ડોકટર, હવે તમે જ સમજાવો આ સુરભીને !” પોતાની સમસ્યાનો શંખનાદ કરતા હોય એમ સૌરભ ગુપ્તાએ બોલવાનું શરુ કર્યું, “અમારા લગ્ન થયા અને બે – ચાર મહિનામાં જ સુરભી પર આ ભૂત સવાર થઈ ગયું, આપણે જલ્દી જ ફેમિલી પ્લાન કરી લઈએ અને માતા-પિતા બની જઈએ, બસ જાણે એક રટણ લાગ્યું છે એને, મેં એને ઘણી સમજાવી કે આપણે થોડા સ્ટેબલ થઈએ પછી બેબી પ્લાન કરીશું એટલી શું ઉતાવળ છે ? પણ એને કોઈ રીતે સમજવું જ નથી અને હમણાં હમણાં તો આ વાતને ઇમોશન સાથે જોડીને મને આંચકા આપે છે, હું મરી જઈશ તો આપણા બેબીની સંભાળ કોણ કરશે અને એના ઉછેરનું શું થશે ! અને કેટલું બધું 🥲 આવું બધું સાંભળીને મને નકારાત્મક વિચારો આવવા લાગ્યા છે, અને સુરભીની આવી માનસિક સ્થિતિમાં શું એનું કન્સીવ કરવું ઠીક કહેવાય ? આની કોઈ સાઈડ ઈફેક્ટ થઈ શકે આવનાર બાળક પર ? અમારે આ સ્થિતિમાં શું કરવું જોઈએ ?
સૌરભભાઈને પાણી આપી શાંત કર્યા અને સુરભીબેનનું કાઉન્સેલિંગ શેસન ગોઠવાયું, આજના મોર્ડન જમાનાની યુવતી જ્યાં મોટી ઉંમર સુધી માતા બનવાનું ટાળતી હોય છે ત્યાં આમનું અકારણ આટલું ઉતાવળભર્યું વર્તન શંકાષબ્દ તો હતું જ. સુરભીની કેસ હિસ્ટ્રીમાં એ જાણવા મળ્યું કે તેમણે નાનપણમાં પોતાના માતા-પિતાને એક કાર અકસ્માતમાં ગુમાવી દીધા હતા, હેમખેમ કરીને દાદા – દાદીએ મોટી કરી અને એમના મૃત્યુ બાદ મોટેભાગે હોસ્ટેલમાં રહી, સૌરભ સાથે પ્રેમ થયો અને લગ્ન થયા, પણ બાળપણમાં માતા-પિતાના પ્રેમના અભાવથી એના મનમાં પડેલી તિરાડ આજે પોતે માતા બનીને સફળ નીવડશે કે નહિ એ ડર અને અસલામતીના ઘા થી લીકેજ થવા લાગી, સુરભીના મનમાં સતત એ ડર હતો કે, એના બાળક સાથે પણ જો એના ભૂતકાળનો રિપિટ ટેલિકાસ્ટ થશે તો શું ? સાથે સાથે એ યોગ્ય માતા બની શકશે કે નહીં એવા કેટલાય અસલામતી ભર્યા પ્રશ્નોના કારણે તેનું આ જલ્દી માતા બનવાનું વળગણ શરુ થયું, એટલે કે એની મનની મૂંઝવણ અને આશંકા દૂર કરવા તેણે જલ્દી જ માતા બનીને યોગ્ય રીતે ઉછેર શરુ કરવાનું નક્કી કર્યું.
જાન્યુઆરી 1, 2020, થી 1 મે, 2022 સુધીમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 8 મિલિયન બાળકોએ રોગચાળાને લગતા કારણસર માતા- પિતા બેમાંથી એક/ બંનેને ગુમાવ્યા અથવા તો તેમની પ્રાથમિક સંભાળ રાખતા (care giviers) લોકોની છત્રછાયાથી તેઓ વંચિત થયા અને જ્યારે સંશોધકોએ દાદા – દાદી અથવા અન્ય વૃદ્ધ સંબંધીઓ જેવા ગૌણ સંભાળ રાખનારાઓના મૃત્યુનો સમાવેશ કર્યો, ત્યારે અસરગ્રસ્ત બાળકોની સંખ્યા વધીને 10.5 મિલિયન થઈ ગઈ.
આંકડાઓ હચમચાવી નાખે એવા છે પણ તેના ઉત્તરમાં આપણી પ્રતિક્રિયા શું ? એક વાત તો નક્કી જ છે કે, આપણે આપણા મૃત્યુને ખીટીએ બાંધી શકવાના નથી, જો આપણું મૃત્યુ નિશ્ચિત છે તો આપણે યમરાજને આપણું બાળક ઉછેરી લઈએ એમ કહીને રાહ જોવરાવી શકવાના નથી. પણ આપણે આપણા બાળકને માનસિક રીતે જરૂર તૈયાર કરી શકીએ છીએ, કેમકે બાળકને તમારી પ્રોપર્ટી નહિ પ્રાયોરીટીમાં રસ છે એનો મતલબ શું તમારા બાળકને રોજ એવું કહીને કહીને “કે કાલ સવારે હું નહીં હોઉં તો શું કરશો ?” ના. પણ તમારા બાળકને માનસિક રીતે મજબૂત કરીને, તેને આવેગોના ઉઝરડાં છડે ચોક બતાવતા અને એની માવજત કરતા શીખવાડીને, એની જાતની ઉજવણી કરતા અને જ્યાં જરૂર લાગે અને જ્યારે જરૂર લાગે ત્યારે રડી લેતા શીખવાડીને, તેના ભણતર સાથે તેનામાં આવેગોનું ચણતર કરીને.
આપણા સમાજની દયનીય સ્થિતિ તો જુઓ, આપણી કોઈ શાળા કે મહાશાળામાં, આપણા એકપણ લોંગટર્મ કે શોર્ટટર્મ કોર્સના મોડ્યુલમાં આપણને એ નથી શીખવવામાં આવતું કે સ્વજન કે સ્નેહીના મૃત્યુ પછી આવેગોના પોટલાને અને આઘાત લાગેલા આ જાતના સમા પડીકાને કંઈ રીતે સુઘડ રાખવું? એની ગોઠવણ કેમ કરવી ? કરચલી પડેલા આ મનની ઈસ્ત્રી કેમ કરવી ? કે નથી આપણી પાસે એવી કોઈ સરળ મનોવૈજ્ઞાનિક વ્યવસ્થા કે જ્યાં મા-બાપ વિહોણા આવા બાળકોના મનની અંદર ડોકિયું કરી શકાય.
સુરભીના કેસમાં સાઇકોથેરાપી અને અન્ય મનોવૈજ્ઞાનિક ટેકનિકનો સહારો લેવામાં આવ્યો, ધીરે ધીરે તે સ્ટેબલ થઈ રહી છે.
#છેલ્લોકોળિયો : આપણે દોડીએ – ભાગીએ અને પૈસા કમાવવા પોતપોતાના ફિલ્ડમાં નાચીએ છીએ પણ થોડો સમય તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે કાઢજો જેનાથી તમે પણ તંદુરસ્ત અને મંદુરસ્ત રહેશો.
ડૉ . હિરલ બ્રહ્મક્ષત્રિય
Category: Uncategorised
IQ<EQ
એક સ્પર્ધા ચાલતી હતી, જેમાં આઠ બાળકોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધા હતી દોડની, જેમાં સ્ટાર્ટિંગ પોઇન્ટથી શરુ કરીને જે પહેલા એન્ડિંગ લાઈન ક્રોસ કરશે તે વિજેતા બનશે અને ઇનામોનો હક્કદાર બનશે, આ નક્કી હતું.
સ્પર્ધા શરૂ થઈ, પણ હજુ થોડું જ અંતર કપાયું હતું ત્યાં આઠમાંથી એક બાળક પડી ગયું અને ઊભા થવા માટે પ્રયત્ન કરતો જ હતો, ત્યાં આગળ વધેલા સાતે સાત બાળકો એની આસપાસ ગોઠવાય ગયા, એને સહારો આપી એને ઊભો કર્યો અને પછી તે આઠેય બાળકો એ એક સાથે એન્ડિંગ લાઈન ક્રોસ કરી, અને આ બાળકોએ ફક્ત ઈનામો નહીં પણ સૌ કોઈના દિલ પણ જીતી લીધા.
આ વાત શું કામ ? એવું તો શું ખાસ છે ? આ વાત એટલા માટે કેમકે આ બાળકો ખાસ છે. જી, હા આ સ્પર્ધા થઈ હતી બેંગલોર ખાતે આવેલા ‘The National Institute of Mental Health and Neuro Sciences (NIMHANS)’ માં. અને આ સ્પર્ધાના સ્પર્ધકો માનસિક દિવ્યાંગતા ધરાવતા હતા.
જે લોકોને આપણે માનસિક રીતે અબોધ કહીએ છીએ, જેની તરફ હંમેશા આપણે દયા અને લાચારી દેખાડીએ એવા બાળકોએ આપણને આપણી આવેગિક કંગાલિયતથી અવગત કર્યા છે. આપણી પાસે અઢળક બુધ્ધિ અને મબલખ પૈસો છે અને આવનાર સમયમાં હજુ વધશે પણ આપણા આવેગોનું શું ? આપણા સંબંધોનું શું ? દિવસે દિવસે આપણે વિકસિત થઈએ છીએ, પણ આપણી લાગણીઓ ઓછી થતી જાય છે, આપણી અંદરથી માણસાઈ મરતી જાય છે.
આ અતિશયોક્તિ લાગશે ! કદાચ પણ તમે જ વિચાર કરો, કે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઓટીટી પ્લેટફોર્મના પાસવર્ડ તો શેર થઈ જાય છે પણ અંગત જીવનના વર્ડ પાસ નથી થતાં, જ્યાં મા – બાપને દીકરો દીકરી સારું કમાઈ છે એનાથી જ મતલબ છે તે સારું જીવન જીવે છે કે નહીં તેનું માનસિક સ્વાસ્થ્ય સારું છે કે નહીં તેની એટલું મહત્વ નથી. જ્યાં રોજ ઇન્સાનિયતને ઉજાગર કરે એવા લેખો કરતાં હેવાનિયતની હદ વટાવતા કેસો અને કિસ્સાઓ વધુ બહાર આવે છે.જ્યાં લોકોને માત્ર ઉપર જવું છે, આગળ વધવું છે પણ સાથે રહેવું નથી, એકબીજાનું ઝરા પણ સહેવું નથી.
ત્યારે આ અબોધ કે આવેગીક બુધ્ધિમાન લોકો આપણને શીખવે છે કે એકલતામાં ઉજવેલી જીત કરતા સમૂહમાં ઊજવેલી હાર વધુ સારી હોય છે.
#છેલ્લો કોળિયો : સારો IQ (બુધ્ધિઆંક) હોવાથી આપણે કદાચ વધુ માહિતીસભર વ્યક્તિ બની શકીએ પણ સારો EQ(આવેગિક આંક) હોવાથી આપણે વધુ સારા અને સંવેદનશીલ વ્યક્તિ બની શકીએ અને હવે જરૂર સંવેદનશીલ વ્યક્તિની છે.
એક હતો ચકો અને એક હતી ચકી
બહુ વર્ષો પહેલાની આ વાત છે એક જંગલ હતું, અને આ આખા જંગલમાં એક રાજાનું રાજ ચાલતું એ જેમ કહે એમ જ થાય બધા નર પક્ષીઓ કમાવા જાય અને માદા પક્ષીઓ એમનો માળો સંભાળે અને બચ્ચાઓની દેખભાળ કરે, આખો દિવસ આમને આમ પસાર થઈ જાય..જંગલના રાજાના નિયમો બહુ કડક હતા ખાસ કરીને માદા પક્ષીઓ પ્રત્યે. તેમને અમુક ચોક્કસ પ્રકારના જ કપડાં પહેરવાના, ઉડવા- હરવા- ફરવા બધી જ વાતમાં નિયમો અને સીમાઓ, જ્યારે જ્યારે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે ત્યારે તેમને દંડ મળે કઠિન શિક્ષા મળે વર્ષોથી આ પ્રથા ચાલતી હતી જેના કારણે નર પક્ષીઓ વધુને વધુ ઉધ્ધત બનતા જતા હતા તેમને એમ જ લાગતુ હતુ કે આ જંગલ અને આ બધી માદાઓ એમના તાબામાં છે, પરંતુ રાજા એ નિયમો કે સીમાઓનું આયોજન નાજુક અને કોમળ માદા પક્ષીઓના રક્ષણ માટે કર્યુ હતુ, વર્ષો વિતતા ગયા અને મુળ હેતુ માટે રચેલ નિયમો પણ વિસરાય ગયા, રાજા મૃત્યુ પામ્યા, નવા રાજા આવ્યા એમના વિચારો ઘણા ક્રુર અને માદા વિરોધી હતા એમને માદા પક્ષીઓને હેરાન કરવાની ખુબ મજા આવતી તેમણે અત્યાચાર શરુ કર્યા અને આ જાણે જંગલનો ચીલો બની ગયો દરેક નર પક્ષી પોતાની માદા પક્ષીને મારે તેને અલગ રીતે હેરાન કરે, જંગલમાં ઉડવાનું શીખતી નાની નાની માદાઓને પણ હેરાન કરે ચકો ચકીને મારી પણ લે અને પોપટ મેનાને ખાવાનું પણ ના દે,આ સિલસિલો ચાલે રાખ્યો,નર પક્ષીઓ હવે માદા પક્ષીઓને કામે મોકલવા લાગ્યા ઘરની સંભાળ અને આવકની દેખભાળ હવે માદા પક્ષીઓના સીરે આવી ગઈ, અમુક ઘરોને બાદ કરતાં તમામ નર આવું કરતાં કામકાજ કરે નહીં એક થી બીજા ઝાડ પર જઈને ટાઈમપાસ કરે આ ક્રમ શરુ રહ્યો કેટલાય વર્ષો સુધી માદા પક્ષીઓ સાંજ પડે સુખ દુ:ખની વાતો કર્યા કરતી, તેઓનો બળાપો વ્યાજબી હતો. દિવસ બદલાઈ પણ વાત અને પરિસ્થિતિ એની એ જ રહી.
એક વાર એક નાની ચકલી એ સાહસ કર્યું એ તક જોઈને જંગલની બહાર ઉડી નીકળી ત્યાં જઈને એણે નિરીક્ષણ કર્યુ કે આ દુનિયા કેટલી અલગ છે તેણે આવુ કેમ છે એ જાણવા અને મથવા પ્રયાસ કર્યો એ નાની ચકલીબેન એક મિત્ર મળ્યો જેનું નામ હતુ કાયદો. તેની પાસે ઘણું જ્ઞાન હતું, સત્તા હતી, આ બધુ ચકલીબેન જોતા રહ્યા તેને થયુ કે જો આ કાયદો અને આ સતા મારી મમ્મી અને અને બીજી બધી આન્ટીઓને મળે તો કેવુ સારુ અકારણ થતા તેમના પરના અત્યાચાર ઓછા થશે, ચકલીબેન એ મક્કમ નિર્ણય કર્યો અને કાયદાની મુલાકાત મમ્મીઓ અને આન્ટીઓ સાથે કરાવી પહેલા તો બધા ડઘાય ગયા અસ્વીકાર કરવા લાગ્યા પણ અંતે માની ગયા, અને કાયદો અન્યાય ન થાય તેવી કાળજી સાથે એનું કામ કરવા લાગ્યો. એક લાંબા સમય પછી મળેલી મોકળાશના કારણે કેટલીક માદા પક્ષીઓ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજી ન શકી એ નર પક્ષીઓ પર સાચા ખોટા બધા જ આરોપો મુકવા લાગી અને કાયદો ક્યારક અજાણ હતો અને ક્યારેક જાણવા છતા અન્યાયને રોકી શકવા અસક્ષમ હતો, માદા પક્ષીઓ આવી જ રીતે જીવવા લાગી અને પોતાની બચ્ચીઓનો ઉછેર આમ જ કરવા લાગી સાસરે વળાવતી વખતે પણ હળવેથી કહી દેતી,” જો તારો ધણી કંઈ પણ કહે તો સહન જરાય કરતી નહીં, સમાયોજન આપણા પુરખો એ બહુ કર્યુ હવે એ કરે આપણે નહીં કરવાનું.” આ વાત પણ આમને આમ ચાલ્યા કરી અને મુળ હેતુ ભુંસાઈ ગયો.આજે ફરી કોઈ એક નર પક્ષી રાહ જોઈ રહ્યો છે એક નવી તકનો..અને સિલસિલો આમ જ ચાલ્યા કરશે.
છેલ્લો કોળીયો : વાત સ્ત્રીઓને આઝાદ કરવાની હતી પણ આપણો ભાર પુરુષોના બંધન પર વધારે રહ્યો, વાત સમતોલન જાળવાની હતી પણ આપણો ભાર પોતાનું પલડુ ઊચું કરવા પર વધારે હતું.
-ડૉ.હિરલ જગડ ‘હીર’
Acceptance 🍀
લોકડાઉન પછી ઘણા સમયે બધા મિત્રો ભેગા થયા, પાણીપુરી અને અમારી વાતો બહુ રસપ્રદ રીતે ચાલતી હતી,અમારુ ધ્યાન એક વિચિત્ર વ્યક્તિ તરફ દોરવાયુ, એ વ્યક્તિ પહેલા પાણી પીતી પછી પુરીને ફોડીને ખાલી પુરી ખાતી વારંવાર તેના બાકડાની બાજુમાં ખાલી પડેલ જગ્યાને જોયા રાખતી, મને તેમને જોઈને તેમના વિશે વધુ જાણવાની કુતુહલતા થઈ. તેની વધુ નજીક જઈને જોયુ કે લગભગ પચાસેક વર્ષની ઉંમરે પહોંચેલ ઘણો ઠરેલ અને વ્યવસ્થિત વ્યક્તિ લાગ્યો, તેની આંખોમાં થાક અને કોઈને જોવાની તીવ્ર ઘેલછા સાફ દેખાઈ રહી હતી, હું એમની નજીક ગઈ પણ એ એમની ધુનમાં મસ્ત હતા પાણીપુરીવાળા એ પૈસા માંગ્યા જે એમની પાસે હતા નહીં, કોરોનાકાળનો માર્યો સામાન્ય કમાણી પર નભતો એ પાણીપુરીવાળો પેલા કાકા પર ભડકી ગયો, હું મારા પર્સમાંથી પૈસા આપવા જ જતી હતી ત્યાં પાછળથી કોઈ અવાજ સંભળાયો, “ પપ્પા તમે અહીં છો.” આટલુ બોલીને ત્રેવ્વીસક વર્ષની એ યુવતીએ તેના પપ્પાને ગળે વડાગાડી લીધા, “ચલો, ઘરે.. ભાઈ કેટલા થયા પાણીપુરીના ? “ પૈસા આપીને પેલી યુવતી અને તેના પપ્પા નીકળ્યા, મેં મારી કુતુહલતા દુર કરવા પુછી જ નાખ્યુ,“ અમ્મ, આમને શું થયુ છે?“ પેલી યુવતી પાછળ ફરીને મને જવાબ આપ્યો, “ જી, કોરોના મહામારીમાં મારી મમ્મી અને મારી નાની બહેન બન્ને મૃત્યુ પામ્યા ત્યારથી પપ્પાને આઘાત લાગ્યો છે એ વાતને સ્વીકારી કે પચાવી શક્તા જ નથી કે ખરેખર મમ્મી અને બહેન હયાત નથી શરુઆતમાં ઓછું હતુ પણ હવે વધારે પડતુ વિચિત્ર વર્તન તેઓ કરે છે ડોકટરને બતાવાનું કહું કે દવાખાનાના નામ માત્રથી ઉશ્કેરાય જાય છે હવે હું અને પપ્પા બે જ છીએ બહુ ધ્યાન રાખવાનો પ્રયાસ કરુ છું પણ ક્યારેક પપ્પા આમ કહ્યા વગર નીકળી જાય ત્યારે બહુ તકલીફ પડે છે “ આટલુ બોલતા જ એની આંખોમાંથી આંસુ બહાર કુદી પડયા.
યુવતીનું નામ મિનાક્ષી અને તેના પિતાનું નામ અજયભાઈ હતું, તેની લગભગ બધી વિગત જાણી અને માનસિક સ્વાસ્થ્ય માટેના લગભગ બધા સોર્સીસ શોધી લીધા સૌથી મહત્વનું અને અગત્યનું હતું અજયભાઈ અસ્વીકારના તબક્કામાંથી બહાર લાવવાનું જુદી જુદી સાયકો થેરાપી અને મિનાક્ષીના સહકારથી આ શક્ય બન્યુ. આજે અજયભાઈ એ વાતને સમજી શકયા છે મૃત્યુ કોઈ પણ સમયે કોઈને પણ આવી શકે છે જીવવુ આપણા હાથમાં પણ સતત આપણી આસપાસના લોકો આપણી સાથે જ રહે એ ઝંખવુ ઠીક નથી, આંખો બંધ કરી દેવાથી અંધારુ અને આંખ ખોલવાથી અજવાળુ નથી થઈ જતુ જે સ્થિતિ આપણી સામે છે તેને કોઈ પણ જાતની બનાવટ વગર સ્વીકારવી જ રહી.
અંતનો કોળિયો : કોઈ પણ સમસ્યા, મુશ્કેલી કે મોટામાં મોટી બીમારી સામે આપણે ત્યારે જ લડી શકીએ કે જ્યારે તેની વાસ્તવિકતા જેવી છે તેવી તટસ્થભાવે સ્વીકારી લઈએ. જો એમ થાય તો સમજો કે સમસ્યા ૨૦% દૂર.
~ડૉ. હિરલ જગડ
ખોયા ખોયા ચાંદ
મમ્મી આવી હતી જ નહિ..એમણે એમનું જીવન બહુ ખુશ રહીને વિતાવ્યુ છે એને જીવનથી ફરિયાદો હતી જ નહી કે ક્યારેય કોઈ ફરિયાદ અમારા માટે પણ ન હતી. એને કલાસિક્લ ડાન્સ ખુબ ગમતો ઈન્ફેકટ એમણે કથ્થકમાં વિશારદ કર્યુ છે કદાચ તેમને આગળ અલંકાર પણ કરવું હતું પણ લગ્ન થયા અને પછી પપ્પના જોબ નેચરના કારણે એક પછી એક અલગ અલગ શહેરો ફરવાનું થયુ અને એમની ઈચ્છા, ઈચ્છા જ રહી ગઈ..પહેલા મમ્મી પપ્પાનું લંચ, ડિનર, પસંદ, નાપસંદ બધુ ગોઠવવામાં ગોઠવાય ગઈ અને પછી મારા અને મિતુલના આવ્યા બાદ અમારામાં સમાઈ ગઈ.. કદાચ આ મનોસ્થિતિ માટે અમે જ જવાબદાર છીએ..અને જો એવું જ હોય તો એ છેલ્લા આઠ દસ મહિનાથી જ કેમ બદલાઈ ગઈ છે, ડોકટર ? આ અગાઉ મેં જોઈ છે એને કિચનમાં રસોઈ બનાવતા થિરક્તા..ઘરના અમારા નાના ગાર્ડનમાં મનીવેલ અને મોગરાના છોડ સાથે વાતો કરતા રસોઈ શોનો લાઈવ ટેલીકાસ્ટ અમારી સામે કરતાં.. પણ અત્યારે એવું નથી..એ બધુ જ કામ કરે છે પણ એ ખુશ નથી લાગતી...સવારે એના રુટિન મુજબ પપ્પા માટે ચા નાસ્તો પોતાના માટે જ્યુશ બનાવશે..પછી પપ્પાનું લંચબોક્સ તૈયાર કરશે પપ્પા ઘરેથી ઓફિસ તરફ જશે અને મમ્મી મને અને મિતુલને વારાફરતી ફોન કરશે..મિતુલ બેંગ્લોર રહે છે અને હું મુંબઈમાં ગયા વર્ષે જ પર્મોશન મળતા મુવ થઈ..મમ્મી બદલાઈ ગઈ છે..એ જીવે છે પણ ખાલી કહેવા પુરતુ જ..પપ્પા સાથે પણ એમનું એવુ વર્તન છે..હું મિતુલ અને પપ્પા આ બાબતે બહુ ચિંતિત છીએ..ડોકટર પ્લીઝ અમને હેલ્પ કરો આમા કંઈ થઈ શકે ખરું ?


પોતાની માતા પ્રત્યેની તેની ચિંતા વ્યક્ત કરતાં રડતા રડતા આકાંક્ષા આટલુ બોલી.
નેન્સીબહેન સાથે કાઉંસેલીગ પ્રોસેસ શરુ થઈ તેમની સાઈકોલોજિકલ હિસ્ટરીથી એ સ્પષ્ટ થયુ કે તેઓ ‘ઈમ્પટી નેસ્ટ સિન્ડ્રોમ’ થી પિડાઈ રહ્યા છે આ સિન્ડ્રોમ ઉંમરના ઉતરાર્ધમાં આવે છે જ્યારે ૪૫ થી ૫૦ વર્ષે વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારીઓથી લગભગ મુકત થવા પર હોય પોતાના બાળકો એના સંસારમાં મસ્ત હોય ત્યારે મોટાભાગે અમુક ચોક્ક્સ સમયગાળામાં આવો અનુભવ કરે છે જેમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ વધુ જોવા મળે છે. આ સિન્ડ્રોમમાં વ્યક્તિને પોતાનો માળો (ઘર) ખાલી થવાનું દુ:ખ ડંખયા કરે છે. આજના યુગમાં કે જ્યાં મોટાભાગે સંતાનો પોતાના કરિયર બનાવવાની હોડમાં મેગાસિટી કાં તો વિદેશ જઈને વસી જાય છે એવા સમયે માતાપિતામાં આ પ્રકારનો ફેઝ શરુ થાય છે આવા સમયે વ્યક્તિને પ્રાથમિક સંભાળ લેવી અત્યંત આવશ્યક બની જાય છે.
નેન્સીબહેનના કેસમાં સર્પોટ અને સંભાળની જ જરુર હતી ફેમિલી સિટીગ ગોઠવાયું પરિવારના સભ્યોને સમજાવવામાં આવ્યું કે નેન્સીબહેનમાં આ પરિવર્તન શું કામ આવ્યું છે.. જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવ્યા અને નેન્સીબહેનને એ વાત સમજાય કે તેમનો માળો ખાલી નથી થયો પણ માળો વધુ ઉન્ન્ત અને સમૃધ્ધ થઈ રહ્યો છે. મિતુલ અને આકાંક્ષા એ દુર રહીને નજીક રહેવાનો પ્રયાસ શરુ કર્યો.. લગભગ રોજ વિડીયો કોલથી ઘરસભા ભરાવા લાગી..નેન્સીબહેનના પતિ અતુલભાઈને પણ સમજાયુ કે મેં સતત આર્થિક ઉપાર્જનમાં નેન્સી સાથેના આવેગોની અવગણના કરી છે.. અતુલભાઈ, મિતુલ અને આકાંક્ષાના સહિયારા પ્રયત્નથી નેન્સીબહેન એ કથ્થક કલાસ ફરી શરુ કર્યા.. તેમના ખાલી માળાની મુંઝવણમાં ખાલી પડેલા પોતાના મનને ભરવા અને નિખારવાનો આરંભ કર્યો.તેમના ગાર્ડમાં મનીવેલ ફરી ખીલવા લાગી મોગરા સાથેની નેન્સીબહેનની ગોષ્ટી ફરી જામવા લાગી..થોડા સમય માટે છવાયેલ ઉદાસીના વાદળો ટળી ગયા અને નેન્સીબહેન પહેલા હતા એવા ફરી થઈ ગયા.
ચેરિસ કેમ્પની એક ખુબ સુંદર કવિતા છે...
The Empty Nest
I see you sitting with your head in your hands
Whatever happened to those best laid plans?
Take a look back behind closed doors
Find those broken dreams of yours
After the storm, after the rain
After God’s tears have washed away your pain
Follow the rainbows in your mind
Carry no regret along the path you find
A lifetime spent, a lifetime made
Imparting wisdom on to the gifts God gave
Know in your heart you have done your best
That’s where my appreciation of you rests
માનસિક સ્વાસ્થય ખુબ અગત્યનું છે આ વાત આપણે સૌએ સમજવાની જરુર છે છ મહિનાના બાળક ને જેમ ખુબ કાળજી અને સંભાળની આવશ્યકતા હોય તેવી જ રીતે જીવનના કોઈ હિસ્સા અને કિસ્સામાં દરેક વ્યક્તિને આવી સંભાળની જરુર હોય છે જરુર છે માત્ર તેના તરફ એકનજર કરવાની.
-ડો. હિરલ જગડ ‘હીર’
મરનાર પાછળ મરી થોડુ જવાય..!
“કયાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.
ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે.”
~શ્યામ સાધુ
“મેડમ, રિચાનું વર્તન બહુ બદલાય ગયુ છે..ઉત્સાહથી અને ઉમંગથી તો જાણે અણગમો થઈ ગયો છે..કોઈ એને મદદ કરે એ એને ગમતું નથી, વધારે કોઈ સાથે જલ્દી ઈન્વોલવ પણ નથી થતી..અને કોઈ પણ વાતમાં એને સારપ ઝરા જેટલી પણ દેખાતી નથી..બસ બે વર્ષ પહેલા મૃત જન્મેલા અમારા બાળકની વાત કરીને રડયા રાખે છે..અમારા બંનેના પરિવારે અથાક પ્રયત્નો કર્યા કે રિચા ખુશ રહે આ દુ:ખથી ખદબદતા ભુતકાળને પડતો મુકી દે પણ રિચાને એવું કંઈ જ કરવુ નથી..એને બસ દુ:ખી રહેવામાં જ મજા આવે છે.”
એક સામટું આટલુ બોલી સોહમ મારી સામે લાચાર નજરે જોઈ રહ્યો.
રિચા સાથે આવી ન હતી એટલે પહેલું કામ તેને કન્વીન્સ કરીને ક્લીનીક સુધી લાવવાનું હતું. રિચા સાથે કાઉંસેલીંગના સેશન શરુ થયા જેમાં ખ્યાલ આવ્યો કે રિચા ‘મેસોચીસ્ટીક ઈમોશનલ પર્સાનાલિટી ડિસઓર્ડર’થી પિડાતી હતી. જેમાં વ્યક્તિ દુ:ખભરી સ્થિતીમાં કમ્ફર્ટેબલ થઈ જાય છે. ડિપ્રેશન એમને ગમવા લાગે છે. એ પોતના દુઃખ બઢાવી ચઢાવીને જ પ્રેઝન્ટ કરે છે અને એને સતત પોતાની જાતને બિચારી સાબિત કરવી હોય છે. ભુતકાળમાં બની ગયેલ કોઈ ગંભીર ઘટનામાંથી એને બહાર આવવું ગમતું નથી..ઉત્સાહ અને ઉમંગની બાદબાકી કરી માત્ર અને માત્ર ઉદાસીને વાગોળવી એમને માફક આવી જાય છે.આ પ્રકારના લોકોને ડિપ્રેશનમાંથી બહાર લાવવા એ બહુ આકરું કામ છે.
રિચા અને સોહમના જીવનમાં બનેલી એક ઘટના કે જેમાંથી સમય રહેતા સોહમ તો બહાર આવી ગયો પણ રિચા નહિ. તેનું મન આ વાતની ઉદાસી પકડીને ત્યાં સ્ટક થઈ ગયુ છે, એક ઘટનાથી મળેલ દુ:ખમાં ફસાઈ ગયેલી રિચા પોતાની દુનિયાની બીજી અસંખ્ય ખુશીઓ પર ધ્યાન આપી શક્તી નથી. રિચાના કાઉંસેલીંગના સેશન નિયમિત ચાલ્યા..કેટલીક જગ્યાઓ પર થેરાપીનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અને રિચાને સમજાવવામાં આવ્યુ કે કોઈ ઘટનાનું ક્ષણિક દુ:ખ લાજમી છે પણ અતિશયોક્તિ તકલીફ ઊભી કરે છે. જીવનમાં ઉતાર ચઢાવ આવવાના જ છે. દરેક સ્વજનની નનામી ક્યારેક તો આપણી સામેથી પસાર થવાની જ છે..જીવનયાત્રા શરુ કરી છે તો મોત આવવાની જ છે. વર્તમાનમાં રહીને ભૂતકાળ તરફ ડોકિયું કરવામાં અને ભવિષ્યના સપનાં જોવામાં કોઈ વાંધો નથી પણ જ્યારે તમે ત્યાં તમારી જાતને ગરકાવ કરી દો છો તકલીફ અને મુંઝવણ ત્યાંથી જ શરુ થાય છે.
રિચા સાથે સોહમ અને તેના પરિવારના સભ્યોનું પણ કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ જેમાં તેઓને સમજવામાં આવ્યું કે રિચા નકારાત્મક નથી પણ હાલની તેની સ્થિતી તેને એવું વર્તવા મજબુર કરે છે. રિચાને માનસિક,આવેગિક અને સામાજિક સ્પોર્ટ મળવા લાગ્યો. અને ધીરે ધીરે તે ઠીક થવા લાગી સોહમ અને રિચા અત્યારે ટિવીન્સ બેબીના મમ્મી-પપ્પા છે અને ખુબ ખુશ છે.
આવા કેટલાક પાત્રો બહુ ખ્યાતનામ છે જેમાંનું એક શોલે ફિલ્મમાં જયા ભાદુરીનું પાત્ર છે. આપણું સોશિયલ સર્કલ હોય કે સોશિયલ મિડિયા હોય આવા કેટલાય લોકો આપણે જોઈએ છીએ કે જે સતત નકાર અને ઉદાસીનતાના વાદળ નીચે ભિંજાતા હોય છે એમને ખુબ ગમે છે દુ:ખ ભરેલા સ્ટેટ્સ અને પોસ્ટમાં રચ્યા પચ્યા રહેવાનું એ પોતાનું દુઃખ હંમેશા બિલોરી કાચથી જ છતુ કર્યા રાખે છે તેવા સમયમાં નજર કરતાં રહેવી કે ખરેખર આવું જ છે કે માત્ર ડોળ છે..તેને માત્ર સોશિયલ અટેન્શન જોવે છે કે તેની મેન્ટલ હેલ્થને અટેન્શનની જરૂર છે.
છેલ્લો કોળીયો : ઈશ્વરે આપેલ ઘણી બધી આશિર્વાદરૂપ બાબતોમાંથી એક વિસ્મરણ પણ છે..આપણે દુ:ખને ભુલી શકીએ છીએ એટલે વર્તમાનમાં ખુશ રહી શકીએ છીએ. -ડો. હિરલ જગડ 'હીર'
એક ટુકડો કાગળ
બહાર ધોધમાર વરસાદ પડતો હતો, વાતાવરણ ઘણુ ઠંડક વાળુ હતુ..જરા પણ ઈચ્છા થતી ન હતી તેમ છતાં હું ઉભો થયો…બારી ખોલ્લી થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો અને વાતાવરણના ભેજને અનુભવતો રહ્યો. થોડીવાર પછી ફોનમાં તારીખ જોઈ તારીખ હતી. ૧૩/૭ આજે બર્થ ડે હતો અમિષાનો.એક ક્ષણ માટે થયુ કે વિશ તો કરી શકુને યાર.. પણ પછી એના શબ્દો યાદ આવી ગયા. વિચાર અને બારી બંને બંધ કરી..કેમ કે બંન્નેનું અકારણ ભીંજાવું મને પરવડે એમ ન હતું.
તૈયાર થઈને ઓફિસ જવા નીકળી પડયો…ઓફિસ પાસેના બસ સ્ટોપ પર ઉતરીને ઓફિસ તરફ જતો જ હતો ત્યાં કોલેજનો માધવ મળી ગયો.. અમે લગભગ આજે બે વર્ષ પછી મળી રહ્યા હતા, તેણે સહજભાવે જ પુછી લીધૂ કે, “ તું બહુ બિઝી થઈ ગયો છે ને કંઈ અમિષાના મેરેજમાં આખુ કોલેજ ગ્રુપ હતું, તને બાદ કરતા, કેમ ન આવ્યો તું ? “
સવારથી મન અમિષા તરફ ખેંચાતુ હતુ અને ફરી અમિષા હું મનોમન બબડયો. અને કહ્યું, “અરે હા ત્યારે એક અગત્યના પ્રોજેકટ પર કામ ચાલતુ હતું પણ હવે મળીશુને આપણે, અત્યારે મને જવા દે, મારે ઓફિસ જવામાં લેઈટ થાય છે.”
“બે વર્ષ થઈ ગયા પણ આ અમિષા મારો પીછો છોડતી નથી.” ગણગણતા હું લિફટમાંથી મારી કેબિનમાં પહોંચ્યો.થોડી ફાઈલો ખોલી કામ કરવા મથ્યો પણ મન લાગે તેમ ન હતું એ તો અતિતની ફાઈલ ખોલીને એવું બેઠુ હતું કે બંધ કરવાનું નામ જ લેતું ન હતું, અમિષા અને હું બીજા ધોરણથી સાથે ભણતાં હતા, તે છેક દસમા સુધી પછી બંન્નેના રસ્તા બદલાયા અને શહેર પણ, ક્યાંક સંપર્ક પણ છુટી ગયો હતો. ફરી એક વાર અમે કોલેજમાં સાથે થઈ ગયા અમિષા મારા શહેર સુરતમાં ભણવા માટે આવી હતી. પહેલેથી એકબીજાને ઓળખતા જ હતા એટલે મિત્રતા થતા વાર ન લાગી. અને કદાચ મિત્ર કરતા પણ વધુ.. મને યાદ છે, અમિષા એ ઘણી વખત પ્રયાસ કર્યો હતો..પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો પણ હું તેની વાતને મજાકમાં ખપાવી દેતો...કેમ કે હું ડરતો હતો પ્રેમથી..પ્રેમ શબ્દથી કેવી રીતે સમજાવુ અમિષાને કે આ અગાઉ પણ મેં ખુબ પ્રેમ કર્યો હતો કોઈને પણ એનું પરિણામ ખુબ ખરાબ હતું અને મારે નથી રિપીટ કરવો આવો કોઈ ઈતિહાસ, મારે નથી જોઈતું કોઈ મારી લાઈફ પાર્ટનર..બંદા તો અકેલા ભલા. આવું હરવખતે કહી દેતો. પણ અમિષા ક્યારેય માઠુ ન લગાડતી એ તો હમેંશા રાહ જોતી મારી કોણ જાણે કેમ એને એમ લાગ્યા કરતુ કે હું એક દિવસ એવો આવશે અને મારો વિચાર બદલાશે. ઘણો સમય પસાર થઈ ગયો કોલેજના ત્રણ વર્ષ પુરા થઈ ગયા ન મારુ મન બદલાયુ કે ન અમિષા..હા પણ હમણા હમણા એ ચિડાઈ જતી હતી કેમ કે તેના ઘરે તેના લગ્નની વાતચીત શરુ થઈ ગઈ હતી.
કોલેજ પુરી થઈ ગઈ મળવાનું બહુ ભાગ્યે જ બનવા લાગ્યું પણ રાત્રે મેસેજમાં લગભગ વાત થતી..ધીરે ધીરે આ છોકરીએ મને પાંચ વર્ષમાં કન્વીસ કરી લીધો હતો કે પ્રેમ ફરી એક વાર થઈ શકે પણ હું તો હું હતો એકદમ જિદ્દી અને અડીયલ પાંચ વર્ષ પછી પણ હું રાહ જોતો હતો કે ફરી અમિષા મારી સામે પ્રેમનો પ્રસ્તાવ મુકે અને હું હા પાડી દઉં કેમ કે પહેલ કરવાનો મને ડર હતો..પણ કદાચ અમિષા મારી રાહ જોઈને થાકી ગઈ હતી.
મારે મારા વતન એટલે કે અમિષાના શહેર જવાનું થયુ સવારે એક પ્રસંગ એટેન્ડ કરવાનો હતો અને સાંજે મેં અને અમિષા એ મળવાનું નક્કી કર્યુ.. માત્ર મળવાનું જ નહિ પણ મેં પણ મનોમન કંઈક નક્કી કર્યુ હતુ.. એક કોરા કાગળ પર બધી જ લાગણીઓને શાહીથી ઉતારી દીધી હતી.
“પ્રિય અમિષા,
હું જાણુ છું કે હું છું કે આ કહેવા માટે મેં બહુ લાંબો સમય લીધો છે પણ તું કે હું શું કરુ ? તું તો જાણે છે ને તારા આરુષને થોડો ગાંડો જ છે. મને માફ કરજે મેં બહુ રાહ જોવરાવી તને. તું મારી સામે બહુ બાહોશ બને છો પણ હું જાણુ છું કે મારા પ્રેમના અસ્વીકારથી મેં તને ઘણીવાર રડાવી છે. પણ હવે નહિં આજે હું સ્વીકારું છું કે હું ખોટો હતો અને તું સાચી તારા અને મારા સંબંધને નામ આપીએ ? ચાલ એક નવુ જીવન નવેસરથી જીવીએ ?
અમિષા, હું તને ખુબ પ્રેમ કરુ છું..મારી જીવનસંગીની બનીશ.. આઈ પ્રોમિસ તારા ચહેરા પર આવતી લટોથી લઈને તારા ગાલ પર પડતી કરચલીઓ સુધી તારો સાથ આપીશ.
તારા જવાબની રાહ રહેશે.”
વિથ લવ & રિસ્પેક્ટ
આરુષ .
હવે આ એક કાગળનો ટુકડો માત્ર ન હતો, પરંતુ એ પ્રેમપત્ર હતો જે અમિષાને ડીનર ટેબલ પર આપવાનો હતો..પણ પછી વિચાર્યુ કે એને જતી વખતે આપીશ..આ અસમજસમાં રેસ્ટોરન્ટ પહોંચ્યો અને મારી સામે અમિષા ઉભી હતી. સફેદટોપ, કાનમાં બટરફલાઈ શેપની ઈંરિંગસ, બ્લેક જિન્સ અને ફ્લેટ મોજડીમાં એ હમેંશની જેમ ખુબ મોહક લાગતી હતી..એક ઉષ્માભેર આલિંગન સાથે મળી અમે નક્કી થયેલ ટેબલ પર ગોઠવાય ગયા. વેઈટરને ઓર્ડર કર્યો અને અમે વાતો કરવા લાગ્યા.. જમવાનું પીરસાયુ અને જમતા જમતા અમિષા એ એવું કંઈક કહ્યુ કે એના પછી ગળા નીચે ઉતારેલા બધા કોળિયા કડવા થઈ ગયા.
અમિષા બોલી, “ આરુષ, મેં તારી બહુ રાહ જોઈ..મને ખબર છે તે મને બાંધી ન હતી.. પણ હવે હું આ નહિ કરી શકું મમ્મી પપ્પા એ મારા માટે એક છોકરો પસંદ કર્યોછે..આવતીકાલે એ લોકો સંબંધ નક્કી કરવા આવવાના છે.. તને મેસેજ કરવાનું વિચાર્યુ ઈનફેક્ટ મેસેજ ટાઈપ પણ કર્યો sent કરતાં મન ભારે થઈ ગયુ એટલે મેસેજ delete કરી નાખ્યો પછી તારુ અહીં આવવાનું થયું એટલે વિચાર્યુ કે તને મળીને જ આ વાત કહીશ અને તેના પછી પેલા છોકરાને મળીશ.”
આટલુ બોલતા બોલતા એના ગળે ડુમો ભરાઈ ગયો હતો. મેં કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપી માત્ર ”સરસ“ એટલુ બોલ્યો..મારા શર્ટના ડાબા ખિસ્સામાં પડેલ પ્રેમપત્ર અને ખિસ્સાની પાછળ ધબકતુ હ્રદય ચીસો પાડીપાડીને મને કહેતુ હતુ કે અમિષાને કહી દે કે તું પણ એને પ્રેમ કરે છે. પણ હું કંઈ જ ન બોલ્યો બસ એને જોતો રહ્યો..કેમ કે કદાચ આજે એને છેલ્લી વાર આટલી નજીકથી જોઈશ પછી તો કોને ખબર.બિલ ચુકવ્યુ અને અમે છુટા પડયા..કદાચ કાયમ માટે.
બેવકુફ..નાલાયક..મુર્ખ અને બીજા કેટલાય શબ્દથી મારી જાતને કોષતો રહ્યો..ખિસ્સામાંથી પ્રેમપત્ર કાઢ્યો અને મારી આંગળીઓ એના પર ફેરવતા બોલ્યો , “ તું લાયક જ નથી અમિષાને, તને કોઈ હક નથી કે તું એને પાંચ વર્ષના અંતે પ્રપોસ કર અને એવી ઉમ્મીદ રાખ કે અમિષા જેવી છોકરી આજીવન તારી રાહ જોવે...તારો અહમ અને તારી જિદ્દ જ એકબીજા માટે બનેલા છો..હવે અમિષાને શાંતિથી નવું જીવન જીવવા દેજે.” આટલુ બોલી હમેંશ માટે અમિષાના પ્રેમને આ એક કાગળના ટુકડા સાથે બંધ કરી દીધો...પછી ન કોઈ મેસેજ કે ન કોઈ મુલાકાત મેં મન અને સોશિયલ સાઈટ પર અમિષાને બ્લોક કરી નાખી હતી.. એણે પછી પણ ઘણા પ્રયત્નો કર્યા હશે પણ મેં બધા રસ્તા બંધ કરી દીધા હતા.
“સર..સર તમને બોસ બોલાવે છે..” મને લગભગ હલબલાવતા પટ્ટાવાળા તનસુખભાઈ બોલ્યા.
હું સભાન થયો હાથમાં રહેલા પેલો કાગળનો ટુકડો ઘડી વાળીને મુકી દીધો. અને બોસ પાસે જવા મારી જાતને તૈયાર કરી.
- ડો.હિરલ જગડ ‘હીર’
સારુ થયુ..આસ્થા પડી ગઈ..
आगे सुख तोह पीछे दुःख है
हर दुःख में कोई सुख है हो
हो आस निरास की रंग रंगी
है साड़ी उमरिया ओ मितवा रे
થોડા દુરથી આવતા આ અવાજને સાંભળીને મારી આંખ ખુલ્લી, ઉભા થઈને જોયુ તો અવાજ ઘરના ચોગાનમાંથી આવતો હતો.રસોડામાંથી બહાર આવતા મમ્મી એ કહ્યુ.. “ અરે..જાગી ગઈ તું..” મારા ચહેરા પરનો પ્રશ્નાર્થભાવ એમણે કદાચ વાંચી લીધો હતો..એટલે જ ચોગાનમાં કામ કરતાં બહેનને જોઈને એ બોલ્યા આ રુપલબેન છે આપણા ઘરે હવેથી કામ કરવા આવશે. એટલું સાંભળીને હું મારા નિત્યકર્મ તરફ વળી..નાસ્તો કર્યો ચા પીધી અને ઓફિસ માટે રવાના થઈ.
દિવસો રેલાતા પાણીની માફક ચાલવા લાગ્યા રુપલબેન અને મમ્મીની ટ્યુનિંગ બેસી ગઈ હતી, રુપલબેન કામ ઘણુ ચોખ્ખુ કરતા અને સમયના પણ ચોક્ક્સ હતા.આજે મારે ઓફિસે રજા હતી આખો દિવસ ઘરે રહી આરામ કરવાનો પ્લાન નક્કી હતો. મમ્મી રસોડામાં હતા અને રુપલબેન ચોગાનમાં વાસણ ઘસતા હતા. ત્યાં જ રુપલબેનનો ફોન રણક્યો..તેમણે પોતાના ભીના હાથ કુર્તાની કોરથી લુછ્યા અને ભુંસાય ગયેલા કી-પેડવાળો નાનક્ડો ફોન લીલુ બટન દબાવીને ઊંચક્યો. ફોનમાં વાત પુરી થઈ અને રુપલબેન ચોધાર આંસુ સાથે રસોડામાં પહોંચ્યા. મમ્મી એ સ્વાભાવિક રીતે જ એને રડતાં જોઈને પુછ્યુ ,
“અલી, રુપલ શું થયુ ? કેમ રડે છે ?”
“મારી આસ્થા..” આટલું બોલતા એ ફરી રડી પડયા. થોડીવાર શાંત થઈને કહ્યુ કે, “ મારે જાઉં પડશે મારી છોકરી પડી ગઈ છે...એને માથામાં ખુબ વાગ્યુ છે એવો ફોન આવ્યો છે.”
મમ્મી સાથે હું પણ હવે રુપલબેનને સાંભળતી હતી..રુપલબેન લગભગ ૪ કિલોમિટર દુર અમારા ઘરે ચાલીને જ આવતા, સમય સુચકતાને ધ્યાનમાં રાખતા મેં કહ્યુ કે, “ ચલો, હું મુકી જાઉંછું, તમને ગાડીમાં.”
પહેલા થોડી હા ના કરી પણ પછી હું અને રુપલબેન એમના ઘર તરફ ગયા..નીકળતા પહેલા તપાસ કરી લીધી હતી આસ્થાની હાલત વધુ નાજુક હતી એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો.
અમે રુપલબેનના ઘરે પહોંચ્યા ૬ વર્ષની આસ્થા બેભાન હાલતમાં લોહીથી ખદબદતી હતી. એમ્બ્યુલન્સ આવી અમે લોકો હોસ્પિટલ પહોંચ્યા. સ્થિતી ઘણી નાજુક હતી ૮ કલાક પછી આસ્થા ભાનમાં આવી. થોડાક સ્ટીચીસ લીધા હતા. પણ હવે તબિયત સુધાર પર હતી, રુપલબેનને હાંસકારો થયો. બે ત્રણ દિવસમાં આસ્થા ઘરે આવી ગઈ આ બે ત્રણ દિવસ હું રુપલબેનની સાથે જ હતી.
આ બે ત્રણ દિવસ દરમ્યાન હું રુપલબેનનો એક આખો દસકો જાણીચૂકી હતી. રુપલબેનને ૪ બહેનો અને એક ભાઈ. બધાની આર્થિક સ્થિતી ઠીકઠાક.બધી બહેનો પોતપોતાને સાસરે હતી અને ભાઈ લગ્ન પછી જુદો રહેતો હતો..રુપલબેન પિયરમાં તેમની માતા સાથે રહેતા હતા. એ એના સાસરેથી બે વર્ષ પહેલા પિયર આવી ગયા હતા. કેમ કે તેમના પતિના અનૈતિક સંબંધો તેમની જેઠાણી સાથે હતા. રુપલબેનને તેઓ લગભગ રોજ મારતા આખો દિવસ ઘરનું કામ કરવાનું અને રાત્રે પતિનો માર ખાવાનો, આસ્થા જ્યારે રુપલબેનના ગર્ભમાં હતી ત્યારથી આ આખો કિસ્સો શરુ થયો અને પછી જાણે શરુ જ રહ્યો. એ પોતાના જ ઘરમાં જાણે નોકરાણી થઈ ગઈ હતી. તેના પતિએ રુપલબેનના બધા ઘરેંણા મંગળસુત્ર સહિત પોતાની ભાભીને પહેરાવી દીધા. રુપલબેન બધુ જ સહન કરે રાખ્યુ પણ એક દિવસ તેણે પોતાના જેઠને આસ્થા સાથે અડપલા કરતા જોયા એ દિવસે આસ્થાને લઈને ઘર છોડીને નીકળી પડયા, ત્યારથી આજ સુધી તે પોતાના મમ્મીની સાથે રહે છે અને આવા છુટક ઘરના કામ કરીને ગુજરાન ચલાવે છે. આ બધુ સાંભળીને મને થયુ કે જો આસ્થા આ રીતે પડી ન હોત તો મને ક્યારેય આ બધી વાતની જાણ જ ન થાત.
આસ્થા હવે ઘરે હતી તેની તબિયત હવે એકદમ ઠીક હતી પણ આ આખી ઘટના સાંભળ્યા પછી હું અસ્થિર થઈ ગઈ હતી. અલગ અલગ પ્રયાસોના અંતે આસ્થા માટે એક દાતા મળ્યા કે જેમણે આસ્થાના શિક્ષણ જવાબદારી દતક લીધી હતી. આસ્થા જ્યાં સુધી ભણશે ત્યાં સુધી તેનો તમામ ખર્ચ આ દાતા ચુકવશે. રુપલબેનની જુદી જુદી સ્કીલ પર નજર કરવામાં આવી તેમની રસોઈકળાને જાણી..અને એક નાનું ખાખરા બનાવવાનું કારખાનું શરુ કરવામાં મદદ કરી હવે રુપલબેનની સાથે બીજા ૭-૮ બૈરાઓ પણ કામ કરે છે અને રુપલબેનના મમ્મી તેમને સુપરવાઈઝ કરે છે.રુપલબેન હવે અમારા ઘરે કામ કરવા નથી આવતા પણ આસ્થા સાથે ઘણી વાર મળવા આવે છે. અને હા આજે ખાખરા વણતા વણતા પણ રુપલબેન એ જ ઈશ્વર ફિલ્મનું ગીત ગણગણતા હોય છે.
आगे सुख तोह पीछे दुःख है
हर दुःख में कोई सुख है हो
हो आस निरास की रंग रंगी
है साड़ी उमरिया ओ मितवा रे
- ડો.હિરલ જગડ ‘હીર’
આજીબાઈ ચી શાલા
ગર્જના સાથે, ઉદય કરો, અને તમારા શિક્ષણના અધિકાર માટે લડશો.
પરંપરાની સાંકળો તોડીને, શિક્ષણ મેળવો. ”
– સાવિત્રીબાઈ ફુલે
તમારુ નામ તમે લખતા શીખ્યા હતા ત્યારે કેટલી ખુશી થઈ હતી ? તમે જ્યારે પહેલીવાર તમારી સહી કોઈ કાગળ પર કરી હતી ત્યારે કેવુ લાગ્યુ હતુ ? પહેલા સ્લેટ અને પછી કાગળ પર પડતા એ અક્ષરો જોઈને નક્કી એના પ્રેમમાં પડયા હશોને ! શિક્ષણ અને સાક્ષરતાના માર્ગ પર ચાલવાનું પ્રથમ પગલું છે અક્ષરઅને મુળાક્ષર.એની સાથેની દોસ્તી તમને શિક્ષણવિદ્દ બનાવે તમને અને તમારા સમાજને સાક્ષર કરે છે.

કેટલું મહત્વનું હોય છે તમારુ નામ તમારે હાથે લખવું..કેટલી અગત્યની અને આહલાદાયક હોય છે એ ક્ષણ કે જ્યારે તમે તમારી સહી પ્રથમ વાર કરો..આમ ઓટોગ્રાફ આપતા હો એવી જ ફીલિંગ આવતી હશેને..! આપણને જે સહજ અને સરળ લાગે છે તે કેટલાંકના જીવન અધુરુ સપનું છે તેઓ તેમની ઉંમરે જરુરી સવલતના અભાવ અને એક રુઢિગત સ્વભાવના કારણે શાળા જઈ શક્યા ન હતા. તેઓ માટે લખવું વાંચવું આ અક્લ્પનીય જ રહ્યુ. શિક્ષણ અને સાક્ષરતાના દરમાં સ્ત્રીઓ ઘણી પછાત હતી..ઘર અને બાળકોને સંભાળવા જ એમની નૈતિક જવાબદારી હતી એટલે શિક્ષણ હંમેશા ગૌણ જ રહ્યુ વર્ષ ૧૯૫૧ પર નજર કરીએ તો ભારતનો કુલ સાક્ષરતા દર ૨૧.૮૨% હતો જેમાં ૩૦.૩૨% પુરુષો અને ૧૨.૮૭% સ્ત્રીઓ સાક્ષર હતી. આધુનિકતા અને જાગૃકતાના પરિણામ સ્વરુપે ૨૦૧૧માં સાક્ષરતા દર વધીને ૭૯.૩૧% થયો જેમાં ૮૭.૨૩% પુરુષો અને ૭૦.૭૩% સ્ત્રીઓ સાક્ષર હતી.
આવા સમયે એક નવો આયામ અને એક નવો વિચાર લઈને આવે છે મહારાષ્ટ્રના ફંગાણે ગામના પ્રાથમિક શાળાના શિક્ષક યોગેન્દ્ર બાંગાર. કે જેઓ બેટર ઈન્ડિયાના વિચારથી પોતાના ગામમાં એક શાળા શરુ કરે છે જેનું નામ છે આજીબાઈ ચી શાલા (દાદીની શાળા). ભારતની આ પ્રથમ શાળા કે જ્યાં પ્રવેશ મેળવવા માટે ૬૦ વર્ષની ઉંમર હોવી આવશ્યક છે.. જ્યારે યોગેન્દ્ર બાંગાર એ પોતાનો વિચાર ગામના લોકો સમક્ષ મુક્યો ત્યારે દરેક આજીઓ એ શિક્ષિત થવાની તક માટે સમર્થન આપ્યુ હતુ.આ શાળાનું ઉદઘાટન આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૮ માર્ચ, ૨૦૧૬ના રોજ, સ્થાનિક પ્રાથમિક શાળાના શિક્ષક યોગેન્દ્ર બાંગાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને મોતીરામ દલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
આ શાળામાં હાલમાં ૨૮ વિધ્યાર્થીઓ ગણિત અને મરાઠી વિષય તેમની એકમાત્ર શિક્ષિકા શ્રીમતી શિતલ મોરે પાસે શીખી રહ્યા છે. શાળાનો સમય ૨ થી ૪નો હોય છે ગુરુવાર સિવાયના તમામ દિવસોમાં અહીં ઘડપણને શિક્ષિત કરવાનો પ્રયાસ શરૂ હોય છે.. દાદીઓ શાળાએ ચોક્કસ ગણવેશ ધારણ કરીને આવે જેમાં ગોલ્ડન બોર્ડર વાળી ગુલાબી રંગની નવવારી સાડી અને માથા પર કુમકુમનો ગોળ લાલ ચાંદલો અને જવાબદારી અને ઉંમરથી ઘસાયેલા અને કસાયેલા ખંભા પર દફતર. અહીં દાદીઓને ભણાવી ગણાવીને નોકરીએ મોકલવાનો કે આર્થિક ઉપાર્જનનો કોઈ ઉદેશ્ય નથી ઉદેશ્ય માત્ર એટલો જ છે કે તેઓ સાક્ષર બને. તે સામાન્ય વાંચી-લખી શકે કે જેનાથી તે ઉંમરના ઉતરાર્ધે કોઇ પુસ્તકનો સહારો લઈ શકે.
આ ગામની આ પ્રવૃતિ પછી ગામનો સાક્ષરતા દર વધ્યો છે. આ શાળાના શિક્ષિકા કહે છે કે દાદીઓ સાથે કામ લેવું ઘણુ અઘરુ છે કેમ કે ઉંમર અને અન્ય પરિબળોને લીધે તેમની દ્રષ્ટિ ક્ષીણ થવી, બધિરતા આવવી, યાદ ન રહેવું વગેરે જેવા પડકારોની સાથે તેમને અક્ષરજ્ઞાન આપવાનું હોય છે. તેમને દુઃખ ન લાગે એ રીતે એમને જરૂર જણાય ત્યાં ઠપકો આપવાનો હોય છે દાદીઓને ભણાવતા આ શિક્ષિકા ૧૦ નાપાસ હતા પરંતુ દાદીઓના ઉત્સાહ સાથે તેમણે પણ ૧૦માં ધોરણની પરીક્ષા આપી. પોતે અને પોતાની આસપાસની આ આજીઓને સાક્ષર કરવાનો અવિરત પ્રયાસ તેઓ કરતા રહે છે.
રમાબાઈ ગણપત ચાંડેલે કહે છે કે, ‘હું એક પાકેલા ફળ માફક છું કે જે શાખામાંથી ગમે ત્યારે પડી શકે. હું એક બાળક તરીકે શાળાએ જઈ શકી નહીં અને આખી જીંદગી નિરક્ષર જ રહી હતી. પણ હું અભણ મૃત્યુ પામવા નથી માંગતી. હવે, હું ખુશ છું કે હું થોડા શબ્દો મારી સાથે બીજી દુનિયામાં લઈ જઈશ.’
સીતાબાઈ દેશમુખ, જે આ બધામાં સૌથી વૃદ્ધ છે તે કહે છે કે, ‘મારા લાંબા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે મને કોઈ શાળામાં જવાની તક મળશે. જ્યારે હું નાની હતી, ત્યારે મારો પરિવાર ગરીબ હતો અને છોકરીઓને શાળાએ જવાની તક નહોતી. છેલ્લા વર્ષથી મારી નવી જિંદગી હું જીવી રહી છું. ’
જ્યારે અન્ય લોકો આ ઉંમર સરળ અને આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે ત્યારે આ મહિલાઓએ ઘરની બહાર પગ મુકીને અને પરિપક્વતા ઉંમરે વાંચવા અને લખવાનું શીખીને સમાજમાં દ્રઢ નિશ્ચય અને હિંમતનું સ્તર વધાર્યુ છે. હકીકતમાં, તેઓ ગામમાં અને દેશમાં શિક્ષણની ક્રાંતિ તરફ દોરી રહ્યા છે.

– ડો. હિરલ જગડ ‘હીર’
અહીં આવી કેટલીક લિંક રાખી છે જો આપ આ વિશે કંઈક વિશેષ જાણવા માંગતા હો તો ચોક્કસ વિઝિટ કરો.
લઘુતા કે ગુરુતા
જાપાનમાં ચાલતી સિટી બસના એક ડ્રાઇવરની આ વાત. બસની ખાસિયત એ હતી કે તેમાં કોઈ કંડકટરની જરુર ન હતી. બસના દરવાજાની નજીક લગાવેલ એક મશીનમાંથી પૈસા અને ટિકિટની લેવડ દેવડ થઈ જતી. બસનો ડ્રાઈવર શરીરે દુબળો પાતળો અને મનથી પણ ઝરા નબળો એ બહુ ઉંચા અવાજથી પણ ઘબરાય જતો.પણ આ બસ ચલાવાનું કામ એને કોઠે પડી ગયુ હતુ એને ખુબ મજા આવતી હતી આ કામ કરવામાં.. આ એનો નિત્યક્રમ થઈ ગયો બસ ચલાવાની અને જલ્સા કરવાના.એક દિવસ તે પોતના નિયમ અનુસાર બસ ચલાવતો હતો એક પેસેન્જર બસ સ્ટોપથી બસમાં ચડયો. બસ લગભગ ખાલી હતી અને ડ્રાઈવરનું ધ્યાન ગયુ કે પેલા પેસેન્જર ટિકિટ લીધી નહોતી. ડ્રાઈવર મુંઝવણમાં હતો કેમ કે કદાચ આગળ ચેકિંગ આવશે તો નિયમ મુજબ પેસેન્જર અને ડ્રાઈવર બંન્નેને સજાપાત્ર ઠરાવામાં આવશે. ડ્રાઈવરને થયુ કે પેસેન્જરને કહી દે..પણ તેની હાઈટ બોડી જોઈને તેની હિંમત ના થઈ. તેને લાગ્યુ કે હું આ હટ્ટાકટ્ટા માણસને કંઈ કહીશ તો એ મને મારવા લેશે તો ?હું તો એની સામે લડવા માટે તો શું તેની સામે ઉભો રહેવા પણ સક્ષમ નથી.ડ્રાઈવર મુંઝાયો હવે કરવુ તો કરવુ શું ? આમ કરતાં કરતાં સમય નીકળી ગયો અને તે પેસેન્જર બસમાંથી પોતાનું સ્ટોપ આવતા નીચે ઉતરી ગયો. ડ્રાઈવરને હાશ થઈ કે ચલો આજે કોઈ ચેંકિગ ન આવ્યું. પણ વાત ત્યાં પૂરી ન થઈ પેલા પેસેન્જરનો આ નિત્યક્રમ બની ગયો.
એ રોજ આવે પણ ટિકીટ લે નહિ મુસાફરી કરે અને પોતાનું સ્ટોપ આવતા ઉતરી જાય.. ડ્રાઈવર મુંજાય ગયો કે હવે શું કરવું ? તેની સામે જોવે અને પોતાના શરીર સામે જોઈને પૂછવાનો વિચાર રહેવા દે..આ અગાઉ પણ એને પોતાના શરીર માટે અફસોસ થતો પણ આજે જરાક વધુ જ વસવસો થઈ રહ્યો હતો.. આમાને આમા તે એક નિર્ણય કરે છે કે હું જીમ જઈશ બોડી બનાવીશ અને પછી પેલા પેસેન્જરની વાત છે..ત્રણેક મહિના સુધી રોજ તે બસની શિફ્ટ પૂરી કરીને જીમ જવા લાગ્યો..ખોરાકમાં પણ ફેરફાર કર્યો..અને એક દિવસ જ્યારે તેને થોડો વિશ્વાસ થયો ત્યારે પેલા પેસેન્જરની પાસે જઈને બોલ્યો, ” આમ તે કેમ ચાલે ! તમે રોજ મુસાફરી કરો છો ને ટિકીટ લેતા નથી..શું તમે જાણતા નથી કે આ કાનૂન ગુન્હો છે ? ” આટલું તો માણ બોલી શક્યો પછી પેસેન્જરનું કદ અને આકાર જોઈને અવાજ બહાર ન નીકળ્યો..આટલું સાંભળીને પેલો પેસેન્જર બોલ્યો, ” અરે..પણ મારે ટિકીટ લેવાની જરૂર શું છે જ્યારે મારી પાસે આખા વર્ષનો પાસ છે ! “
વાર્તા અહીં પૂરી થાય છે અને આપણી વાત અહીં શરૂ થાય છે.
આ કદાચ હાસ્યાસ્પદ લાગે કે કદાચ અવિશ્વનીય લાગે પણ આપણા રોજિંદા જીવનમાં કેટલું રીલેટેબલ છે..આપણે આપણી લઘુતા કે ગુરુતા આપણી ક્ષમતા પ્રમાણે નહિ પણ સામે વાળાની કક્ષા પ્રમાણે નક્કી કરીએ છીએ..તેનું સ્ટેટસ કે તેની આવડત આપણી આવડત અને આપણા વ્યક્તિત્વને આંજી કેમ નાખે છે ? ક્યારેક કેટલુંક બહુ સરળ અને સહજ હોય છે જેને આપણે જાણી જોઈને ગુંચવીએ છીએ..જેમ ડ્રાઈવરે કર્યું..સરળ સવાલ પૂછવા માટે જીમ સુધી જવાની કોઈ જરૂર હતી નહિ..છેલ્લી પણ બહુ અગત્યની વાત કે જ્યારે તમે તમારા હોદ્દા પર હોઉં છો ત્યારે તમે એને છાજે તેવું વર્તન કરી જ શકો એની માટે તમારે કોઈ દબાણ કે પ્રભાવમાં તણાવાની જરૂર નથી.
છેલ્લો કોળિયો : – ન લઘુતા રાખ, ન ગુરુતા રાખ,બસ તું તારામાં ક્ષમતા રાખ.
~ ડૉ. હિરલ જગડ ‘ હીર ‘




