું સરનામું તમે બધે જ કાયમી ઠેકાણા તરીકે બતાવ્યું છે..તો બસ આટલું કરોને સાહેબ આ કાયમી ઠેકાણા પર થોડો સમય અડો જમાવી રાખો તમને તમારા ઘરને અને ઘરના સભ્યોને આ ઠેકાણાંનો અહેસાસ કરાવો કે સારું છે કે આ રહેઠાણ છે.
ઈટલીના નેવું વર્ષના વૃદ્ધ કોરોના વાયરસથી મુક્ત થયા એ સ્વસ્થ થયા ત્યારે મેડિકલ સ્ટાફે તેમની પાસે માત્ર વેન્ટિલેટરનું જ બીલ માંગ્યું ત્યારે વૃદ્ધના ચહેરા પર વિચારોની રેખાઓ છવાય ગઈ આ જોઈ,
ડોકટરે કહ્યું કે “જો આપની પાસે પાંચ હજાર પાઉન્ડ ન હોઈ તો ચિંતા ન કરશો તમે આરામથી ઘરે જઈ શકો છો”
ત્યારે વૃદ્ધ વ્યક્તિ જવાબ આપતા કહે છે કે “ના ના,હું તો એ વિચારું છું કે જો મારે થોડા દિવસના વેન્ટિલેટરના પાંચ હજાર પાઉન્ડ આપવા ના હોય તો ઉપરવાળાનો હિસાબ કેટલો મોટો હશે ? કે નેવું વર્ષ સુધી મને વેન્ટિલેટર બક્ષ્યું છે..”
મળ્યું છે તેમાં ખુશ રહો જેના થકી મળે છે તેને માન આપો.. જેના થકી તમે છો તેને ખુશ રાખો.
મુશ્કેલીમાં વધારો નહિ કરો તો દાલગોના કોફીની જેમ કોરોના ઉપર ઉપર રહેશે અને પછી સાવ જતો રહેશે…નવી નવી વાનગીઓમાં એક વાનગી સમજણની બનાવીએ તેમાં થોડી ધીરજ અને થોડી વિચારણા નાખીએ..આંખો ખુલ્લી અને મોં અને વોટસઅપમાંથી નીકળતી અફવાઓની વરાળોને ભગાવી એ..ઘરની અંદર રહીને જાત સાથે તેને માણીએ..!
દેખતી રીતે મુશ્કેલી કંઇ નથી આપણે માત્ર સમયનો યોગ્ય ઉપયોગ અને આયોજન કરતાં ક્યારેય શીખ્યા જ નથી લોકડાઉન નહોતું ત્યારે પણ અને લોકડાઉનમાં છીએ ત્યારે પણ..ઘડિયાળ આપણા હાથમાં હોય છે પણ આપણો સમય આપણા હાથમાં હોતો જ નથી.. સાચું કહેજો આ વાત સાચી છે ને ?
આજે અને છેલ્લા અઠવાડિયામાં સાંભળવામાં આવ્યું કે હવે સલાહકાર અને મનોવૈજ્ઞાનિક મારફતે સલાહ પરામર્શ શરૂ કરવામાં આવ્યો છે ( અલબત્ત એનો હું પણ એક ભાગ છું ) લોકોની શારીરિક જરૂરિયાતને પૂરી કરવા આર્થિક મદદ અને રાશન ઘરે ઘરે પહોંચતું થઈ રહ્યું છે ત્યારે આવેગિક મદદની પણ જરૂર છે આ વિચાર ખૂબ યોગ્ય જ છે..🌼 પણ અહીં ઘણા બધાને એમ થાય કે આપણે થોડી ગાંડા છીએ આપણને થોડી કંઇ થયું છે..તે આપણે એ કાઉન્સેલિંગ બાઉન્સેલિંગ કરાવીએ..તો એક એ બધા મિત્રો માટે આજનો આ બ્લોગ.
પહેલી વાત તો આપણે શા માટે આપણી કાળજી રાખીએ છીએ ? કેમ કે આપણે જીવવું છે લાંબુ અને મધમીઠું જીવવું છે..! જાપાનીઝ લોકોનું નિરીક્ષણ અને સંશોધન બતાવે છે કે ત્યાંના લોકોનું આયુષ્ય સૌ વર્ષ કરતાં વધુ છે..અને ખાસ કરીને ઓકિનાવા આઈલેન્ડ પર વસતા લોકોનું..આવું શા માટે હશે ? જેનો ઉતર“Ikigai: The Japanese Secret to a Long and Happy Life” માં છે જે Hector Garcia and Francesc Miralles દ્વારા લખાયેલ ખૂબ પ્રસિદ્ધ પુસ્તક છે.
सुनो ! चेहरे पे हरबार यूं नुर बरसता है आपके अंदर इतना खुश कौन रहता है ? ~ हीर ❣️
Ikigai શું છે અને તેનું દીર્ઘ જીવન અને સુખમયતા સાથે શું નિસ્બત આ વાતને સમજવા તેની ત્રણ બાબતને સમજીએ.
1.Move More to Live More : ઓકિનાવા પર વસતા તમામ લોકોમાં આ વસ્તુ જોવા મળતી કે તેઓ સતત કોઈ શારીરિક પ્રવૃત્તિમાં જોતરાયેલા રહેતા જેના કારણે તેના શરીરમાં ઊર્જાનો સંચાર થતો રહેતો પોતે કશુંક કામ કર્યાનો અહેસાસ તેને વધુ ઉમંગ પ્રદાન કરતો..અને તે સતત પોતાની પ્રવૃત્તિ કરતાં રહેતા જેમાં ફૂલછોડ ઉછેર અને જતન..ખેતી..રમતો..વોલકિંગ આ બધું કરતાં જોવા મળે છે..પેલું કેહવાય છે ને
” Sitting is the new smoking ”
બેઠાડું જીવન એ પણ એક પ્રકારનું જીવલેણ વ્યસન છે આના કારણે નાના મોટા માનસિક અને શારીરિક રોગો પણ ઉદભવ્યા છે જેમ કે ડિપ્રેશન,ચિંતા,મેદસ્વીતા,આત્મવિશ્વાસનો અભાવ વગેરે. જ્યારે આપણે કોઈ ચહલ પહલ કરીએ છીએ ત્યારે આપણા શરીરના ઘણા બધા ભાગોને રાહત મળે છે એને મોમેન્ટથી આનંદ અને ઉત્સાહ મળે છે પરંતુ આપણે તે ભૂલી જતાં હોઈએ છીએ અને મોટાભાગનો સમય બેઠાં બેઠાં પસાર કરી દઈએ છીએ અને પછી જીવનના પ્રશ્નો ઉભા થઈ જાય છે..એટલે જો જીવન વધુ ચલાવું છે તો ચાલવા મડવું પડશે ( હાલ ઘરમાં જ ચાલજો હો કે..! )
2.સામજિક વર્તુળ : આપણે લોકોથી છીએ અને લોકો આપણાથી આ વાત અત્યારે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક અનુભવીએ છીએ..ઘરની અંદર અને મનની અંદર ખાલીપો ખખડે છે તે છે લોકો અને તેની સાથે જોડાયેલા આપણા સંબંધોનો.
આ પુસ્તકમાં નોધ્યું છે જે ઓકિનાવામાં લોકો આંતર પારસ્પરિક સંબંધ બાંધવામાં આગળ છે ત્યાં એવા કેટલાંય લોકો છે કે જેઓ બાળપણના મિત્રો છે અને આજે ૧૦૦ વર્ષના છે અને સાથે વૃદ્ધ થઈ રહ્યા છે કેમ કે તેઓ વધુ અને વધુ લોકો સાથે સમય વિતાવે છે અને પોતાના જીવનને વધુ ખુશ અને ઉમંગ બનાવે છે..2004 માં આવેલ FRIENDS સિરીઝ ખૂબ ચાલી એનું કારણ પણ આજ હતું કે તેમાં સામાજિક વર્તુળ દર્શાવવામાં આવ્યું હતું.અને લગભગ ત્યારે જ FACEBOOK પણ જુક્રતબર્ગ સાહેબ લાવ્યા અને ત્યાર બાદ આપણા સંબંધો એકચૂલમાંથી વર્ચ્યુઅલ તરફ વળ્યાને અત્યાર આપણે એ જ એરામાં જીવીએ છીએ.
ત્રીજી અને સૌથી અગત્યની વાત જે આ પુસ્તકનું મૂળ છે IKIGAI : જેનો સરળ અર્થ છે લાંબુ અને ખુશ જીવન જીવવાની ચાવી એવો થાય છે..તે મુખ્ય ચાર બાબતોથી ગુંધાયેલું છે..1.What you love ? 2.What the World Need ? 3. What You can be Paid ફોર ? 4. What You are Got at ?
આ ચાર બાબતો છે જેના કારણે તમે જીવો છો અથવા તો એ તમને જીવાડે છે…થોડા દિવસ પહેલા એક ફિલ્મ જોઈ The Martin (2015) કે જેમાં એક નાસાનો વૈજ્ઞાનિક દોઢ વર્ષ સુધી મંગળ પર રહે છે એ કોઈ કારણસર ત્યાં ફસાઈ જાય છે અને પછી એ જે રીતે નવું જીવન શોધે છે તે જ કદાચ એની ikigai છે..આપણા બધા પાસે આ છે માત્ર એને શોધવા વહેલાં મોડા પડીએ છીએ..આ વાત ઘણી બધી જગ્યાએ બતાવી છે જેમાં થ્રી ઇડિયટ્ના ફરહાન નું ઉદાહરણ લ્યો કે બદ્રી કી દુલ્હાનીયાની વૈદેહી નું કે પછી મહેન્દ્ર સિંગ ધોનીને જોવો કે અમિતાભ બચ્ચનને કે પછી આયુષ્માન ખુરાનાને..આ બધા લોકોને પોતાની Ikigai મળી ગઈ છે ઘણી થાપ ખાયા પછી..જે વસ્તુ તમારો એલાર્મ છે તે જ તમારી ikigai છે જે વસ્તુ તમને જગાડી મૂકે તે જ તમે કંઇક અપવાશે.. હા પૈસા અને ફેમ મળશે પણ આરંભ આનંદથી થશે એક કામ એવું શોધવાનું છે કે જે તમને આનંદ આપે સાથોસાથ તે લાભકારક કેટલું અને તમારી પાસે દુનિયા શું ઈચ્છે અને અંતમાં તમે તેનાથી શું પામો છો..તમે ફેમ માંથી ફ્રેમ્માં જાઉં તે પહેલાં આ શોધી લેવાનું છે..!
અત્યારે આ વાત મૂકવાનો ઉદ્દેશ એ જ છે કે ધીરજ રાખવાની છે કામ કઠિન છે પણ સમય ઘણો છે તો એક હથોડીભરી નજર અને સમજણની ટાંકણી લઈને બેસી જાઉં જાતને ખોતરવા માટે તમને તમારી IKIGAI મળી જશે.
ઘણા ઘરોમાં પૈસા આવવાના બંધ થયા છે અને આપણું બહાર જવાનું સાઉં બંધ છે આમાં માનસિક અસ્થિરતા આવશે પણ થોડું પોતાને રોકી લેજો આપણે કોરોનાને રોકવાનો છે..પોતાની જાતને વ્યસ્ત અને તંદુરસ્ત રાખવામાં મસ્ત રહો અને સુરક્ષિત રહો..જરૂર હોય ત્યાં કાઉન્સેલર હાજર છે અનેજો આપને વાંચન ગમતું હોય તો આ પુસ્તક જરૂરથી વાંચો ✨
આજે પહેલી એપ્રિલ ૨૦૨૦ છે એકવીસમી સદીને વીસમુ બેઠું એને ત્રણ મહિના પૂરા થઈ ગયા અને અત્યારે બહુ ગંભીર પરસ્થિતિમાં છે આ આખું જગત..એ આપણે સૌ જાણીએ જ છીએ થોડું જુદું કરીએ..કંઇક જાણીએ..!
કિવદંતી અનુસાર એપ્રિલફૂલની શરૂઆત ઈટાલીથી થયેલી. કહે છે કે ઈટાલીમાં આ દિવસની શરૂઆત એક કાર્નિવલથી થયેલી. કાર્નિવલના આ દિવસે લોકો ખૂબ શરાબ પીતા અને નશામાં ટલ્લી થઈ ખૂબ હસતા હતાં. આ દિવસે રાત્રીના સમયે લોકો ગેટ ટુ ગેધર કરતાં અને નાચી–કૂદી એન્જોય કરતાં. ઘણા લોકોની માન્યતા છે કે આ દિવસ યૂનાની સભ્યતાની દેન છે. આ સંબંધમાં એક લોકકથા છે કે એક માણસ પોતાને તીસમારખા સમજતો હતો તે માનતો હતો કે સર્વ કાર્યો કરવા તે જ કુશળ છે. તેથી તે અતિ અહંકારી બની ગયો હતો. તેના આ અહંકારને ઉતારવા માટે તેના મિત્રોએ એક દિવસ કહ્યું કે આજે સવારે ગામ બહાર રહેલ પહાડની ચોટી ઉપર એક સંત આવવાના છે તેઓ સર્વે ભક્તજનને પારસમણિ આપવાના છે જેથી કરીને સર્વે ભક્તો ઘણું બધુ ધન મેળવી શકે. તે માણસ પોતાના મિત્રોની વાત સાંભળી વિચારવા લાગ્યો કે હું સવારે તે પર્વત પર જવાને બદલે રાત્રીના સમયે જ જઈને બેસી જાઉં જેથી કરીને સૌથી પહેલા સંત મને જુએ ને સૌથી પહેલો પારસમણિ મને મળી જાય. આમ વિચારી તે માણસ રાત્રીના સમયે પહાડની ચોટી પર જઇ બેસી ગયો અને સવારની પ્રતિક્ષા કરવા લાગ્યો. બીજે દિવસે સવાર થઈ પણ તે સંત ન આવ્યા આથી તે વિચારવા લાગ્યો કે કદાચ સંતને મોડુ થઈ ગયું છે તેથી તે ત્યાં બેસી રહ્યો સવારની બપોર થઈ સાંજ થઈ રાત પડી પણ સંત ન આવ્યા બીજે દિવસની પણ સવાર પડી પણ સંત ન આવ્યા તેથી તે ચોટી પરથી ઉતરી પોતાને ઘેર આવ્યો અને મિત્રોને કહ્યું કે શા માટે તમે બધાએ મને તે પહાડની ચોટી પર દોડાવ્યો? ત્યારે તેના મિત્રો તેની મજાક કરી હસવા લાગ્યાં. આ દિવસથી યૂનાનમાં કહેવત પડી કે “પારસમણિ લેવા કાંઇ પર્વત પર ન જવાય એ તમારા નસીબમાં હોય તો ઘેર બેઠા પણ તમને મળી જાય.” અને આજ દિવસથી મૂર્ખ દિવસ ઉજવવાની પણ પ્રથા પડી.
૧૫૦૮ માં એક ફ્રાન્સીસી કવિએ એપ્રિલ ફૂલનો અર્થ એપ્રિલ ફિશ તરીકે ઓળખેલો હતો, ૧૫૩૯ માં અન્ય એક કવિ એ પણ એપ્રિલફૂલ ડે વિષે લખેલું હતું. ૧૬૮૬ માં બ્રિટનમાં મૂર્ખોનો પવિત્ર દિન ફિસ્ટ ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો.૧૬૯૮ માં બ્રિટનના “ટાવર ઓફ લંડન” માં ઘણા લોકોને કાર્ડ મોકલવામાં આવ્યાં હતા જેમાં ટાવર ઓફ લંડનનાં સિંહોને ધોવાની સેરેમની જોવા માટે આમંત્રણ અપાયું હતું. આ આમંત્રણ કાર્ડ વાળા લોકો જ્યારે ત્યાં ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમની સાથે પ્રેન્ક થયો હતો. આ સદીઓ પછી એટ્લે કે ૧૮ અને ૧૯ મી સદી સુધી એપ્રિલફૂલની આ પરંપરાને આગળ વધારવામાં થોડે ઘણે અંશે ન્યૂઝપેપરો અને રેડિયો એ પણ ભૂમિકા ભજવી હતી.
આજે આપણે આપણા રોજની માથાકૂટ કે સમસ્યાથી છલોછલ ભરેલી જિંદગીમાં જે પળ બે પળ મજાક કરીએ છીએ તે એપ્રિલ ફૂલ છે અહીં શરૂઆત ભલે કોઈને મૂર્ખ બનવાની કથાથી થઈ હોય પણ પ્રયાસ સારો છે બીજાના જીવનમાં હાસ્યનો ઉમેરો કરવાનો પણ આપણે આપણી આદત મુજબ ફળાહારને ફરાળ કર્યું અને મજાકને ભડાસ કરી નાખ્યું છે..ઘણી વાર આપણે ન કાઢી શકતા હોય તેવી ઈષાઓને આવા કોઈ દિવસના નામે કરીને કાઢી નાખીએ છીએ કશુંક બહાર નીકળે ત્યાં સુધી વાંધો નથી પણ અંદર દબાવી રાખવું મુંઝારો કરે છે..ખરેખર નથી લાગતું કે બે મહિના બાદ એક દિવસ રાખવો જોઈએ ખુલ્લીને મજાક કરવાનો ? હૈયાની અંદરના કેટલા વિષાણુને તમારા શબ્દની ઉષ્મા જોવે એ બહાર આવે પછી ધીરે ધીરે શમી જાય..!
એકવીસ દિવસના લોકડાઉન દરમિયાન ઘણા ઘરોમાં ઝઘડા થતા હશે કોઈ આર્થિક કારણોથી તો ક્યાંક બાળકોને કારણે ક્યાંક વધુ પડતાં લાડથી તો ક્યાંક વધુ પડતી આળસથી ક્યાંક વધુ સ્નેહથી તો ક્યાંક સતત ચાલતી અવગણનાથી એની વચ્ચે એપ્રિલ ફૂલ આવ્યું છે મનની વાતને હાસ્યમાં મૂકીને ખુલ્લી જાઉં થોડું ખીલી જાઉં અને એકમેકને તક આપો મજાક કરવાની અને પોતાની જાતને તક આપો મજાક બનવાની પણ જો ધીરે ધીરે નીકળી જશે તો આ વિષ બનતું અટકી જશે માત્ર એપ્રિલ ફૂલના વિશ સુધી સીમિત રહેશે..!
લોકડાઉન થઈ ગયું છે આપણું જીવન અને જીવન વ્યવહાર પણ કદાચ એ જ ઇચ્છનીય પગલું છે.. ઘણાં બધા ઘણી બધી નીતનવી વાતો કરે છે..આમ થશે તેમ થશે..કોઈ એક દિવસ પૃથ્વીનો વિનાશ થઈ જશે..વગેરે વગેરે વગેરે.. આપણે ક્યારેય એમ કેમ નથી વિચારતા કે જો મૃત્યુની તારીખ ખબર પડી જાય તો કેવું સારું ! જેમ આપણે કોઈ નવા જીવના આગમનને ગોદભરાઈથી ઉજવીએ છીએ એમ કદાચ મૃત્યુનો પણ કોઈ પ્રસંગ આવત..દુઃખ જરૂર થાત પણ આપણે આપણી ઘણી બધી ઈચ્છાઓને મરતા પહેલા જીવી લેત..ઘણી બધી મૂર્છા અવસ્થામાં જીવતી લાગણીને તરોતાજા કરી લેત.. અજાણતાં થયેલી ભૂલો અને જાણી જોઈને તોડેલા સંબધોને ફરી સુધારી લેત..હવે હું જવાનો/જવાની છું એ વાતનો અફસોસ ઓછો અને અવસર અનેરો લાગત… આ વાત થઈ એ વિષય પર કે જો કહેવાતી વાતો પરથી પૃથ્વી નાશ પામે તો શું થાય..હાલની પરિસ્થિતિમાં..!
Please care karona
હવે વાત કરીએ કોરોના વાઇરસ પર આ વાઈરસની વિગતો બહુ જ બધી જગ્યા પર ઉપલબ્ધ છે આંકડાઓ સાથે.. આપણે એની વાત નથી કરવી આપણે આપણી અંગત વાત કરવી છે..વાઇરસ શરીરમાં ન આવે એટલે આપણે ઘરમાં રહેવાનુ છે..માન્યું કે આપણને ઘરે બહુ લાંબો સમય નહિ ગમે પણ જો કંઈક કામ શોધી લેશો તો મળી જ જશે ઘરે રહેવાનું બહાનું…આજકાલ સોશીયલ મીડિયા પર નવી નવી નેવુંના દાયકાની રમતો જોવા મળે છે લોકો પરિવાર સાથે માસ્ક પહેરીને ફોટા મૂકે છે લોકો એકબીજાને મદદ કરવા આગળ વધ્યા છે સરકારને બને એટલો સહકાર કરે છે..પશુ પક્ષીઓનો અને ગરીબ વર્ગનો વિચાર કરે છે..નવી નવી ડિજિટલ રમતો અને ટાસ્ક શોધે છે નવું વિચારે છે…ક્યાંક સાંભળ્યું હતું કે જે થાય તે સારા માટે કંઇક ખરાબ થાય તો તેમાં પણ સારું છુપાયેલું છે..
આ સારું તો છે કે આપણે જાણ્યું કે આપણા દેશમાં કેટલી એકતા છે ભલે એ બીમારીને ન થાય તેની બીકથી હોય કે કોઈ વ્યક્તિના શબ્દોથી..
અા સારું તો છે કે આપણે બહાર નથી જઈ શકતા એટલે આપણે આપણી અંદર જઈ શકીશું આપણી જાત સાથે એક ગોષ્ઠિ કરી શકીશું.
આ સારું જ છે કે દરરોજ સવાર થી સાંજ સુધી કામ પર સવાર થતો માણસ પોતાના પરિવાર સાથે રહી શકે છે એનું પરિવાર કેમ જીવે છે તે અભિવ્યક્તિને માણી શકે છે..( ખાસ કરીને મહાનગરીઓમાં)
આ સારું જ છે કે આપણે એક રોગને ભગાડવા એકબીજા સાથે અધડાવાનું બંધ કર્યું છે..આ પેલા જેવું છે “આપસ મેં હમ તુમ ભલે દુશ્મન હો પર હમદોનો કા દુશ્મન જો હો વો કટ્ટર દુશ્મન હૈ હમારા”
આ સારું જ છે કે આખો દિવસ ઘરે રહ્યા પછી એક ગૃહિણીની અને એના કામની કદર થાય છે.. ઘણાં ઘરોમાં કોઈ પુરુષે પહેલી વાર બટેકાની વેફર બનાવી હશે.😆
આ સારું જ તો છે કે તમને તમારા બાળક સાથે ફરી બાળપણ ઉજવવાનો એક ચાન્સ મળ્યો છે..તમે માત્ર એટીએમ નથી તમે એના વિચારોનું એન્ટેના છો તે સાબિત કરવા મળ્યું.
આ સારું તો છે કે તમને થોડો આરામ કરવાનો સમય મળ્યો છે..વર્ષોથી કટકી કરેલી ઊંઘનો હિસાબ મેળવી શકાશે..
આ સારું તો છે કે તમને તમારી સાથે મિટિંગ કરવાનો મોકકો મળ્યો છે નહિતર હંમેશા ઉપરછલું સેટિંગ કરીને તમારી જાતને દબાવી દો છો અને એના ખરા વ્યક્તિત્વને હળવાશથી ઉડાડી દો છો..
આ સારું જ તો છે કે તમે તમારા ગમતાં પુસ્તકની સુગંધમાં અને એના લખાણમાં તરબતર થઈ શકો છો..
આ સારું તો છે કે વર્ષોથી ફેવરિટ લીસ્ટ બનાવેલ ગીતો વાળા પેલા પ્લેલિસ્ટને નિરાંતે સાંભળી શકો છો.. કેટલાક જૂના પિકચરોને ફરી જોઈ શકો છો..
આલ્બમ ખોલીને ભૂતકાળ હાથમાં નિહાળી શકો છો એકમેકની વધુ નજીક આવી શકો છો..
આ બધું કદાચ વધુ પડતું લાગે અથવા એવું લાગે કે બહાર મહામારી છે અને આણે આ શું માંડ્યું છે..! સરકારનો અને બીજા ઘણા બધા સેવકો રક્ષકોનો આજ પ્રશ્ન છે કે દેશની કેટલીક જનતા એ આ શું માંડ્યું છે..? વારંવાર સૂચના મળવા છતાં આપણે શું કામ બહાર ફરીએ છીએ ? આપણે કોઈને કંઈ જ મદદ ન કરી શકીએ પણ કમસેકમ એક વસ્તુ તો કરી શકીએ કે શાંતિથી ઘરે જીવી શકીએ પોલીસનો કાફલો માત્ર તમને રોકવા માટે નથી એની પાસે કામ છે એને પણ પરિવાર છે તેમ છતાં એ કામ કરે છે તો એની સાથે થોડી અનુકળતા અને સમાયોજનભર્યું વર્તન કરીએ..મેડિકલ ઓફિસર..નર્સ..વૈજ્ઞાનિક.. મનોવૈજ્ઞાનિક તમામ આરોગ્ય વિભાગ જે સેવા માટે રાતદિવસ ઉપલબ્ધ છે તેને આપણા યોગ્ય નિયમોના પાલનથી એક સલામ આપીએ.. આપણે ખરેખર સામાજીક પ્રાણી છીએ એ સાબિત કરીએ..ઘરે રહીને મદદ આપીએ અને એકબીજાથી દૂર રહી સાથે ચાલીએ કોરોના જતો રહેશે પણ આ સમય દરમિયાન વીતેલી યાદો ખૂબ સુંદર લાગશે..અને આપણા યોગ્ય વર્તનનો દાખલો આપણી નવી પેઢીને આપી શકીશું..!
ઇટલીમાં ધડાધડ મૃત્યુ પામતા લોકો..હમણાં જ સમાચાર મળ્યા કે ચાર વર્ષે એકવાર રમાતી ઓલમ્પિક પાછળ ધેક્લાઈ.. કેટલાય લોકોએ પોતાના બધા પ્લાન બદલ્યા કે જેઓ બહુ મોટી પદવી પર છીએ..અને માફ કરશો આપણે કોઈ એટલે કોઈ એવું તો નથી જ કે જેના વગર દુનિયા અટકી પડે..હા પણ જો સાવચેતી નહિ રાખીએ તો આપણા કારણે દુનિયાને જરૂર તકલીફ આપીશું એ વાત સાચી છે..કેટલા બધા સેલિબ્રિટી એ પોતાના ઘરે કામ કરતા કર્મચારીને ઘરે રહેવા વિનંતી કરી..પોતે કામનું આયોજન કરે છે..આ બધું લખવાનો એક માત્ર ઈરાદો છે કે ગંભીર બનો..નહિ તો કોરોના આપણને હતાં નહોતા કરી નાખશે.. આપણે ૧૩૦ કરોડ લોકો છીએ આને સાચવવા દેશમાં સલામત રાખવા માટે જે સૂચન મળે છે તેને પાળીએ..!
બ્લોગ લખતાં પહેલા મેં લોકોના વિચારો પૂછ્યા હતા તેમાંથી એક નર્સિંગની વિદ્યાર્થિની એ કહ્યું કે મને અફસોસ થાય છે કે અમારી અત્યારે ખાસ જરૂર છે ત્યારે અમે હોસ્પિટલમાં સેવા નથી આપી શકતાં કેમકે હજુ અમે વિદ્યાર્થી છીએ એટલે..પણ એ એમની ધગશ સાથે નજીકના ભવિષ્યમાં સારી સેવા આપશે જરૂર આપશે..બાકી બધા લોકોના વિચારો મેં ઉપરની વાતમાં વણી લીધા છે..
હજુ કંઇક કહેવું હોઈ તો કમેન્ટ કરો…શાંતિથી ઘરે રહો..ઘર એ ધરતીનો છેડો છે આપણે કોરોના સાથે જો છેડો ફાડવો હોય તો ઘરે રહો..જીવવું હોય તો ઘરે રહો..બસ અત્યારે માત્ર ઘરે રહો…!
अब नहीं कोई बात खतरे की अब सभी को सभी से खतरा है -जौन एलिया
ઘણી વખત નહિ આમ તો મોટે ભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે કોઈની અપેક્ષા રાખીએ છીએ એ જ સૌથી મોટી ભૂલ છે જો અપેક્ષા જ ન હોય તો દુઃખ આવશે જ નહિ પણ ખરેખર એવું બને ખરું ?
મૃદુલા અને મોહનની આ વાત બંન્ને પતિ પત્ની બન્યા તે પેહલા ચાર વર્ષથી પ્રેમી હતા બધું બરાબર ચાલતું હતું અને પછી ધીરે ધીરે એમ કહી શકાય કે ચલાવવામાં આવતું હતું. બંનેના લગ્નજીવન ના શરૂવાતના તબક્કામાં બધું ઠીક ચાલતું હતું..પણ કોઈ સમય એવો આવ્યો કે જ્યાં બંને એકમેકથી રિસાયેલા હતાં અને આમાં સંબંધ મચકોડાય જાય..બંને છૂટા પડ્યા અને બે વર્ષ પછી ફરી મળ્યાં અચાનક ત્યારે દબાયેલી લાગણી અને મજકોડાય ગયેલા સંબંધ પર હળદર લગાવવાનો એક મોક્કો મળ્યો બંને એ એકમેકના મનની વાત ખોલીને મૂકી ત્યારે સમજાયું કે આપણે વધુ અંગત થવામાં એકમેકની સંગત ખોઈ બેઠા..વાતમાં અર્થની બદલે આરોપ શોધવા લાગ્યા હતા અને વધુ જાણવામાં જાની દુશ્મન બનીગયા હતા.
પ્રેમરૂપી છો એટલે જ આરોપી થતાં થતાં રહી જાઉં છો બાકી દોષો તમારા પણ ઓછા નથી.
આપણે ઘણા દંપતીમાં આ વસ્તુ જોઈ છે કે જેનો ચેહરો જોઇને સવાર પડતી હોય એ ચેહરાને આપણે નજીક કે દૂર દૂર સુધીના ભવિષ્યમાં જોવાની અનિચ્છા દર્શાવીએ છીએ..આવું કેમ થતું હશે ? એનું કારણ છે કે એકદમ નજીક કેમેરાને લઈ જવાથી ફોકસ હટી જાય છે..ધૂંધળું અને અસ્પષ્ટ દેખાય છે..આ અસ્પષ્ટતા માનસિક અંતર વધારે છે અને પછી સંબધોમાં દીવાસળી ચપાય છે..મૃદુલા અને મોહન સાથે પણ આવું જ થયું પણ સમયે એમને સમય આપ્યો અને એ સમયે એવી સમજણ પણ આપી કે બંને એકબીજાને સમજી શકે..બધાને આ તક મળતીનથી.
દરેક વ્યક્તિ (પ્રાણી) કશુંક ઝંખે છે તમારી પાસેથી મોટેભાગે તે સકારાત્મક લાગણી હોય છે આ લાગણીમાં વધઘટ એ પ્રેમને નિષેધક સહસંબંધમાં ફેરવી શકે છે..! આ વધઘટના હિસાબો કરવા કોઈ માર્ચ મહિનો ફિક્સ ના હોય જે થઈ શકે તે સમયે કરી નાખવું નહીં તો હાલત ખરાબ થઇ શકે આપણી અને આવી લાગણીઓની પણ..
શેરબજાર જેવું જ છે આ, અહીં ક્યારે શું ગબડી પડે કંઇ નક્કી નથી.. સંભાળીને ચાલજો..એટલું જોઈ લેવું કે કોરોના જેટલો હાનિકારક છે તેટલું આપણું વર્તન તો કોઈને હાની નથી પહોચાડતુને ?
જીવનની ખાટી મીઠી વાતો દર્શાવતું અને વાસ્તવિકતાને વધુ વ્યવસ્થિત રીતે દર્શાવતું એક ગુજરાતી ચલચિત્ર..જે વિરલ શાહ અને અમાત્યા ગોરડિયા ની કલમે લખાઈને સોલ સુત્રા પ્રોડકશનની મદદથી 28 ફેબ્રુઆરી 2020 ના રોજ રીલિઝ થયું છે…જે વરુણ નારવેકર દ્વારા લખાયેલ મુરબ્બા મરાઠી ચલચિત્ર નું રીમિક વર્ઝન છે.
આ આજે આ ચલચિત્ર – ફિલ્મ કે મુવિની ચર્ચા આપણા માનસ અને માનવ વર્તન ને સમજવાના સંદર્ભમાં કરીએ તો..
એક પુરુષ અને સતત જીતતો અથવા તો એમ કહીએ કે કોઈને કોઈ ઉપલબ્ધિ હાંસલ કરતો હોય એ જ્યારે વાસ્તવ જીવનમાં મુકાય ત્યારે એક ડર સાથે તે પગલાં પાડે છે.. અને આ ડર ની સાથે હંમેશા સંતાકૂકડી રમે છે અથવા તો એ એમ સમજે છે કે હું જ્યાં સુધી કોઈને કહીશ નહિ ત્યાં સુધી કોઈને ખબર નહિ પડે કે મને ડર લાગે છે..
હારી જવાનો ડર.. બીજા સામે ઉઘાડા પડી જવાનો ડર.. અસફળતાનો ભોગ બનવાનો ડર.. રીજેકશનનો ડર.. પ્રેફેક્ટ ન બની શકવાનો ડર.. બીજા ત્રીજા નંબર પર પછડાવનો ડર..
આ બધાં ડરથી એ એમ ભાગવાનો પ્રયાસ કરે છે જેમ કોઈ માણસ પોતાના પડછાયાને સંતાડવા મથતો હોય..!
પણ એ શક્ય તો નથી આ ડર તો ઘર કરી જ ગયો હોય છે પણ એની સાથે સાથે એક અહમ્ પણ ઉભો થાય છે અને સંબધો ને ઉઘય બનીને કોરી ખાય છે..
બે વર્ષનું રીલેશનશીપ..માતા પિતા સાથેની વાતચીત આ બધી જ જગ્યા પર ગેરસમજ ઊભી થાય છે..
પોતાના ડરને ઢાંકવા તે ઘણાં બધા લોકોની ભૂલોનો ધપ્પા કરે છે અને અંતે ધાપ્પા હેઠે એક પછી એક સંબધ દટાય છે..
ભૂલ સમયસર સમજાય તો સમાધાન થઈ શકે નહિ તો શોક જ મનાવો પડે..
આજની પેઢીને નવી સમજને જૂની પેઢીએ જેટલી સરળતાથી સ્વીકારી છે તેવી સરળતા કદાચ આ પેઢીમાં નથી આ વસ્તુને પણ નાની નાની વાતોમાં ફિલ્મમાં વણી લેવામાં આવી.
આ ઉપરાંત એક આર્થિક સામાજિક પરિસ્થતિ વચ્ચે એક મધ્યમ વર્ગીય પુરુષને પણ બતાવ્યો..એક ગૃહિણી અને એક માં કેવી હોય તેનું પણ અંકન કર્યું.
સંબધોમાં આટલી નિકટતા હોવા છતાં પણ આપણે આપણી આત્માને નિર્વસ્ત્ર કરીને બીજાની સામે મૂકી નથી શકતા અને એકલા એકલા લડત આદરી દઈએ છીએ.
સાથે સાથે આજની પેઢી પોતાના પાત્ર પ્રત્યે તેના કરિયર કેટલી સહાયક હોય છે તે પણ દર્શાવ્યું છે..!
પુરુષના અહમના કારણે ઘણી બધી વખત આખેઆખો સંબંધ ખરાબ થઈ જતો હોય અને જેનો ભોગ ઘણાં બધા લોકોને બનવું પડતું હોય છે..આ વાત પણ સુંદર રીતે આલેખી છે..!
કેટલાંક સ્પર્શી ગયેલા ડાયલોગ
મારા Male-ego મારી લઈ નાખી છે…!
આજે તારી સામે નાગો થવા આવ્યો છું..!
ગુસ્સામાં આપણે ખાલી સાંભળી (Hear) પણ સાંભળતા (listen) નથી..!
સંબંધો અને ગાડી બંન્ને બગડે એને રિપેર કરતાં રહેવાનું…!
પપ્પા તમને ખબર છે નાનીના ઘરે જતી બસમાં જાદુ થાય છે બહુ ઉમળકા સાથે ભઈલું બોલ્યો.
પપ્પા હસતાં હસતાં કહે અચ્છા શું જાદુ થાય છે ? બસના ટાયર ગોળ ફરે અને બસ ચાલવા લાગે એ ? કે બીજું કંઈ ?
અરે ના ના પપ્પા મમ્મી બદલાય જાય છે..! પપ્પાને સમજાવતા ભઈલું બોલ્યો.
અને પપ્પા બધું સમજી ગયા હોય તેમ સ્તબ્ધ થઈ ગહન વિચારમાં ચાલ્યા ગયા.
तन के भूगोल से परे एक स्त्री के मन की गाँठे खोलकर कभी पढ़ा है तुमने ~निर्मला पुतुल
આ એક નાની એવું નિરીક્ષણ પણ આ કરવા જેવું ખરી કદાચ દરેક રિક્ષા, બસ,ટ્રેન , પ્લેન કે કોઈ પણ વાહન જેમાં બેસીને સ્ત્રી પિયર તરફ જતી હશે એમાં જાદુ થતું હશે.
એક એવું જાદુ કે જ્યાં જવાબદારીઓ,કડાકૂટ, માથાકૂટ,સમયના બંધનની અદલાબદલી થઈ જતી હશે.
એને સવાર વહેલાં ઉઠીને દૂધવાળા પાસેથી દૂધ લેવાનો ખટકો નહિ હોય કે સસરા ને સમયસર ચા સાથે છાપું આપવાની ઉતાવળ નહિ હોય..સંતાનને શાળાએ પોહચાડવાની હાડમારી નહિ હોય કે સાસુ માટે સુગર ફ્રી વાનગીઓ બનાવવા માં અને પતિનું ટિફિન તૈયાર કરવાની દોડધામ નહિ હોય..
આ જાદુ જ તો છે તમે કોઈ સ્ત્રીની દિનચર્યાને નરીઆંખે કે સુક્ષ્મદર્શક યંત્ર મારફતે જોઈ હશે તો તમને જરૂર સમજાશે કે ખરેખર પિયર અને સાસરીમાં સ્ત્રી અલગ હોય છે.
આ સ્ત્રીનું દોગલું વર્તન નથી પણ આ એ વાતની પ્રતીતિ છે કે કોઈની દીકરી અને કોઈની પત્ની બનવાની ભૂમિકા તે બખુબી નિભાવે છે..!
એનાં જીવનમાં આવેલા બદલાવ સાથે એને એટલો લગાવ હોય છે કે એને બહુ વધુ સમય એના પિયરમાં રહેવું નથી ગમતું..તેના વિચારો અને વ્યવહાર પિયારપક્ષી ઓછા અને સાસરીપક્ષ તરફ વધુ ઝૂંકેલા હોય છે..!
કેટલીક એવી સ્ત્રીઓ હોય છે જે પિયર જવામાં પોતાના સામાન સાથે સાત આઠ દિવસ સુધીની થોડી ઝાઝી રસોઇ કે નાસ્તા પણ તૈયાર કરતી હોઈ કે એની ગેરહાજરીમાં બધાને કોઈ તકલીફ ન પડે..!
આજની નોકરી કરતી સ્ત્રી હોય કે ઘરને સજાવતી સ્ત્રી હોય તે જ્યારે પણ પિયર જાય છે જે પણ વાહનમાં જાય છે તેમાં જરૂર જાદુ થતું જ હશે એટલે જ આમ તે એક ઘરથી બીજા ઘર સુધી પોહચતાં જ જવાબદારી શૂન્ય અને બિન્દાસ થઈ જતી હશે..!
Do pal ka joban Do pal ki kholi Boondon saji hai Chunar meri choli
Ufan kare chali main Sagar se milne Lekar ke thodi si Tirchi dagariya
~swadan kirkire
આપ પણ જો જો વેકેશન નજીક છે મુસાફરી કરવાની થાય તો આસપાસ નજર કરવાની કે..જાદુ તો નથી થતું ને તમારી બસમાં..😇
તું તો બહુ છાનું રાખે છે..અમારાથી બધું..આપણી ઘણી બધી દીવાલો પર આપણે ચણતર કરીને પાણી છાંટી દીધું હોય છે એનાં પર ચૂનો લગાવો કે કલર કરવો આપણે યોગ્ય સમજતાં નથી..એટલે જેવા છે તેવાં જ સ્વરૂપમાં અપનાવીએ છીએ..વળી કેટલીક દીવાલો બહુ છુપી હોય છે જેને આપણે સંતાડી અને સાચવીને રાખી મૂકતા હોઈએ છીએ..જેના પર કોઈ કોઈ વ્યક્તિનો જ હાથ ફરતો હોય.. એ દીવાલ પર ઉઝરડાં અને પીડાની તિરાડો હોય છે..આના પર રૂઝ આપવાનું કામ એવી વ્યક્તિ કરે કે જેને પીડાને પ્રેમ કરતાં આવડતું હોય એને વેદના સાથે સંવેદના હોય..એને દર્દ સાથે દોસ્તી હોય તમારી સાથે આત્મીયતા હોય.. એ તમારામાં છૂપાયેલી એ હિડન દીવાલની તિરાડોને કડીયારું પૂરવા નીકળેલા કુંવારિકાની જેમ પૂરશે..અંદર પડેલા ઘા પર રાહત આપશે અને આથી જ તમને એની સામે આ હિડન દિવાલને ખોલવામાં ઝરા જેટલો પણ સંકોચ નહિ થાય..!
એક છોકરાની આ વાત આખા ફોનને પાસવર્ડ થી સિક્યોર રાખવાની તેને ટેવ હતી..તેના જીવનમાં તેની પ્રિયશી આવી તેણે આ જોયું તેને લાગ્યો કે એવું તો શું છુપાવવાનું હશે ? બંનેના સંબંધમાં સ્નેહ વધુ અને શંકા ઓછી હતી એટલે વાતચીતની અનુકૂળતા થઈ શકી..છોકરાએ કહ્યું કે મને આમ બધાની સામે ખુલ્લી જવું નથી ગમતું..બધા જે કંઈ મારા ફોનમાં જોવે છે તેનું કેવું અર્થઘટન એ બધું મારા હાથમાં નથી પણ મારા તરફથી તો હું કાળજી રાખી શકુને એટલે હું પાસવર્ડથી કેદ રાખું છું જેમ આપણા ઘરમાં આવતા પેહલા ડોરબેલ વગાડીને કોઈ આપણી પરવાનગી લે છે અને થોડી રાહ જોવે છે દરવાજે અને પછી પ્રવેશે છે તેમ મારી લાગણીઓ કે લાગણીઓથી કેદ છબીઓને કોઈને જોવી હોય તો એમને થોડી રાહ જોવી જ પડે અને મારી અનુમતિ સાથે એને પ્રવેશવું જોવે આવું મારું માનવું છે..તેની પિર્યશી કહે છે કે દરેક જગ્યા પર પાસવર્ડ ન રાખી શકાય પણ એવું જરૂર કરી શકાય કે કોઈ સંબંધ નું નિર્માણ જ એમ થાય કે તમારે આવું કંઈ કરવું ના પડે દરેકને એક ઉંબર ઓળગવો કે નહિ તેની મંજૂરી આપણે જ આપતાં હોઈએ છીએ કોઈ કશુંક જાણી જાય પછી આપણે સમજવાનો પ્રયાસ કરીએ વર્ડ્સ પાસ કરીએ અને કાં તો એવી બધી સંભવાનાઓ રચીએ છીએ કે કોઈ કશું જાણે નહિ..પણ આપણે ક્યાંક સંબંધની અંદર વિશ્વાસનો પાસવર્ડ નથી રાખી શકતા..આગળનું વિચારવામાં અત્યારનું નથી વિચારી શકતા.બધું સીક્યોર કરવામાં આપણે ક્યોર કરવાનું ભૂલી જતાં હોઈએ છીએ..અને હીડન કરવામાં આપણે હાઇડ કરીએ છીએ અને રાખીએ છીએ આપણી સંવેદના અને વેદના..!
તને પાસવર્ડ રાખવો કે ન રાખવો એ તારી મરજી પણ તને મારી સામે અને મારી સાથે અનુકૂળતા રહે તેની હું હંમેશા સંભાળ રાખીશ..કશુંક વાગ્યું હોય તો એને ઢાંકીને રખાય..એમ જ લાગણીના ઉઝરડાંને પણ ખુલ્લા ન મુકાય પણ એને કોઈની સામે સારવાર અર્થે તો ખોલવા જ રહ્યા..!
બીટ ઓફ ડે : ઘણું અંદર ધરબાયેલું છે..વાતો મોટી મોટી કરીને એમાં છુપાયેલું છે..બોલ્યા વગર ઘણું કહ્યું છે..જે કોઈક કોઈકને સંભાયેલું છે..!
મને યાદ છે કે ગરમીની સિઝનમાં રાહ જોવાતી કાચી કેરીઓ પર મીઠું મરચું લગાવીને ખાવાની,ફિર્જના ડીપ ફિરિઝરમાં દ્રાક્ષ મૂકીને ખાવાની,ગરમીથી બચવા નથનવા જુગાડ અજમાવવાની, સંબધીઓના ઘરે રોકાવા જવાની, કેટલીય રમતોને સાચવીને રાખી હોય તેને માળિયામાંથી કાઢવાની, ભાગદોડ ભરી જિંદગીમાંથી થોડો આરામ પણ કાઢી લેતાં. કોઈને બાળપણ વિશે કંઇક પૂછવામાં આવે એટલે એના ચેહરા પર એક મીઠડું હાસ્ય સ્ફુરી ઉઠે..બાળપણના વિચારોના વાદળ નીચે તે ભીંજાવા લાગે કેટલી મોટી તિજોરી હશે અજ્ઞાત મનમાં કે જ્યાં આખેઆખું બાળપણ અને એની અસંખ્ય યાદો ગોઠવાયેલી છે…!
કેટલા લોકોએ પોતાની સવાર આસપાસના ઘરોમાં ટીવીમાં નથનાવા કાર્યક્ર્મ જોવામાં , કાર્ટુન જોવામાં કે ધીંગામસ્તી કરવામાં વિતાવી હશે..બપોર પડતાં એમની મમ્મી આખી શેરીમાં શોધવા નીકળતી હશે કે આ મારું તોફાન કોના ઘરમાં અત્યારે તોફાન કરતું હશે.. જરાં શોધીને એને જમાડી લઉં…
બપોરના ઉતરાર્ધમાં એક આખી મેહફીલ જામે..વિડિયો ગેમની.. આતુરતાપૂર્વક રિમોટ હાથમાં આવવાની રાહ જોવાતી હોય..લેવલ કિયર કરવામાં વર્લ્ડ કપની જીતિયા જેવી ખુશી મળતી..સૂરજદાદાનો તાપ ઓસરે એટલે ચોગાનમાં ગલ્લી ક્રિકેટ ,કુંડાળા,સંતાકૂકડી,સાંકળ, નારગેલિયો,ડબ્બા આઈસ પાયસ આવી કેટલીય રમતો શરૂ કરવાની..રમતની અંદર ચોક્કસ નિયમો અને કોણ દહીં દૂધમાં રેહશેે તે નક્કી થાય અને ધમાલ શરૂ થાય..!
સાંજે થાકીને લોટપોટ થઈને ઘરે આવીએ અને વાળું પાણી પતાવી ફરી એક નક્કી કરેલા ઓટલે ભેગા થઈએ.. શેરીના દાદા દાદીમાંથી કોઈ એક રોજ વાર્તા સંભળાવે કે પછી એમની યાદોની વર્ષા કરે…
આ વેકેશન હતું..
અને આજે પણ વેકેશન આવે છે..જેમાં મોટી મોટી હોટેલમાં જવાનું..મોલમાં શોપિંગ કરવા જવાનું..ગેમઝોનમાં ગેમ રમી મજા લેવાની અને કોઈ ટુરિઝમ પેકેજ બુક કરીને ફરવા જતું રેહવાનું..ઘરની અંદર આવતા જ ટીવી અને ફોન લઈને સ્થાન લઈ લેવાનું બધી જ ગેમ રમવાની પણ વરચ્યુલી..આંખોમાં ઉત્સાહ નહિ પણ સતત સ્ક્રીન જોયાનો થાક ભરાય અને અંતે સૂઈ જવાનું..
આ બધા આભાસોનો સામનો કરી એને આછાં નથી કરતાં પણ આપણે એક પછી એક નવા આભાસ એના પર ડાંમીએ છીએ..ગુજરાત સરકારે વેકેશનના સમયગાળામાં ફેરફાર કર્યો..
આપણે આપણું જીવન એક આભાસમાં જીવી રહ્યા છીએ કદાચ..કે આપણે પૈસાદાર છીએ..આપણે ખુશ છીએ.. આપણી પાસે બધું જ છે..આપણને બધું જ આવડે છે..હું સક્ષમ છું..મને કોઈ દુઃખ નથી..
આપણે આપણા વેકેશન ગાળવા અને માણવામાં પણ પરિવર્તન કરી શકીએ તેવું સંભવિત છે ????
આમ થાય તો કદાચ આગળ પણ આ સુરદર્શન ફાકિર ની આ રચના ગવાતી રહેશે…
ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो भले छीन लो मुझसे मेरी जवानी मगर मुझको लौटा दो बचपन का सावन वो कागज़ की कश्ती, वो बारिश का पानी
मुहल्ले की सबसे निशानी पुरानी वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी वो नानी की बातों में परियों का डेरा वो चेहरे की झुरिर्यों में सदियों का फेरा भुलाए नहीं भूल सकता है कोई वो छोटी सी रातें वो लम्बी कहानी
कड़ी धूप में अपने घर से निकलना वो चिड़िया वो बुलबुल वो तितली पकड़ना वो गुड़िया की शादी में लड़ना झगड़ना वो झूलों से गिरना वो गिर के सम्भलना वो पीतल के छल्लों के प्यारे से तोहफ़े वो टूटी हुई चूड़ियों की निशानी
कभी रेत के ऊँचे टीलों पे जाना घरौंदे बनाना बनाके मिटाना वो मासूम चहत की तस्वीर अपनी वो ख़्वाबों खिलौनों की जागीर अपनी न दुनिया का ग़म था न रिश्तों के बंधन बड़ी खूबसूरत थी वो ज़िंदगानी
પ્રેમનો મહિનો એટલે ફેબ્રુઆરી એમ કહેવાય..પણ આ કહેવું ઝરાં મને ખટકે છે પેહલી વાત તો પ્રેમના મહિના ન હોય અને હોય તો પણ આ સૌથી ટૂંકો મહિનો તો ન જ હોય.
मैं इसलिए ख़ुदकुशी नहीं करता उसके महबूब को खुशी होगी -Idris Babur
આપણે કોને પ્રેમ કરીએ ? આપણાથી વિજાતીય જાતિ હોય તેને ? સુંદર હોય તેને ? પૈસાદાર હોય તેને ? આકર્ષક હોય તેને ? અમુક નક્કી કરેલા પેરામીટર માં બંધબેસતા હોય તેને ? નક્કી કરેલા વિસ્તારમાં રહેતી હોય તે વ્યક્તિને ? આપણી જ્ઞાતિ કે સમાજનો ભાગ હોય તેને ? આપણાથી નાના કે મોટા હોઈ તેને ??
આવાં ઘણાં બધાં પ્રશ્નો પર ચર્ચા થઈ શકે.
પરંતુ એક રીતે એમ લાગે કે આપણે પ્રેમ એને કરીએ છે જે આપણામાં ખૂટે છે એને પૂર્ણ કરે..સિગ્મંડ ફ્રોઈડ એ આપેલી બચાવ પ્રયુક્તિ માંથી એક છે તે ક્ષતિપૂર્તી.
પ્રેમમાં પણ કંઇક એવું જ છે…આપણી જાતને જે પૂર્ણ બનાવે તે પ્રેમ.. પ્રેમ તમને દેવદાસ કે કબિરસિંગ નથી બનાવતું..
પ્રેમ તો તમને ઈશ્વર (ઈશ્વર ફિલ્મ) અને લક્ષ્મીકાંત (પેડમેન ફિલ્મ) બનાવે છે..
“આ જગતમાં પ્રેમીઓ એવા ય આવી જાય છે,જે વચન દેતાં નથી તોય નિભાવી જાય છે.” – મરીઝ
કોઈ પણ પ્રેમી ખામીઓને ખોદી ખોદીને તમારી અંદર લઘુતાની લાગણીનું સવર્ધન નથી કરતાં પરંતુ તમારી ખામીઓની દીવાલ પર પોતાના પ્રેમના વાંટા કરીને બધાં ગાબડાં બુરી દે છે..એની લાગણી લઘુતાનું શમન કરે છે અને સ્વમાનને જન્મ આપે છે.
તે મને ફોન કેમ ના કર્યો ? તારાથી મને આમ કેહવાય જ કેમ ? તું બીજા સાથે વાત જ કેમ કરી શકે ? તારો ફોન બિઝી હોવો જ ન જોવે.. તારું ધ્યાન ફક્ત મારામાં જ હોવું જોઈએ.. મને જે ગમે છે તે તને ગમવું જ જોઈએ.. મારી માટે તારે બદલાઈ જવું જ પડશે..
આ બધી વાત હાલમાં કહેવાતાં સંબંધોમાં પ્રવર્તે છે..આવું જ રહ્યું તો આગળ જતાં એવું જરૂર સંભળાશે કે તે મને પૂછ્યા વગર શ્વાસ લીધો જ કેમ ?
પ્રેમમાં કોઈ તર્ક વિતર્ક નથી હોતા પણ પ્રેમમાં બુદ્ધિ કે સમજને નેવે મૂકીને કોઈને ઝંખવાનું શરૂ નથી કરી દેવાનું..
પ્રેમીને જોઇને ગાલ ગુલાબી થવા જોવે પણ જ્યારે એને જોઈને એનું વર્તન જોઇને આંખો રાતી થવા લાગે ત્યારે વિચારવું કે શું ખરેખર હું પ્રેમમાં છું ?