behavioral patterns · children · codependent · dependency · Health solutions · husbandwife · India · life · lifestyle · mental health · moral values · Norway · observations · old is gold · parenting · Uncategorised

પ્રોઢસંસ્કાર 🤔

રીદા કલીનિકની અંદર પગ મૂકતા જ રડવા લાગી હજુ હું કંઈ સમજુ કે પૂછું એ પહેલાં અચ્યુત કલીનિકમાં આવ્યો અને રીદા સામે નજર કરીને શાંત થવાનો ઈશારો કર્યો. ૫ મિનિટ પછી બંને મારી સામેની બે ખુરશીઓ પર ગોઠવાય ગયા. થોડીક કેસ રિલેટેડ ફોર્માલિટી પૂરી કરી મેં બંનેને પુછ્યું,  “શું મદદ કરી શકું છું હું આપની ?” જેનો જવાબ કંઇક અલગ મળ્યું. અચ્યુત બોલ્યો, ” મેડમ, તમે મારા પપ્પા અને મમ્મીને અહીં રાખી શકો ? હું એમને તમારી કલીનિકે મૂકી જાઉં ?
આ સવાલ કેમ ઉભો થયો અને કલાઈન્ટ આટલી અકળામણમાં કેમ છે એ જ્યારે કેસ હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું. અચ્યુત અને રિદા બંને ભાઈ – બહેન પોતાના માતા – પિતાની ફરિયાદોનો કાફલો અને કેટલીક પીડાઓ લઈને આજે મારે આંગણે આવ્યા હતા. તો વાત જાણે એમ હતી કે, બંનેના માતા – પિતા એટલે કે હસમુખભાઈ અને મૃણાલીબહેન મુંજપરા જીવનના પાંચ દાયકા પૂરા કરીને છઠ્ઠામાં પ્રવેશી ચૂક્યા હતા. એમનું જીવન ઘણું સરળ અને સુખદ દેખાતું હતુ પણ ખરેખર એવું હતું નહિ.
ફરિયાદોનો આરંભ કરતા રીદાએ બોલી,


“મમ્મી કે પપ્પા અમારી એક પણ વાત માનતા કે સમજતાં નથી, પોતાની જૂની રૂઢિ અને રિવાજોને મારી અને ભાઈ પર થોપી બેસાડે છે, વાત અહીંયા પૂરી થઈ જતી હોય તો પણ ભલે પણ ના, એ તો અલગ અલગ તૂત ઉભા કર્યા જ રાખે છે, ક્યારેક અમારા ફ્રેન્ડસ સામે તો ક્યારેક અમારી પ્રોફેશનલ લાઇફમાં, નાની – મોટી બધી વસ્તુમાં ચંચુપાત કરવાની અને ન કંઈ કહીએ કે પૂછીએ તો રિસાઈ જવાનું. શું આ બધું ઠીક છે ? સમય પર દવા નથી ખાવી કે પોતાનું કંઈ ધ્યાન નથી રાખવું હવે અમે કેટલીક વાર કહીએ ? નાનું બાળક હોય તો ખીજાય ને કે ઠપકો આપીને પણ કહી દેવાય પણ આમની સાથે તો એ પણ ન થઈ શકે.


અચ્યુતે થોડું ઉમેરતા કહ્યું, “મેડમ હું જાણું છું કે આ બધું થવું બહુ સ્વાભાવિક છે બધા સંતાનો સાથે થતું હશે પણ શું આના કારણે માતા – પિતાની માનસિક સ્થિતિ ખરાબ થાય ? કે એમને બીજી કોઈ મુશ્કેલીઓ પડે ખરી ? કેમ કે કયારેક મને એવું લાગે છે કે They are not really okay! કેમ કે પોતે ભલે એકપણ કામ જાતે સંભાળી શકતા નથી તો પણ સ્વાભીમાનનું પૂછડું છોડવું નથી. બીજાની મદદ લેવી નથી અને ક્યારેક તો ગળગળા થઈ જાય અને ક્યારેક જૂની વાતોને યાદ કરીને કરીને ખિલખિલાટ હસ્યા કરે. શું આ બધું નોર્મલ છે ?


અચ્યુત અને રીદાના પેરન્ટ્સનો કેસ ખરેખર ઇન્ટ્રેસિંગ હતો, આખી વાતને શરૂથી શરૂ કરવામાં આવી માતા-પિતા સાથે કાઉન્સિલીંગ સેશન્સ થયા અને ફેમિલી કાઉન્સિલીંગ સેશન્સ પણ થયા. યોગ્ય પ્રકારની સાયકોથેરાપીની મદદથી લગભગ ૮ મહિના પછી ધીરે ધીરે અચ્યુત અને રીદાનું ટ્યુનિંગ તેમના માતા-પિતા સાથે બેઠું અને હવે પરિવાર કુશળમંગળ રીતે જીવન જીવે છે.


દરેક કેસ થેરાપિસ્ટ/કાઉન્સેલરને કંઇક શીખવે છે, સ્વાભાવિકપણે આ કેસમાં મેં પણ ઘણું શીખ્યું અને સમજ્યું ત્યારે મનમાં સતત એક વિચાર ચાલતો હતો અને I am sure કે તમારામાંથી ઘણા બધાને પણ આ વિચાર આવતો હશે કે શા માટે આપણી પાસે એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા કે યોજના નથી જેમાં આપણે સમજી, જાણી અને શીખી શકીએ કે જીવનના ઉતાર્ધ પર આગળ વધી રહેલા આપણા માતા – પિતાને કંઈ રીતે સંભાળવા ? શા માટે આપણી સામાજિક વ્યવસ્થામાં એવી કોઈ પ્રણાલી પ્રસ્થાપિત નથી કે જ્યાં પુખ્ત થતાં વડીલોની કુમળી લાગણીઓને આપણે સુરક્ષિત રાખી શકીએ. આપણે ગર્ભસંસ્કારમાં માનીએ છીએ અને એને ઉજવીએ અને જીવીએ પણ છીએ તો પ્રોઢસંસ્કાર કેમ નહિ ? આપણે ‘જનરેશન ગેપ’ના નામ પર ઘણી વખત આ વાત અવગણી નાખીએ છીએ પણ આ વિષય પર વાત કરવાનું હંમેશા ટાળીએ છીએ. એક સંતાન વધતી ઉંમર સાથે પ્રગતિ તરફ આગળ વધે છે જ્યારે તેના માતા – પિતા જીવનના અંત તરફ આગળ વધે છે, એ સમયે સ્વભાવમાં પરિવર્તન વ્યાજબી છે, બાળકને પા – પા પગલી શીખવવા અને તેને દુનિયામાં સેટલ થવામાં આપણે પુરે પૂરી મદદ કરીએ છીએ એ જ રીતે જીવન જીવી ચૂકેલા નિવૃત્ત થયેલા/ થવા જઈ રહેલા આપણા માતા – પિતા અને વડીલોની કાળજી રાખવી પડશે. સંશોધનો દર્શાવે છે કે પ્રોઢ/ વધતી ઉંમરે વડીલોને આ મુજબની કેટલીક કાળજી/કેર/હુંફ ની જરૂર હોય છે.


1. રોજબરોજના જીવનમાં ગોઠવણમાં મદદ આવશ્યક છે, સતત કેટલાય વર્ષોથી નોકરી/વ્યવસાય કરીને કે એક પ્રવૃત્ત ગૃહિણી બનીને સતત કામ કર્યું હોય ત્યારે અચાનક આવી પડેલો ફ્રી (free) ટાઈમ એમના માટે હેન્ડલ કરવો અઘરો હોય છે.


2. સુરક્ષા સંબંધી સવલતો : ઉંમરના આ તબક્કે નાની – મોટી દરેક વસ્તુ પર અન્ય પર આધારિત થવાનું એમના માટે એક અજુગતો અનુભવ છે, જેના કારણે ઘણીવાર તેઓ સંકોચ રાખે છે કાં તો પછી ચિડાય જાય છે. દા. ત. પોતાના ફાયનાસીસનું મેનેજમેન્ટ, ખરીદી, દવા કે ડોકટરની વિઝીટ વગેરે.


3. શારીરિક કે માનસિક સમસ્યાઓ : નાની મોટી શારીરિક કે માનસિક બિમારીઓ પણ તેમના વર્તન અને વ્યવહારને બદલી શકે છે.


4.  ગૂણવતાસભર જીવન : અમુક સમય પછી ગૂણવતાસભર જીવન ટકાવી રાખવું એ બહુ ચેલેંજીંગ હોય છે જેના કારણે પણ કેટલાક વ્યક્તિમાં ફરસ્ટેશન અને અકળામણ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે કેટલાક ગંભીર કે સામાન્ય રોગો – ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કે અલ્ઝાયામર.


5. સબંધોની માવજત અને પરિવારની ગરિમા : હવે મોટાભાગના વડીલો માટે આ બદલાવ ભુંકપના આંચકા જેવો હોય છે, સંબંધોની ગોષ્ઠિ પોતે જેમ ગોઠવી છે, સ્વાભાવિક છે એમના સંતાનો તદ્દન એ જ ફોલો કરશે એવી અપેક્ષા અતિશયોક્તિ ભરી છે, મનનું ધાર્યું નથી થતું ત્યારે તકલીફ થાય એ સહજ છે અને બીજું કે જ્યારે વર્ષોથી ઘરને એકજૂથ કરીને રાખ્યું હોય, જુદા જુદા નિર્ણયો લીધા હોય અને હવે જ્યારે મૌન રહીને ઘરની અંદર બનતી ઘટના પ્રેક્ષક બનીને જોવાની થાય ત્યારે મૂંઝારો તો થાય જ ને ?


6. જાત – સંભાળ (Self- care) : આપણા માતા – પિતા હંમેશા આ બાબતે કાચા જ રહ્યા છે, એમને પોતાની જાતને સૌ પ્રથમ મૂકતા કે પોતાની જાતને લાઇલાઇટમાં મૂકતા આવડ્યું જ નથી, એટલે આપણે એ સ્કીલ સેટ કરવા માટે એમને મદદ કરવી જ પડશે.


અચ્યુતની વાત પરથી આ વિચાર આવેલો અને મને લાગે છે કે આ સમયે ખરેખરે આપણા સમાજને આવા પ્રકારના એક દૃષ્ટિકોણની જરૂર છે. દરેક ઘરોમાં નાના – મોટા કલેશ/જઘડાઓ વર્ષોથી ચાલે છે, પણ આ મુદ્દાને આપણે આ દૃષ્ટિથી એકવાર જોઈએ અને ધીરે ધીરે અપ્લિકેબલ બનાવીએ તો કદાચ સંબંધોમાં એક નવી સુવાસ પ્રસરે. લોકો એકબીજાની વધુ નજીક આવી શકે. જે રીતે બાળકના જન્મ પહેલાં, દરમ્યાન અને પછી આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ અને પૂરતી કાળજી રાખીએ છીએ કે કોઈ જ ક્ષતિ ન રહે, બસ એવું જ વલણ વૃદ્ધ થતા માતા – પિતા પ્રત્યે કેળવવાનું છે.


છેલ્લો કોળિયો: જેટલી ધીરજ અને આસ્થા આપણા માતા – પિતાએ આપણને મોટા કરતી વખતે રાખી હતી કદાચ એનાથી ઓછી ધીરજ અને આસ્થા આપણે એમના ઘડપણને સમજવા માટે આપવાની જરૂર છે. મનના કોઈ ખૂણામાં વૃદ્ધ થતી વ્યક્તિના મનમાં આ વિચાર જરૂર આવતો હશે. જે કવિયત્રી પાયલએ બહુ યોગ્ય રીતે લખેલો છે.

“जीवन खोए हुई लोगो से और चीजों से भरा पड़ा है, पर फिर भी खाली सा है । “


– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

children · life · lifestyle · moral values · observations · old is gold · parenting · society · youth

एक था बंदर 🙊

એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ થયો, જેમાં આપણા વર્તન પર પડતી ઘડ અને એના કેટલાક અનુભવોનું સંકલન આપણા માનસ સાથે કેવું છે તેની તપાસ કરવામાં આવી.
પ્રયોગ હતો આઠ વાંદરાઓ પર, એક રૂમની અંદર આઠ વાંદરાને રાખવામાં આવ્યા અને ત્યાં ઉપર એક કેળાની લૂમ બાંધવામાં આવી સાથે એક સીડી (ladder) પણ ગોઠવેલી હતી, વાંદરાઓની નજર કેળા પર ગઈ અને એક પછી એક વાંદરાઓ એ કેળા લેવા માટે પ્રયાસો શરૂ કર્યા, કેળાની લૂમ મેળવવા માટે, જેવા તે સીડી પર ચડીને કેળા સુધી પહોંચે ત્યાં જ તેમના પર ઠંડુ બરફ જેવું પાણી રેડવામાં આવે અને વાંદરાઓ નિરાશ થઈને પાછા આવી જાય. અહીં ટવીસ્ટ એ હતો કે પાણી અમુક સમય સુધી પડે એવી રીતની ગોઠવણ હતી, જો નક્કી કરેલ સમય સુધી પ્રયોગપાત્ર રાહ જુએ તો તેના લક્ષ્ય સુધી પહોંચી શકે એવું આયોજન હતું, પરંતુ વાંદરાઓ ઉપર જાય પાણી માથે પડે અને નીચે ઉતરી જાય, આવું વારંવાર થયું, ઘણીવાર થવા લાગ્યું પણ આઠમાંથી એક પણ વાંદરાએ ત્યાં રહીને એ પાણીને સહન કરવાનો કે ત્યાં ઊભા રહીને રાહ જોવાનો પ્રયાસ ન કર્યો પરંતુ કઈક અલગ જ વર્તન જોવા મળ્યું જેમાં હવે જો કોઈ એક વાંદરો ઉપર જાય તો બીજા બધા વાંદરા મળીને તેને ખેંચી ખેંચીને નીચે લઇ આવે, આઠ વાંદરાઓમાંથી એક વાંદરાને બહાર લઈને એક નવા વાંદરાને પ્રયોગમાં સામેલ કરવામાં આવ્યો, ઠંડા પાણીના અનુભવથી વંચિત એવો નવો વાંદરો જ્યારે કેળા લેવા માટે ઉપર ચડવા જાય છે ત્યાં ફરી અગાઉના વાંદરાઓ તેને ખેંચીને નીચે લઇ આવે હવે આવી રીતે એક પછી એક નવા વાંદરાને પ્રયોગમાં સામેલ કરતા ગયા અને અગાઉના વાંદરાને બહાર લેતા ગયા, એક સમય એવો આવ્યો કે આઠે આઠ વાંદરા નવા હતા, આઠમાંથી એક પણ વાંદરાને ઉપરથી પડતા ઠંડા પાણીનો કે એવો કોઈ અનુભવ ન હતો તેમ છતાં તેમનું વર્તન અગાઉના વાંદરા જેવું જ હતું, જ્યારે જ્યારે કોઈ વાંદરો પ્રયત્નપૂર્વક ઉપર જાય ત્યારે ત્યારે તે બધા વાંદરા મળીને તેને નીચે લઈ આવે.

એક ઘડ, એક પેર્ટન અને એક ચોક્કસ વર્તન. સમાજમાં રહીને આપણે જૂથનું અનુકરણ કરીએ છીએ, ત્યારે પણ કંઇક આવું જ થાય છે ને ! જૂના રિવાજો અને માન્યતાઓને આપણે આજે પણ એવી રીતે અનુસરીએ છીએ, આપણને એની પાછળનું કારણ નથી ખબર, આપણને એનું સાચું તારણ નથી ખબર તેમ છતાં આપણે એને માનીએ છીએ. જે તે સમયે એ વિચારો સાચા અને યોગ્ય હશે પણ આજની સ્થિતિમાં જો એ વાત બંધબેસતી જ ન હોય તેમ છતાં એને અનુસરવાની!

લગ્ન પ્રસંગોમાં ચાલતા અસંખ્ય રિવાજો હોય કે સામાજિકતાના નામે ચાલતા કેટલાય વ્યવહારો હોય, કોઈ ફિલ્મનો અકારણ થતો વિરોધ હોય કે પછી કોઈ દેશ કે ધર્મ માટે થતી અકારણ નફરત હોય, કોઈ એક જાતિ ( Gendar) માટે નક્કી કરેલા નિયમો હોય કે પ્રથાઓના નામે ચાલતી કુપ્રથાઓ હોય. શું કામ આપણે પ્રત્યક્ષ અનુભવ વગર માત્રને માત્ર જૂથની સરખામણી કરવામાં આપણી સ્થિતિ અને મનોસ્થિતિ ભૂલી જઈએ છીએ ? શું કામ આપણે દેખાદેખી કરવા આપણી ચાદરને આપણી ચામડી ઉતેડીને સાંધા માર્યા કરીએ છીએ ? શું કામ આપણે એક ઉગ્ર અને ભયાનક ઘટનાનો ભાગ અને ભોગ બની જઈએ છીએ ?

આ બધા પ્રશ્નો તમને થયા છે ? આપણી ક્રિયા પ્રક્રિયા માટે કેટલાક મુદ્દાઓ

1. Rethink before you react
સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પહેલા કે કોઈ વાતને સમર્થન આપતા પહેલા એક વાર ફરી વિચાર કરી લેવો અને એને કોઈ પણ જાતના બાયસ વગર ચકાસી લેવું હિતાવહ રહેશે.

2. Realize before you act
આજના ટ્રેન્ડને ફોલો કરવા અને કોઈ ચોક્કસ પદ્ધતિનું આંધળું અનુકરણ કરતા પહેલા મનની અને પરિવારની સ્થિતિ પર નજર કરી લેવી વધુ યોગ્ય છે.

3. Feel before you fight
સમાજમાં ચાલતા દગાઓ અને કેટલીક વાતોમાં જ્યારે આપણે ધડામ લઈને કૂદી પડીએ છીએ ત્યારે પોતાને એ સ્થિતિમાં કલ્પી જોવી ખૂબ આવશ્યક છે.

4. Ask before you claim
દોષના ટોપલાને બીજા પર ચઢાવી દેવો બહુ સરળ અને સહજ છે પણ આપણે ખાલી આપણા પક્ષ અને આપણા મનને જ સાંભળીએ છીએ એક વાર સામેવાળા પક્ષને પણ સાંભળી લેવો જોઇએ.

5. Know your worth
તમારી અંદર કેટલી ક્ષમતા રહેલી છે તે તમે તમારી જાતે ચકાસો, પરખો અને તેમાં પાવરધા થાઓ, પછી ભલે ગમે તેટલા વાંદરાઓ તમારા પગ ખેંચે, પરંતુ તમારું લક્ષ્ય ફક્ત પ્રગતિને પામવાનું જ હશે.

આ અભ્યાસમાંથી મૂળ બે મુદ્દા આપણા જીવનમાં ઉતારવા જેવા ખરા :

1. નવા માહોલ અને વાતાવરણનો અનુભવ જાતે કરો, બીજાને સાંભળો પણ એનું આંધળું અનુકરણ ના કરો.
2. લોકો તમારી માટે ટેકા બનીને હંમેશા નહીં ઊભા રહે મોટાભાગે ટાટિયા જ ખેંચશે ત્યારે ગભરાવું નહીં નહીતર તમારું વ્યક્તિત્વ ટોળામાં વધારો કરવા જેટલું જ રહી જશે.

#છેલ્લો કોળિયો : આપણું જીવન પણ એક પ્રયોગ જ છે થોડી ક્ષણો સહન કરવાની છે, થોડી તકો જાતને ઉજળી કરવાની છે, થોડો સમય આવડતને તાકાત બનાવામાં આપીએ અને થોડી ધીરજ રાખીએ એટલે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરીએ.

~ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Be the best version of yourself 🤗