Uncategorised

પ્રેમ : આવેગોનો ગુંચવાડો

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

                                                              -રમેશ પારેખ

એને ઇમોજી ગમે અને મને ઇમોશન..એને ક્રિયા ગમે અને મને પ્રક્રિયા, એને સંકેત ગમે અને મને શબ્દ, એને સાથ ગમે અને મને સંવાદ. ફેબ્રુઆરી મહિનો પૂર જોશમાં છે 7 તારોખથી Days શરુ થશે….રોઝ ડે થી વેલેન્ટાઈન ડે સુધી ચાલતો એક પ્રેમનો પર્વ.

બે પાત્રો અને તેમાં છુપાયેલી અસંખ્ય સંવેદનાઓ. બહુ બધા કપલ્સ સાથે વાત..બે આંખો મળે અને સંબંધને પાંખો ફુટે…અંકુરીત થતો સંબંધ મધમીઠો લાગે અને આગળ જતાં  એના મુળિયા વાગે. આંખોમાં આશા, ઉન્માદ અને હેતની જગ્યાએ રાતાશ અને લાલાશ જોવા મળે. પાન પીળુ થાય, સુર્ય લાલ થાય અને સંબંધ રાતો થવા લાગે તેમાં શંકાની વાતો થવા લાગે ત્યારે સમજવું કે અંત નક્કી છે.

ગરિમા નામની યુવતી ખુબ સરળ સ્વભાવની એક ઉગતી લેખક.. એને લખવું ગમે…અભિવ્યક્ત થવુ ગમે..બીજા સાથે વાતો શેર કરીને એને મજા આવે..લોકો સાથે રહીને એને એક ઉર્જા આવે..એની આંખોમાં એક ચમક હોય કાયમ માટે..ગરિમાને પ્રેમ થયો માધવ સાથે માધવ એટલે ઉભયમુખી જીવ.એને શેર કરવુ ઓછુ અને શાંત રહેવુ વધારે ગમે..એને લોકોને સાંભળવા અને માણવા વધુ ગમે..બન્નેનૂં ટયુનીંગ લગભગ બરાબર ચાલતુ પણ ઘણી વખત ગરિમા એક્લુ અને અતડુ ફીલ કરતી, એને હમેંશા રાહ હોતી માધવના પ્રતિભાવની, પણ માધવ એના સ્વભાવ મુજબ કોઇ નાની એવી ક્યારેક પ્રતિક્રિયા  આપતો અને ક્યારેક ભુલી જતો..ક્યારેક એને જરુરી જ ન લાગતુ.

ઘણો સમય પસાર થઈ ગયો એ પછી, ગરિમા અને માધવ એ જાણે એક સમજોતો કરી લીધો કે એકબીજાની અભિવ્યક્તિની કોઇ જરુર નથી, પ્રતિસાદ કે પ્રતિઉતર કે પ્રતિક્રિયાના અભાવમાં પણ સ્વભાવ શાંત રાખીશું.. ઘણા બધા પ્રયાસો અને એકમેકની અંગત સમજદારીથી આ કામ પાર પડયુ ઘણી વાર એવુ બનતુ કે માધવને શાંત રહેવુ હોય અને ગરિમાને વાત કરવી હોય, એકને અભિભુત થવુ હોય અને બીજાને અભિપ્રેત થવુ હોય…ક્યારેક ગુસ્સે થઈ જવાય તો ક્યારેક રડી પડાઈ, ક્યારેક સાથ છોડી દેવા સુધીનો પણ વિચાર આવે અને ક્યારેક એના વગર જીવનની કલ્પના સુધ્ધા ન થાય.. આઆખી પરિસ્થિતિમાં બન્ને એકબીજાને સંભાળી લેતા, ગુસ્સો ખમી જતા, ક્યારેક નમી જતા અને આમ કેટલાય વેલેન્ટાઈન નીકળી જતા હોય છે.

સ્ત્રી અને પુરુષની રચના જ નોખી છે એક છલકાવુ અને એકને મનમાં મલકાવું.. એકને પ્રારબ્ધ ગમે અને એકને વાત્સલ્ય.. એકને પ્રતિમા – પ્રતિભા વ્હાલી અને એકને ઉષ્મા અને ગરિમા.. એક્ની આંખો જલ્દી લાલ થઈ જાય અને એકની જલ્દી ભીની..બન્ને સાથે છે પણ ઘણી વિભિન્ન્તાઓ સાથે.. જે દંપતિઓ આ વાતને ધીરે ધીરે સમજી લે છે એને માટે કાયમ પ્રેમનો જ દિવસ હોય છે.

તારીખ યાદ ન રાખી શક્તો પુરુષ તમારા ચહેરા પર શેનાથી સ્માઈલ આવે એ તો  યાદ રાખી જ લેતો હોય છે.. પોતાના શરીરને મરોડ આપીને સાચવણી કરવાનું ભુલી જતી સ્ત્રી ઘરના ખુણે ખુણાને પોતાના મમત્વથી બાંધીને રાખવુનું ચુકતી નથી. સ્ત્રી અને પુરુષ જુદા છે એટલે જ આક્રર્ષક છે અને મજા પણ એમાં જ છે.

આપને આ પ્રેમનો મહિનો ફળે એવી શુભકામનાઓ

– હિરલ મહેશભાઈ જગડ ‘હીર’

   (ભાવનગર)

Uncategorised

જીવાયું નહીં

મનનું રાખવામાં તન કંઇ સચવાયું નહીં
તનથી મનને વઢ પણ દેવાયું નહીં
રોજ ઉગે અને આથમે છે એનો દિવસ
પણ આમ સુરજ બનીને ચમકાયું નહીં
 ઉપરી સામે ઉભા’તા મસ્તક નમાવીને
ખોટાંને ટાણે ખોટું કહેવાયું નહીં
આબરુના ધજાગરાની અટકાયતમાં
અંતરનું ચિરહરણ થતું રોકાયું નહીં
કાલે કંઇક સારું થશે એમ ધારીને
સાલુ ! આજમાં આજ જીવાયું નહીં
આશા અને ભાષાની ગુંચવણમાં
મૌનના અવાજને સંભળાયું નહીં

– ડો. હિરલ એમ. જગડ ‘હિર’

Uncategorised

શું તમે Antifragile છો ?


“ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,કે સારા હોય છે એની દશા સારી નથી હોતી”
બરકત હિરાણી ‘ બેફામ ‘ સાહેબનો આ શેર ઘણું બધું કહી જાય છે…સારા લોકોની દશા સારી નથી હોતી વાતને લઈને આજે ચર્ચા કરીએ.
Fragile અને antifragileએક કે જેને કાળજીપૂર્વક રાખવાની જરૂર છે અને બીજાને નહીં
Antifragile નો એક અર્થ એવો પણ છે કે જેને ગમે તેટલા પ્રયત્નો તોડી કે ભાંગી શકતા નથી 
આપણે આપણી માનસિકતા સુખ અને સગવડ શોધે છે એને સતત ભૌતિક સવલત અને આરામની ઝંખના હોય છે…પણ આપણે હંમેશા એ જોયું છે, જાણ્યું છે અને નોંધ્યું પણ છે કે જે વ્યક્તિ પીડામાંથી તર્યો હોય એ જ પરમેશ્વરને પામ્યો હોય..જેના પર જાત – જાત સંક્રમણો આવ્યા હોય તે વ્યક્તિ જ વધુ સશકત અને મજબૂત થઈ હોય..
નાનપણથી એશો આરામ ભોગવતો વ્યક્તિ કરતાં ગરીબીમાં ઉછરેલો વધુ આકર્ષક અને સુંદર હશે..તેનામાં ખુમારી અને મહેનત હશે…તેનામાં પોતે કંઈક કર્યાનો આનંદ હશે..પોતે કંઇક પામ્યાનો ઉત્સાહ હશે.
તેના જીવનમાં આવતા વિઘ્નો તેના માટે ચુનોતી ના ચિન્હો જેવા હશે..
તેણે ખાધેલી પછડાતો થી તે વધુ નક્કર અને મજબૂત થયો હશે…
જીવનમાં કંઇક પામવા માટે કંઇક ન હોવું જરૂરી છે.
Antifragile નો અર્થ એમ નથી કે એની કેર જરૂરી નથી પણ એનો અર્થ એમ છે કે કેટલા પણ પ્રયત્નો કરીએ કેટલા પણ સ્ટ્રેસર આવે કે દબાણો આવે તે વ્યક્તિ કે વધુ મજબૂત અને ટકાઉ થશે.
તેનામાં રહેલો આત્મ વિશ્વાસ વધશે…
નાજુક અને કાળજીપૂર્વક ટ્રિટ થવા કરતાં ખડતલ અને નક્કર બને તેવું વ્યક્તિત્વ ઘડીએ.

-ડો. હિરલ એમ જગડ

Uncategorised

કોને કદર છે કોને ખબર !

પણ મને સતત એમ લાગે છે કે મારી કોઇને કદર નથી

મારુ વ્યક્તિત્વ કોઇને કામનું નથી

હું હોવ ન હોવ

કોઇને કંઇ ફર્ક પડતો નથી

આટલું બોલતાની સાથે આકાંક્ષા આયુશના ખોળામાં માથું નાખીને રડવા લાગી

આયુશ છેલ્લા બે મહિનાથી આ વાત નોટિસ કરી રહ્યો હતો  કે

આકાંક્ષા દિવસે દિવસે ઇમોશનલી વિક થઇ રહી હતી

એ વારંવાર વિચારતો કે આ એ જ છોકરી છે જે મુફટ્ટ અને બિંદાસ હતી

આ એ જ છોકરી છે જે અન્યાય સામે વિરોધ ઉઠાવવામાં ક્યારેય ફર્ક પડતો ન હતો

આ એ જ છોકરી છે જેને પાંચ લોકો હોય કે આખું પંચ,

સતાશીલ હોય કે સતાહિન સમુહ હોય

એમની સામે પોતાનો ઓપીનિયન મુક્વા

સશક્ત, સમક્ષ અને  વિવેકી હતી

આ એ જ છોકરી છે જેને જીવનના ત્રાજવે કામ અને કરિયરનો તોલમોલ કરતાં બહુ સરસ રીતે આવડતું હતું

આયુશ આ બધા બદલાવને સમજવા

એક સાયકોલોજિસ્ટને મળે છે

આકાંક્ષાના  પ્રોપર સેશન શરુ થયા..

આકાંક્ષા સાથેની પરામર્શની ગોષ્ઠીમાં મનના કેટલાંક ઝખમોનો એક્સ-રે નીક્ળ્યો

આંખોમાંથી આંસુ અને બદલાતી વર્તણુક પાછળ ક્યાં દબાયેલા આવેગો ગંધાઇ છે

તેની ઓળખાણ થઇ

નાની નાની વિગતોને કાને અને ધ્યાને લેવામાં આવી

યોગ્ય થેરાપી અને કાઉંસેલીગ કરવામાં આવ્યુ

ધીરે ધીરે આકાંક્ષા પહેલા જેવી થઇ ગઇ

રોજબરોજનો હિસાબ થાય છે પણ

રોજ ઉથલપાથલ કરતાં આપણા આવેગોનો હિસાબ મળતો નથી

આવી આપણી બીજી કેટલીક દુભાયેલી લાગણીઓ આપણા વર્તમાનને દુભાવ્યા કરે છે

આપણા માનસની કાળજી રાખીએ

આપણે જીવનમાં આવતી સમસ્યાઓથી લડવાનું છે

જીવન સાથે નહીં.

અંતનો કોળિયો :  મારી ટીકા કરો, નિંદા કરો, વખાણ કરો,

                          હજી હું જીવું છૂં લોકોને જાણ કરો.

–  ખલીલ ધનતેજવી

  • ડો. હિરલ એમ. જગડ ‘ હીર’
Uncategorised

ઉઝરડાં

આંખોની બહાર નીકળતું

પેલું ખારું પ્રવાહી

લાગણીઓનો દબદબો

અભિવ્યક્તિની ઓછ્પ

મનોબળની હદ

ધીરજની સરહદ

સંવેદનની સીમા

આનંદમય જીવનનો ડોળ

બધુ સહી સલામત હોવાની દીવાલ

ખાલીપાની અંદર ધરબાયેલો ખાલીપો

મનને મજબુત કરતી બધી જ દલીલો

હ્રદયની ભીતર પડેલી ઇચ્છાઓની લાશો

આબરુનો મોટો ડુંગર

ઓળંગીને બહાર આવતું હોય

ત્યારે

માયલામાં ઠેકઠેકાણે

ઉઝરડાં પડતા

હશે ને !

-ડો. હિરલ એમ. જગડ ‘ હીર’

Uncategorised

આશાવાદી બા

કોરોના કાળમાં આશા અને આશાવાદ પર જ કદાચ હું અને તમે જીવી રહ્યા છીએ નહિ તો અન્ય અસંખ્ય જાણીતા અજાણ્યા લોકોની માફક આપણે કયાંંક છાપે તો કયાંક કોઈની સ્ટોરીમાં ઓમ શાંતિ સાથે ટિંગાયેલા હોત.. કોઈ એક ઉમ્મીદ કદાચ આપણેને રોજ જીવાડે છે,કાં પછી આપણી આસપાસ જેમ કાળાબજારી ચાલે છે તેમ યમપુરીમાં પણ આવી કોઈ ઘાલમેલ કરીને ઉપર પહોંચેલા આપણા સ્વજનોએ થોડા વધારે શ્વાસની વ્યવસ્થા આપણા માટે કરી હશે..નીચે શું ચાલે છે એ નથ સમજાતું ત્યાં ઉપર સાટું શું વલોપાત આદરવો..! ચલો ત્યારે મુદાની વાત પર આવીએ..

છેલ્લા થોડા દિવસો પહેલાની વાત… મારા પરિવારના ત્રણેક સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યો અને ઘરના બધા સભ્યો નેગેટીવ થઈ ગયા..એક ઘેઘુર સન્નાટો મનની અંદર છાવાયેલો પણ પછી સાલુ પ્રોફેશન યાદ આવી જાય કે આપણે ગામને મનદુરસ્ત રહેવાનું કહીએ ને આપણે આમ ઢીલા પડીએ કંંઈ ભેગુ ના થાય હો..બાપુ રોજ સવારે ઉકાળા સાથે થોડુ આવું જ્ઞાન પણ ચુલે ઉકાળી લેતી અને હેમખેમ બધુ ચાલે રાખ્યુ હોમ આઈસોલેશનથી ત્રણેય સભ્યોની તબિયત સુધારા પર હતી એમની સુધરેલી તબિયત મને હકારની ઉર્જા આપતી. પણ ડર તો અંદર પેઠેલો જ રહે એ ક્યાં જવાનો ?

દસ દિવસે બાનો ફરી રિપોર્ટ કરવાનો વારો આવ્યો આર.ટી.પી.સી.આર.માં લાંબુ વેઈટિંગ હતુ અને સી.ટી.સ્કેનના ક્ષ-કિરણોને બને ત્યાં સુધી ટાળવા હતા એટલે નક્કી કર્યુ કે લોહી પરિક્ષણથી સી.આર.પી. લેવલ જોઇ લઈએ ઇંફેક્શનનો વધારો ઘટાડો જાણી લઈએ..હોસ્પિટલ પહોંચ્યા, રાશનની દુકાનની જેમ લાઈન લાગી હતી ફર્ક એટલો હતો કે આ લાઇનમાં ભુખ નહિ પણ લોકોનું દુ:ખ ઉભુ હતુ. બિમારી એ લાચારીને ચુંધવાનો એક મોકો છોડયો ન્હોતો…રાહ જોવાની હતી, ખાલી પડેલા બાંકડાઓ પર આશ અને ડિશટન્સ બન્ને રાખીને બેઠા..કેસ નોંધાવ્યો અને રિપોર્ટ કરાવા માટેની વિધિ શરુ કરી થોડા સમયની રાહ પછી બાનું થોડુ લોહી લઈ લેબ ટેકનિશયન પરિક્ષણ માટે ગયો…આ દરમ્યાન હું અને બા થોડી ઘણી વાતોએ વળગ્યા..ઉંમરના ઘસારા એમના કાનને પણ લાગ્યા હતા..એમની સાથે વાત કરવા થોડુ ઊંચુ બોલવું પડતું..પણ એમની વાતો અને એમની આંખોને સાંભળવુ સતત ગમતુંં..

કેટલોય સમય વિતી ગયો ખબર જ ના પડી..લેબમાંથી બાનો રિપોર્ટ આવી ગયો..વોર્ડબોયના હાથમાંથી લઈ મેં રિપોર્ટ જોયો..જ્યારે તમે છેક ડુંગરે પહોંચવા આવ્યા હો અને તમને ઠેસ લાગતા તમે ગબડી પડો એવી રીતે સાજા સારા બાનો ગડમથલ વાળો રિપોર્ટ જોઈ હું ગબડી પડી..બાનું જે સી.આર.પી. દસ દિવસ પહેલા ૪૨ હતુ એ આજે ૩૯૮ થઇ ગયો હતો..મનમાં કેટલાય ઉંધાચતા વિચારો આવી ગયા એ ડર અને ડરમાં બે વાર મેં એમનુ ઓક્સિજન લેવલ પણ ચેક કરી લીધુ..બા અને એમનું ઓક્સિજન લેવલ તો લેવલમાં જ હતું..પણ મારી મનોસ્થિતિ વધેલા સી.આર.પી.ને જોઈને પડી ભાંગી હતી. ડોકટર રાઉન્ડમાંથી આવે પછી આગળ શું કરવાનું તેની ખબર પડે, પણ ત્યાં સુધી શું ? મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા અને એ પ્રશ્નનો જવાબ હાથવગા તબીબ નિષ્ણાંત પાસે શોધવાનો પ્રયત્ન કર્યો..એમને રિપોર્ટ ફોરર્વડ કર્યો ફોનમાં એમના સુચન અનુસાર બાને દાખલ કરવાની, તેમના માટેના ઓક્સિજન સિલિન્ડરની અને બીજી ઘણી બધી વ્યવસ્થા મનોમન કરી રાખી..આ આખી ઘટનામાં બા તો મસ્ત જ હતા..એમના ચહેરાની રેખાઓ પર લગીરે ચિંતા ન્હોતી એ તો શાંતિ બેસીને આસપાસના દર્દીઓની પિડાને અનુભવતા હતા અને એમના માટે પ્રાર્થના કરતા હતા..આ એમનો આશાવાદ હતો.ક્યારેક ઓછું સંભળાવુ અને ઓછું સમજાવુ બહુ લાભદાયી હોય છે.

મનમાં ચિંંતા અને ઘડિયાળના કાંટા બન્ને આગળ વધતા જતા હતા..રાઉન્ડમાંથી ડોક્ટર ઓ.પી.ડી.માં પ્રવેશ્યા એક પછી એક બધા દર્દીઓનો ક્રમ શરુ કરીને એમણે એમનું કર્મ શરુ કર્યુ. બાની ફાઈલ અને આજના રિપોર્ટ બાની પહેલા જ ડોકટર પાસે નર્સ દ્વારા પહોંચી ગયા..અને પછી હું અને બા ડોકટર પાસે ગયા..ડોકટરને બાની હાલત અને રિપોર્ટ જોઇને નવાઇ લાગી એમણે લેબમાં તપાસ કરાવી અને લેબમાંથી જવાબ આવ્યો કે પ્રિંન્ટ મિસ્ટેક છે..એ રિપોર્ટનો સાચો સી.આર.પી. ૬.૮ છે મારા મનને એક્કોર હાશ અને બીજીકોરે ગુસ્સા એ દ્વંદ્ર કરી મુકયો..ડોકટર અને સ્ટાફને થોડો ઠપકો પણ દઈ દીધો પણ આ બધી ઘટનામાં બા તો સ્થિતપ્રજ્ઞ જ હતા..ડોકટરે એમની તપાસ કરીને પુછયુ કે કેવું છે તો કે ” સાહેબ, મને કાંઇ થતુ નથી, પેલા છાતીમાં ચુ..ચુ.. બોલતુ હતુ પણ હવે એવુય કંઈ નથી થતુ એટલે તમે મને ટિકડા ઓછા આપજો.” આ આખી વાત સાંંભળીને મારી આંખો રોઈ પડીને હોઠ હસી પડયા.

સૌથી ગંભીર સ્થિતી બાની હતી પણ સૌની પહેલા સાજા એ થઇ ગયા કારણ એમને જાણકારી ઓછી હતી..એમની અપેક્ષઓ ઓછી હતી..એમની પાસે હતો તો નર્યો આશાવાદ..સંધુય સારુ થૈ જાહે..નો જુસ્સો.

આસપાસ પિડાઓ જ પિડાઓ છે ત્યારે આ પ્રકારની વૃતિ આપણામાં આવે..આપણી અંંદરની પ્રકૃતિ પણ આશાવાદી થઈ જાય તેવી જ અભિલાશા.

તમે તમને અને તમારા સ્વજનોને સાચવજો.

H – Hold

O – On,

P – Pain

E – End

ડો. હિરલ જગડ

Uncategorised

ભલા હૈ બુરા હૈ જૈસા ભી હૈ

“હોય કડવાશ ભલે ઘૂંટ ભરી તો લઈએ,

આંસુઓ માફ કરો,સહેજ હસી તો લઈએ,

કાલ જે નામ લઈ આંખ થવાની જ છે બંધ,

આજ એ નામ લઈ સહેજ જીવી તો લઈએ”

– શુન્ય પાલનપુરી



વિશ્વમાં એપ્રિલના ત્રીજા શનિવારના રોજ ‘પતિ પ્રોત્સાહન દિવસ’ & ‘વિશ્વ પતિ દિવસ’ તરીકે ઉજવાય છે.

સ્ત્રી હંમેશા નાની નાની બાબતોમાં ખુશીઓ શોધતી હોય છે..સાવ નજીવો પ્રતિભાવ કે મામુલી ભેટ તેના ચેહરા પર મુસ્કાન લઈ આવતી હોય છે..તે અભિવ્યક્તિના આધારો અને આવેગોને ખાલી કરવા સહાનુભૂતિ અને શ્રોતાને ઝંખે છે…જ્યારે પુરુષ હમેંશા કંઇક વિશાળ અને મોટું કરવાના પ્રયત્નોમાં જ સતત વ્યસ્ત હોય છે..તેને આ અનુભૂતિ – લાગણીની અભિવ્યક્તિ આ બધુ બહુ આકર્ષતું નથી તે અથાક મેહનત કરી શકે છે જ્યારે તે એમ સમજે કે કોઈને તેની જરૂરિયાત છે..તેના પર જવાબદારી છે.

આપણે સ્ત્રીની વાતો સ્ત્રીના વખાણ અને સ્ત્રી પરના લખાણને માણતા જ આવ્યા છીએ. પણ એની સામે પુરુષ સાથે તેના આખા સમુદાય સાથે અન્યાય કર્યો છે..કેટલી દુ:ખદ વાત છે કે પુરુષ દ્વારા લખાયેલા અસંખ્ય સાહિત્યમાં પુરુષ નામની પ્રજાતીની કદર બહુ જવ્વલે જ કરવામાં આવે છે.આજે જ્યારે સંદર્ભ માટે શોધખોળ કરી ત્યારે કરેલ મહેનત નિષ્ફળ નીવડી.



પુરુષ એટલે શું ?

પુરુષ એટલે છપ્પનની છાતી

પુરુષ એટલે પહાડી અવાજ

પુરુષ એટલે શરીર સુખનો ભોગી

પુરુષ એટલે ઇગોમાં અટવાયેલો ખૌજી

પુરુષ એટલે સવારનું છાપુ

પુરુષ એટલે ખિસ્સામાં લીલી ખુશી ભરતો વેપારી

પુરુષ એટલે શરીરમાં દરિયો સાચવતો વીર

પુરુષ એટલે સુખની ટુંકી વ્યાખ્યા

પુરુષ એટલે હિંમતની હિમશીલા

પુરુષ એટલે પરિવારનો મોભ

પુરુષ એટલે વર્ષ ગળી ગયેલ બાળક

પુરુષ એટલે કુંટુંબનું ઇધણ

પુરુષ એટલે ક્રિકેટ જીવતો ખેલાડી

પુરુષ એટલે સંબંધોનું પિરામીડ

પુરુષ એટલે હિંમતના આંસુ સાચવતો ભડવીર

પુરુષ એટલે પૌરુષ સાચવવા ટળવળતો જીવ

પુરુષ એટલે ઘણુ બધુ

અને પુરુષ એટલે કંઇ નહિ


સુંદરતા સ્ત્રીને બક્ષી છે અને તેના સૌંદય માટે પુરુષ રચાયો છે નાલાયક હોય કે ઉંમરલાયક, સુંદર હોય કે શૂરવીર, છપ્પનની છાતી વાળો હોય કે છપ્પન કિલો વજન વાળો આ બધાને સતત એક વાત પીવરાવવામાંઆવે છે કે તું છોકરી નથી, તું કઠણ અને બાહોશ છે આ બધાથી એ જ્યારે સજ્જ થઇ જાય ત્યારે આપણો પ્રહાર ફરી શરુ થાય તારામાં લાગણી નથી, તને કોઇની ફિલિંગ્સની કદર નથી..તારામાં હ્રદય જેવું કંઇ છે જ નહિ. હવે આ ગુંચવાડામાં પુરુષ કરે તો કરે શું ?


એક પુરુષના જીવનની આ વાત બે ભાઇઓ અને એક બહેનના ભાંડળાઓમાં તે વચેટીયો..તેનુ નામ નિશાંત..એક રુઢીવાદી અને પુરુષપ્રધાન સમાજને ટેકો આપતુ આ કુંટુંબ અને એના ધારાધોરણો. વર્ષો પહેલા અનુભવ જ અભ્યાસ હતો એટલે પ્રાથમિક શિક્ષણ તો બહુ થઈ ગયુ ભાઇ અને બહેનના લગ્ન ૧૭-૧૮ વર્ષની ઉંમરે જ થવા લાગ્યા..પ્રેમા સાથે નિશાંતે પણ સહજીવન શરુ કર્યુ. નિશાંતે જે જોયુ હતુ એ અનુસર્યુ..એને પ્રેમા ખુબ ગમતી પ્રેમા હતી પણ ખુબ પ્રેમાળ પણ ઘરની અદર ખટપટ હોય કે વ્યવસાયની જડભડ હોય બધો ગુસ્સો પ્રેમા પર ઢલવાતો પહેલા શબ્દો જ પડતા હતા ધીરે ધીરે હાથ પણ ઉગામવા લાગ્યો નિશાંત..એક દિવસ કામેથી ઘરે આવતા નિશાંતનો એક નાનક્ડો અકસ્માત થાય છે તેના પગે એક ફ્રેકચર આવે છે જેને લઇને પંદર ઘરે રહ્યો અને એણે એની સગી આંખે ચકાસી લીધુ કે ઘરમાં થતી ખટપટમાં પ્રેમાનો કોઇ દોષ જ નહતો તેમ છતાં એ પ્રેમા સામે કદી કબુલી ન શક્યો. પણ તેનું વર્તન થોડા ઘણા અંશે જરૂર બદલાયુ હતુ. સમય દ્રાક્ષના વેલા માફક ચાલતો ગયો પ્રેમા અને નિશાંતને ઘરે બે દિકરીઓ જન્મી બંન્ને ખુબ સુંદર અને મોહક…જોઇને જ વ્હાલ વરસે..બંન્નેની ઉંમર કરતા વધુ સમજુ અને ઠરેલ..એક દિવસની સવારે નિશાંતઅને બંન્ને દિકરીના જીવનમાં રાત પડી ગઇ પ્રેમા હ્રદયના હુમલાથી મૃત્યુ પામી..નિશાંત સુન્ન થઇ ગયો હતો એને કંઈ જ સમજાતુ ન હતુ કે શું કરે ? પરિવારના સભ્યોએ થોડા સમય સુધી સાચવી લીધુ પણ આગળ શું ? માતા અને પિતા બંન્ને તરીકે હવે નિશાંતે તૈયાર થવાનું હતુ એને એક પુરુષની કઠોરતા છોડી એક સ્ત્રીની ઋજુતા જાણે પ્રેમાની નનામી બાંધતી વખતે જ અપનાવી લીધી હતી તે એક ઉત્તમ પિતા નહિ પણ યોગ્ય માતા પિતા તરીકે રોજેરોજ પારંગત થતો ગયો અને પ્રેમાને ન કરેલા વ્હાલને તેની કરેલ અવહેલનાને પોતાની દિકરીઓ પર પ્રેમ વરસાવીને વસુલ કરી એક વાત્સલ્યથી છલોછલ અને એક ખુબ કાબિલ દિકરીઓના પિતા તરીકે આજે તે જીવી રહ્યો છે.

એ સ્ત્રી હોય કે પુરુષ એની અંદર આવેગો તો ખદબદી રહ્યા છે આ આવેગોને આપણે યોગ્ય ઢાળ આપીને બહાર લાવવા માટેની એક દિશા શોધવાની છે.સ્ત્રી હંમેશા નાની નાની બાબતોમાં ખુશીઓ શોધતી હોય છે..સાવ નજીવો પ્રતિભાવ કે મામુલી ભેટ તેના ચેહરા પર મુસ્કાન લઈ આવતી હોય છે..તે અભિવ્યક્તિના આધારો અને આવેગોને ખાલી કરવા સહાનુભૂતિ અને શ્રોતાને ઝંખે છે…જ્યારે પુરુષ હમેંશા કંઇક વિશાળ અને મોટું કરવાના પ્રયત્નોમાં જ સતત વ્યસ્ત હોય છે..તેને આ અનુભૂતિ – લાગણીની અભિવ્યક્તિ આ બધુ બહુ આકર્ષતું નથી તે અથાક મેહનત કરી શકે છે જ્યારે તે એમ સમજે કે કોઈને તેની જરૂરિયાત છે..તેના પર જવાબદારી છે.

આમ મોટું કરવામાં હંમેશા નાનું નાનું રહી જાય છે..નાની નાની વાતોમાં અભિભૂત અને કેટલીક અભિવ્યક્તિ ન થવાથી ઘણી વાર સંબંધમાં મોટો સંઘર્ષ સર્જાય છે..એકમેકને પ્રેમાળ લાગતા પાત્રો એકબીજાને વિકરાળ લાગવા લાગે છે…અંતે સંબંધમાં રહેલો લાગણી નામનો પ્રેમ મૃત્યુ પામે છે…પતિ પત્નીના આ રોગ જોવા મળે તો છૂટાછેડા લઈ આ બીમારીનું ઓપરેશન થાય છે..! બાકીના લોકો મનથી છેડા છૂટા કરી દે છે..!


આપ સૌને આ દિવસ મુબારક અને દરેક સજીવમાં રક્ષક સ્વરુપે જીવતા એક પુરુષને વંદન.

~ ડૉ. હિરલ જગડ

Uncategorised

કાફકા 🧠


બાળ માનસનું ઘડતર અને તેના વ્યક્તિત્વની રચના માટે તેના શરૂઆતના પાંચ વર્ષો ખૂબ મહત્વના હોય છે વ્યક્તિએ અનુભવેલા નાના મોટા સારા ખરાબ અનુભવોની એક આખી ચેઇન તેના અજાગ્રત માનસ માં ફીટ થાય છે અને આપણા વ્યવહાર અને વર્તન પાછળ નો ૯૦% ફાળો આ અજાગ્રત મનનો જ છે..આ થઈ પ્રાથમિક અને પ્રારંભિક વાત.



આપણે વાત અહીં ફ્રાન્સ કાફકા ની કરવાની છે અને ૧૮૮૩માં પ્રાગ શહેરમાં જન્મેલ આ એક દુબળું પાતળું બાળક એ હારમન કાફકા અને જુલી કાફકાનું સંતાન હતા..હારમન કાફકા ખૂબ સારી અને પ્રભાવશાળી કદકાઠી ધરાવનાર સખ્ત અને કઠોર વ્યક્તિ હતા. તેમની ઈચ્છા હતી કે એમનું. બાળક રૂષ્ટ પુષ્ટ અને બુદ્ધિ ચાતુર્યથી ભરપુર હોય..પણ ફ્રાન્સ કાફકા એમના અપેક્ષિત સંતાન જેવા ન હતા..ફ્રાન્સ કાફકાને પિતા કે પરિવાર તરફથી પ્રેમ ન મળતો જે કારણે તે વારંવાર એવા કોઈ પ્રયત્નો કરતાં કે જેનાથી પરિવારના સદસ્યોનું ધ્યાન એના તરફ આકર્ષાય એક રાત્રે કાફકા એ આવું જ કર્યું જ્યારે એમની ઉંમર નવ વર્ષની હતી…તે વારંવાર પાણી પીવું છે એવી ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યા આવા વર્તનથી તેમના પિતા ખૂબ ઈરિટેડ થયા અને ખૂબ ગુસ્સો કર્યો કાફકા પર ને તેમણે બહાર અતિશય ઠંડી હતી તેમાં ફ્રાન્સ કાફકાને સજા ઠપકારતા હારમને બાલ્કનીમાં આખી રાત ઉભો રાખ્યો..એ આખી રાતમાં ખાલી ફ્રાન્સ કાફકા શરીરથી જ નહિ મનથી પણ ધ્રુજી ઉઠયા હતા..એમને સતત એક સવાલ થતો કે મારા માતા પિતા પાસે થોડી ક્ષણો માણવી ગુન્હો છે ? કે જેના પરિણામ સ્વરૂપે મને આ સજા મળી..?

એમના જીવનમાં આવા કેટલાય બનાવો બનતા હતા કે જે તેને તેના પિતાને અને પોતાની જાતને નફરત કરવા માટે પૂરતા હતા.. ફ્રાન્સ કાફકાના પિતા તેને નકામો અને ડફોળ માનતા હતા અને ધીરે ધીરે ફ્રાન્સ કાફકા પણ પોતાની જાતને આવું જ સમજવા લાગ્યા એમના જીવનમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે સમાયોજન કે સુમેળ સાધવામાં તેમને ડર લાગતો હતો… પિતાના અતિશય દબાણથી તેઓ વકીલાતનો અભ્યાસ કર્યો અને પ્રાગ યુનિવર્સિટી માંથી કાયદાની ડિગ્રી લીધી પણ તેઓ એ ક્યારેય વકીલાત ન કરી…એક વીમાની કંપનીમાં નોકરી શરૂ કરી..ફ્રાન્સ કાફકા ખૂબ સંવેદનશીલ અને ભાવુક સ્વભાવના હતા..તેઓને આધ્યાત્મિક વિષાદ ઉભો થતો હતો..નાની ઉંમરથી જ તેમને ઘણી બધી બીમારીનો સામનો કરવો પડ્યો હતો.. ટયુબ્રોકોસિસ ( ટી બી) થયા બાદ તેમને ઘણી બધા આરોગ્ય નિકેતનો માં રહેવું પડ્યું…આ આખા સમય દરમ્યાન તેઓ પોતાના લેખન કાર્ય માં પ્રવૃત્ત રહ્યા એમણે જુદી જુદી વાર્તાઓ અને લેખો લખ્યા અને પોતાના ભાવો અને આવેગોને શાહીથી પાના પર ઉતારતા રહ્યા.. એમણે પોતાના આ લેખો કે વાર્તાને પ્રકાશિત કરવાનું ન વિચાર્યું કેમ કે તેમને સતત એમ લાગતું હતું કે એમના લેખનમાં કંઇક ખામી છે..૧૯૨૨માં તેઓ પ્રાગ છોડીને બર્લિનમાં આવીને રહેવા લાગ્યા..અને છિન્ન માનસનો ચિતાર કરતી અનેક કહાનીઓનું સર્જન કર્યું..૧૯૨૪ ના રોજ વિયેના માં તેમનું નિધન થયું.



ફ્રાન્સ કાફકાના જીવનકાળ દરમ્યાન તેમના બહુ ઓછાં સાહિત્ય પ્રકાશિત થયા હતા..જેમાંથી કેટલાક તેમણે સળગાવી દીધા હતા અને તેણે લખેલા બાકીના લેખોને પણ પોતાના મિત્ર મેક્સ બોર્ડને એ શરતે આપ્યા હતા કે તે એને સળગાવી દેશે..પણ તેના મિત્રએ કા ફકાની વાત ન માનતા હર વર્ષે તેના સાહિત્યને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.. ફ્રાન્સ કાફકા આધુનિક યુરોપિયન કથા સાહિત્યના અગ્રણી સર્જક બની ચૂક્યા હતા…એમના લખાણોમાં તેમના જીવન કાળ દરમ્યાન થયેલા અનુભવોનો આભાસ વર્તાતો હતો..ભયાવહ અને દુ : સ્વપ્નથી ભરપુર કથામાં અઢળક ફરિયાદો અને યાતનાઓ હતી..જે અવલોકન ક્યારેય તેમના સ્નેહી જનો એ ન કર્યું.



ફ્રાન્સ કાફકાએ ક્યારેય પોતાના પિતા કે પરિવાર પ્રત્યે સીધી વાત નથી કરી પણ તેમ છતાં તેણે જીવન દરમ્યાન એક કઠોર અને નિષ્ઠુર પિતાને કેન્દ્રમાં રાખી..સત્તા પર રહેલ વ્યક્તિ સતત પોતાની જાત માટે પીડાદાયક છે તેઓ નિચોડ તેમની લગભગ બધી જ ક થાઓ માં છે.


ફ્રાન્સ કાફ કાની પ્રસિદ્ધ કૃતિઓ આ પ્રમાણે છે

૧. ધ મેટામોર્ફોસિસ

૨. ઘ ટ્રાયલ

૩. કન્ટેમપ્લેસન

૪. ધ જજમેન્ટ

૫. ધ કાસલ



વાત અહીં કોઈ નવલકથાકાર કે વાર્તાકારના જીવન-કવન પર પૂરી નથી થતી પણ એક યોગ્ય બાળ ઉછેરની વાત અહીં શરૂ થાય છે..નાનકડા બાળ માનસ પર આપણે અસંખ્ય પ્રહારો કરીએ છીએ..આપણે એને સમજવાનો પ્રયાસ છોડી એને સતત દાબમાં અને તાબમાં રાખવાનો પ્રયાસો શરૂ કરી દઈએ છીએ..એની ઈચ્છા કે અભિલાષા આપણા માટે હંમેશા ગૌણ જ હોય છે આપણી વચ્ચે આવા કેટલાય કાફકા જીવતા હશે..કે જેની અંદર પ્રેમની ઉણપ અને ધૃણાનો ધોધ છલકાતો હશે..આ ધોધ ધસમસતો બની જાય અને આખે આખા વ્યક્તિને ઢસડી જાય એ પહેલા આપણી અંદર રહેલી વાત્સલ્ય અને કરુણાની નદીને વહાવીએ એને સાચવી લઈએ, સંભાળી લઈએ, એને જીવવા દઇએ, એની સાથે જીવતા થઈએ અને જિંદગીને ઉજવતા થઈએ.


જેથી કોઈ ફ્રાન્સ કાફકા જીવતા જીવ પોતાની લેખન શૈલીની પ્રતિષ્ઠાને ઉજવી શકે..અને પ્રસિદ્ધિ પામી શકે.

~ ડૉ. હિરલ જગડ



Uncategorised

એક ઉમંગનું ટોળું



અટવાયુ છે
એક ઉમંગનું ટોળું
ધસમસતા વાદળમાંથી નીચવાય ગયેલ નીરના એકાદ છાંટામાં
પ્રિયતમાને આપેલ ગુલાબની માલીપા અજાણતા રહેલ કોઇ કાંટામાં
રોજ રાત્રે દેહ વેચતી પેલી સ્ત્રીની અંદર વધેલ સ્વમાનમાં
સ્વરની અંદર જીવનું સર્જન કરતાં ગાયકના ગાનમાં
ટાઇની પાછળ પોતાનો અવાજ દબાવતા પેલા કર્મચારીમાં
શિષ્ટ બોલી ભ્રષ્ટ કાર્યમાં રચ્યા પચ્યા પેલા અધિકારીમાં
ચોપડા જોવાની ઉંમરે છોકરા જોતી દિકરીની દ્રષ્ટિમાં
શરીરને પીંખાતુ જોતી પેલી ચાર વર્ષની પુષ્ટિમાં
કરિયાવરમાં અસબાબ સાથે થોડી જાતને પેક કરતી માતામાં
કુંભમેળામાં લાંબુ આયુષ માંગતા અંધ ભક્તોની શાતામાં
આંખોના કુંડાળા પાછળ પોતાના આંસુ છુપાવતા પેલા મર્દમાં
સાવ અજાણી વ્યક્તિની મદદે આવેલ હમદર્દમાં
ફુટપાથ પર ભીખની સાથે પોતાનું બાળપણ માંગતા પેલા બાળકમાં
દેશ અને પ્રજાના હિતથી છેવાડે ઉભેલ પેલા શાસકમાં
ઘર અને ઓફીસની વચ્ચે ફુટબોલની જેમ ફરતી પેલી ગૃહિણીમાં
માનવજાતિ પર છવાયેલ અશુભ રોહિણીમાં
અહિંસાના પાટિયા નીચે ઢોર માર ખાતી પ્રજામાં
અસ્પૃશ્યતાના નામે જમીન ચાટવાની સજામાં
વાંજણી માતામાં ભરેલ અઢળક વાત્સલયમાં
થોડી આશા અને અપાર નિરાશામાં ડુબેલ દેવાલયમાં
પંખ ફેલાવીની એકલા ઉડતા પેલા પંખીમાં
દિવસે દિવસે ખાલી થતી શ્વાસની ડંકીમાં
છેલ્લા અસંખ્ય કલાકોથી સજ્જડ ઉભેલા મેડીકલ સ્ટાફમાં
ઉજળુ તોય રોજેરોજ અંધારુ કરતા ઓલા આભમાં
કલમની સાથે પોતાની લાગણીને લખતા પેલા લેખકમાં
સરહદ પર શાંતિ માટે ઝઝૂમતા પેલા સૈનિકમાં
કંઇ ન કરી શકતા આખી દુનિયાના પ્રેક્ષકમાં
ઓનલાઇન શીખતા અને શીખવતા ઓલા શિક્ષકમાં
વોર્ડની બહાર રાહ જોઈ બેઠેલા પેલા દર્દીના પ્રિયજનમાં
મરણને ટાળવા અલગ અલગ જીવતા સ્વજનમાં
બોણી વગર વધાવતા પેલા દુકાનના માલિકમાં
સોનાની ચિડીયા પર લિપાતી રોજ કાલિકમાં
ચૌદ દિવસ પૂરા થવાની રાહ જોતા સંતાનોમાં
આખા કુંટુબને ગુમાવી દેનારના સંતાપોમાં
બંધ કરેલ પાર્કમાં ખાલી પડેલા બાકડામાં
રોજ ગોથે ચડતા જીવનના ચાકડામાં
કોવિડ ડ્યુટી નિભાવતા દરેક વ્યક્તિના જીવમાં
ડરમાં લપાયેલ-મુંજાયેલ-ફસાયેલ પ્રત્યેક પ્રજીવમાં
સતત ઉભરાતાં સ્મશાન ગૃહમાં મડદાની કતારોમાં
ખાલી થતા રાશનકાર્ડને ઉભરાતા તારામાં
આઠ વાગ્યા પછી રચાતી ભયાવહ શાંતિમાં
માસ્ક પહેરીને રચાયેલ મહાક્રાંતિમાં
હા
અટવાય ગયુ છે
એક ઉમંગનું ટોળું

~ ડૉ. હિરલ એમ. જગડ ‘ હીર ‘

Uncategorised

દોષારોપણ

આજે ફોન આવ્યો કે એક મિત્રના પપ્પા ગુજરી ગયા, ગઈ કાલે સમાચાર મળ્યા કે પેલા અંકલ મૃત્યુ પામ્યા, ગયા અઠવાડિયે એક વડીલ ખૂબ સિરિયસ હતા, કંઈ સૂઝતું નથી કે શું કરવું, લોકોના માઠા સમાચાર હચમચાવી દે છે, દયા આવે છે આખી મનુષ્ય જાત પર અને એમના પર ગુસ્સો પણ આવે છે, આંખોમાં આંસુ છે અને સાથે એક અણગમો પણ છે કે લોકો કેમ સમજતા નથી, લોક ડાઉન કરી નાખવું જોવે, ચૂંટણીઓ નતી કરવાની જરૂર, લગ્ન પ્રસંગો ની પરવાનગી જ ખોટી આપી, અરે યાર તમે માત્ર ને માત્ર દોષારોપણ જ કરશો ? તમારો જરા જેટલો દોષ નથી ?

મનોવિજ્ઞાનના એક સિદ્ધાંતને સમજતી હતી ત્યારે એક નાનકડું ઉદાહરણ શીખી હતી,

બાળક જ્યારે ડગી ડગી (ચાર પગે અને પછી બે પગે ચાલવાની શરૂઆતી પ્રક્રિયા ) ચાલતા શીખે અને અચાનક એ પડી જાય તો એને કહેવામાં આવે કે ” જો કીડી મરી ગઈ, જો પેલું આમ થઈ ગયું, હત..” આમ કરીને પેલા રડતા બાળકને શાંત કરાવામાં આવે અને સાથે એક પ્રકારનું જોડાણનું પણ સ્થાપન થાય કે ખરાબ કામ થયું છે તો એ હંમેશા બીજા કોઈએ કર્યું છે, તમે નુકશાન થયું છે તો કોઈ બીજા એ કર્યું છે, આનાથી વિપરીત જ્યારે બાળક કોઈ રાઈમ્સ બોલશે કે કોઈ બીજી પ્રવૃત્તિ કરશે તો કહેવામાં આવશે કે અરે વાહ આ તો કેટલું સરસ..તે કર્યું તે બનાવ્યું, બધું જ તે કર્યું.. અહીં પણ એક નવું જોડાણ (Conditioning) થાય કે સારું કરું એ બધું જ હું કરું.

આ વાતની ચર્ચા એટલે અગત્યની છે કે આ સિદ્ધાંત આપણી અંદર ઘર કરી ગયો છે..એટલે જ આપણે આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે આપણી આસપાસ શ્વાસ ઓછા અને લાસ વધુ થઈ રહી છે..આસ ઓછી અને એમ્બ્યુલસો વધુ આટા મારી રહી છે એવી પરિસ્થતિ માં પણ આપણી મનો સ્થિતિ માત્ર ને માત્ર સરકારને, મીડિયાને, હોમ ડિપાર્ટમેન્ટ ને દોષ દેવમાં અને દોષ શોધવા માટેની જ છે..આપણે આક્ષેપ અને જોકસને જેટલા હોશ અને જોશથી ફેરવીએ છીએ કાશ એટલા હોશથી અને એટલી જ નીતિમતાથી આપણે કોવિડની ગાઇડલાઈનને અનુસરીએ.

આઠ પછી કરફ્યુ છે ૭:૪૫ સુધી ફરી લો કઈ વાંધો નહિ..પછી ટ્રાફીકમાં ખીચોખીચ કરીને દોડધામ કરીને ઘરે પહોંચી જાઉં..અરે.. કોરોના વાઈરસની અંદર કોઈ એલાર્મ ફીટ નથી કરેલો કે એ તમારા ઘરે પહોંચ્યા પછી જ જાગીને આવશે..એ ક્યારેય પણ તમને લાગી શકે છે..કરફ્યુ.. લોકડા ઉન,પોલીસનું પેટ્રોલિંગ, માસ્ક ને પહેવરવાનો દંડ, સામજીક અંતર અંગેની સૂચના, સતત સંભળાતી કોલ ર ટ્યુ ન તમને ડરાવવા માટે નથી તમે બચાવવા માટે છે..ખોટા ભ્રમ માંથી બહાર આવી જાઉં..જીવવું છે તો ચોક્કસ જીવનશૈલી ને જીવતા શીખી જાઉં..

કારણ વગર બહાર નહિ ફરો

મીનાબેન તમારી ચકરી
રંજનબેન તમારી પતરી
કનું કાકા તમારા માવા
મુન્ના ભાઈ તમારું ચોકનું ટોળું
આશિફ ભાઈ તમારી ચાની ટપરી
નૈના બેન તમારી કર્ટી પાર્ટી
નમન તારા જુલા
પૂર્વી તારી લસરપટ્ટી
આકાશ તારું જીમ
સાધના તારું પાર્લર
જગુદાદા તમારું પાર્ક
મોહન તારું હિલ સ્ટેશન
શાંતા કાકી તમારું દેવાલય
પ્રજ્ઞા તારી સ્કૂલ
કળી માંથી બનતું પેલું ફૂલ

આ બધું જ આપણી રાહ જોએ છે..અને આપણે જો એને મળવું હશે તો આપણે રાહ જોવી પડશે..નહિ તો કોલાહલ કરતી એમ્બ્યુલન્સની અંદર ક્યાંક આપણો તો ક્યાંક આપણા લોકોનો અવાજ રુંધાય જશે..શ્વાસનું આવન જાવન બંધ થઈ જશે અને રહી જશે એક ભેંકાર શુન્યતા.

એ નહિ જ ગમે આપણને એટલે જ માસ્ક પહેરીએ અને mass થી દુર રહીએ..સ્વચ્છ રહીએ અને સ્વસ્થ રહીએ..સારું વિચારીએ.. સારાં વાઈબ્સ રચીએ..કારણ વગર બહાર ન નીકળીએ…દોષારોપણ ઓછું કરીએ..જાતને સુધારીએ..શિસ્તને અપનાવીએ..આપણે બચીએ અને બીજાને પણ બચાવીએ..!

ભવતુ સર્વ મંગલમ્

~ ડૉ. હિરલ એમ જગડ ‘ હીર ‘