સવારના સાત વાગ્યા હતા, મેં હિમત કરીને ઘરની ડોરબેલ વગાડી હાથમાં પુજાની થાળી લઈને મમ્મીએ દરવાજો ખોલ્યો, મને જોઇને પહેલા ચકિત થઈ ગયા અને પછી ચિંતિત થવુ વ્યાજબી પણ હતુ..મારા ચહેરા પર થોડાક નિશાન હતા જે મારા ઘણીબધી વાર સાફ કર્યા પછી પણ ગયા ન્હોતા..મારી આંખોમાં આંસુ વધારે હતા કે ઉજાગરા એ કહેવુ મુશ્કેલ હતું..એમને મને ઘરની અંદર લીધી અને પાણી આપ્યુ.. આજે લગભગ આ દસમી વાર હશે જ્યારે મ્મમી મને પુછતી હશે કે આજે ફરી નિશાંતે….?
બોલતા બોલતા એનો અવાજ ગળામાં જ અટકાય ગયો અને આંખોમાંથી પ્રવાહી સ્વરુપે એ શબ્દો નિકળી પડયા જે તે બોલી ન્હોતી શકી…મમ્મી મને રુમમાં લઈ ગઈ થોડીવાર માટે સુવાનો પ્રયત્ન કરતી હતી..મમ્મી ફરી પુજાવાળા રુમમાં ગઈ અને પોતાનું કામ કરવા લાગી, હું મથતી રહી કે આ વિચારોના વમળ ઓછા થાય અને હું એ બધુ ભુલી જાઉં જે મારી સાથે અવાર-નવાર બનતુ હતુ..પણ પેલુ કહેવાય છે ને કે તમે તમારી આવતી કાલ બદલી શકો પણ વિતેલી કાલને પલટાવી શકતા નથી..મને યાદ છે કે નિશાંત મારા ગળાડુબ પ્રેમમાં હતો..મારી બંધ આંખો ભુતકાળમાં સરી પડી.
લગભગ સાંજે છ વાગે હું કોલેજ અને લાઇબ્રેરીનું કામ પતાવી ઘરે જવા સ્મિતા સાથે નીકળતી…સ્મિતા મારી ખાસ મિત્ર બંનેના કોલેજમાં વિષયો જુદા હતા પણ અમારા મન એક હતા..કોલેજનું આ અમારુ છેલ્લુ વર્ષ હતુ..ભણવામાં વધુ જ ધ્યાન આપતા હતા અમે બંન્ને.. કોલેજ પુરી કરી રોજ એક કલાક લાઈબ્રેરીમાં વાંચતા..ત્યારે શનિવાર હતો મારે એક પ્રસંગમાં બહાર જવાનું હતુ એટલે હું કોલેજથી 3 વાગે નીકળી ગઈ..અને ત્યારે મારી અને નિશાંતની પહેલી મુલાકાત થઈ મારી એકટીવા સામે આડી મુકેલી એક બાઈક તેણે હટાવી મને મદદ કરી અને હું થેંક યુ કહીને નીકળી ગઈ..પછી હું અને સ્મિતા સોમવારે કોલેજ ગયા ત્યારથી શરુ કરીને પંદર દિવસ સુધી નિશાંત આવવા અને જવાના સમયે કોલેજની બહાર ઉભો રહેતો…એનુ મારા તરફનું આકર્ષણ સ્પષ્ટ દેખાતું હતું.. એક મહિનો થવા આવ્યો પણ નિશાંતનો એ જ ક્રમ ચાલુ હતો..એક દિવસ મારી એક્ટીવા રોકી મારી નજીક આવી મને પ્રપોઝ કર્યુ..મેં ના પાડી એની જિદ્દ અને જુનુન દિવસેને દિવસે વધતુ ગયુ અને મેં મારા ઘુંટણ ટેકવી દીધા.
સ્મિતા એ શરુઆતમાં થોડો વિરોધ કર્યો પણ મને ખુશ જોઇને તેણે પણ સંમતિ આપી દીધી.હું અને નિશાંત સાથે હતા ઘણી વાર પ્રેમ આંખો પર અને મન પર એટલો સવાર થઈ ગયો હોય છે કે તે હકીકતને ઝાંખી કરી નાખે છે..હું અને નિશાંત દરિયા કિનારે બેઠા હતા અચાનક કોઇ વાત પર નિશાંત ગુસ્સે થઈ ગયો અને મને ત્યાં મુકીને જતો રહ્યો..મને સમજાતું નહતુ કે એના આવા વર્તન પાછળનું કારણ શું હતુ ? બીજે દિવસે સવારે તેના ૧૨ મિસકોલ હતા કેટલા બધા મેસેજ કે જેમાં તે માફી માંગી રહ્યો હતો..પ્રેમમાં જિદ્દ અને ગુસ્સો ક્યાં લાંબો ટકે ? હું ફરી એના તરફ આકર્ષાય.. બંનેના ઘરે વાતચીત કરી અને અમારા લગ્ન થયા પપ્પાને નિશાંત ઠીક નહતો લાગતો પણ તેમ છતાં હા પાડી. લગ્ન થયા અને નિશાંતમાં એટલી ખોવાય ગઈ કે મને મારા કરિયરનો ઝરા જેટલો પણ વિચાર ન આવ્યો..નિશાંતે ના પાડી કે,” હવે કંઈ ભણવુ નથી આપણે…” અને મેં છેલ્લા વર્ષની એકઝામ પણ ન આપી..નિશાંતનું ઘર, એને ગમતો નાસ્તો, એને ગમતા કપડાં, એને ગમતી હેર સ્ટાઇલ વગેરે વગેરે…આમ આખો દિવસ જતો રહેતો હતો મારો..અને રાત પ્રેમમાં.
આજે આખુ શરીર દુ:ખતુ હતુ.. નિશાંતનું જમવાનું તૈયાર કરી ડાઇનિંગ સ્પેસમાં ગોઠવી.. નિશાંતને મેસેજ કર્યો.. “હેય, તમારુ જમવાનું તૈયાર રાખ્યુ છે પ્લીઝ આજે જમી લેજો.. આજે મારા પિરિયડસ સ્ટાર્ટ થયા છે, હું સુઈ જઉં છું , લવ યુ.”
આટલો મેસેજ કરી હું સુઈ ગઈ, રાતના કદાચ બે વાગ્યા હશે અને મારી છાતીમાં થતા કંઈક અનુભવથી હું જાગી ગઈ, નિશાંત હતો.. એ મારી બ્રાના હુંક ખોલવા જતો હતો મેં અટકાવ્યો ના પાડી કે, આજે નહિ, પણ એને મારી કોઈ વાત ન સાંભળી અને પોતાની મરજી ચલાવી, મારો અવાજ કચડાય ગયો એની ઇચ્છાની નીચે..સવાર સુધી મારી આંખો મૌન બનીને રડતી રહી.
સવારે મને સોરી કહી અને જતો રહ્યો આ પછી એવુ ઘણી વાર બનવા લાગ્યુ, કે જ્યાં નિશાંત મને અતિશય દુ:ખ પહોચાડીને માફી માંગતો, મારી નાની નાની ભુલોમાં મારા પર હાથ ઉપાડતો..મારા વાળ ખેંચતો અને પછી માફી માંગી અને મને કહેતો કે “ તું મને શુ કામ આવો ગુસ્સો અપાવે છે ? તું મને મજબુર કરે છે કે હું તને મારુ “ આખી વાતના અંતે ગિલ્ટ અને દુ:ખ બંને મને જ થતું.
હદથી વધારે થઈ જાય ત્યારે હું મમ્મી ના ઘરે જતી રહેતી અને નિશાંત મને પોતાની વાતોમાં ઓગાળીને ફરી પાછો લઈ જતો. આજે આ દસમી વાર હતુ કે જ્યારે હું મમ્મીને ત્યાં આવી હતી. સ્મિતાને આખી વાતની જાણ થતા સ્મિતા મને મળવા ઘણી વાર આવતી અને મને સમજાવાતી કે ,” આ જે છે તે નોર્મલ નથી તું સહન કેમ કરે છે ?” અને હું હમેંશા એને કહેતી કે, ” હું સહન નથી કરતી પ્રેમ કરુ છું નિશાંતને, બસ એને ગુસ્સો થોડો વધુ આવે છે.”, પણ સ્મિતા હમેંશા મને સમજાવતી પણ હું તેની વાતને આંખ આડે કાનની જેમ જ લેતી..છેલ્લે આવી ત્યારે કેટલીક જનર્લ્સ લઈને આવી હતી કે જેનો વિષય હતો, ‘સાઇકલ ઓફ અબયુઝ’ મેં તેને વાંચ્યા વગર જ ડ્રોઅરમાં મુકી દીધી હતી…મમ્મી પપ્પા પણ કેટલી વાત કહી ચુક્યા હતા કે, “જરુર શું આ રીતે ઘસાય ઘસાયને સંબંધમાં જીવવાની ? “પણ હું હંમેશા એમને અને મારા મનને મનાવી લેતી.
રુમની બહારથી આવતા અવાજથી મારી આંખ ખુલ્લી, બહાર જઈને જોયું તો નિશાંત બેઠો હતો..મને જોઈને ઉભો થયો મારી માફી માંગવા લાગ્યો મારો હાથ પકડ્યો અને બોલ્યો કે, “ચલ, નિશા ઘરે.’ મેં મારી બધી હિંમત ભેગી કરીને મારો હાથ છોડાવ્યો અને તેને કહ્યુ,”નિશાંત, મારે નથી આવવું, હવે તારા ઘરે.” અને દોડીને મારા રૂમમાં જતી રહી.. ડ્રોઅરમાંથી જનર્લ લઈને વાંચવા લાગી ‘સાઇકલ ઓફ અબયુઝ’ વિશે કે જેમાં લખ્યુ હતુ કે કેવી રીતે કોઈ વ્યક્તિ પહેલા અતિશય પ્રેમ કરે પછી દુઃખ પહોંચાડે પછી ફરી નોર્મલ થાય અને ફરી આજ વસ્તુ બનતી રહે.. જનર્લના પહેલા પાને છપાયેલ નંબર પર ફોન લગાવ્યો અને કહ્યુ કે ‘સાઇકલ ઓફ અબયુઝ’નો શિકાર છું મારે શું કરવું જોઈએ ? દરિયામાં ડુબતો માણસ હાથ પગ ઉછાળતો હોય એ રીતે મેં મને ડુબતી બચાવવા એક સામટા પ્રશ્નો કરી નાખ્યા. પ્રતિઉત્તર સારો મળ્યો એમણે મને કાઉન્સેલિંગની સિટિંગનો સમય આપ્યો…પ્રેમ તમને નિર્ણય લેતા પણ શીખવી દે છે.
છેલ્લો કોળીયો : પ્રેમ એક આવેગ સુધી રહે ત્યાં સુધી તકલીફ નથી, બસ આ પ્રેમ રોગ ન બની જવો જોઈએ.
~ડૉ.હિરલ જગડ ‘હીર’







