Uncategorised

વિદાય વેળાએ વિચાર…

લગ્ન બાદ કન્યા વિદાય થાય અને કન્યા વરપક્ષની થાય..આ એક દિવસ માટે દીકરીનો બાપ વર્ષોથી જીણવટ પૂર્વક હિંમત ભેગી કરીને સમાજની સામે બધાની વચ્ચે રડવાનું સાહસ કરે છે.

કાળજા કેરો કટકો મારો..

બાબુલ કી દુઆ એ લેતી જાં..

બેના રે…સાસરિયે…

દિલ બરો..

આવા અઢળક ગીતો કવિતા વાર્તાઓને આપણા સાહિત્યમાં સ્થાન મળ્યું છે અને સાથે સાથે આપણા ફિલ્મી અને ફિલ્મી બનાવવા માંગતા વાસ્તવિક વિશ્વમાં પણ પગપેસારો કર્યો છે.

આપણને નવવધુની..અને તેના દરેક સ્નેહીજનોની મનો સ્થિતિ દેખાઈ છે..જતાવાય છે..રજૂ થાય છે..પણ કયાંક એ નવપરિણીતના ચહેરાના ભાવો પર આપણું ઝરાક જેટલું પણ ધ્યાન જતું નથી..

પુરુષ જે નવો નવો પરણ્યો છે તે કેવા કેવા ભાવો અનુભવતો હશે ?

એક સ્ત્રી પરણીને પોતાનું ઘર છોડીને જાય છે તો સાથે સાથે પુરુષ એક જવાબદારી અને એક આશાને વરે છે કે તેના જીવનને સવલત ભર્યું અને ખુશનુમા રાખશે..તે જે નવા સ્થળે તેણી જઈ રહી છે તેને ઘર આપણે સાથે મળીને બનાવીશું આ એક વચન મનોમન તે તેની અર્ધાગીનીને આપે તેની પેહલા તે પોતાનામાં અને એલફેલ ચાલતી દિનચર્યામાં ફેરફાર આદરી દે છે.

એક ભય તેને પણ હશે કે વર્ષોથી એક સ્ત્રીના વાત્સલ્યની છાયામાં પોતે ઉછર્યો છે તે હવે તેની પ્રિયતમાના વ્હાલના વરસાદમાં ભીંજાવાનો છે..આ બંન્ને સ્ત્રીની અગત્યતા એક સરખી રીતે છે તેમને બંનેને આ લાગણીનો અનુભવ કરાવી શકીશ ?

એક પિતા એ તેનો કાળજાનો કટકો મને એક વિશ્વાસ અને શ્રધ્ધા પૂર્વક આપ્યો છે તેને હું મારા કાળજામાં હંમેશ માટે મીઠું મીઠું મલકાતું અને આનંદથી છલકાતું ને ધબકતું રાખી શકીશ..??

તે ઉત્સાહ અને ઉમંગથી પણ ગદગદતો હશે..જેના વિશે બહુ ચર્ચાઓ કરી કે વાતો સાંભળી તે જાતિય સુખ તેને મળશે…પણ પોતાના પુરુષત્વ ની સાબિતી થશે કે કેમ તે ચિંતાના વમળોમાં પણ આળોટતો હશે.

આના સિવાયના પણ ઘણાં આવેશો અને આવેગો ઉમટતાં હશે જ..

આપણે લગ્નપ્રસંગને વ્યવહારુ અને સામાજીક બનાવવામાં વધુ પડતો ઔપચારિક બનાવી દિધો છે..સારી પરિસ્થિતિને પ્રદશિત કરવામાં મન: સ્થતિ પરનું ધ્યાન સંકુચિત થઈ ગયું છે.

~હિરલ જગડ _હીર 🍁

Uncategorised

જરૂરિયાત

દરેક જીવની કેટલીક પ્રાથમિક જરૂરિયાત ભૂખ ,તરસ,નિંદ્રા અને જાતિયતા છે મનુષ્યની અંદર આના સિવાયની અન્ય ઘણી જરૂરિયાત છે જેમાં વાત્સલ્યની જરૂરિયાત, સુરક્ષિતતાની જરૂરિયાત ,સ્વ આવિષ્કારની જરૂરિયાત આનો સમાવેશ થાય છે..મનોવિજ્ઞાનના કેટલાક સિધ્ધાંતો અનુસાર આ એક સ્તરમાં વિકસે છે..એક જરૂરિયાતની પ્રાપ્તિ બાદ તે અન્ય જરૂરિયાત તરફ આગળ વધે છે.

આપણી મુખ્ય ચાર જરૂરિયાતમાંથી આપણે વાત કરીએ જાતિય જરૂરિયાતની..

શરીરનું સુખ કે કામવૃતી

આ શું છે ? કેમ થાય ? કે કેમ મેળવાય તેની વધુ લાંબી માહિતી આપણને આપણા આસપાસના વાતાવરણમાંથી મળતી નથી..જેમ છ મહિનાના બાળકને શું ખવાય ? કે શું ન ખવાય ? તેને કેવી રીતે બેસાડાય ? તેની નાજુક ત્વચાની માવજત કેમ રખાઈ ? આ બધી સમજ કદાચ માતાપિતા રાખે છે..અને લગભગ તેમાં સફળતા મેળવે છે..પણ કંઇ ઉંમરે તેનામાં જાતિયતા ની જીજીવિષા ઉદભવે છે ? જાતિય અંગો સાથે તે શું કરે છે ? ક્યાંથી અને કોની પાસેથી તે જાતિય સુખ મેળવવાની રીતો શીખે છે ? અને કેવી વાહિયાત વાતોને તે સત્ય માનવા લાગે છે અને એ ભ્રમને તે જીવવા લાગે છે ?

આની માહિતી લગભગ લગભગ કોઈ માતાપિતાને હોતી નથી..કેમકે તેઓ સંસ્કારી માતાપિતાનો રોલ ભજવતા હોય છે પણ બાળકને સંસારી થવા માટેની સમજ આપવી તેમની સ્ક્રિપ્ટમાં હોતી જ નથી. આપણા દંભી દિગ્દર્શક આને ભજવવાની સખત મનાઈ ફરમાવે છે.

હમણાં હમણાં ધ્યાને પડેલા કેટલાંક કેસો પર નજર કરીએ તો..પેહલા ધોરણની એક બાળકીએ તેના વર્ગના એક છોકરાને હોઠ પર કિસ કરી લીધી..ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકીઓ શાળાના બાથરૂમમાં એકબીજાના ગુપ્તાંગો માં પેન્સિલ નાખતા જોવા મળી.. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકબીજાના જનઆંગો ચાટતા જોવા મળ્યા..શાળા કોલેજમાં ચુંબનો કરતાં વિદ્યાર્થીઓને શિક્ષા ફટકારવામાં, એક બાળકી તેની મિત્રને કહે છે કે ” વોચમેન અંકલ સામે ફ્રોક ઉતારીશ તો તે તને પણ મારી જેમ રોજ ચોકલેટ મળશે..”

આ બધી વાતો આપણી આસપાસની છે શારીરિક રીતે જે પરિપક્વ છે તેઓ માટે આ વાતને સહજ અથવા યોગ્ય લઈ શકીએ પણ જેમની ઉંમર આ માટે પરિપક્વ જ નથી તેઓ આવી બધી પ્રવૃતિઓમાં રચ્યાપચ્યા રેહશે તો તેમના ભવિષ્ય વિશે ઘણી આશંકાઓ પેદા થઈ શકે..! આપણા દેશની પ્રમુખ સમસ્યાઓમાંથી એક સમસ્યા ‘ શારીરિક સંબધ બાંધવામાં નિષ્ફળતા ‘

આ સમસ્યાના ઘણાં બધા કારણોમાંનું એક કારણ બાળપણમાં બનેલો કોઈ આવો બનાવ પણ હોઈ શકે..

આ માટે આપણે શું કરી શકીએ ?

જો તમારી પાસે આવા નાના બાળકો આવી કોઈ બાબત સાથે આવે તો તમે એક પુખ્ત તરીકે શું કરશો ?

હાઈ હાઈ…

અરેરે.. એરેરે..

બાપરે..

આજની પેઢી…

છી છી છી…

આવું બધું કહેશો ?? કે તમારી પાસે એમને સમજવાની અને પછી એમને કંઇક સમજવાની સૂઝ છે ??

નિયમો દરેક જગ્યાએ છે પણ એનું પાલન નથી થતું આપણા નિયમો પહેરવેશ અને ગણવેશ માટે બહુ ચુસ્ત છે પણ માનસ વેશ પર ધ્યાન કેન્દ્રિત થતું નથી…કોઈ થીયેટરમાં નગ્ન કે અર્ધનગ્ન વ્યક્તિને પ્રવેશ નહિ મળે પણ અશ્લીલ ફિલ્મોને જોવા માટે કોઈ પણ ઉંમરની વ્યક્તિને પ્રવેશ મળી જાય છે.. તેની ચકાસણી માત્ર એટલા પૂરતી જ થાય છે કે તે કંઇક ઘાતક સાધનો સાથે તો નથી આવ્યો ને !

આ વાત એટલા માટે મહત્વની છે કેમકે આના પર તેનું આખું ભવિષ્ય અને આપણો સમાજ નભેલો છે..

_હિરલ જગડ

હીર 🍁

Uncategorised

“પુરુષ બનવું અઘરું છે.”

એને રડતો નથી જોયો મેં

પણ એ વેદનાની સંવેદનાને કોઈ બંધ કરેલ નળની અંદર સચવાયેલા પાણીની જેમ રાખી મૂકે છે અકબંધ..

પોતાની ઈચ્છા,અપેક્ષા અને ઓરતાંનો હિસ્સો તેને મન એટલો જ છે જેટલો તેણે પેહરેલા જિન્સની અંદર નાનકડાં ખિસ્સનો હોઈ નજીવો..અને આમ કંઈ બહુ ખાસ પ્રાધાન્ય તેનું નહિ..પ્રધાન ખિસ્સું તો હ્રદયને વળગેલું સર્ટ સાથે ચીપકીને જીવતું હોઈ અને આ પુરુષ જાતિ તેના હ્રદયમાં વસતાં તેના સ્નેહીઓને જોઇને જીવતી હોઈ…આખો દિવસ ગધેડાની જેમ મેહનત કરતો પુરુષ પોતાની મ્મમીના આવકારમાં પોતાના થાકને ઉંબરે ભૂલતો આવે…એની ભાભી વ્હાલથી જમાડે ત્યારે મનોભાર ક્ષીણ થઈ પડે પત્નીનો સ્નેહ – સમજ – વિશ્વાસ તેને જીવવાની કમાવાની ગતિ આપે છે..પોતાના બાળકોનું સ્મિત તેના ચહેરાં પરની સમસ્યાઓ પર પ્રમિનેટ મેકઅપ કરી નાખે..પિતાની વૃદ્ધ આંખમાં ચમક જોઈ તેનામાં કંઇક બન્યાનો આનંદ ઉગી નીકળે છે..

એક પુરુષ તેના જીવનના કેટલા બધાં વર્ષો પોતાના પરિવાર માટે ખર્ચ કરી નાખે અને એની ઝંખના મોટાભાગે એવી જ હોઈ કે મારા સ્નેહીઓના ચેહરા પર સદાઇ સ્મિત રહે ..એ સગવડવાળું ઘર લેવા સતત મથતો હોઈ છે જે ઘરની અંદર સૌથી ઓછો સમય એને ગાળવાનો હોય છે..ઘરની બહાર શહેરની બહાર અને ઘણીવાર તો દેશની બહાર વસીને પરિવાર માટે જીવતો હોઈ છે અને આ બાબતને પણ તેની ફરજ સમજી સહજ લઈ બહુ સહજતાથી તે જીવતો હોઈ..

ઘણી બધી વાતો તે કહેતો નથી વર્તવા દેતો નથી કે બહુ વધુ ચર્ચા કરતો નથી..પણ કોઇના ઉદાસ ચહેરાથી એને ફર્ક પડે છે..કોઇના આંસુથી એ પણ અંદર રડે છે એને પેહલેથી આમ બાહ્ય ટાપટીપને આગ્રહ જ નથી એટલે મેકઅપ એ કરતો નથી અને કોઈની સામે જલ્દી પોતાની જાત ધરતો નથી..

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શુભકામનાઓ…🌸✨

દરેક પુરુષને વંદન અને અભિનંદન જેમ સ્ત્રી બનવું એની ભૂમિકા નિભાવી કઠિન છે તેમ પુરુષ તરીકે જીવવું પણ કઠિન જ.

_હિરલ જગડ “હીર”🌼

Uncategorised

પુસ્તક એટલે પ્રેમ📔❤️

માણસની લાગણીઓ તેના ભાવો તેના આવેગો ઓછાવત્તા થયા કરે..તે ક્યારેક ભાવુક થઈ પડે તો ક્યારેક આક્રોષથી ભરપૂર હોય..ક્યારેક સૂર્યની જેમ પ્રકાશિત થઈ જાય તો ક્યારેક સંતાઈ જાય..ક્યારેક ગદગદિત થઈ જાય તો ક્યારેક મુંજાઈ જાય..!પણ વિચાર એમ આવે કે આપણે જેને આપણો કાયમી – પ્રિય અને વફાદાર મિત્ર કહીએ છીએ..તે📚 પુસ્તક 📚 ને પણ આવી અનુભૂતિ થતી હશે ખરી ??તેનેય કોઇના સ્પર્શની લાલસા થતી હશે અને કોઈકનું અડવું અણગમતું લાગતું હશે..બધા સામે ખુલ્લી જવું તેને પણ કદાચ નહી ગમતું હોઈ…બની શકે તેને પણ તેના સ્થાનથી અસંતોષ હોઈ..એવી કેટલીક જગ્યા પર તેને રહેવું વ્યર્થ લાગતું હશે કે જ્યાં માત્ર તેને સુવ્યવસ્થિત રીતે ક્કવારી પ્રમાણે ગોઠવી દેવામાં આવે છે કે પછી માત્ર શોભાના ગાંઠિયાની માફક મૂકી દેવામાં આવે છે..વળી તેને તેનુ દુઃખ પણ થતું હશે.. ગુસ્સો પણ ભારોભાર આવતો હશે…પરંતુ મનુષ્યની માફક તે રડી નહિ શકતું હોઈ..ત્યજી નહિ શકતું હોઈ..કે સ્થાન છોડીને ભાગી નહિ શકતું હોઈ..કે આપઘાત પણ નહિ કરી શકતું હોઈ..પણ કદાચ..ક્યારેક તેણે એવું કર્યું હશે કે…ઝાકળની આડમાં ચૂપચાપ તેને તેની ભીનાશ, તેની વેદનાઓને પાનાંઓની વચ્ચે ઓરી દીધી હશે…! જેમ આપણે ઓશીકાં માં આંસુ રેડીએ છીએ તેમ..!ક્યારેક પુસ્તકને કાળજીનો અહેસાસ થતો હશે ને..મીઠુંમીઠું લાગ્યું હશે..જ્યારે તેના ફાટેલા પાનાંઓને કોઈ સેલોટેપની મદદથી સાંધવાનો પર્યાસ કર્યો હશે ત્યારે અદલ આપણા શારીરિક માનસિક ઘા પર કોઈ મરહમ લગાવાતું હોઈ તેવું જ એને પણ લાગતું હશે..અને તેના મુખપૃષ્ઠ પર મિઠાશ અને ઊર્જા આવી જતી હશે…!તેને આ બધા ભાવોની સાથે કદાચ આજે સૌથી મોટો ભાવ અનુભવતો હશે…એ છે.. અવગણનાનો જે માણસ માટે પણ અસહ્ય છે..આપણી ઝરા જેટલી અવગણના થાય તો આપણે રઘવાયા થઈ જઈએ છીએ..ઝઘડી પડીએ..કે પછી રિસાઈ જઈએ….પણ પુસ્તક ક્યારેય રઘવાયું થતું નથી.. રીસાતું પણ નથી..ઝઘડવા આવતું નથી..માની લઈએ કે તેને આ બધું થતું હોય આ બધું તે કરતું હોય તો પણ..
તેની જાણ તેના બધાં ભાવોની જેમ આપણને ક્યાં થાય જ છે..📌સાચે..!બહુ અટપટી જાત છે આ પુસ્તકની

📚- DR HEER💖

Uncategorised

બાળપણનો બળાત્કાર

http://એક

નાના બાળકને જ્યારે તમે અડકો
અથવા એને આમ તેડીને હાથમાં લો
ત્યારે ગજબનો ડર લાગે
કે ક્યાંક મારા હાથની કઠોરતા તેની સુવાળી ચામડીને
સ્પર્શે અને એને તકલીફ ના આપી દે..
ક્યાંક મારા હાથોના નખ એને કોઈ પીડા ન આપી દે..
તેની ડોકી,તેના અંગો અને તેના પ્રાણને કોઈ હાની ન થઈ જાય

આવી કાળજી બાળક પ્રત્યે હોય છે
તો એક નાનકડી બાળકીના
શરીરને ખરાબ દ્રષ્ટિ એ જોનારઓ
બાળકીના શરીરના કપડાંની સાથે શું પોતાની માનવજાતને
ઉતારીને ફેંકી દેતાં હશે ??
અંગો આકાર લે તે પેહલા જ તેનો ખાત્મો કરી નાખનાર શું પોતાની અંદર રહેલા ઈશ્વરની હત્યા કરી દેતાં હશે ???
બાળકીના શરીરની સાથે ખિલવાડ કરનારને શું એક વખત પણ તેની અંદર રહેલી નિર્દોષતા નહિ દેખાણી હોય..??
તેના શરીરને ચુધીં નાખતા પેહલા ક્ષણ માટે પણ પોતાની અંદર રહેલા પિતાની ઝાંખી નહિ થઇ હોય…??
આવા વિચારને અડતા પેહલા તેને આફડછેટ કેમ નહિ લાગી હોય..??

કારણ જે હોય તે પણ પોતાની અંદર રહેલા શેતાનને આશ્વાસન આપતાં પેહલા તેને એકવાર પોતાની ભીતર પડેલા સંતની ચીસો નહિ સાંભળી હોય…??

બળાત્કાર એટલે કોઈની મરજી વગર તેના શરીરને પામવું…!

પણ જે શરીર હજુ તૈયાર જ નથી થયું તેને પામવાની રાક્ષસવૃત્તિને શું કેહવાય ???

આપણે પેહલા વાનર હતાં આ વાક્યપ્રયોગ હવે બદલી આપણી ભાવિ પેઢીને આપણે એમ કેહવાનું છે કે આપણે માણસ હતાં

~હીર💫
હિરલ એમ. જગડ

(10-06-2019)

Uncategorised

તું વિચારે છે મને…!!!

એ કે ને તું વિચારે છે.. મને..!
જે રીતે હું વિચારું છું તને..!

વધુ કાંઇ બદલાયું નથી તારા ગયા પછી…
બસ હવે,
મીઠી સ્મિત સાથે
તારું “શુભ સવાર” નું wish મારા inboxમાં નથી દેખાતું…
જ્યારે સુર્યનો ઉદય થાય છે તે સાથે થાય છે હજુ એક આખો દિવસ તારા વિના વિતાવાનો છે,

તને ખબર છે 14 તારીખે “પ્રેમ દિવસ” પર social media પર ઘણાં બધા ફૂલો મળ્યા..ને હું એ ફુલોમાં સતત તારી મહેક શોધતી રહી…મહેક શોધવામાં એ ડિજિટલ ફુલમાંથી પણ તીષણ રીતે કાંટા વાગેલા..
તેં મળે પણ કેમ આજકાલ મારી આંખે ધુધળૂ દેખાઇ છે..
તારા ગયા પછી કશુંક આંસુ જેવું પ્રવાહી તેમાંથી વહેતું જ રહે છે… તું ફુલ વિશે નહીં તો કાંટા વિશે…
એ કે ને તું વિચારે છે
જે રીતે હું વિચારું છું તને..!

જીવનની ગાડી ચાલે જ છે..
તું આવ્યો છો ત્યારે speed ધીમી પડી હતી..
અને આજે પલટી ખાઈ ગયેલી ગાડી ધીમે જ ચાલે છે..

તારું મારા જીવનમાં
આવવું,
મને મળવું,
મને જોવું અને
સતત ‘નથી જોતો’ એમ છળવું
અને પછી એક્દમ આરપાર નીકળવું..
આ બધુ તને સાંભરે છે..?
એ કે ને મને તું વિચારે છે મને..!
જે રીતે હું વિચારું છું તને..!

વધુ કાંય બદલાયું નથી કામકાજ થાય છે
પણ તેમાંથી મારુ “involvement” કદાચ ભૂલથી તું તારી સાથે જ લેતો ગયો છો..
સાંજે જ્યારે ઘરે આવું છું ત્યારે કેટલી બધી વાતો હોય છે
તને કહેવા માટે પણ blockનું ચિહ્ન
મારા શબ્દોને lock કરી દે છે
અને હું જાણે મૌન સમાધિમાં જતી રહું છું..
હરરોજ પથારીમાં પડતાં વિચાર આવે છે,
કે કદાચ કાલે મારી સવાર નહીં થાય..
આ પથારી જ મારી મરણપથારી બનીને રેહશે,
પણ આ રાત અંધકાર દૂર કરી જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે પથારીમાંથી જીવ સાથે નિર્જીવ જેવું શરીર ઉભુ થાય છે,
જેમાંથી ઉચ્છવાસ તો નીકળે છે પરંતુ શ્વાસ કદાચ ભૂલથી તું તારી સાથે જ લેતો ગયો છો..!

એ કે ને વિચારે છે તું..!
મને જેમ હું વિચારું છું તને..!
~હિર💌

Uncategorised

દિવસે ને દિવસે કેવા થઈ રહ્યા છીએ આપણે…??

દિવસે ને દિવસે કેવા થઈ રહ્યા છીએ આપણે…??

આપણી લાગણી પાંગળી થતી જાય છે

વિચારો આપણા વિકૃત થતા જાય છે

મૂલ્યોને રેઢાં મૂકીને આપણે મોર્ડન બનતા જઈએ છીએ

માનસિકતામાં અમુક ઘેઘુર માતમ છવાતું જાય છે

શરીરથી સતત એક પ્રકારના સુખની માંગણી થતી જાય છે

આદમ થી આગળ વધતા આપણે દાનવથી પણ ચડિયાતા થતા જઈએ છીએ

સંવેદનોમાં વેદના નહી સ્વાર્થ જ સ્પર્શતો જાય છે

મારું અને માત્ર મારું કરવામાં કોઈ પણને મારી નાખવાની ક્ષમતા વધતી જાય છે

Touch screen ના કુંડાળામાં ખરો સંપર્ક ટિચાતો જાય છે

વ્યક્તિત્વમાંથી ધીમે ધીમે જાણે વ્યક્તિ તત્વપણું પિખાતું જાય છે

નીકળી પડયા છીએ સતત કંઈ પ્રાપ્ત કરવા આપણે અને ખુદને જ હોમતા જઈએ છીએ

મૂલ્ય(પૈસા) એકઠા કરવા અહીં મૂલ્યો વેચી આરામથી ઓડકાર ખાતા જઈએ

ખીલવાની આશાથી ઉભેલા આપણે બીજા માટે જંતુનાશક દવા બનતા જઈએ છીએ

આવેગો પર અહમ્ સવાર છે સબંધો અને સબંધીઓ સાથે સવાલ જ સવાલ છે..

ભૂલથી ભ્રમિત થતા થતા આજે ભૂલોનું ભંડોળ ભેગું કરીને ઉભા
છીએ.

વિકસીત થવામાં સંકુચિત બન્યો
જાગતી આંખે જાણે મૂર્છિત બન્યો..
મૂર્ખ બન્યો હોવા છતાં મનોમન હું શિક્ષિત બન્યો…!

બુદ્ધિના કૌશલ્યને હથિયાર બનાવી હરરોજ આપણું અહિંસા વ્રત મન, વચન, કર્મ તૂટતું જાય છે..!

ગતિ વધી છે મારી અને મારા જીવનની આજે..એ પૂરપાટ ગતિમાં આગળ વધવાથી કયાંક આપણા ગાડામાંથી મૂલ્યો..પ્રમાણિકતા..લાગણી..કુમાશ..વિશ્વાસ..પડી ગયા લાગે છે..કરું તો કરું શું હવે પાછળ વળવાનો મારી પાસે સમય જ નથી

કેવા અને શા માટે આવા થઈ રહ્યા છીએ આપણે…????

~હિર💫
ડૉ. હિરલ એમ. જગડ